બુધવાર, 1 સપ્ટેમ્બર, 2021

ખરો અશોક પોતાની ઓળખ કરાવશે? - દેવદત્ત પટ્ટનાઈક

 મારી બાલ્યવયમાં અશોક વિશે મારે વાંચવાનું  બાળકથાઓમાં થયું. મેં તો તેને જ 'સત્ય' માની લીધેલ.

દેખાવડો, આકર્ષક સિપાહી, માંસલ અને ચુસ્ત, જેણે રાજા બનવા માટે પોતાના ભાઈઓને મરાવી નાખ્યા, જેને બૌદ્ધ પત્ની હતી, તેનાં લશ્કરે કલિંગનાં યુદ્ધમાં જે મૃત્યુનો કાળોકેર ફેલાવેલો તે જોઈને બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો અને આખાં વિશ્વમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો.

તે પછી કિશોરાવસ્થાનાં વર્ષોમાં, શ્યામ બેનેગલની સિરિયલ 'ભારત એક ખોજમાં Part 1 અને Part II માં  અશોકને જોયો. અહીં અશોકને બે પત્નીઓ છે, એક હિંદુ અને બીજી બૌદ્ધ. એણે ખટપટીયા બ્રાહ્મણો અને સૌમ્ય બૌદ્ધ વચ્ચેના રાજકારણ સાથે કામ પાર પાડવાનું આવ્યું. એ પછી અશોક તરીકે શાહરૂખ ખાનની ફિલ્મ જોઈ. તેમાં તે કલિંગની રાજકુમારી, કૌર્વકીના પ્રેમમાં પડે છે. અને હવે ટેલીસિરિયલોમાં તો તેને ચાણક્યના શિષ્ય તરીકે જોવાનો આવે છે. ચાણક્ય તો અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્યના પણ ગુરુ હતા !

સાચું શું? હકીકત શું? જેમ જેમ આ વિષયનાં ઊંડાણમાં જઈએ છીએ તેમ તેમ ખબર પડે છે કે અત્યાર સુધી તો જે કંઇ કહેવાયું છે તે બધું હકીકત કરતાં કલ્પનાઓ જ વધારે છે.

જેમાં વાદવિવાદને કોઈ સ્થાન ન હોઈ શકે એ એક વાત એ છે કે મૌર્ય વંશના દેવાનામપ્રિય (દેવોને પણ પ્રિય) અને પ્રિયદર્શી (બધાંને પ્રેમ કરનારો) રાજા અશોકે, ,૩૦૦ વર્ષ પહેલાં સમગ્ર  ભારતવર્ષમાં ઠેરઠેર ૩૩ શિલાલેખો સ્થાપ્યા. તેને કૌર્વકી નામની રાણી હતી અને તિવાર નામનો એક પુત્ર હતો. કલિંગનાં ઘોર યુદ્ધ પછી તેને મહાપશ્ચાતાપ થયો. તે બૌદ્ધધર્મથી પ્રભાવીત હતો.  તેને બધાજ ધર્મો પ્રત્યે માન હતું અને તેણે એક પિતાસમાન, શાંતિપ્રિય,  પરોપકારી શાસક બનવાની કોશિશ કરી.

વધારે માહિતી બીજી સદીનાં સંસ્કૃત ભાષાના ગ્રંથ અશોકાવદાનમાંથી મળે છે. તેમાં જણાવાયું છે કે કેમ પાશવી જુલ્મગાર રાજા આખરે બૌદ્ધધર્મનો પ્રચારક બન્યો. શ્રી લંકાના પાલી ભાષાના ગ્રંથો મહાવંશ અને દીપવંશમાંથી અમુક વધારે માહિતી મળે છે. તેમાં અશોકનાં સંતાનો, સાધુ મહેન્દ્ર અને સાધ્વી સંઘમિત્રાની લોકસેવાઓની વાત મળી આવે છે.

આ બધી માહિતી પરથી એચ જી વેલ્સે ૧૯૨૦ના અરસામાં લખેલા વિશ્વના સંક્ષિપ્ત ઇતિહાસમાં અશોકને 'વિશ્વનો મહાનતમ રાજા' કહ્યો હતો. વેલ્સ તેમની 'વૉર ઑફ વર્લ્ડ્સ' જેવી વૈજ્ઞાનિક કાલ્પનિક કથાઓ માટે પ્રખ્યાત છે. એચ જી વેલ્સ પર પડેલી અશોકની છાપથી પ્રેરિત થઈને નહેરૂએ '(અશોક)ચક્ર' કે 'ત્રિમૂર્તિ સિંહો' જેવાં અશોકનાં રાજચિહ્નોને ભારતનાં નવાં પ્રજાસતાકનાં રાજચિહ્નો તરીકે અપનાવ્યાં. એટલે સુધી કે અશોકની પદવી પરથી તેમને પોતાની પુત્રી ઈંદિરાને 'પ્રિયદર્શિની' કહેવાનું પસંદ કર્યું. 

પરંતુ હજુ વધારે ઊંડાણમાં જઈએ છીએ તો આપણે આ પણ જે જાણીએ છીએ તેના પર પણ સવાલો પેદા થાય છે. જેમકે, અશોકે કલિંગનાં યુધ્ધ માટેના પોતાના પશ્ચાતાપ માટે ઉડીશાને બદલે ગુજરાતના ગિરનાર પર પસંદગી કેમ ઉતારી હશે? એ શું માત્ર રાજાશાહી પ્રચાર જ હતો? અશોકાવદાન ગ્રંથમાં તેને દેખાવડા શરીરનો નથી વર્ણવ્યો પણ જોવી ન ગમે તેવી ચામડી ધરાવતો અને તેને કારણે દરબારીઓ અને ગણિકાઓની હાંસિપાત્ર વ્યક્તિ તરીકે બતાવ્યો છે. મૌર્યવંશ કે કલિંગનો પણ તેમાં કોઈ ઉલ્લેખ નથી, પણ તેને અતિપ્રિય એવા શારીરિક પીડાકક્ષની વાત તેમાં છે. અશોકના બૌદ્ધધર્મના અંગિકાર માટે તેમાં બૌધ્ધ સાધુ સમુદ્રને કારણભૂત ગણાવાયેલ છે. તેમાં બૌદ્ધ ધર્મીઓના વિરોધીઓ જૈનો અને આજીવકોના હિંસક દમનની વાત છે. મહેન્દ્ર, સંઘમિત્રા કે તિવારનો તો તેમાં કોઈ ઉલ્લેખ નથી.

પુરાણ ગ્રંથો અને શિલાલેખોનો જેમ જેમ વધારે અભ્યાસ કરતાં જઈએ છીએ તેમ તેમ સમજાય છે કે ગ્રંથો સંબંધિત વર્ણનો, પુરાતત્ત્વ વિષયક અવશેષો કે શિલાલેખોનાં લખાણોમાંથી જે પુરાવાઓ મળે છે તેના પરથી ઈતિહાસકારનાં ભુતકાળ પરનાં ઘડાતાં પોતાનાં અનુમાનો અને માન્યતાઓનું વર્ણન જ માત્ર ઇતિહાસરૂપે પરિણમે છે. આ અનુમાનો પર ઇતિહાસકારના પોતાના પૂર્વગ્રહો અને પક્ષપાતોની પણ પાછી અસર તો હોય જ. ખેર, આપણને તો એચ જી વેલ્સની કલ્પના માનવાનું જ મન થાય. પણ એ ખરેખર સત્ય હતું કે નહીં તે તો કોને ખબર?

  • મિડ ડેમાં ૨૯ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Will the real Ashoka please stand up?નો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો