બુધવાર, 19 મે, 2021

મર્રાકેશ (૧૯૩૯) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

ફ્રેંચમાં મર્રાકેચ ઉચ્ચારથી બોલાતું, કે અંગ્રેજીમાં મર્રાકેશ કહેવાતું શહેર મધ્ય મોરોક્કોનું મુખ્ય શહેર છે અને પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. મદીના તરીકે ઓળખાતા શહેરના મધ્ય ભાગને યુનેસ્કોએ ૧૯૮૫માં વિશ્વ સાંસ્કૃતિક સ્થળ જાહેર કરેલ છે.

વાસ્તવિક શહેરને લગતી વાતોને આવરી લેતું એક સંકલન Marrakesh: through writers' eyes (સંપાદક - Barnaby Rogerson । ISBN: 978-0907871-99-6) પણ પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં શહેરની સાથે સંકળાયેલાં ગૂઢ રહસ્યોની ખોજ, શહેરથી મોહિત થયેલ ચાલીસ લેખકોનાં સંશોધનો, તરંગતુક્કાઓ અને વિદ્યાભ્યાસો વડે કરાઈ છે જે વાચકોને શહેરની મુગ્ધતાઓને સમૃદ્ધ કરતી વાર્તાઓ વડે તર કરે છે.

 

જોકે જ્યોર્જ ઑર્વેલ કોઈ પવાસન સ્થળની મુલાકાત વિશે ન લખે તે તો સમજી જ શકાય. અહીં તેઓ એક શહેર અને તેમાં ધબકતાં જીવનના સામાજ્યવાદની ચુડમાં જકડાઈ રહેલ આત્માની વાત આ શબ્દોમાં કહે છે - 'જે શહેરનાં બે લાખ લોકોમાંથી કમસે કમ વીસ હજાર લોકો પાસે તો પોતે પહેરેલ ચીંથરાં સિવાય બીજું કંઈ જ છે નહી, જ્યાં લોકો જેટલી સહેલાઈથી જીવે છે એટલાં જ સહેલાઈથી મરે પણ છે, એ શહેરમાં દાખલ થયા પછી તમે માનવ વસ્તીની વચ્ચે છો તેમ માનવું અતિમુશ્કેલ બની રહે છે.'

+                      +                      +                      +



મડદાંને લઈ જતી નનામી પસાર થઈ એટલે રેસ્તરાંનું ટેબલ છોડી માખીઓનાં ટોળાંનું એક વાદળું તેની પાછળ દોડ્યું, પરંતુ પછી થોડી મિનિટોમાં પાછું આવી ગયું.

કોઈ સ્ત્રીઓ સિવાયનું, માત્ર પુરુષો અને છોકરાઓનું ડાઘુઓને એક ટોળું બજાર વચ્ચેથી દાડમોના ઢગલાઓ અને ટેક્ષીઓ અને ઊંટો વચ્ચેથી માર્ગ કાઢી રહ્યું. તેઓ સમયાંતરે પોક પાડી રહ્યા હતા. અહીંની માખીઓને મજા એ વાતની પડે છે કે મડદાંઓને અહીં શબપેટીમા નથી લઈ જતા, પણ એક ચિંથરું ઢાંકીને  લાકડાની નનામી પર ચાર ઓળખીતા ડાઘુઓની કાંધે રાખીને લઈ જાય છે. કબ્રસ્તાન પહોંચી, એકાદ બે ફૂટ ઉંડો ખાડો કરીને તેમાં એ મડદાંને ઠલવી દે અને પછી તેના પર તુટેલી ઈંટો જેવી  ઢેખાળાવાળી સુકી માટી ફેરવી દે. ન કબરનો પથ્થર, ન કોઈ નામ, ન કોઈ ઓળખની નિશાની. કબ્રસ્તાન પણ, ભાંગ્યાંતુટ્યાં ઘરો જેવી  ખરાબાની એક ઊંચી ટેકરી જ હતી. એકાદ બે મહિના પછી પોતાનાં સગાંને ક્યાં દાટ્યું હતું તે પણ કોઈ ચોક્કસપણે કહી ન શકે.

જે શહેરનાં બે લાખ લોકોમાંથી કમસે કમ વીસ હજાર લોકો પાસે તો પોતે પહેરેલ ચીંથરાં  સિવાય બીજું કંઈ જ છે નહી, જ્યાં લોકો જેટલી સહેલાઈથી જીવે છે એટલાં જ સહેલાઈથી મરે પણ છે, એ શહેરમાં દાખલ થયા પછી તમે માનવ વસ્તીની વચ્ચે છો તેમ માનવું અતિમુશ્કેલ બની રહે છે. બધાં જ સાંસ્થાનિક સામ્રાજ્યો આ હકીકત પર જ રચાયાં છે. લોકોના ચહેરા ઘઉંવર્ણા હોય અને પાછા બહુ મોટી સંખ્યામાં હોય !એ લોકોનાં હાડમાંસ આપણાં જેવાં જ હશે? એ લોકોને કોઈ નામ હશે? કે પછી એ લોકો માત્ર વણવર્ગીકૃત ઘઉંવર્ણો એવો વર્ગ છે જેમની મધમાખીઓ કે પરવાળાનાં જંતુઓથી વધારે આઅગવી, વ્યક્તિગત ઓળખ નથી ? જમીનમાંથી તેઓ પેદા થાય છે, થોડાં વર્ષો પરસેવો પાડ્યા છતાં ભુખમરામાં કાઢે અને પછી પાછાં કબ્રસ્તાનના માટીના અનામી ઢગલામાં સમાઈ જાય. તેઓ જતાં રહ્યાં છે તેની કોઈ નોંધ પણ ન લે. કબરો પણ પાછી માટી બની જાય. કોઈકવાર ચાલવા નીકળ્યાં હો અને અણીયાળો ભાલો અડી જાય કે પગ નીચે કંઈક અથડાય પછી અમુક ચોક્કસ અંતરે આવતા એવા ઢગલાઓને કારણે તમને ખયાલ આવે કે તમે હાડપિંજરો પર ચાલી રહ્યાં છો.

હું જાહેર બગીચામાં હરણને કંઈક ખવડાવતો હતો.

હરણો જ માત્ર એવાં પ્રાણી છે જે જીવતાં હોય તો પણ ખાવાં ભાવે. તેમનો પાછળનો ભાગ જોતાં ફુદીનાની ચટણીની યાદ અચુક આવે. જે હરણને હું ખવડાવતો હતો તેને મારા મનમાં ચાલતા વિચાર ખબર પડી ગયા હશે, કેમકે તેણે બ્રેડનો ટુકડો પોતાના મોંમાં લઈને પછી માથું નમાવી મને ઢીંક મારવા કોશીશ કરી. પછી બીજો ટુકડો મારા હાથમાંથી લીધો અને ફરી એક વાર ઢીંક મારવા કોશીશ કરી. તેને કદાચ એવું લાગ્યું હશે કે એમ કરવાથી હું ભલે ત્યાંથી જતો રહું પણ બ્રેડ તો હવામાં તરતું જ રહેશે.

બાજુની પગદંડી પર એક આરબ કામ કરી રહ્યો હતો. તેણે પોતાનો પાવડો નીચે મુક્યો અને અમારી બાજુ આવ્યો.  તેની શાંત આશ્ચર્ય સાથેની નજર હરણ, બ્રેડ ને હરણ વચ્ચે ફરી રહી હતી, જેમકે એણે આવું દૃશ્ય ક્યારે પણ જોયું  જ ન હોય. પછી તેણે ધીરેથી ફ્રેંચમાં કહ્યું:

થોડીક બ્રેડ તો હું પણ ખાઈશ.'

મેં બ્રેડનો એક ટુકડો કાપ્યો અને તેને આપ્યો. તેણે એ ટુકડો આભારપૂર્વક પોતાનાં ચીંથરામાં કોઈ છૂપી જગ્યાએ ઠુંસી દીધો. એ મ્યુનિસિપાલિટીનો કર્મચારી હતો.

+                      +                      +                      +

જ્યોર્જ ઑર્વેલ તેમની આગવી શૈલીમાં મર્કારેશનું તેમની દૃષ્ટિનું વાતાવરણ ખડું કરી રહ્યા છે.

હવે પછીના અંશમાં તેઓ ત્યાંના સમાજનું ચિત્રણ આપણી સમક્ષ રજૂ કરશે.


                                    +                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Marrakech નો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો