બુધવાર, 9 જૂન, 2021

તાંત્રિક ભુંડણી દેવી - દેવદત્ત પટ્ટનાઈક

આપણે ભલી ભાંતિ જાણીએ છીએ કે વિષ્ણુએ જંગલી સુવરનો અવતાર લઈ, સમુદ્રનાં પાણીમાં ડુબકી મારી દૈત્યનો નાશ કરીને, પૃથ્વી-દેવીને પોતાનાં લાંબા નાક પર ચડાવીને, ફરીથી પાણીની બહાર લાવીને મુકી દીધી હતી. તેમનો આ અવતાર વરાહ અવતાર તરીકે જાણીતો છે. વિષ્ણુનાં ઘણાં મંદિરોમાં આ વરાહની મૂર્તિઓ કે ચિત્રો જોવા મળે છે. જોકે વરાહને જ સમર્પિત મંદિરો, આંધ્ર પદેશ સિવાય, બહુ જૂજ છે. પરંતુ, માદા ડુક્કર, ભુંડણી, દેવી - વારાહી - વિશે કોઈએ ખાસ સાંભળ્યું હોય તેવી શક્યતાઓ બહુ ઓછી છે.

વારાહી દેવીનું વર્ણન ભુડણી જેવું મોં, લોલક જેવાં વક્ષસ્થળ, ગાગર જેવું પેટ અને  ત્રિશૂળ, ફાંસો, ગદા, ચક્ર જેવાં જુદાં જુદાં અસ્ત્રશસ્ત્રથી સજ્જ, અને ક્યારેક હાથમાં બાળકને પણ પકડેલ, બે થી છ હાથ ધરાવતાં દેવી તરીકે કરાય છે. તેમનું વાહન ભેંસ છે. વારાહીની ભક્તિ મોટા ભાગે મોડી રાતે કરવામાં આવે છે. તેમને ભોગમાં માછલી કે પશુનું લોહી ચડાવાય છે. તેમનો કોઈ પુરુષ સાથી નથી. તેથી તેઓ તાંત્રિકોનાં દેવી તરીકે ઓળખાય છે. તેઓ પ્રજનનક્ષમતાનાં દેવી ગણાય છે (એટલે હાથમાં બાળક જોવા મળે છે) તેમ જ મૃત્યુનાં પણ દેવી મનાય છે (એટલે તેમનું વાહન ભેંસ છે). તેમનાં મંદિરો બહુ જ જૂજ છે. જે થોડાંક જાણીતાં છે તે ઉડીશા, વારાણસી, ચેન્નાઈ અને નેપાળમાં છે. ઊડીશાનાં ચૌરાસીમાં આવેલાં તેમનાં મંદિરમાં ચડાવા (નૈવેદ્ય) તાંત્રિક શાક્ત દેવીઓ સાથે ગાઢપણે સંકળાયેલાં વૈશ્નવ તીર્થ સ્થળ પુરીનાં જગન્નાથ મંદિરમાંથી આવે છે.

'સપ્ત-માતૃકા' સમુહનાં, માહેશ્વરી, બ્રાહ્મી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી અને ઐંદ્રી, એમ સાત દેવીઓમાંના એક દેવી તરીકે વારાહી વધારે જાણીતાં છે. આ સ્વરૂપમાં આ દેવીઓ તેમના પુરુષ સાથી દેવની એવી શક્તિઓ મનાય છે, જે રજ્તબીજ દૈત્ય સામેનાં મા દુર્ગાનં યુદ્ધમાં તેમનો સાથ આપે છે. વારાહી સહિતનાં આ દેવીઓ દૈત્યોનાં લોહી પીએ છે, જેથી તે દૈત્યો પુનઃજીવીત ન થઈ શકે. સામાન્યપણે સાત (અમુક ગ્રંથોમાં આઠ) માતૃકાઓમાં વારાહી પાંચમા સ્થાને છે. સપ્ત-માતૃકાઓને બારાખડીના સ્વર ને વ્યંજનોની સાત હરોળ સાથે પણ સાંકળવામાં આવે છે. આમ વારાહી પાંચમા સ્થાને હોવાથી પ,,,,મની હરોળ સાથે સંકળાય છે.

આડવાત - ઈલા આરબ મહેતાએ મહાભારતની આ સાત માતાઓનાં જીવન પર આધારિત એક સંવેદનાત્મક નવલકથા, 'સપ્ત માતૃકા' લખેલ છે.

ભુંડ આમતો બુદ્ધિશાળી, પ્રજનનક્ષમ અને સ્વતત્ર જીવન શૈલી માટે જાણીતાં છે. ભારતમાં મુસ્લિમો કે ઊંચી વર્ણના માંસાહારી હિંદુઓ પણ ડુક્કરનું માંસ નથી ખાતાં. પરંપરાગત રીતે ભૂંડને આપણે ગંદકી સાથે સાંકળીએ છીએ અને તેથી તેમને 'અસ્પૃશ્ય' પણ ગણીએ છીએ. આમ તેમનો સંબંધ એક સમયે ગામની બહાર જેમને વસવું પડતું એવી 'અસ્પૃશ્ય' કોમો સાથે પણ ગણવામાં આવે છે. આ વિષયને લઈને ૨૦૧૩માં નાગરાજ મંજુળે એ એક બહુ જ જાણીતી મરાઠી ફિલ્મ 'ફંડ્રી' બનાવી છે જેમાં ગામ બહાર વસતો નીચલી કોમનો એક કિશોર ગામની અંદર વસતી એક ઊંચી કોમની છોકરી સાથે પ્રેમમાં પડે છે.[1] આમ વારાહીની ભક્તિ કરવામાં સત્તાની અવજ્ઞા અને તેને ઉથલાવવી પાડવાનો અંશ પણ જોવા મળે છે.

વૈશ્નવ ગ્રંથોમાં વારાહીને વારાહનાં શક્તિ માનાવામાં આવ્યાં છે તો શાક્ત ગ્રંથોમાં તેમને વારાહનાં મા માનવામાં આવ્યાં છે. વારાહનો સંબંધ તો હંમેશાં લજ્જાળુ પૃથ્વી-દેવી સાથે ગણાયો છે, જ્યારે વારાહી તો તો ઉગ્રપણે સ્વતંત્ર સ્વભાવનાં મનાય છે. વારાહની પુજા દુધ અને ફળોથી કરવામાં આવે છે જ્યારે વારાહીની પુજા લોહી, માંસ અને ક્યારેક તો મદિરા સાથે પણ કરવામાં આવે છે. વારાહ વિષ્ણુના અવતારોમાંના એક છે અને તેમની પુજા દિવસ દરમ્યાન કરવામાં આવે છે જ્યારે વારાહી અને અન્ય માતૃકાઓની પુજા મોટા ભાગે રાત્રિના સમયે જ કરવામાં આવે છે. આમ વારાહ જેવું બળ અને વારાહી જેવું પ્રતિ-બળ એવું ખળભળાટભર્યું વમળ પેદા કરે છે જેના થકી, અનેક ઐતિહાસિક પડકારો છતાં પણ,  હિંદુ ધર્મ ટકી શક્યો છે અને વિકસી શક્યો છે.

આપણે એવા સમયમાં રહીએ છીએ જેમાં હિંદુ ધર્મને બ્રહ્મચર્યનાં ગુણગાન ગાનાર, માંસાહાર અને મદ્યપાનને  ખરાબ ગણનાર, નારી સ્વાતંત્ર્યનો ડર રાખનાર  ધાર્મિક રૂઢિચુસ્તતાવાદી માનસવાળો ગણવાનું ચલણ વધતું જાય છે. આ સમયે વારાહી જેવાં દેવીને યાદ કરવાં જોઇએ, જે રૂઢિચુસ્ત વેદાંતની સામે તાંત્રિક પડકાર સ્વરૂપે ઊભર્યાં અને સુનિશ્ચિત કર્યું કે માનસ જાતનો કામવાસના, હિંસા, જીવન કે મૃત્યુ વિશેનો દૃષ્ટિકોણ માત્ર ભાવનાપ્રધાન હોવાને બદલે વધારે વાસ્તવિક પણ હોય છે.

  • મિડ ડે માં ૭ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, The tantrik sow-Goddess નો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા



[1] 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો