બુધવાર, 18 ઑગસ્ટ, 2021

વ્યાપાર જગતની સહજ હિંસા - દેવદત્ત પટ્ટનાઈક

વ્યાપાર જગતના ઘણા પ્રભાવશાળી ઉદ્યોગ સાહસિકો તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ અહિંસામાં માને છે, સામાન્યપણે આ અહિંસાનો અર્થ શાકાહારી રહેવું, પોતાનાં કર્મચારીઓ પણ તેમ કરે અને ઉત્પાદન, વેચાણ કે વિતરણ જેવાં કોઈ પણ ક્ષેત્રમાં બીનશાકાહારી ખાદ્યપદાર્થોસાથે સંકળાયેલ વ્યાપારદ્યોગને પ્રોત્સાહન ન આપવું એવો થતો જોવા મળે છે. અહિંસાના સિધ્ધાંતનું કંઈક અંશે સરળ, અનુકૂળ અને કદાચ ભાવનાપ્રધાન નિરૂપણ વ્યાપારજગતમાં પ્રવર્તતી  હિંસા તરફ આંખ સામે આડા કાન કરી રહેલ છે તેમ જણાય. વેદોમાં જોવા મળતા અહિંસાના  વધારે વાસ્તવિક દૃષ્ટિકોણ પ્રત્યે પછીના કેટલાક નિષ્ણાંતોએ પણ દુર્લક્ષ સેવ્યું. આમાંના મોટા ભાગના તો દુન્યવી  બાબતોથી આમ પણ અલિપ્ત રહેતા સંન્યાસીઓ હતા, ઉદ્યોગ સાહસિકો, નીતિ ઘડવૈયાઓ અને કર્મશીલોમાં આજે પણ પ્રવર્તતો અહિંસા પ્રત્યેનો રોમાંચક દૃષ્ટિકોણ સુશાસન અને વિકાસને માટે નુકસાનકારક નીવડી રહેલ છે.

વેદો સ્વીકારે છે કે ખોરાક માનવ જીવનનું એક પાયાનું અંગ છે, અજીવ પદાર્થોની દુનિયામાં ભુખ નથી, એટલે ખોરાકની પણ જરૂર નથી. જીવનનું હોવું એટલે જ ખોરાકની ખોજ, જે વનસ્પતિને વધવા અને પ્રાણીઓને દોડવા પ્રેરે છે. ભુખ (બુભુક્ષા) મૃત્યુના ભયમાંથી પેદા થાય છે અને ખોરાક (ભોગ) વડે સંતૃપ્ત થાય છે. ખોરાક માટે વનસ્પતિ પાણી, જમીન, પવન અને સૂર્યપ્રકાશ જેવાં તત્ત્વોને આરોગી જાય છે. પ્રાણીઓ વનસ્પતિ અને બીજાં પ્રાણીઓને ખાય છે. આમ જીવતાં રહેવા માટે કુદરતી તત્ત્વો, વનસ્પતિ કે પ્રાણીઓ જેવી કેટલીક વસ્તુઓનો નાશ થાય છે કે મારી નંખાય છે. આપણે મૃત્યુના ભયથી પેદા થતી બુભુક્ષાને સંતોષવા કોઈક બલિનો ભોગ ચડાવીએ છીએ તે હિંસા છે. 

જ્યાં મૃત્યુનો ભય છે ત્યાં હિંસા છે. જેને મૃત્યુનો ભય નથી તેને ખોરાકની પણ ખોજ નથી, અને માટે તેણે કોઈને મારવું નથી પડતું. આ સાધુઓનો માર્ગ છે. પરંતુ ગૃહસ્થને પોતાની અને પોતાને પોતાની આસપાસનાંની ભુખની ચિંતા છે. જે પોતાને ખવડાવી શકે તેમ નથી તે બધાંને ખવડાવતાં રહેવા માટે તેણે હિંસ્ર બનવું પડે છે. તેમાંથી જન્મે છે પંચ યજ્ઞનો વિચાર, જેમાં દેવો, પોતે (આત્મા), કુટુંબ (પુત્ર), પૂર્વજો (પિતૃઓ)અને કુદરતનાં અન્ય તત્ત્વો (ભુત)ને ખોરાકનો ભોગ ચડાવવામાં આવે છે, અહીંથી જ ઉદભવ્યો. ખરી ભુખ, કે જરૂરિયાતને સંતોષવા પુરતી હિંસા કરવી પડે તો તે ધર્મ છે. પરંતુ જેવું અસલામતીની, કે લોભની, ભાવનામાંથી જન્મતી કાલ્પનિક ભુખને સંતોષવા હિંસાનું આચરણ કરવામાં આવે તો તે અધર્મ છે. કેટલા વ્યાપારીઓ-ઉદ્યોગપતિઓ  કે માલિકીઅંશધારકો કહી શકશે કે તેઓ ખરી જરૂરિયાત સંતોષવા જ બધું કરી રહ્યા છે?

આજનાં બજારોનો પાયો જ લોભ છે. તે ઇચ્છે કે ગ્રાહકો ઉત્પાદનો અને સેવાઓનો વધારેને વધારે ઉપભોગ કરે. તે ઈચ્છે કે ગ્રાહકોમાં ભુખ જાગૃત રહે અને તેઓ અવિશ્વાસના કાલ્પનિક ભયથી પીડાતાં રહે. કેટલાક મૅનેજમૅન્ટ વિચારકો તો તેમાં ગુણ જુએ છે. વધારે અને હજુ વધારે એ આજનો મંત્ર છે. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષપણે, શારીરિક કે માનસિક રીતે, કુદરત અને સંસ્કૃતિ પ્રત્યે હિંસા થતી રહે છે.

ખેતરો બનાવવા કે માનવ વસ્તીઓને વસાવવા, ખાણો, બંધો અને કારખાનાંઓ બનાવવા માટે કુદરતનો અકુદરતી સ્તરે થતો વ્યય એ પ્રત્યક્ષ હિંસાનું ઉદાહરણ છે. આધ્યાત્મિક ગુરુઓ અને કર્મશીલો જે બધાંને દેખાય અને સમજાય છે તેવી વ્યવહારોની હિંસાનો વિરોધ કરે છે. હિંસાથી પેદા થતાં ઉત્પાદનો અને સેવાઓની સતત માંગ અને પુરવઠો બનાવ્યે રાખવા આચરાતી બેન્કિંગ કે રોકાણો કે વેપાર જેવી પ્રવૃત્તિઓ પરોક્ષ પ્રકારની હિંસા છે. ગુલામી, બંધક મજુરી કે બાળ મજુરી જેવી શારીરિક હિંસા તો વિકસતા દેશોમાં સસ્તામાં કામ કરાવી લેવા માટે અનેક વિકસિત દેશોના અનેક ઉદ્યોગો દ્વારા દ્વારા આચરણ કરાઈ જ રહેલ છે. વધારે વક્રતા તો એ છે કે આવું કરનાર કંપનીઓ, જો અને જ્યાં સુધી કાયદાનો હાથ તેમના સુધી પહોંચે નહીં, ત્યાં સુધી જાતે તો બહુ જ નૈતિક છે એવું તેમના સરવૈયાના અહેવાલોમાં જણાવતી રહે છે.  કામ અંગેના અમાનવીય કહી શકાય તેવા કડક નિયમો ઘડીને, કામ અને જીવનનું સંતુલન ખોરવાઈ જાય તે રીતે કામ લઈને કે લોકોની પાસે કામ કઢાવવા તેમની સાથે અત્યંત અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને માનસિક હિંસાનું આચરણ કરવામાં આવતું પણ જોવા મળે છે. એક બાજુ દિવસના આઠ કલાક અને સપ્તાહમાં પાંચ દિવસ જ કામ કરાવવાનું જાહેર કરતી કંપનીઓ કર્મચારીઓ પાસેથી બાર-ચૌદ કલાક, અને તે પણ લગભગ દરરોજ અને મહિનાઓ અને વર્ષો સુધી, ઘરેથી, કરાવે છે. આ એક પ્રકારની નિર્દય માનસિક હિંસા જ છે, જ્યાં લોહીનું એકાદ ટીપું તો ઠીક પીડાનો એક ઉંહકારો પણ જોવા સાંભળવા નથી મળતો. કોણ કોને મુરખ બનાવે છે?

વધારે મહત્ત્વનું તો એ છે કે વધારેને વધારે ઉદ્યોગો દ્વારા જાણ્યેઅજાણ્યે સંસ્કૃતિનો હ્રાસ થવા લાગ્યો છે. હવે તો હરકોઈ ગ્રાહક બને અને એ માટે તેમનામાંથી સંતોષ જેવી વાત જ લુપ્ત થઈ જાય તેવો પ્રયાસ થતો દેખાય છે. આદિવાસી પ્રજા પોતાની સહજ રહેણી કરણી છોડી, આપણી 'સભ્ય' રીતભાતો અપનાવે, જેથી તેઓ જંગલો અને કુદરતી સંપત્તિ કોઈજ જાતનાં વળતર વિના 'સભ્ય' સમાજના ઉપભોગ માટે મુક્ત કરી આપે, અત્યારે તેઓ પોતાનાં મુખત્યાર પોતે જ છે તેને બદલે આપણાં (ઓછા ખર્ચનાં) 'સેવક' બની જાય, આપણે જે બનાવીએ તેનાં જ તેઓ ગ્રાહક બને, પછી ભલેને તેમ કરવાથી તેમની આસપાસનું પર્યાવરણ આપણાં પર્યાવરણ જેમ જ નષ્ટ થઈ જાય. આપણે તો એમ જ છે બધાંનાં મન ખુબ ચંચળ અને મહાત્વાકાંક્ષી બને, જેથી આપણે બનાવેલ ઉત્પાદનો અને સેવાઓ માટે તેમની ભુખ પ્રજ્વળતી રહે અને આપણાં બજાર ફળતાંફુલતાં રહે. જ્યાં સુધી આપણો ગ્રાહક અતૃપ્ત રહેતો દાનવ કે પશુ છે ત્યાં સુધી તે આપણે જે કંઈ બનાવ્યે રાખશું તે વાપરતો જ રહેશે. તો જ, બજાર વધતાં રહેશે અને આપણી સમૃદ્ધિ પણ બની રહેશે. વધારે ભોગ વધારે બલિ માગે છે - પછી તે દેખીતી હિંસા થકી હોય કે અનુભવાતીત જ હોય,  કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ હિંસા થકી હોય, માંસાહારી થવાથી હોય કે 'જંક ફૂડ' ખાધા કરવાથી હોય, શું ફેર પડે છે!

જ્યાં સુધી હિંસા છે ત્યાં સુધી પ્રવૃત્તિ (કર્મ) છે અને જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી મુક્તિ (મોક્ષ) નથી, કેમકે આપણાં કર્મોનાં ફળ તો આપણે જ ભોગવવાનાં છે. તે વગર આપણો છુટકારો નથી  થવાનો. ભલેને આર્થિક કે સામાજિક કે અન્ય કોઈ પણ કારણસર તેમ કરવું ગમે તેટલું વાજબી કેમ ન હોય? અને કર્મોનો હિસાબ તો આપણે નહીં તો આપણાં સંતાનો કે તેમનાં પણ સંતાનોએ તો ચુકવવાનો  જ છે ને ! કોઈ પણ વસ્તુ ક્યારે પણ વિના કિંમત ચુકવ્યે મળી જાણી નથી !

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૨૭ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, The inherent violence of business નો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો