બુધવાર, 15 સપ્ટેમ્બર, 2021

દ્વેષ ઇશ્વર સ્વીકૃત નથી - દેવદત્ત પટ્ટનાઈક

મુસ્લિમ ધર્મમાં જેમ ક઼યામતનો દિવસ કે અન્ય અબ્રાહમી ધર્મોમાં ફાઈનલ જજમેન્ટના દિવસનો વિચાર છે તેવો કોઈ વિચાર હિંદુ કે બૌદ્ધ કે જેન ધર્મોમાં નથી. સામાન્યપણે જે પૌરાણિક માન્યતાઓ એક જ જન્મના સિદ્ધાંતમાં માને છે તેમાં જ જોવા મળે છે, જેમાં સ્વાભાવિકપણે એ એક જન્મ સાચી રીતે જીવવાનો સાચો માર્ગ એક જ હોઈ શકે તેમ માનવામાં આવે છે, અને એક જીવન પુરૂં થાય એટલો તે અંગેનો ચુકાદો પણ થઈ જ જવો જોઈએ. તેની સામે હિંદુ ધર્મમાં તો અનેક જન્મોનો વિચાર છે. એટલે એક જન્મ પુરો થાય ત્યારે જીવન સાચી રીતે જીવાયું છે કે નહીં તેનો  દૈવી ચુકાદો કરવાનું, કે નિયમ પુસ્તિકામાં નિશ્ચિત કરાયું હોય તે મુજબ કરવાનું, કોઈ દબાણ નથી. એટલે જ્યારે કોઈ એમ કહે કે હિંદુ ધર્મમાં 'સમલૈંગિકતા'ને સ્વીકૃતિ નથી ત્યારે તેઓ હિંદુ ધર્મનું હાર્દ જ સમજવાનું ચુક્યાં છે તેમ કહી શકાય. હિંદુ ધર્મનો આધાર 'કર્મ' છે. તમારાં ભૂતકાળનાં કર્મોનાં કર્મફળ તમે જાણી શકો નહીં, કે બદલી પણ શકો નહીં. જો તમારે સમલૈંગિક થવાનું છે તેઓ તમે તેમ થશો જ.  સવાલ છે સમાજ તેને સ્વીકારશે કે નહીં? આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તેનું મૂળ પ્રેમ કે ધિક્કારમાં રહેલું છે. એ બન્ને વચેની પસંદગી પણ આપણી પોતાની મુનસફી પર છે. બહિષ્કાર એ પ્રેમનું  કાર્ય કે તેનું પરિણામ તો નથી જ. 

અબ્રાહમી પુરાણોમાં, ઈશ્વર નિશ્ચિતરૂપે નર જાતિના છે.. જ્યારે હિંદુ ધર્મમાં ઈશ્વર, એક સાથે, નિરાકાર છે, પથ્થર કે વનસ્પતિ કે પ્રાણી, કે નર કે નારી કે અન્ય જાતિના પણ છે. અન્ય જાતિના ઈશ્વરનું ઉદાહરણ શિવ છે જે કૃષ્ણની રાસલીલામાં રાસ રમવા ગોવાલણ (ગોપેશ્વરા) બની શકે છે, વિષ્ણુ દેવો અને દૈત્યોઓને આકર્ષવા માટે એક લાવણ્યમયી સુંદરી (મોહિની) બની શકે છે, દેવીઓનાં સૈન્યનાં સેનાપતિ બની દાનવો સામે યુદ્ધ કરી શકે છે, અને પછી સ્વરૂપ બદલીને એક લજ્જાશીલ પત્ની કે એક માયાળુ મા પણ બની શકે છે. આપણી લાગણીઓ અને બુદ્ધિના વિકાસની પરિપક્વતા વધવાની સાથે આપણને જેમાં શ્રધ્ધા બેસે છે તે ઇશ્વરનાં તે રૂપને આપણે ભજીએ છીએ. પરિપક્વતા છે બીજાંઓને તેમની માન્યાતા કે શ્રધ્ધા અનુસાર તેમની રીતે તેમને જે ઠીક લાગે  તે સ્વરૂપને ભજે તે વાતનો સ્વીકાર કરવામાં.. એ માટે, બધાં  કોઈ 'એક' માર્ગ જ અનુસરે તે જરૂરી નથી. દરેકની માન્યતા, સ્થિતિ અને શ્રધ્ધા અનુસાર અલગ સ્વરૂપમાં વસતા અલગ અલગ ઈશ્વર ભલે જણાતા હોય તો પણ આખરે તો એ એક જ પરમેશ્વરનાં વિવિધ રૂપો જ છે. વિવિધતામાં એકતા જ અહીં છે.

ગીતામાં બધું જ કુદરતી છે, પ્રકૃતિમાંથી પેદા થયેલ છે, ત્રણ કુદરતી  વલણો - સત્ત્વ, તમસ અને રાજસ-માંથી જ પરિણમેલ છે. આમ 'અકુદરતી'નો વિચાર જ ગીતાનાં હાર્દની વિરૂધ્ધ છે. આ વિચાર અંગ્રેજોએ વહેતો મુક્યો હતો અને પછીથી ઘણા ભારતીય રાજકારણીઓ એ અપનાવી લીધેલ છે. સમગ્ર મન (પુરુષ)નો દૃષ્ટિકોણ જ પ્રેમમાં પ્રસરીને પ્રક્રુતિનાં લાખો સ્વરૂપોને આવરી લેવાનો છે -(જ્યાં સુધી દેવી તેમનું મન બદલે નહી ત્યાં સુધી) તેમ શિવની જેમ બધું પરિત્યાગ કરીને નહીં, કે શિવે જે માટે જેમનો શિરોચ્છેદ કર્યો હતો અને જે માટે તેમની વ્યાપકપણે ભક્તિ નથી થતી તેવા બ્રહ્માની જેમ અંકુશ લાવીને પણ નહીં, પણ વિષ્ણુની જેમ સંસારમાં સક્રિય બનીને.

આધુનિક પાશ્ચાત્ય જગતે ધર્મનો અસ્વીકાર કર્યો છે કેમકે તેની દૃષ્ટિએ ધર્મ દમનકારી અને અંકુશ ધરાવવાની વૃતિ ધરાવે છે - જોકે આ દૃષ્ટિકોણ પણ મહદ અંશે ધર્મને ન્યાયી નથી - અને તેથી સમલૈંગિકતાના સ્વીકારને તર્ક બુદ્ધિનો વિજય ગણાવે છે. અબ્રાહમી પુરાણોમાં એવાં કેટલાંય સૂત્રો છે જેમાં પ્રેમનો દ્વેષ પર જય થતો વર્ણવાયો છે અને બહિષ્કૃતિ કરતાં સમાવેશને વધારે મહત્ત્વનું દર્શાવાયેલ છે. બહિષ્કૃત કરવાની કે દમન કરવાની પોતાની સતા પર આ પ્રકારનાં સૂત્રોને કારણે કાપ આવી શકે તેમ છે  તેવો ભય રહે છે એટલે ધાર્મિક વડાઓ તેમને અવગણવાનું વલણ પસંદ કરે છે. એ જ રીતે ઘણા ડાબેરી ઉદારમતવાદીઓ હિંદુઓને દબાવી દેવા કે બહિષ્કૃત કરવા માટે હિંદુ પ્રણાલીઓની ખામીઓને જ ચીધ્યે રાખીને કે જે કંઈ સારૂ છે તે બધું અંગ્રેજો કારણે જ થયું છે તેમ દર્શાવતા રહે છે, કે એ બધું તો બ્રાહ્મણોની 'કપોળ કલ્પનાઓ' છે કે જમણેરીઓનો પ્રચાર માત્ર છે એવા હિંદુ ધર્મ પ્રત્યેના તીવ્ર અણગમાને વળગી રહે છે.

સાપેક્ષ માપદંડ પર, દુનિયાના બીજા મોટા ભાગના ભાગોથી અલગપણે, ભારત સૌથી વધારે સમાવેશી અને વૈવિધ્યસભર રહ્યું છે. આમ થવાનું એક મહત્ત્વનું કારણ તેની પાછળ રહેલ હિંદુ પ્રકૃતિ ધરાવતી મનોવૃતિ હોઈ શકે છે - જોકે આ વિભાવના ખુબ વિવાદાસ્પદ પણ રહેલ છે. આપણે પસંદ કરવાનું રહે છે કે આપણે સમાવેશી અને વૈવિધ્યતાપૂર્ણ રહેવું છે કે મેઘધનુષના કેટલાક રંગો પ્રત્યે વર્ણાંધ બનવું છે. જે કર્મોનાં બીજ આપણે આજે વાવીશું તેનાં જ ફળ આપણે આવતી કાલે ચાખવાનાં છે.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧ જુલાઈ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Hatred is not Divine નો અનુવાદ : અબ્રાહમી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો