બુધવાર, 29 સપ્ટેમ્બર, 2021

જ્ઞાનની ભૂગોળ - દેવદત્ત પટ્ટનાઈક

જ્યારે કોઈ અમેરિકન કે યુરોપીઅન યોગ કે વેદાન્ત કે તંત્રનો નિષ્ણાત છે તેમ દાવો કરે ત્યારે ભારતીયો, તેમાં પણ બિનનિવાસી ભારતીયો તો ખાસ, અકળાઇ ઉઠે છે. તે જ રીતે અમેરિકનો કે યુરોપીઅનો કોઇ ભારતીયને, કે ચીની કે નાઇજીરિયનને, મૅનેજમૅન્ટ ગુરુ તરીકે સ્વીકારશે નહીં, સિવાય કે તે અમેરિકા્ કે યુરોપમાં જ નિવાસ કરી રહેલ હોય અને ત્યાંની કોઈ યુનિવર્સિટી સાથે સક્રિયપણે સંકળાયેલ હોય. ભારતમાં આપણે સિંગાપોર કે જાપાનના પ્રોફેસરને ચલાવી લઈશું, પણ મુળ 'સ્રોત' તો ઉત્તર અમેરિકા કે યુરોપના જ પ્રોફેસરોને માનીશું. આપણે ભલે વૈજ્ઞાનિક કે તાર્કિક બચાવ કે દલીલ ખોળીએ, પરંતુ પાશ્ચાત્ય પુરાણોથી ભર્યું પડ્યું હોવા છતાં પણ  વ્યાપાર ખેડવાનું વૈશ્વિક રાજદ્વાર તો આપણા માટે એમબીએ જ છે.

અહી એક ધરાર માર્મિક નહીં એવી ધારણા રહેલી છે કે વ્યાપાર-ઉદ્યોગ ખેડવાનો સાચો માર્ગ આધુનિક મૅનેજેમૅન્ટ વ્યવસ્થા છે, અને ધર્મનિરપેક્ષ અને બુદ્ધિવાદી મધ્યમમાર્ગી હોવું એ વિશ્વવ્યાપક નહી, પણ પાશ્ચાત્ય વિચાર છે. તેથી, વિશ્વના અન્ય કોઈ ભાગમાંથી જે કોઈ વ્યાપર મૉડેલ ઉભરે તેને સાંસ્કૃતિક સ્પર્શથી રંગાયેલું, બીનતર્કસંગત કે કાલગ્રસ્ત - આયાતી છે માટે વ્યાવહારિક રીતે બહુ ઉપયોગી નથી - એમ માની લેવામાં આવે છે. આમ, પરંપરાગત કૌટુંબિક-માલિકીનાં મૉડેલથી ચાલતાં, જ્યાં કુટુંબ પ્રત્યેની વફાદારી વધારે મહત્ત્વની ગણવામાં આવે છે તેવાં, ભારતીય વ્યાપારગૃહોની કાર્યપધ્ધતિ 'ખોટી રીત' માનવામાં આવે છે અને પાશ્ચાત્ય સિદ્ધાંતો દ્વારા કાર્ય કરી રહેલાં થતાં, પ્રોફેશનલો દ્વારા સંચાલિત, વ્યાપારગૃહોને 'સાચી રીત' ગણવામાં આવે છે. આવા નિયમો બનાવ્યા કોણે?

યુરોપ સ્થિત એક બહુરાષ્ટ્રીય કંપનીમાં જે વ્યક્તવ્યોમાં 'શિવ','વિષ્ણુ' કે 'દેવી' જેવા કંપનીની દૃષ્ટિએ 'દેવો' સાથે સંબંધ ધરાવતા શબ્દો પ્રયોજાયા હોય તો તે વ્યક્તવ્યો માટે છૂટ ન અપાતી - પછી ભલેને તે વ્યક્તવ્યો ભારતીય ગ્રાહકો કે કર્મચારીઓને માટે જ તૈયાર કરાયાં હોય, કે ખુદ વક્તા જાણતા હોય કે હિંદુ પુરાણોની કથાઓને કયા સંદર્ભમાં લેવી જોઇએ, અને તે કથાઓ અબ્રાહમી પુરાણો કરતાં કેટલી જુદી રીતે વાતને રજુ કરે છે, કે જેથી એ શબ્દો જે સંદર્ભમાં પયોજાયા હોય તેમાં કાંઈ પણ ધાર્મિક ભાવના છે તેમ ન જરા પણ ન જણાય. કંપની  માટે તો ધર્મ સાથે દુર દુરનું પણ સગપણ હોય તેવા શબ્દોનો પ્રયોગ પોતાનાં ધર્મનિરપેક્ષપણાંની ધવલ શાખમાં  કાળો ડાઘ જ છે.  આમ જે પણ બિન-પાશ્ચાત્ય વિચારો પાશ્ચાત્ય મૅનેજમૅન્ટના ઢાંચામાં બંધ ન બેસે તેમને દૂર જ રાખવામાં આવે. અને આ પાશ્ચાત્ય ઢાંચાઓ  જ નક્કી કરે કે કઈ મૅનેજમૅન્ટ પ્રણાલિનું અનુસરણ 'સારૂં' અને કયું 'ખરાબ'.

આ બધાં માળખાં આવ્યાં ક્યાંથી એ પ્રશ્નનો જવાબ છે 'કેસ સ્ટડી'માંથી. આ તો વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ચુક્યું છે. તેમ છતાં એ પણ હકીકત જ છે કે એ બધાં અબ્રાહમી પુરાણોમાં આપણે જે ધર્મનું માળખું જોઇએ છેછીએ તેની સાથે કમાલની રીતે જ સુસંગત છે. અહીં 'ઉદ્દેશ્યો' (અબ્રાહમીની વરદાયિની ભૂમિ Promised Land),અને નિયમોનું મહત્ત્વ અને મૅનેજમૅન્ટ કે પેદાશ (તો અબ્રાહમીમાં ઈશુ)માં શ્રદ્ધા છે. ભાષા ધાર્મિક નથી, પણ સિધ્ધાંતો છે, પરંતુ તે ધ્યાન પર નથી આવતું. પ્રોટેસ્ટંટ કે છેક મોર્મોન સંપ્રદાયની પશ્ચાદભૂમિકામાંથી આવતા પીટર ડ્રકર કે સ્ટીફન કૉવી જેવા મોટા ભાગના મૅનેજમૅન્ટ ગુરુઓ આશ્ચર્યજનક રીતે ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાં ઊંડાં મૂળિયાં નથી ધરાવતા. આ બાબતે ધ્યાન દોરવામાં આવે તો એવાં નિરીક્ષણો પૂર્વગ્રહયુક્ત છે એમ કહીને નકારી કાઢવામાં આવે છે. મૅનેજમૅન્ટ અભ્યાસ કયા ગણવા તેના નિયમો અને તેનાં માળખાં કેમ વિકસે તે પણ નક્કી તો પશ્ચિમમાં જ થાય.

મૅનેજમૅન્ટે બિન-ધર્મનિરપેક્ષ હોવું જ જોઈએ, જેનો વાસ્તવમાં અર્થ એમ કરાય છે કે 'કોઈ ધાર્મિક શબ્દો'નો પ્રયોગ નહીં કરવાનો. પરિણામે ભારતને તેના સમૃદ્ધ પૌરાણિક હિસ્સાથી કાપી નાખવું અને પાશ્ચાત્ય મૅનેજમૅન્ટનું આજ્ઞાકારી અનુચર બનાવી દેવું. 'સાંપ્રદાયિક, ધાર્મિક શબ્દો'નો વ્યક્તવ્યોમાં પ્રયોગનો નિષેધ કરવો એ કિસ્સામાં નિર્ણય એક આફ્રિકી મૂળના અગ્રણી દ્વારા લેવાયો હતો, જેમણે બહુ જ સ્પષ્ટપણે તેમનાં જીવનમાં જાતિવાદની કડવી બાજુઓને અનુભવી હતી અને જે હવે બહુરાષ્ટ્રીય યુરો-અમેરિકી મૅનેજમેન્ટને જરા સરખું પણ 'સાંપ્રદાયિક' લાગે તેવું કરીને પોતાની કારકિર્દીને દાવ પર નહોતા લગાવવા માગતા. નિષ્પક્ષપણે જોઇએ તો, 'બિનસાંપ્રદાયિક' ભારતીય કંપનીઓ પણ જરા સરખી કંઈ ધાર્મિક જણાય તેવી વાત આવે તો અસુખ અનુભવે છે.  ગીતાને આધુનિક મૅનેજમૅન્ટ સાથે સાંકળતી  વ્યાખ્યાનમાળા કરવા માટે મૅનેજમૅન્ટની રજા લેવી પડે. પરંતુ દલાઈ લામાનાં વ્યક્તવ્યો તેઓ જ ગોઠવશે. તેમની દૃષ્ટિએ બૌદ્ધ ધર્મ ધાર્મિક નથી. બોલો, હવે એ નક્કી કોણે કરવાનું? દર વર્ષે ધર્મસ્થલાની મુલાકાતે આવતા રિચર્ડ ગૅરએ?

ખ્રિસ્તી કે ઇસ્લામ જેવા ધર્મોમાં ખાસ, પણ તે સિવાય પણ અબ્રાહમી ધર્મોની મૂળ ઈચ્છા 'ધર્માંતરણ' કરાવવાની રહી છે. પરંતુ એ પણ હકીકત છે કે અધિકૃત રીતે 'પરધર્મની દીક્ષા' લેવડાવનાર સૌ પ્રથમ ધર્મ બૌદ્ધ ધર્મ હતો. મૌર્ય વંશના અશોક જેવા રાજવીઓએ તેને અપનાવ્યો અને ઘનિષ્ઠ અને વ્યાપક પ્રચાર વડે તેને ભારતના કિનારાથી બહાર વિદેશોમાં પ્રસરાવ્યો. આજનાં બધાં જ વ્યાવસાયિક સાહસોને ફરજિયાતપણે, 'મેનેજમૅન્ટનું આધુનિક ચલણ'એક જ માત્ર સાચી રીત છે તેમ ઠસાવીને તેને સ્વીકારાવડાવવું કે નાણાંકિય હિસાબોને 'આધુનિક પદ્ધતિથી રાખવા'  એ પણ  આ જ પ્રકારનું ધર્માંતરણ બની રહે છે. 

આધુનિક મૅનેજમૅન્ટ સિદ્ધાંતોનો બીજો સ્રોત રોમનું લશ્કર છે. તેથી, બજારમાં ઘૂસી જવું,સ્પર્ધા કચડી નાખવી,શ્વાન તો બીજાં કુતરાનું હાડકું પણ ન છોડે જેવા અત્યંત હિંસક શબ્દોના પ્રયોગ આધુનિક મૅનેજેમૅન્ટની ભાષામાં જોવા મળશે ! રોમન લોકો પર ગ્રીક પુરાણોની અસર હતી એટલે તેઓ જીવનને હારજીતની દૃષ્ટિથી જોતા અને -ભલે થોડી સાવચેતીથી, પણ - વિજયીને મહત્ત્વ આપતા. વ્યક્તિવાદી સીઝર (મુખ્ય સંચાલક) અને સંસ્થાવાદી સૅનેટ (નિયામક મંડળ)વચ્ચે હંમેશાં તણાવ રહેવા છતાં પણ રોમ માટે વિજયો - બજારને ખુશ  કરે તેવાં ત્રિમાસિક પરિણામો- લાવી આપનારને માન આપવું પડતું. લશ્કરી સિદ્ધાંતોને અનુસરવાને કારણે બજારને યુદ્ધભૂમિ માનવામાં આવે છે. જે સંસ્થાઓ અહિંસાની નિતીને અનુસરે છે,જ્યાં શાકાહારી ખોરાક જ પીરસવાનો આગ્રહ રાખવામાં આવે  છે, ત્યાં પણ પરિયોજનાઓને લડાઇઓ માનવાને કારણ તેના અમલની પર નજર રાખવા અને તરતોતરત દરેક ઘટનાનો પ્રતિભાવ આપવા માટે 'યુદ્ધ-કક્ષ' પણ રચવામાં આવે છે. સુન ત્ઝુ અને તેમનું પુસ્તક 'આર્ટ ઑફ વૉર' લગભગ દરેક સંચાલકે આદર્શ માન્યું હશે, કેમકે તેમને પણ લડાઈમાં જીત તો મેળવવી જ છે. અને તેમ છતાં આપણને નવાઈ લાગે છે કે મોટા ભાગનાં કોર્પોરેશનોને સામાન્ય દુનિયા ધિક્કારની નજરે કેમ જોતી હશે !  સંસાધનો પરની તેમની વૈશ્વિક પહોંચને કારણે, બહુરાષ્ટ્રીય કે મહાકાય કોર્પોરેશનો આજના યુગના તલવારની ધારે નિયમો બનાવતા અને પળાવતા યુદ્ધખોર સેનાપતિઓ બની ગયાં છે.   

દુનિયા હવે બદલી રહી છે. સંસ્કૃતિનું મહત્ત્વ વધી રહ્યું છે. સંસ્કૃતિના નિયમો યુરોપ કે અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં બેસીને  કે ભારત કે ચીનને દૂરથી જોઈને લખાય નહીં ! ભારતીય સંસ્કૃતિને અનુકૂળ મૅનજમૅન્ટ કાર્યપદ્ધતિઓ પર પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ વિચારસરણી કેમ ઠોકી બેસાડાય ? આધુનિક મૅનેજમૅન્ટે અબ્રાહમી પુરાણોના કે ગ્રીક પુરાણો કે રોમન લશ્કરના ઢાંચાને અતિક્રમવા જેટલાં આધુનિક બનવાની હવે જરૂર છે. સમાવેશી વિચારસરણી શરતો પર આધારિત ન હોઈ શકે. (સાંસ્કૃતિક) વૈવિધ્ય કોઈ ગુલશન નહીં પણ જંગલ છે.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩ જુલાઈ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, The Geography of Knowledge નો અનુવાદ : અબ્રાહમી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો