બુધવાર, 25 ઑગસ્ટ, 2021

હરતે ફરતે કરેલી નોંધો (૧૯૪૦) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

 

હરતે ફરતે કરેલી નોંધો જોયોર્જ ઓર્વેલના નિબંધ Notes on the Wayનો અનુવાદ છે. દેખીતી રીતે આ નિબંધ ત્રણ અલગ આ અલગ પુસ્તકો વાંચતાં વાંચતાં જ્યોર્જ ઓર્વેલે કરેલ ટૂંકી નોંધો છે. પરંતું જેમ જેમ લેખ આગળ વધતો જાય તેમાં આપણી સમક્ષ આજના માનવ  જીવનની  કરૂણા બાબતે જ્યોર્જ ઓર્વેલની સંવેદના ઊઘડતી જાય છે.

+                      +                      +                      +


માલ્કમ મગેરીજ[1]નાં મેધાવી અને નિરાશાત્મક પુસ્તક, ધ થર્ટીઝ[2] વાંચતાં વાંચતાં એકવાર એક ભમરી પર મેં કરેલી કંઈક અંશે નિષ્ઠુર,એવી એક અળવીતરાઈ મને યાદ આવી ગઈ. મારી તાસકમાં રાખેલ મુરબ્બાને એ ચૂસી રહી હતી ત્યારે મેં તેના બે ટુકડા કરી નાખ્યા. તેની કપાઈ ચૂકેલી અન્નનળીમાંથી મુરબ્બો વહી રહ્યો હતો તે તરફ તેણે તો પોતાનું ધ્યાન આપ્યા વગર જ પોતાનું ભોજન આરોગ્યે રાખ્યું. એણે જેવો ઊડવાનો પ્રયાસ કર્યો ત્યારે જ તેને સમજાયું કે તેની સાથે ભયાનક ઘટના બની છે. આજના માણસ સાથે પણ એવું જ બને છે. એનું જે અંગ વિચ્છેદ થઈ જાય છે તે તેનો આત્મા હોય છે, પણ વીસેક વર્ષનો ગાળો નીકળી જાય ત્યાં સુધી તેને એ ધ્યાન પર જ નથી આવતું.

આત્માનો વિચ્છેદ થઈ જાય તે પણ ખૂબ જ આવશ્યક હતું. આપણે જે સ્વરૂપમાં જોયેલ છે તે સ્વરૂપમાં ધાર્મિક માન્યતાને તો ત્યજવી જ જોઈતી હતી. ઓગણીસમી સદી સુધીમાં તો તે તત્ત્વત: જૂઠાણું – તવંગરને તવંગર અને ગરીબને ગરીબ રાખવા માટેનું એક અર્ધચેતન સાધન- જ બની રહેલ હતી   ગરીબોને તેમની ગરીબીથી સંતોષ માનવાનો હતો, કેમકે કબર પછીની દુનિયામાં તેમણે માટે એ જ, સામાન્યરીતે ક્યૂ ખાતેનાં રોયલ બટૅનિક ઉદ્યાન અને ઝવેરીની દુકાન વચ્ચેનૂં ચિત્ર દેખાય તેમ,   સજાવી રખાવાનું હતું. મારા અમાટે અઠવાડિયે દસ હજાર પાઉંડ અને તારા માટે બે પાઉંડ અને તો પણ આપણે એક જ ઈશ્વરનાં સંતાન. મૂડીવાદી ફોટામાં બધે જ આ પ્રકારનું  જુઠાણું જ ચાલે છે, માટે તેને ફાડી જ કાઢ્યે  ભલી વાર છે.

પરિણામે, એક લાંબા અરસા સુધી લગભગ દરેક વિચારશીલ વ્યક્તિ, કંઈક અંશે, અને તે પણ મોટા ભાગે બેજવાબદાર, વિદ્રોહી હતો. એ સમયનું સાહિત્ય પણ બળવાખોરીનું કે વિઘટનનું  સાહિત્ય હતું. ગિબ્બન, વોલ્ટેર, રૂસો, શેલી, બાયરન, ડિકન્સ, સ્ટેન્ઢલ, સેમ્યુઅલ બટલર, ઈબ્સન, ઝોલાં, ફ્લૌબર્ટ, શૉ, જોયસ વગેરે બધા જ એક યા બીજી રીતે વિનાશકો, તોડફોડ કરનારા, ભાંગફોડીયાઓ હતા. બસો વર્ષો સુધી આપણે જે દાળ પર બેઠા હતા તેને જ કાપતા રહ્યા, કાપતા રહ્યા. અંતે, કોઈ પણ આગાજહી કરી હોય તેના કરતાં ઘણું જ જલદી, આપણા પ્રયત્નોનું  ફળ આપણને મળ્યું, અને આપણે હેઠા પડ્યા. કમનસીબે, એક નાની ભૂલ થઈ ગઈ હતી. નીચે ગુલાબોની બિછાત નહીં પણ કાંટાળા તારથી ખદબદતો કિચડ હતો.

એવું લાગ્યું કે દસ જ વર્ષના ગાળામાં આપણે પથ્થર યુગમાં હડસેલાઈ ચુક્યાં હતાં. જે જાતના માનવીઓ સદીથી લુપ્ત થઈ ચૂકેલાં મનાતાં હતાં તેવા નૃત્ય કરતો દરવેશ, ડાકુ સરદાર, ગ્રાંડ ઇન્ક્વિઝિટર વગેરે અચાનક ક્યાંકથી ફૂટી નીકળ્યાં, અને તે પણ પાગલખાનાના રહેવાસી તરીકે નહીં પણ વિશ્વના માલિકો તરીકે. દેખીતી રીતે, યાંત્રીકરણ અને સામુહિક અર્થતંત્ર પુરતાં નથી. તેઓ અંતવિહીન લડાઈઓ અને લડાઈની ખાતર કરીને અંતવિહીન કૂપોષણ, કાંટાળા તારોની વાડો પાછળ વેઠા કરતાં ગુલામો, વાદહાસ્થંભો તરફ ગાસાડી જવાતી ચીખતીચીલ્લાતી સ્ત્રીઓ, શરાબનાં  ટાંકા ભરેલ  ભોયરાંઓ  જ્યાં જલ્લાદ પાછળથી તમારાં ભેજાંના ફુરચા ઉડાડી દેતો હોય એવાં દૂ:સ્વપ્નોમાં આપણને લઈ જાય છે જે તો આપણે વેઠી જ રહ્યાં છીએ. આમ, આપણાં આત્માનો વિચ્છેડ એ એપેન્ડીક્ષા કાપી કાઢવા જેવી કોઈ સામાન્ય શસ્ત્રક્રિયા નથી. એ ઘા તો પાકી જઈ શકે છે.

+                      +                      +                      +

બ્રિટનની ગઈ સદીના ૩૦ના દાયકાની દારૂણ સ્થિતિને વર્ણવતાં પુસ્તક ધ થર્ટીઝની વાત પરથી આજનો માનવી યાતનાઓ સહન કરતાં કરતાં કેવો રીઢો થઈ ગયો છે કે તેનો આત્મા પણ અંગવિચ્છેદ થઈ જાય તો પણ તેને વીસેક વર્ષ સુધી તો ખબર જ ન પડે એ વાતની ગંભીરતા જ્યોર્જ ઑર્વેલ તેમની લાક્ષણિક શૈલીમાં બયાન કરે છે.

આમ હરતાં ફરતાં કરાયેલી નોંધોમાં  પણ તેમની સંવેદનશીલતા પ્રતિબિંબીત થઈ રહી છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Notes on the Way  નો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 


[1] થોમસ માલ્ક્મ મગેરિજ (જન્મ: ૨૪ માર્ચ, ૧૯૦૩ – અવસાન: ૧૪ નવેમ્બર, ૧૯૯૦ બ્રિટનનાં ખ્યાતનામ પત્રકાર  અને (તીખા) કટાક્ષકાર  હતા. અખબારપત્રો, અને પછીથી ટીવી પરના તેમના ઈન્ટરવ્યુઓ  અને દસ્તાવેજી ફિલ્મોને કારણે તેઓ વિશ્વમાં વિખ્યાત  થઈ ચૂક્યા હતા. ૧૯૬૮માં તેમણે મધર ટેરેસાનો ઇન્ટરવ્યુ  કર્યો અને તે પછી કલકત્તામાં એક ખાસ ટીવી પ્રેગ્રામ – સમથિંગ બ્યુટીફુલ ફોર ગોડ – કર્યો જેની આજે પણ નોંધ લેવાય છે.

[2] ધ થર્ટીઝ – ૧૯૩૦-૧૯૪૦ ઇન ગ્રેટ બ્રિટનમાં ૩૦ના દાયકાની ૧૯૩૧ની નાણાકીય કટોકટી, કિંગ એડવર્ડ ૮માનો ગાદીત્યાગ, રામસે મેક્ડોનાલ્ડનાં વડપણ હેઠળની રાષ્ટ્રીય સરકાર અને ઇન્વરગોર્ડન વિદ્રોહજેવી ઘટનાઓ સમાવી લેવાઈ છે. પુસ્તકમાં એ દસકાને ઘોડાપુરમાં આવેલી નદી તરીકે વર્ણવાયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો