બુધવાર, 22 સપ્ટેમ્બર, 2021

હરતે ફરતે કરેલી નોંધો (૧૯૪૦) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

 Notes on the Way ના અનુવાદના અંશ [૧]થી આગળ

Notes on the Way ના અનુવાદના બીજા આંશિક લેખાંકમાં જ્યોર્જ ઑર્વેલ ઈશ્વરી શક્તિ વિશે વાતનો સંદર્ભ જોડતા જણાય છે. પણ તેમનો સંકેત તો એથી પણ ઘણા વિશાળ હેતુ માટે છે. તેમનું કહેવું છે કે  માણસ જાતની નાની નાની બાબતો પ્રત્યેની સંકુચિત આસક્તિ અને નિષ્ઠાને જો તે માનવતા માટે જ ઉપયોગમાં લે માનવ જાતની મોટા ભાગની સમસ્યાયાઓનું સમાધાન  આપોઆપ જ થઈ જાય.

+                      +                      +                      +

શ્રીમાન મગૅરીજનાં પુસ્તકનો સાર, એલ્સીલીસીઆસ્ટીસ (Ecclesiastes / સભાશિક્ષક) માંથી લીધેલ આટલા જ શબ્દોમાં કહી શકાય - "ઉપદેશકનું કહેવું છે કે, મિથ્યાભિમાનોનો આડંબર, બધું જ માયા છે."  અને "ઈશ્વરનો ડર રાખો અને તેના આદેશોનું પાલન કરો: કેમકે માનવીની આ જ તો ફરજ છે." જે લોકોએ થોડાંક જ વર્ષો પહેલાં જેને હસી કાઢેલ હોત તેવા આ દૃષ્ટિકોણે છેલ્લા કેટલાક સમયમાં ખાસ્સું સ્થાન મેળવેલું છે. આપણે પૃથ્વી પર જ સ્વર્ગ વસાવવાનું દુઃસાહસ કર્યું છે એટલે આપણે દુઃસ્વપ્નોમાં સરી પડ્યાં છીએ. આપણે 'વિકાસ'માં માનીએ છીએ.  જે ઈશ્વરદત્ત છે તે જ માનવીય નેતૃત્ત્વ માટે ભરોસાપાત્ર છે, અને સીઝર સુધી પ્રસ્તુત રહ્યું છે - લગભગ આ જ એ વિચારાધારાનો સુર છે.

કમનસીબે શ્રીમાન મગૅરીજ ઈશ્વરમાં માનતા હોય તેવું કોઈ ચિહ્ન દર્શાવતા નથી. કે પછી તેઓ એમ માની જ લે છે કે આ માન્યતા માનવ મનમાંથી લોપ થતી જાય છે. એ બાબતે તે સાચા છે તે વિશે કોઈ શંકા નથી, અને જો એમ માનીએ કે અલૌકિક શક્તિ સિવાય અન્ય કોઈએ આપેલી આવી પરવાનગી ક્યારે પણ અસરકારક ન નીવડી શકે તો  જે  કંઈ હવે પછી થવાનું છે તે તો સ્પષ્ટ જ બની રહે છે. ઈશ્વરના ભય વિના કોઈ વિવેકવિચાર આવતો નથી. પણ ઈશ્વરનો કોઈને ડર પણ રહ્યો નથી; તેથી કોઈ વિવેકબુદ્ધિ પણ દેખાતી નથી. માનવ ઇતિહાસ ભૌતિક સંસ્કૃતિની ચડતી અને પડતીમાં જ મર્યાદિત રહી ગયો છે, બૅબલનું એક પછી બીજું ટાવર બનતું રહે છે, અને પડતું રહે છે. એટલે હવે આગળ જતાં શું થશે તે વિશે આપણા મનમાં શંકાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. યુદ્ધો અને હજુ વધારે યુદ્ધો, ક્રાંતિઓ અને પ્રતિક્રાંતિઓ, હિટલરો અને તેનાથી પણ  ચાર ચાસણી વધુ ચડે એવા હિટલરો - જેના વિશે વિચારતાં તેની ભાનકતાથી કમકમાં આવી જાય એવી ખીણમાં નીચે તરફ ફંગોળાતા જવું. જોકે મારૂં એમ માનવું છે કે શ્રીમાન મગૅરીજને આ શક્યતામાં મજા આવે છે.

અત્યારે જે કંઈ બની રહ્યું છે આશ્ચર્યજનક યથાર્થપણે શ્રીમાન હિલૈર બૅલૉકએ તેમનાં પુસ્તક, ધ સર્વાઈલ સ્ટેટ (The Servile State) ભાખ્યું છે.  કમનસીબે તેમની પાસે કોઈ ઉપાય નહોતો. ગુલામી અને નાની-માલિકીઓ તરફ પાછા ફરવા વચ્ચેનો કોઈ વિકલ્પ તે કલ્પી શક્યા નહી. બહુ દેખીતું છે કે એમ થઈ શકવાનું નથી અને વાસ્તવમાં તે શક્ય પણ નથી. સામુહિક સમાજને ટાળી શકવાની (નાની સરખી પણ) સંભાવના જ નથી. સવાલ માત્ર એટલો જ રહ્યો છે કે તે સ્વૈચ્છિક સહકારથી થશે કે મશીનગનની બેરલથી થશે.  જૂની શૈલીનું સ્વર્ગનું રાજ્ય (The Kingdom of Heaven) તો ચોક્કસપણે નિષ્ફળ નીવડ્યું છે, પરંતુ બીજી બાજુ, ભૌતિક રીતે તેણે ગમે તેટલું સિધ્ધ કરી બતાવ્યું હોય, તો પણ 'માર્ક્સવાદી વાસ્તવિકતા' પણ નિષ્ફળ થઈ ચુકી છે. લાગે છે કે જ્યાં બધા જ જાણે છે કે પોતે નશ્વર છે અને તેમ છતાં ભાઇચારાથી જેમ વર્તવા તૈયાર છે એવા સમાજની પરિક્લ્પના કરતાં, બહુ મજાક બની ચુકેલ ,'સ્વર્ગના રાજ્ય'ના વિચારની સામે, શ્રીમાન મગૅરીજ અને શ્રીમાન એફ એ વૉઈગ્ટે અને તેમના જેમ વિચારતા અન્યોએ આપેલ બહુ ગંભીરતાપૂર્વક ચેતવણી સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.

ભાઇચારાનો ભાવ અનુભવવા માટે બધાંને પોતાના પિતા પણ એક જ છે તેવો પણ ભાવ થવો જોઇએ. એટલે જે એક વર્ગ એવું કહે છે માનવીમાં જો એક સમુદાય - આપણી સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમ-ની ભાવના તો જ પેદા થાય જો બધાં જ (એક) ઈશ્વરમાં માનતાં હોય. તેનો જવાબ એ છે અર્ધભાનાવસ્થામાં તો  મોટા ભાગનામાં આ ભાવ પેદા થઈ ચુક્યો છે. માણસ એક વ્યક્તિ નથી, પણ એક શાશ્વત શરીરનો એક કોષ છે, અને તેનો તેને સાવ જ આછોપાતળો ખયાલ છે. તે સિવાય કોઈ પણ માણસ યુધ્ધમાં જઈને પોતાનો જીવ કેમ હોમી દે તે સમજાવી શકાય તેમ જ નથી. એ લોકોને તેમ કરવા દોરવામાં આવે છે એમ કહેવું તે તો નરી મુર્ખતા છે. જો લશ્કરોને ડરાવી ધમકાવીને, જોરજબરદસ્તીથી લડવા મોકલી શકાતાં હોત, તો તો કોઈ યુદ્ધ લડી ન શકાય.  માણસ યુધ્ધમાં રાજીખુશીથી મરવાનું પસંદ તો જ કરશે, જો એનામાં 'સન્માન, 'ફરજ', 'દેશપ્રેમ' અને એવી એવી અમૂર્ત વિચારણાઓ દ્વારા પ્રેરિત લાગણીઓના જોશના એક નશાનું આરોપણ થયું હોય.

આટલી આખી ચર્ચાનો સાર એટલો કહી શકાય કે બધાંને એટલી તો ચોક્કસ ખબર છે જ કે પોતે પોતાથી કોઈ ઘણી, ભવિષ્ય અને ભુતકાળને અડતી, મોટી શક્તિનો જ એક એવો નાનો હિસ્સો છે જેમાં પોતે પોતાની જાતને અમર સમજે છે.  'ઈંગ્લાંડ જીવિત રહે તે માટે કોણ બલિદાન આપશે?'માં બહુ મોટા આડંબરનો સુર સંભળાય છે. 'ઈંગ્લાંડ'ની જગ્યાએ ગમે તે મુકશો, તો પણ જણાશે કે આ પ્રકારનો સવાલ જ માનવ જાત જે રીતે વર્તન કરે છે તેનું ચાલક બળ છે. લોકો દેશ, જાતિ, પંથ, વર્ગ જેવા સાવ નાના ટુકડા જેવા સમુદાય માટે પોતાનો ભોગ ધરી દે છે - અને જ્યારે ગોળીઓનો સામનો થાય છે ત્યારે તેને સમજાય છે કે તો આ ક્ષણે એ વ્યક્તિ નથી. તેમની સભાનતા અને નિષ્ઠાની ભાવનાનો નાનો સરખો અંશ માનવતા તરફ વાળી શકાય તેમ છે. આ કોઈ અમૂર્ત વિચાર નથી.

+                      +                      +                      +

Notes on the Way ના આંશિક અનુવાદના ત્રીજા મણકામાં આ લેખ દ્વારા જ્યોર્જ ઑર્વેલ શું કહેવા માગે છે તેનો અંદેશો આ આંશિક અનુવાદના આ બીજા મણકાના અંત ભાગમાં તેમણે કહેલાં આ કથનથી આવી શકે ખરો -

માણસ એક વ્યક્તિ નથી, પણ એક શાશ્વત શરીરનો એક કોષ છે, અને તેનો તેને સાવ જ આછોપાતળો ખયાલ છે. તે સિવાય કોઈ પણ માણસ યુધ્ધમાં જઈને પોતાનો જીવ કેમ હોમી દે તે સમજાવી શકાય તેમ જ નથી.

પણ ખરેખર તેઓ શું કહેશે તે તો આ આશિંક અનુવાદના ત્રીજા મણકામાં જ, તારીખ ૨૦-૧૦-૨૦૨૧ના રોજ, જાણીશું..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Notes on the Way નો આંશિક અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો