બુધવાર, 27 ઑક્ટોબર, 2021

તમારાં સ્મિત પર અમારી પુંછ કુરબાન - દેવદત્ત પટ્ટનાઈક

હનુમાન લંકાથી પોતાની બળેલી પુંછડી લઈને આવ્યા, અને એ સળગતી પુંછડી વડે કરેલાં તેમનાં પરાક્રમો વર્ણવ્યાં, ત્યારે કિષ્કિંધાના અન્ય વાનરો તો તેમના પર હસ્યા. રામ તરફ ઈશારો કરીને તેમણે (વ્યંગમાં) કહ્યું, 'તો આમની પત્ની માટે તમે તમારી પુંછડી બાળી?' એમને તો હનુમાન મુર્ખ લાગ્યા. ડાહ્યા માણસો પોતાની પત્નીને બચાવવા પોતાની પુંછડી બાળે તે તો સમજાય. જોકે જે ખરેખર જ ડાહ્યો હોય તે તો પુંછડી કદી પણ બાળવાની નોબત જ ન આવવા દે. મુર્ખાઓ જ હનુમાન જેમ વર્તે.

એક ઘડી માટે તો હનુમાનને પોતે જે કર્યું તે મુર્ખામી તો લાગી. પણ જેવી તેમની નજર રામ પર ગઈ, તો રામ એ સમયે તેમને યોદ્ધા કે સંન્યાસી નહીં પણ પોતાની વહાલસોયી પત્નીના વિરહી પ્રેમી દેખાયા. રામની ઉદાસ આંખોમાં હનુમાનને તેમની પત્ની લંકામાં છે અને તેમની રાહ જૂએ છે તે સમાચારની આતુરતાની તડપ દેખાણી. પોતાની પુંછડી બળતી વખતે થયેલી પીડાનું દર્દ રામનાં એ આશાભર્યાં સ્મિતને કારણે તેમને સાવ જ સહ્ય જણાયું.

બીજાની ખુશીઓમાં ખુશ થવું, બીજાંઓના સંઘર્ષમાં તેમને મદદરૂપ થવું કે બીજાના હક્કો માટે લડવું એ કંઈ નવી બાબતો નથી. ઘણાં લોકો એમ કરતાં હોય છે. હનુમાનની જેમ, બીજાંઓને મદદ કરવામાં એ લોકો એક વાર પણ પાછું વળીને જોતાં નથી, પછી એમ કરવામાં તેમને પોતાને કેટલી પણ મુશ્કેલીઓ કેમ વેઠવી ન પડે, કે પુંછડીઓ બાળવી પડે.

વર્તણૂકીય અર્થકારણમાં લાંબા સમયથી એક ધારણા રહી છે માનવી તર્કસંગત અને સ્વાર્થી પ્રાણી છે. પરંત આ ધારણા વધારેને વધારે કિસ્સાઓમાં ખોટી પડતી જણાય છે. અલગ અલગ સંદર્ભોવાળી અલગ અલગ પરિસ્થિતિઓમાં માણસ બીનતર્કસંગત અને નિસ્વાર્થી બનતો જોવા મળે છે. એ બીજાંઓના દુઃખદર્દ ઓછાં કરવામાં કોઈ જ જાતના સ્વાર્થ વગર જ લાગી પડે છે અજાણ્યાઓનાં આનંદમાં તેને બહુ સુખ મળે છે.

અમેરિકાની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નોને કાયદેસરતા બક્ષી ત્યારે કે્ટલાંય, સમલૈંગિક તેમજ વિષમલૈંગિક, ભારતીયોએ પણ ખુશી મનાવી હતી. ફેસબુક અપર આ ખુશી ઝડપભેર પ્રસરી ગઈ હતી, કેટલાંય વપરાશકારોએ તેમનાં ડીપી પર રેઈનબો ફિલ્ટર લગાવીને પોતાનો ટેકો દર્શાવ્યો. દૂરસુદુરના દેશમાં જ્યારે પોતે સ્વપ્નોમાં પણ ન કલ્પ્યું હોય એવું કોઈને કંઇ મળી જાય ત્યારે આનંદ વ્યક્ત બહુ ઓછાં લોકો કરતાં હોય છે. કદાચ એ તેમને માટે એ આશાને જીવંત રાખતું એક કિરણ છે, કે કદાચ ક્યારેક આપણા દેશની સર્વોચ્ચ અદાલત પણ સમલૈંગિક લોકોના માનવ હક્કોને સ્વીકારશે. જેમને પેઢીઓથી પોતાનાં ગામનાં મંદિરમાં પ્રવેશ નથી મળ્યો એવાં દલિતની પણ એ આશાનું કિરણ હોઈ શકે છે જ્યારે ભારતના અન્ય ભાગોમાં એ બીજાંઓને બીના રોકટોક પ્રવેશ મળવાના સમાચાર જાણે છે.

એવી જ આશા કદાચ ઘણાં અમેરિકનોના મનમાં પણ જાગતી હશે જ્યારે તેઓ ભારત, કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં સ્ત્રીને પ્રધાનમંત્રી તરીકે જૂએ છે. તેમને જરૂર એમ થતું હશે કે આપણે ત્યાં પણ આ શક્ય તો છે.

પોતાની આવી પ્રતિક્રિયાઓ માટે તેમનાં મિત્રો તરફથી હાંસી ઉડાવાશે એવી તૈયારી તો ઘણાં લોકોની હોય છે. પરંતુ જ્યારે તેમને ડંખીલાં, ઝેરીલાં, કે સમલૈંગિકો પ્રત્યે ધિક્કાર દર્શાવતાં બાણો સમી ટીકાઓ સાંભળવા મળવા લાગી ત્યારે તો તેમને પણ આંચકો લાગ્યો. ખાસ તો જ્યારે એ ટીકાઓ એવાં ગર્વિષ્ઠ હિંદુ મિત્રો તરફથી હતી જે લોકોને પોતાના અહિંસક, બિન-સંસ્થાનવાદી વારસા માટે ગર્વ છે !

જ્યારે બારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને પુનઃગુન્હો ગણવાનું ઠરાવ્યું ત્યારે જે સહાનુભૂતિનો મોજું આવ્યું તેમાં આટલો બધો દ્વેષ ન હતો; જોકે એ નિર્ણયને કારણે બ્રિટનનાં ઘણાં પૂર્વસંસ્થાનોમાં નિરાશા થઈ આવી હતી કેમકે ભારતને તેઓ બૌદ્ધિક આશાનું માર્ગદર્શક ગણે છે. ખરી વિપદાના સમયે હોય છે તેમ એ સમયે ઘણાં ટેકેદારો પણ હતાં. પરંતુ તે પૈકીનાં ઘણાંને આ વર્ચ્યુઅલ સ્પેસમાં જે કલ્પિત આનંદનો દેખાડો થઈ રહ્યો હતો તે સ્વીકાર્ય નહોતો. તેને કારણે તેઓ એટલાં વ્યાકુળ થઈ ગયાં હતાં, ગભરાઈ ગયાં હતાં કે એ બાલિશ ખુશીની સામે તેઓ ચર્ચામાં નીકળી પડ્યાં. તેમનું કહેવું હતું કે આ કરતાં બીજા 'ઘણા વધારે' અગત્યના મુદ્દાઓ પણ છે. એ લોકોએ 'લગ્ન'ના એ પ્રકાર વિશે મુદ્દો ઉઠાવ્યો. તેમણે અમેરિકા હજુ પણ રંગભેદને ભુલી નથી શક્યું તેમ પણ કહ્યું. તેમણે સમલૈંગિકોનાં પક્ષમાં બોલવાનો દેખાડો કરી ને (pink-washing) રાજ્યના સામ્રાજ્યવાદી ઇરાદાઓ છુપાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. આમ જુઓ તો આવું કંઈ જ કરવાની જરૂર નહોતી. પોતાના ડીપી પરનાં પ્રોફાઈલ ચિત્ર પર મેઘધનુષી ફિલ્ટર લગાડીને કૉઇ કોઇને નુકસાન નહોતું પહોંચાડી રહ્યું. પણ હા, તેને કારણે અંદર સંતાયેલ દૈત્યો બહાર ખુલ્લાં જરૂર પડી ગયાં.

ઘણાં એવાં પણ છે જે નાસીપાસ લોકોને કોઈ ટેકો મળે તે સ્વીકારી નથી શકતાં. એટલે તેઓ વચ્ચેનો માર્ગ પસંદ કરે. જ્યારે સ્ત્રીઓ પર બાળાત્કાર થાય ત્યારે એ લોકો મોરચો કાઢવા નીકળી પડશે, પણ જ્યારે સ્ત્રીઓને વધારે હક્કો મળશે ત્યારે એ જ લોકો ગુસ્સો કરશે. એ લોકો અસ્પૃશ્યતાનો વિરોધ કરશે, પરંતુ શિક્ષણના હક્કના કાયદાની રૂએ મળતાં લાભો તેમને કઠશે. તમારાં આસુ લુછવા તેઓ આવશે પણ તમારાં એક સ્મિત ખાતર પોતાની પુંછડી બાળવા નહીં નીકળી પડે. કદાચ એ જ તો તર્કસંગતતા છે, નહીં?

  • મિડ-ડેમાં ૫ જુલાઈ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Your smile, my tail નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો