બુધવાર, 20 ઑક્ટોબર, 2021

હરતે ફરતે કરેલી નોંધો (૧૯૪૦) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

 Notes on the Way ના અનુવાદના અંશ [૨]થી આગળ

શ્રીમાન ઑલ્ડસ હક્ષલીનું પુસ્તક 'બ્રેવ ન્યુ વર્લ્ડ' કાલ્પનિક જલસાવદી આદર્શલોકનું એવું સુંદર ઠઠ્ઠાચિત્ર જરૂર હતું, જે શક્ય પણ હોઈ શકે છે અને હિટલરના આવ્યા પહેલાં હાથવેંત પણ જણાતું હતું, પરંતુ તેને વાસ્તવિક ભવિષ્ય સાથે કંઈ સંબંધ નહોતો. આપણે અત્યારે જે તરફ આગળ વધી રહ્યાં છીએ તે (યહુદી અને ઇસ્લામ ધર્મોમાંથી કેથોલિક ધર્મમાં ધર્માંતરણ કરી આવેલા વિધર્મીઓને શોધી વધારે કડક નિયમન હેઠળ લાવા માટે સ્થપાયેલ) 'સ્પેનિશ ઈન્ક્વીઝિશન' જેવી કે રેડીઓ અને છૂપી પોલિસને કારણે તેનાથી કદાચ પણ ઘણી વધારે ખરાબ, શાસનાવ્યવસ્થા કહી શકાય તેમ છે. તેમાંથી બચી શકવાની તક બહુ જ પાંખી છે, સિવાય કે તેને 'નવાં વિશ્વ'નું સ્વરૂપ આપ્યા સિવાય જો માનવ ભાતૃભાવને પૂર્વવત કરી શકીએ. આવા વિચારો ડીન ઑફ કેન્ટરબરી જેવા ભોળાં લોકોનેT એમ કલ્પના કરતાં કરી દે છે કે તેઓએ સોવિયેટ રશિયામાં ખરો ખ્રિસ્તી ધર્મ શોધી કાઢ્યો છે. જોકે એ તો નિઃશંક છે કે એ લોકો તો વ્યવસ્થિત પ્રચારમાં ભરમાઈ ગયેલ પુતળાંઓ જ છે.  પરંતુ તેમને  વાત ગળે ઉતરી જવાનું કારણ એ છે કે એ લોકો સંન્નિષ્ઠપણે એવી (હવાઈ) કલ્પનામાં રાચે છે કે સ્વર્ગનું રાજ્ય - અબ્રાહમી પુરાણોમં જણાવેલ ઇશુના ધર્મોપદેશ સાથે સંબંધિત Kingdom of Heaven - (આપણાં પુરાણોનું રામ રાજ્ય) આ ધરતી પર ઉતારી લાવી શકાય તેમ છે. આપણે બસ ઈશ્વરનાં બાળકો બની જવાનું છે, પછી ભલેને પ્રાર્થનાનાં  પુસ્તકના ઈશ્વર હવે અસ્તિત્વમાં  ન હોય.

જે લોકોએ આપણી સંસ્કૃતિને પલીતો ચાંપ્યો છે  તે લોકોને ક્યારે ક્યારેક માર્ક્સનાં કથન 'ધર્મ લોકો માટે અફીણ છે'ની ખબર હોય છે. પરંતુ એ પણ હકીકત છે કે, ભાગ્યેજ કોઈ અપવાદ સિવાય આ વાક્ય હંમેશાં,તેના મૂળ સંદર્ભમાંથી ઉખેડીને, મૂળ કર્તા જે અર્થમાં એ કહેવા માગતા હતા તેના કરતાં, બહુ જ સલુકાઈથી, સાવ જ નવા સ્વાંગમાં રજુ કરાતું આવ્યું છે. માર્ક્સે, કમસે કમ તે સમયે, તો એમ નહોતું જ કહ્યું કે ધર્મ એ ઇશ્વરદત્ત નશો છે; તેમનું તો કહેવું હતું કે  લોકોએ જેને સાચી માની લીધી હતી એ જરૂરિયાત પુરી કરવા માટે લોકોએ જ ઊભું કરેલું એ એક સાધન છે. એમનું મૂળ કથન આ મુજબ છે - 'ધર્મ આત્મા(ની સંવેદના)વિહિન સમાજમાં આત્માનો નિસાસો છે. ધર્મ લોકોનું અફીણ છે.' તેમનું કહેવું છે કે માણસ માત્ર બે વખત પેટ પુરવા ખાતર જ નથી જીવતો, તેમ જ એકલો ધિક્કાર પણ પુરતો નથી, જીવવાલાયક વિશ્વને માત્ર 'વાસ્તવિકતાવાદ' કે મશીન ગનના આધારે ન રચી શકાય. એ જો જોઈ શક્યા હોત કે તેમનો બૌદ્ધિક પ્રભાવ કેટલો પડશે, તો કદાચ એમણે પોતાની એ વાત ઘણી વધારે વાર, પોકારી પોકારીને કહી હોત.

+                      +                      +                      +

આ દુનિયામાં યુદ્ધો શું કામ થાય છે, એવાં યુદ્ધોમાં જેમનો સ્વાર્થ સધાય છે તે લોકો ખરેખર યુધ્ધના મોરચે લડવા જનારાઓને કેમ પ્રેરિત કરે છે એવા દેખીતા વિષયની ચર્ચાની પાછળ જ્યોર્જ ઑર્વેલની  મૂળ ચિંતા તો માનવીની ભૌતિકવાદ પાછળની આંધળી દોડ માટેની છે. સુખ અને સમૃદ્ધિની ઝંખનામાં માણસ તેનાં લાંબા ગાળાનાં વિશાળ હિતોને સાધવા માટે જે સાધનો વિકસાવે છે તેને તે પોતે સાવ જ ટુંકા ગાળામાં માનવ જાતને માટે જ અભિશાપ બનાવી દે છે. એ વિષચક્ર ચાલુ જ રહે છે.

આપણે વ્યક્તિગત રીતે આ વિષચક્રનો કોઠો કદાચ ભેદી ન શકીએ, પણ એ વિષચક્રને જરા સરખું પણ ઘેરૂં કરવામાં આપણો જે કંઈ, જાણ્યેઅજાણ્યે, ફાળો હોઈ શકે તે પ્રત્યે સભાન થઈએ, તો તેટલી હદે તો વિષચક્ર તોડવાની દિશામાં કંઈક પણ સકારાત્મક યોગદાન તો જરૂર કરી શકીએ.

આપનું શું માનવું છે?

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Notes on the Way  નો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો