કામ ઈચ્છાઓનો દેવ છે. તેની કલ્પના પોપટ પર સવાર એવા દેવ તરીકે કરવામાં આવે છે જેના હાથમાં શેરડીના સાંઠાનું ધનુષ છે જેની પર પુષ્પોના તીર ચડાવેલ છે અને મધમખીઓ અને પતંગિયાઓની બનેલી પણછ ખેંચાયેલી રહે છે. અપ્સરાઓ જેવી નૃત્યાંગનાઓ અને ગાંધર્વો જેવા સંગીતકારો તેની તહેનાતમાં રહે છે. વસંત તેની મિત્ર છે. કામદેવનાં બાણનો પ્રતિકાર ભાગ્યે જ કોઈ કરી શકે છે કેમકે તે આપણી ઈન્દ્રિયોને પ્રદીપ્ત કરે છે અને આપણા ઉત્કટ આવેશોને તે પ્રજ્વલિત કરે છે. સંપત્તિની દેવી લક્ષ્મી સાથે તેને સંબંધ છે. કામ સંપત્તિ, સત્તા ને મોજમજા માટે ભુખ જગાડે છે, સંપત્તિ, સત્તા અને મોજમજા જેમ મળે છે તેમ તેની ભુખ પણ વધતી રહે છે. તે બહુ જોખમકારક બળ છે કેમ કે તેને તેના પ્રભાવનો પુરેપુરો અંદાજ છે. પુરાણોમાં તે ઈન્દ્ર વતી ઋષિમુનિઓનાં તપ ભ્રષ્ટ કરે છે. બૌદ્ધ ગ્રંથોમાં જોકે કામને માર નામક દૈત્ય તરીકે રજૂ કરાયો છે, જેના પરાજયથી સિદ્ધાર્થનું રૂપાંતરણ કેવળજ્ઞાની બુદ્ધમાં થાય છે. બૌદ્ધ પંથમાં ત્યાગ અને બર્હ્મચર્યને જ મહત્ત્વ અપાતું હોય તેવા મઠવાસી જીવનને મહત્ત્વ અપાયું છે તે વાતે જરા પણ નવાઈ ન લાગે.
હિંદુ શાસ્ત્રોમાં કામને અખંડ બ્રહ્મચારી સન્યાસી શિવ
ત્રિનેત્રની જ્વાળાથી ભસ્મ કરી નાખે છે. પરંતુ જ્યારે દેવી શિવને તેમની સાથે લગ્ન
કરીને સન્યાસીમાંથી ગૃહસ્થ થઈને બરફીલા કૈલાસથી ઉતરીને ચહલપહલથી ધબકતાં એવાં
કાશીમાં વસવા મજબુર કરે છે ત્યારે કામદેવને પણ પુનઃજીવીત કરાવે છે. એ દેવીને
કામાક્ષી પણ કહેવામાં આવે છે,
જેની આંખોએ કામને પુનઃજીવીત કર્યો. પુનઃજીવીત કામને અશરીરી, અનંગ, કહેવાય છે અને
તેનો સંબંધ માનવ ઈચ્છાઓ જોડે રહેલો મનાય છે.
ઈચ્છાઓ હોવી એ સારૂં કે ખરાબ? મુડીવાદ તો નકરો મહ્ત્ત્વાકાંક્ષાઓ સાથે જ સંબંધ ધરાવે છે.
કોર્પોરેટ વિશ્વમાં મહત્વાકાંક્ષાનું બીજું નામ અપેક્ષા છે. મહત્વાકાંક્ષા ન હોય
તો જીવનનું કોઈ જ પ્રયોજન જ નથી રહેતું,
એવું કમસે કમ મૅનેજમૅન્ટનાં સાંપ્રત જ્ઞાનનું કહેવું છે. કેટલાંક તો વળી એમ પણ
કહે છે કે થોડો લોભ પણ હોવો જોઇએ કેમ કે લોભ બજારો સર્જે છે, જેમાંથી માત્ર
ગ્રાહકો માટેની ચીજવસ્તુઓ કે સેવાઓ માટેની જ નહીં પરંતુ નોકરીધંધાની પણ તકો વિકસે છે.
ભારત જેવા વિકસતા દેશોમાં નોકરીધંધાઓની જરૂર છે, માટે તેને બજારોની,
વ્યાપારઉદ્યોગોની,
ઉદ્યોગ સાહસિકોની જરૂર છે, જેના માટે અપેક્ષાઓનું હોવું આવશ્યક બની
રહે છે. પરંતુ કામ જોખમકારક છે કારણકે તે લોકોને પોતાની અપેક્ષાઓ પાછળ ઘેલાં કરી
મુકી શકે છે. માટે જ કામ (આનંદપ્રમોદ), અર્થ (ધન-સત્તા)ને ધર્મ (અનુશાસન) અને
મોક્ષ(આધ્યાત્મિકતા)થી અંકુશમાં રાખવાનો સિધ્ધાંત વિકસ્યો છે. જોકે આ બન્ને
પલડાંઓમાં યથોચિત સંતુલન જાળવવું કપરૂં કામ છે.
એક સમયે બૌદ્ધ મઠ જીવન શૈલીનો વિરોધ કરનાર હિંદુ ધર્મે કળા
અને વાણિજ્યનો ઓચ્છવ કરતાં મંદિરો બાંધ્યાં. પણ કાળક્રમે એ જ હિંદુ ધર્મ પર કડક
બ્રહ્મચર્યમાં માનતા મહંતોનું આધિપત્ય થવા લાગ્યું. આ સાધુ મહંતો સંન્યાસીને
ગૃહસ્થથી, બ્રહ્મચારીઓને
પરિણીત પુરુષોથી અને એક સામાન્ય નિયમ તરીકે પુરુષને સ્ત્રી કરતાં ચડીયાતા ગણતા. આમ, હિદુ મૂર્તિઓ
ભલે સોનાં અને રેશમથી શણગારાઈ હોય કે તેમનાં સહચર જીવનસાથીની સાથે જ કંડારાયેલ હોય, પણ મોટા ભાગનાં
લોકો માટે આજે પવિત્ર વ્યક્તિ એ જ છે જેની પાસે ઐહિક ધનદૌલત ન હોય. ધીમે ધીમે
ગરીબીને સજ્જનતા સાથે સરખાવા લગાવાઈ અને ધનદૌલતને ખરાબ ગણાવા લગાવાઈ. પરિણામે જે
ધંધાદારી દૌલતની ઝંખના કરે તેને શંકાની નજરે જોવાનું વલણ વધ્યું. ભારતમાં આ ચલણ
ઔદાર્યકરણ પહેલાના સમાજવાદી સમાજ માનસમાં તો બહુ રૂઢ બની ગયેલી જણાતું હતું. આજે
પણ હજુ એ માન્યતા સાવ ધસાઈ નથી ગઈ. સંપત્તિ રળવા માગતા વેપારીઓ કે ઉદ્યોગકારો જે
સ્વપ્નાં સેવે તે સફળ ન થાય એવું સામાન્ય વર્ગ માને એ સ્વાભાવિક મનાવા લાગ્યું. એ
લોકોનાં સાહસોની પહેલને એક પરપોટો ગણીને તે જલદી ફૂટે તેવી જ મનોવૃત્તિ સામાન્ય લોકોમાં ઘર કરી ગયેલી
અનુભવાય છે.
વિશ્વ માટેનો સંસ્કૃત શબ્દ, બ્રહ્માંડ,
તત્વતઃ પરપોટાની સાથે સંકળાતો ગણી શકાય. તે બે શબ્દો -બ્રહ્મા (સર્જક) અને અંડ
(ઈંડું)-નો સંયુક્ત શબ્દ છે. બ્રહ્મા અંડની રચના કરે છે અને પછી તેમાં જ ફસાઈ જાય
છે. જ્યારે તે એ અંડને ભેદીને બહાર નીકળે છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે તેમનું
અંડ તો એક વધારે વિશાળ અંડનો જ હિસ્સો હતું. ઈંડાંએ, કે પરપોટાએ,
તો ફૂટવું જ રહ્યું અને તેમ કરીને નવા ઈંડાં કે પરપોટાનું સર્જન કરવું અને
સમજવું કે તે પાછું એક વધારે મોટાં ઈંડાં કે પરપટાનો જ એક ભાગ છે. બ્રહ્માની સર્જન
શક્તિ કામ સાથે ગાઢપણે સંકળાયેલી ગણી શકાય. બ્રહ્મા થકી બ્રહ્માંડની રચના કરી
તેમનાં સર્જનનો અર્થ ખોળવામાં કામ કારણભૂત બને છે. જોકે તેમ કરવામાં તે બ્રહ્માને
ક્ષણિક આનંદ પણ અનુભવાવે છે. એમ આશા કરીએ કે અંતે બ્રહ્માને તેનાં સર્જનોનું
અસ્થાયીપણું (અનિત્ય) સમજાશે અને ખયાલ
આવશે એ તો માત્ર મોહક આભાસ (માયા) જ છે.
પરંતુ પરપોટો એટલો બધો અર્થવિહીન પણ નથી. બ્રહ્માંડનું એક
મૂલ્ય છે. એટલે જે દેવી કામને પુનઃજીવિત જોવા માગે છે. એટલે જ વિષ્ણુ વિશ્વને
જીવંત રાખે છે અને ખુદને લક્ષ્મી માટે આકર્ષક રાખે છે. કેમકે અપેક્ષા જ વિશ્વને
ધબકતું રાખે છે. પહેલાં ડૉટ-કૉમ,
પછી ઈ_રીટેઇલીંગ, પછી સોશ્યલ મિડીયા
વગેરે નીચેથી સપાટી તરફ ફુલતા પરપોટાઓ છે. નવા નવા વિચારો, પાકો, ઋતુઓ, ભરતીઓટની જેમ
આવે છે અને જાય છે. બજારો બનશે અને ખતમ
થશે. ભૌતિક વિશ્વ તો આવું જ છે.
બુદ્ધ જેવાં કેટલાંક પરપોટાથી અલગ બની રહેશે, પણ બધાં તેમ કરી
શકે તેમ નથી. આધ્યાત્મિક વાસ્તવિકતાને ચડીયાતી વાસ્તવિકતા તરીકે જોવી એ આજનું માર્કેટીંગ છે. પરંપરાગત રીતે, હિંદુ ધર્મમાં એ
પૂરક વાસ્તવિકતા હતી,
જે બધાં માટે નહીં પણ કેટલાંક માટે જ
હતી. એટલે જ શિવને હંમેશાં,
ભૌતિક, લૌકિક
વાસ્તવિકતાનાં સ્વરૂપ,
દેવી સાથેજ ભજવામાં આવે છે. કામ કે અર્થ સિવાયનું વિશ્વ એ કોઈ વિશ્વ જ નથી.
ધર્મ સ્થિરતા અને સંપોષિતા સર્જે છે. મોક્ષ તેને એક સંદર્ભમાં મુકે છે. ગીતામાં
કહ્યું છે તેમ આ બધાં ઊઠતાં અને સમાઈ જતાં મોજાંઓ જેવું છે. દૈવી થવું એટલે તેની
સાથે કોઇ જ રાગ રાખ્યા વગર તેની ક્ષણભંગુરતાનો ઓચ્છવ મનાવવો , જ્યારે દૈત્ય
થવું એટલે આપણી જ રચનાને માનવી અને મોજાં પર અંકુશ રાખવો.
ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૬ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Desire is not bad નો અનુવાદ : પ્રયોજિત
પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો