બુધવાર, 13 ઑક્ટોબર, 2021

અનિમેષ દૃષ્ટિમાં મૃત્યુશય્યા પરના ઈશ્વર - દેવદત્ત પટ્ટનાઈક

મુંબઈમાં જેનો જન્મ અને ઉછેર થયો હોય એવા મૂળ ઊડીસાની વ્યક્તિ માટે જગન્નાથ મંદિરની મુલાકાત પોતાનં પ્રિય સગાંની મુલાકત સમાન બની રહે છે. વ્યવસાયની લગતી આ વખત જેવી ઉડીસાની ઉડતી મુલાકાતો વખતે હું બીજાં સગાંઓને મળવાનું કદાચ ટાળી લઉં, પણ જ્યારે હવે એ મૃત્યુ શૈયા પર હોય ત્યારે મારા પ્રસસન્નચિતકારક મિત્રની મુલાકાત હું ખાસ ચુકતો નથી.

જગન્નાથનો શાબ્દિક અર્થ 'વિશ્વનો અધિપતિ' થાય છે. તે ઉડીસામાં પૂજાતું કૃષ્ણ / વિષ્ણુનું એક સ્વરૂપ છે. સ્થાનિક લોકોમાં તે તેની ત્વચાના શ્યામ રંગને કારણે 'કાલિય' તરીકે ઓળખાય છે. પરંતુ એ ઓળખમાં આજના રંગભેદના માનનારાઓ કૃષ્ણ તો ખરેખર નીલવર્ણી હતા એમ કહે છે તેવો કોઈ વર્ણદ્વેષ નથી, પણ પોતાપણાંનો પ્રેમ છે. તે નિઃશંક ઈશ્વર છે, પરંતુ કૃષ્ણ તરીકેનો તેમના મિત્રો સાથેના અનન્યપણાનો સખા ભાવ મંદિરમાં પ્રધાનપણે પ્રસરેલો રહેલો અનુભવાય છે.

આ મંદિરની એક આગવી લાક્ષણિકતા એ છે કે અન્ય કૃષ્ણ મંદિરોની જેમ અહીં રાધા અને કૃષ્ણની નહીં પણ કૃષ્ણની સાથે તેમના મોટા ભાઇ બલભદ્ર અને નાની બહેન સુભદ્રાની મૂર્તિઓ છે. મૂર્તિઓના હાથ પગ નથી અને માથું બહુ વધારે પડતું મોટું છે. અન્ય મંદિરોની મૂર્તિઓ જેમ તે પથ્થર કે ધાતુની નહીં પણ કાષ્ટ, કપડું અને રાળની બનેલી છે. એટલે તેમને સમયે સમયે બદલાવવી પણ પડે છે. મૂર્તિ બદલાવવાની એ પરાંપારિક પ્રકિયામાં દેવો માંદાં પડે, મૃત્યુ પામે અને પુનર્જમ પામે.

હું સોમવારે સાંજે ભુવનેશ્વર હવાઈ મથકે ઉતર્યો અને ટેક્ષીમાં સીધો જ પુરી તરફ હંકારી ગયો. પુરી ભુવનેશ્વરથી કાર દ્વારા જઈએ તો ભુવનેશ્વર થી પુરી લગભગ બે કલાકની સફર છે. મેં નક્કી કરેલું કે રાત્રિ દર્શન અને પ્રાતઃદર્શન કરીને હું બીજા દિવસે બપોર સુધીમાં હું મારા નિર્ધારીત વ્યવાસાયિક કાર્યક્રમને ન્યાય આપી શકીશ. કોઈ પણ હિંદુ માટે મંદિરની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શનનો હોય છે. તમે મૂર્તિની સામે દૃષ્ટિ કરો અને દેવ સામે તમારા પર નજર કરે એ મૈત્રકમાં હિંદુ ધર્મમાં ભક્ત અને દેવ વચ્ચે પરસ્પર સંસર્ગ સ્થપાવાનો ભાવ છે. એ ભાવની આધ્યાત્મિક ભાવના સાંતનાં અનંત સાથેનાં જોડાણને સાધવાની છે. “મંદિર ખુલ્લું તો હશે ને?' મેં ડ્રાઈવરને પૂછ્યું. તેણે જવાબ આપ્યો કે' હા સાહેબ, અત્યારે જે વિધિઓ ચાલી રહી છે તેના માટે એ સવારના ત્રણ વાગ્યા સુધી ખુલ્લું હશે. ચિંત ન કરશો.' ત્યારે મને સમજાયું કે હું પુરી જઈ રહ્યો છું જ્યાં દેવો મોડી રાત સુધી મિજબાનીઓ કરે અને સવારે નિરાંતે ઊઠે.

રસ્તમાં અમે વાટનાં દેવી, બાટ મંગળા,ને મંદિરે રોકાયા. શએરમાં દાખલ થતાં પહેલાં, કપુર છાંટેલાં ઘીનો દીવો પ્રગટાવીને તેમનું પૂજન કરાતું હોય છે. બાટ મંગલા, ખુંખાર પણ (મંગળા) પવિત્ર, ઠકરાણી છે, ઊડીસામા આવાં ઠકરાણીનાં મંદિરો ઠેર ઠેર જોવા મળે છે. જગન્નાથનો દૈવી પ્રભાવ જેટલો સાર્વત્રિક છે તેટલો બાટ મંગળાનો પ્રભાવ સંકુચિત પ્રદેશ પુરતો મનાય છે. આ દેવીનાં રક્ષણમાંનો પ્રદેશ,સ્કંધ પુરાણમાં જેમ પરંપરાગત રીતે પુરી ઓળખાય છે તેમ, પુરુષોત્તમ ક્ષેત્ર કહેવાય છે. આમ તો તેમનું મંદિર રસ્તાની એક તરફ જ હોય, પણ તે બહુ જ મહત્ત્વનું ગણાય છે કેમકે ત્યાં પહોંચતાંવેંત તમને ભવ્ય અને સુંદર રીતે રોશન કરાયેલ શિખર અને ડાંગરનાં લહેરાતાં ખેતરો અને નારિયેળીનાં ઝુંડો પર જાણે ફરફરી રહી હોય તેવી શિખરની ટોચ પરની ધજાનાં દર્શન થાય છે.

પુરીનાં મંદિરનો પવિત્ર મહાપ્રસાદ જમી શકું બરાબર એ સમયે હું હોટેલ પહોંચ્યો. આમ તો મહાપ્રસાદ ૫૬ વાનગીનો ભોગ થાળ હોય છે જેનો સીધું (કોરો) સામાન અબાડા તરીકે ઓળખાય છે. પુરીનાં મંદિરનું રસોડું પણ પ્રસિદ્ધ છે. ભોગને રાંધવા માટે એકની ઉપર એક એમ આઠ માટીનાં વાસણોને નીચે લાકડાંની આગ પર ચડાવવામાં આવે છે દુનિયાનાં કદાચ સૌથી મોટાં પ્રેસર કુકરમાં સૌથી ઉપરનાં વાસણનો ખોરાક સૌથી પહેલાં રંધાઈ રહે છે. તે પછી તેની નીચેનાં વાસણોમાંનો ખોરાક એક પછી એક રંધાઈને તૈયાર થાય છે. કોઈ પણ જાતના જાતપાતના ભેદભાવ વગર આ મહાપ્રસાદ સામાન્ય જનતા સુધી આનંદ બજારની વ્યવસ્થા સ્વરૂપે પહોંચે છે. ખીચડી, બે પ્રકારની દાળ અને એક શાક ન વગેરે હું જમ્યો. ભોજન કેળનાં પાન પર પીરસવામાં આવ્યું હતું અને ભગવાનનાં માનમાં જમીન પર બેસીને જમવાનું હોય છે. જમણના અંતમાં ઉડીસાની પ્રખ્યાત મિઠાઈઓ - છેના પોડા પીઠ (શેકેલા પનીરનાં રસગુલ્લા) અને નોલેન ગુડ ખીર (ખજૂરના ગોળની ખીર)-ને પણ ન્યાય આપ્યો.

એ પછી, રાત્રિના અગીયારેક વાગ્યે હું મંદિર ભણી જવા નીકળ્યો. મંદિર તરફ જતા માર્ગને બડા દાંડા (મ્ખ્ય માર્ગ) તરીકે ઓળખવામાં આવે છે. એ પહોળા રસ્તાની બન્ને બાજુએ દુકાનો, મકાનો અને ગજપતિ મહારાજાનો મહેલ જોવા મળે છે. ગજપતિ મહારાજા પુરીના રાજા છે અને તેમને ચલંતિ પ્રતિમા (દેવના જીવંત પ્રતિનિધિ) તરીકે માનવામાં આવે છે. માર્ગના દક્ષિણ છેડે નીજ મંદિર છે અને ઉત્તરને છેડે એક ખાલી મંદિર છે, જે ગુંડીચા ઘર તરીકે ઓળખાય છે. જગન્નાથ અને તેમનાં ભાઈબહેન રથયાત્રા ઉત્સવ દરમિયાન અહીં એક પખવાડીયું ગાળે છે. રથયાત્રા કૃષ્ણની તેમના બાળપણ તરફની સફરનું પ્રતિક છે, અને એટલેજ તેમની સાથે તેમનાં સહધર્મચારિણી નહીં પણ તેમનાં ભાઈ બહેન હોય છે. સહધર્મચારિણીને મંદિરમાં એકલાં મુકી જવાથી તેઓ અકળાય પણ છે. આ અકળામણને મંદિરના પુજારીઓ (અને બહુ પહેલાંના સમયમાં મંદિર નૃત્યાંગનાઓ, મહારીઓ) વિધિપુરઃસર ભજવે છે અને એ રીતે દર્શાવે છે કે ખુદ ઈશ્વરને પણ, કોઈ પણ સામાન્ય ગૃહસ્થની જેમ જ, પરિણીત જીવનની આવી નાની મોટી સમસ્યાઓ તો હોય જ છે !

એ બે મંદિરોની વચ્ચે મૌસી-માનું એક નાનું સરખું મંદિર છે. એ પણ એક ઠકરાણી જ છે. તેમની યાત્રા દરમ્યાન જગન્નાથ અહીં બળેલો પુડો (પોડા -પિઠ) ખાવા રોકાય છે. મંદિરનો સંબંધ એ કથા સાથે છે જેમાં એક દિવસ કૃષ્ણ અને બલરામે લક્ષ્મીજીને મંદિરમાં એટલે ન આવવા દીધાં કે તેઓ એક ચાંડાલને ઘરે ગયાં હતાં. લક્ષ્મીજી અન્નનાં દેવી છે અને અન્ન કોઈ પણ જાતનાં પ્રાણીમાં ભેદભાવ નથી રાખતું. પરિણામે આ નિર્ણયે એક આફત નોતરી. મંદિર તેમજ શહેરમાંથી બધોજ ખોરાક જ અદૃશ્ય થઈ ગયો. ભુખથી ત્રસ્ત ભાઈઓએ દેવીજીની ક્ષમા માગી. દેવીએ એક શરતે રાજી થવાનું કબુલ્યું કે તેઓ એક ચાંડાલ, જે કાળક્રમે મૌસી-મા તરીકે ઓળખાયાં, ને ઘરે ભોજન કરે.

મંદિરમાં આમ અને તેમથી, સમતાવાદ અને વર્ણભેદનાં ઊંચનીચની કથાઓ અફળાયા અકરે છે. આપણને એમ પણ કહેવામાં આવે છે મંદિરની બધી જ પુજાઓ બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર વિવિધ જાતિઓમાંથી આવતા પંડાઓ અને સેવકો દ્વારા કરાય છે. આપણને એમ પણ કહેવામાં આવે છે કે દેવોને ધરાવ્યા પહેલાં પવિત્ર અન્નને જો કોઈ નીચી જાતનું અડી જાય તો તે અન્ન દુષિત થઈ જાય છે અને તેને ફેંકી દેવું પડે. જો મંદિરના વિસ્તારમાં કોઈ બીન-હિંદુ દાખલ થાય તો મંદિરને ધોવું પડે. જે બીન હિંદુઓને આ કારણે મંદિરમાં પ્રવેશ નથી મળતો તેમનાં દર્શનાર્થે મંદિરનાં દ્વાર પાસે પતિત-પાવનનું મંદિર બનાવાયું છે. ૧૬મી સદીમાં ગુરુ નાનકને પણ પહેલાં પ્રવેશ નહોતો અપાયો કેમકે રાજા વચ્ચે ન પડ્યા ત્યાં સુધી તેમને મુસ્લિમ માની લેવામાં આવ્યા હતા. તેમને જ્યારે છેવટે પ્રવેશ મળ્યો ત્યારે મંદિરમાં આરતી જોઈને તેઓ એટલા ભાવવશ થઈ ગયા કે તેમને તેમનું પ્રખ્યાત આરતી કિર્તન ગગનમેં થાલ તેમને ત્યાં સ્ફૂર્યું મનાય છે,. દીપમાળને મૂર્તિની સામે પ્રદક્ષિણા સ્વરૂપે ફેરવવાને અવકાશી પિંડોનાં ભ્રમણ સ્વરૂપે કક્ષામાં ફરતા રહેવા સાથે સરખાવાયું છે.

ચળકતા રંગોથી રંગાયેલ પ્રવેશદ્વાર પર વિષ્ણુનાં વૈકુંઠના દ્વારપાળો, જય અને વિજય,ની મૂર્તિઓ છે. દ્વારની ટોચ પર લક્ષ્મીજીની મૂર્તિ વિરાજમાન છે. અનેક વર્ષો પહેલાં કોણાર્કનાં સૂર્ય મંદિરમાથી લવાયેલો સૂર્યનો અરૂણ સ્તંભ દ્વારનો ટેકો કરે છે. આ બધું જોતાં જણાઈ આવે છે કે આ મંદિર એક મજૂબત દિવાલોથી સુરક્ષિત કિલ્લા જેમ સુરક્ષિત કરાયેલું છે. આમ કરવા પાછળ પણ કારણ છે. છેલ્લાં ૧,૫૦૦ વર્ષોમાં તેના પર ૧૮ જેટલા હુમલાઓ થઈ ચુક્યા છે અને લુંટાઈ ચુક્યું છે. સૌ પ્રથમ કહી શકાય એવો હુમલો ગ્રીક-ભારતીય રાજા રક્તબાહુએ કરેલો. તે વખતે પુજારીઓ મૂર્તિઓને દૂર દૂરની ગુફાઓમાં સંતાડી આવ્યા હતા. મુસ્લિમ ધર્માંતરણ કરેલ કાલા પાહડે મંદિર પર માત્ર હુમલો જ કર્યો એટલું નહીં પણ મૂર્તિઓને આગ પણ ચાંપી હતી. આવા હુમલાઓને કારણે કદાચ પુનર્જનમની વિધિનો વિચાર પેદા થયો હશે. અમર દેવને ભલે મારી નાખવામાં આવે પણ તે મૃત્યુને થાપ આપીણે હસતાં રમતાં પાછા આવી જાય છે. રાવણના પાટવી કુંવર મેઘનાદના નામથી ઓળખાતી દિવાલ સમુદ્રને મંદિરમાંથી દાખલ થતાં રોકે છે. આ 'ચમત્કાર' માટે બહાર આવેલ હનુમાનનાં મંદિરને શ્રેય અપાય છે.

પૂર્વાભિમુખ સિંહ દ્વાર, દક્ષિણાભિમુખ અશ્વ દ્વાર, ઉત્તરાભિમુખ હસ્તિ દ્વાર અને પશ્ચિમાભિમુખ વ્યાગ્ર દ્વાર એમ મંદિરનાં ચાર પ્રવેશ દ્વાર છે. પૂર્વ બાજુએથી દાખલ થતાં ઊડિયામાં 'બૈસી પહાચા' (બાવીસ પગથિયાં) આવે છે જેનાં દસમાં પગથિયાં પર શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. અન્ય પગથિયાં પર પરંપરાગત છત્રો હેઠળ બેઠેલા પુજારીઓ વિવિધ વિધિ કરાવતા જોવા મળશે. એક માન્યતા અનુસાર આ બાવીસ પગથિયાં માનવ જીવનનાં બાવીસ પાપનાં પ્રતિક મનાય છે. હસ્તિ દ્વાર પાસે કોઈલી વૈકુંઠ છે, જ્યાં લીમડાનાં થડીયાં - બ્રહ્મ દરુ-માંથી નવી મૂર્તિઓ ઘડાવામાં આવે છે. આ બ્રહ્મ દરૂને પણ ખરીદવા માટે અને જૂની મૂર્તિઓને દાટી દેવા માટે બહુ સંકુલ વિધિઓ છે.

મારી મુલાકાતના સમયે, આખું સંકુલ શોકના અને કંઈક બનવાનું છે એના ઓથારમાં ગરકાવ હતું. મારી મુલાકાત પછી થોડા જ દિવસોમાં આખાં શહેરપર અંધારપટ લાદી દેવાવાનો હતો. પુજારીઓ આંખે પટ્ટી બાંધીને બ્રહ્મ-પરિવર્તનની વિધિ કરવાના હતા. એ વિધિમાં ઈશ્વરનાં દૈવત્વનાં પ્રતિક સ્વરૂપ બ્રહ્મ-પદાર્થ જૂની મુર્તિમાંથી નવી મૂર્તિમાં સ્થાપન કરાય છે. . સમાચારોમાં જાણવા મળે છે તે મુજબ,આ વખતની મૂળ વિધિ તો મંદિરનાં આંતરિક રાજકારણને કારણે મોડી મોડી થઈ રહી હતી. ભક્તો પણ તેને લીધે નારાજ હતાં. પણ જીવનનું ચક્ર તો ચાલતું જ રહે છે ને !

મંદિર દક્ષિણનાં દ્રવિડ અને ઉત્તરનાં નાગર શૈલીનાં સંયોજનવાળાં સ્થાપત્યનું નક્કર પથ્થરનું બનેલ વિશાળ બાંધકામ છે. દ્વવિડ સ્થાપત્યમાં વર્તુળાકાર પાયા પર પિરામિડ જેવી છતનું પ્રાધાન્ય હોય છે જ્યારે નાગર શૈલીમાં ચોરસ પાયા પર વક્રરેખીય છતનાં બાંધકામનું પ્રાધાન્ય હોય છે. મુખ્ય મંદિરમાં અન્ન કક્ષ (ભોગ મંડપ), એક સમુહ સભાગૃહ (જગમોહન), નૃત્ય ગૃહ (નટ મંડપ) અને છેલ્લે ગર્ભ ગૃહ આવેલાં છે. મંદિરની દિવાલો પર સુંદર, કલાત્મક ભાત ધરાવતી યુદ્ધોની મૂર્તિઓ, અને મનોરંજન અને કામક્રીડાની મૂર્તિઓ જોવા મળે છે. ડરી ગયેલા હાથી પર સિંહ હાવી થયેલ છે એવી એક રસપ્રદ આકૃતિ પણ જોવા મળે છે. સ્થાનિક ગાઈડ લોકો સમજાવે છે કે એ ઇચ્છાઓ અને મૂત્યુના ભય પર સંકલ્પ શક્તિના વિજયનું પ્રતિક છે.

મુખ્ય મંદિરમાં દાખલ થતાં પહેલાં આ સંકુલમાં આવેલાં શિવ, સંકુલનાં પાલક દેવી વિમલા અને વિષ્ણુનાં સહધર્મચારિણી લક્ષ્મીજી સહિત અન્ય દેવોનાં મંદિરોમાં જઈ આવવું આવશ્યક છે. અન્ય વૈષ્ણવ મંદિરોની જેમ અહીં પણ લક્ષ્મીજીનું અલગ મંદિર છે. વિવિધ વિચારસરણીઓ સાથે સમન્વય સાધવાની હિંદુ ધર્મની વિચારસરણીને સુસંગત રહીને મંદિરનું સંકુલ સમગ્રપણે શાકાહારી હોવા છતાં અહીં દેવી વિમલાનાં મંદિરમાં, નવરાત્રિ દરમ્યાન, ખાનગીમાં ,રાત્રે, બકરાનો ભોગ ચડાવાય છે, અને એ રીતે તેનું શક્તિ પીઠ તરીકેનું માન જાળવવામાં આવે છે. કેટલાક (વધારે પડતા હિંદુ) હિંદુત્વવાદીઓની જેમ ઈશ્વરે કોઈએ પણ કેવું અન્ન ખાવું એવા આગ્રહો અન્ય દેવ દેવીઓ માટે નથી રાખ્યા. લક્ષ્મીજીનાં મંદિરમાં સફેદ ચોકથી ચીતરેલાં વિવિધ ચિત્રો જોવા મળશે. આ ચિત્રોમાં કમળ અને 'મા' ચારે બાજુ લખેલાં દેખાય છે. તેમ કરીને ભક્તો લક્ષ્મી દેવીનાં - સમૃદ્ધિનાં- પોતાને ત્યાં આગમનની રાહ જૂએ છે. મંદિરમાં ફરતાં ફરતાં મંદિરની પથ્થરની ફરસ પર કારીગરો સફેદ રંગ લગાવતા હોય એવાં દૃશ્યો પણ જોવા મળશે. આમ કરવાથી તાપમાં ધગધગી ઉઠેલ ફરસ પર ઉઘાડા પગે ચાલતાં ભક્તોને થોડી રાહત મળે એવી ભાવના છે.

મંદિરનાં સંકુલમાં ડઝનબંધ પુજારીઓને ધોતી અને ઉતરવસ્ત્ર પહેરીને ફરતા જોઈએ ત્યારે જાણે પૌરાણિક સમયમાં મુસાફરી કરી રહ્યાં હોઈએ તેવું લાગે. દરેક હિંદુ મંદિરોની જેમ અહીં પણ ચામડાની ચપલ્લ કે પટ્ટૉ કે એવી કોઈ ચીજ પહેરવા માટે નિષેધ છે. તેજ રીતે કેમેરા કે મોબાઈલ ફોન પણ લઈ આવવાનો પ્રતિબંધ છે. જોકે, પુજારીઓ અને સ્થાનિક પોલિસ પોતપોતાના મોબાઈલ ફોનો પર સંદેશાઓ મોકલવામાં મશગુલ હોય એવાં દૃશ્યો પણ જોવા તો મળી જ રહે છે.

હું આખરે રાત્રીના અગિયારેક વાગ્યે મુખ્ય મંદિરે પહોંચ્યો. પણ લો, અહીં તો દેવનાં દર્શન થાય તેમ નહોતાં - કમાડ જ બંધ હતાં. પુજારીએ મારી સામે હસીને કહ્યું,' એટલી પણ શી ઉતાવળ છે? દર્શન થશે, થોડી રાહ જુઓ. દેવ માંદા છે, તમને ખબર છે ને? પણ ધીરજ રાખો. થોડી વારમાં કમાડ ફરીથી ખુલશે અને તમને દર્શન, જરૂર થશે.' એ સાંભળીને મને યાદ આવ્યું કે અહીના લોકો માટે તો આ મૂર્તિઓ જીવંત વ્યક્તિઓ છે. આ પુજારીઓ પણ બ્રાહ્મણો નહીં, પણ 'દૈત્ય-પતિ'ઓ છે અને મૂર્તિઓનાં પરંઅપરાગત મૂળ રક્ષકો, આદીવાસી 'સબર' જાતિના વંશજો છે. દેવની માંદગીના સમય દરમ્યાન મંદિર પર તેમનો અંકુશ હોય છે.

આ સાથે સંકળાયેલી કથા એવી છે કે રાજા ઈન્દ્રદ્યુમ્નએ પોતાના દરબારી, વિદ્યાપતિ,ને સબર જાતિના લોકો પાસે સુરક્ષિત રીતે સચવાયેલ નીલ માધવની ભવ્ય મૂર્તિ મેળવી આવવાનું કામ સોંપ્યું. વિદ્યાપતિએ સબર જાતિની રાજકુમારી સાથે લગ્ન કર્યું અને દહેજ રૂપે એ મૂર્તિનાં દર્શનની માગણી કરી. મૂર્તિને રાખેલ ગુપ્ત જગ્યાએ તેને આંખે પાટા બાંધીને લઈ જવાયો. પરંતુ એ ચાલાક બ્રાહ્મણ રસ્તામાં રાઈનાં બીજ વેરતો ગયો હતો. ચોમાસામાં એ બીજ ખીલી ઉઠયા અને એ પીળાં ફૂલોની એંધાણીની મદદથી વિદ્યાપતિ એ મૂર્તિ સુધી પહોંચી ગયો. પરંતુ જ્યારે ઇન્દ્રદ્યુમ્ન તેને હાથ કરવા આવ્યો ત્યારે તેની એ ધૂર્તતા વડે જીત મેળવી લેવાની ચેષ્ટા ઈશ્વરને પસંદ ન આવી એટલે રેતીનું તોફાન આવ્યું અને એ મૂર્તિ તેમાં કાયમ માટે દટાઈ ગઈ. ઈન્દ્રદ્યુમ્નએ ક્ષમા યાચના કરી. તે પછી તેને એક સ્વપ્ન આવ્યું જે તેને લાકડાનાં એક તરતાં દરૂ સુધી દોરી ગયું અને તેમાંથી જગન્નાથની મૂર્તિ કોતરાવી લેવાનું સુચવ્યું. શિલ્પકારે કામ માથે લીધું પણ શરત કરી કે જ્યાં સુધી એ કામ પુરૂં ન કરી લે ત્યાં સુધી રાજાએ જોવા નહીં આવવાનું. અધીરા રાજાથી રાહ ન જોવાઈ અને એક દિવસે તેણે એ શિલ્પકારની કાર્યશાળાનાં દ્વાર ખોલી કઢ્યાં. પરિણામે એ મૂર્તિઓ અધુરી જ રહી ગઈ.

આખરે, એક કલાક ગરમીમાં શેકાયા પછી, રાતના ૧૨ વાગ્યે, મારાથી દર્શન થયાં. જોકે મને ગાડાંનાં પૈડાં જેવડી આંખોવાળી, ચમકતા શ્યામ રંગમાં દીપતી, જગન્નાથની, ધવલ રંગની બલરામ અને પીળા રંગની સુભદ્રાજીની વિખ્યાત મૂર્તિઓનાં દર્શન ન થયાં.એ લોકો તો માંદાં હતાં, એટલે પરદા પાછળ પથારી પર આડે પડખે થયાં હતાં. તેના બદલામાં અમને ત્રણ ચિત્રો અને સાત ધાતુની મૂર્તિઓ સ્વરૂપે એ માંદાં દેવોની મૂર્તિઓનાં પ્રતિનિધિઓનાં દર્શનનો લાભ મળ્યો. બીમારીને કારણે દેવો ચીડીયાં બની ગયાં હોય, એટલે ગર્ભ ગૃહની અંદર કોઈ વીજળીની બત્તીઓ નહોતી કરાઈ કે ન તો કોઈ અવાજ કરવામાં આવતો હતો. ઘીના દીવાની થરથરતી જ્યોતના પ્રકાશમાં અમે એ દસ મૂર્તિઓ જોઈ અને તેમને પ્રણામ કર્યાં. પરદાની પાછળની મૂર્તિઓ તેમની મૃત્યુ શય્યા પર છે તે વાતની મને જાણ હતી. થોડે જ અંતરે, બહાર, કોઈલી વૈકુંઠમાં તેમનં નવાં શરીરો આકાર લઈ રહ્યાં હતાં. ભૌતિક શરીરોનાં મૃત્યુ થાય, પણ અંદરનાં દૈવત્વનો નાશ નથી થતો.

બીજે દિવસે સવારે આઠ વાગે હું મૂર્તિઓનાં ફરીથી દર્શન કરવા ગયો. આ વખતે મને ગર્ભ ગૃહમાં પ્રવેશ મળી ગયો, પરંતુ મૂર્તિઓ સૌથી અંદરના એ કક્ષમાં નહોતી. હવે તે નટ મંડપમાં વિરાજમાન હતી. એક સમયે મહારી દેવદાસીઓ કૃષ્ણને ખુશ કરવા અહીં નૃત્ય કરતી અને ગાતી. પોતાનાં માસીને ત્યાં બળેલો હાંડવો ખાતા, અર્ધી રાતે નાવમાં સૈર કરવા નીકળતા અને ભર ઉનાળે ઠંડા પાણીએ નહાઈ લેતા, પત્ની સાથે ઝઘડી પડ્યા પછી મિઠાઈઓ અને સાડીઓની ભેટ ધરીને મનાવી લેતા એ દેવે આ આખું જીવન માણી લીધું છે અને નવા જન્મમાં ફરીથી એ જ રીતે જીવનને માણશે. દેવ એક મહિના પછી હવે પોતાના રથ પર યાત્રા કરવા તૈયાર છે. આ દુનિયા પ્રત્યે આસ્થા વ્યક્ત કરતાં આ પાસાં માટે ભગવત-ધર્મ મને ગમે છે, અને એટલે જ જ્યારે જ્યારે હું પુરી આવું છું ત્યારે ત્યારે અચુકપણે અહી વસતા જગન્નાથનાં દર્શન કરવા આવવાનું ચુકતો નથી.

  • Livemint.comમાં ૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Gazing at a dying god નો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો