બુધવાર, 10 નવેમ્બર, 2021

બધા ધર્મોનું વૈવિધ્ય - દેવદત્ત પટ્ટનાઈક

એક તરફ હિંદુઓ તેમનાં વૈવિધ્ય માટે ગૌરવ અનુભવે છે તો ઘણા હિંદુ નેતાઓને હિંદુ ધર્મમાંનું વૈવિધ્ય અસુખ કરે છે, કેમકે જે લોકોને રાજદ્વારી લાભ લેવા છે તેમને એ વૈવિધ્ય એકજૂટ મોરચો તૈયાર કરવામાં અવરોધ જણાય છે. જોકે વાસ્તવમાં વૈવિધ્યનો અર્થ 'ભાગલા' નથી થતો. એ તો એક જ વિચારબીજની અલગ અલગ રજૂઆત છે. જે ધર્મોમાં ઐક્ય પર ભાર મુકાતો જણાતો હોય છે તેમના સહિત દરેક ધર્મમાં વૈવિધ્ય જોવા મળે છે.

ઈસ્લામનો જ દાખલો લો. એક ઈશ્વર, ભક્તિની એક જ રીત, એક જ પવિત્ર મહિનો, એક માત્ર ધર્મસ્થળનાં દૃષ્ટાંતો વગેરે તેમાં કદાચ ઐકયની ભાવના સહુથી વધારે દર્શાવે છે, અને તો પણ ઇસ્લામ જ અનેક પ્રકાર છે. પયંગંબરના અવસાન પછી પેદા થયેલ મતભેદને કારણે ભાગલા પડ્યા. પયગંબરનો ઉત્તરાધિકારી કોણ બને એ બાબતે સસરા અબુ-બક્ર અને જમાઈ અલી વચ્ચે જ મોટો મતભેદ થયો, જેમાંથી શિયા અને સુન્ની એમ બે પંથ અલગ પડ્યા. આરબો સુન્નીઓની તરફેણમાં રહ્યા તો પર્શિયનો શિયાઓની પડખે રહ્યા. ખનીજ તેલ મળી આવવા પહેલાં, ઇસ્લામના એક મુખ્ય સ્થાપક હોવા છતાં,આરબોની રણમાં વસતી એક પ્રજાતિ સિવાયની કશી જ ઓળખ નહોતી. તેની સરખામણીમાં પર્શિયા પાસે તો નદી કિનારે વસેલી પ્રાચીન સંસ્કૃતિઓ હતી, યહુદી અને ખ્રિસ્તી એમ બન્ને ધર્મો પર ચોક્કસ પ્રભાવકારક જરથુષ્ટ્ર ધર્મનું એ જન્મ સ્થાન હતું. સારાં અને નરસાં વચ્ચે યુદ્ધનું વિચારબીજ પણ વિશ્વને આપવાનું શ્રેય કદાચ તેને ફાળે જ ગણાય. એ ભવ્ય સ્થાપત્યો, સંગીત કે ચિત્રકળાની ભૂમિ હતી. પવિત્ર વ્યક્તિઓની દરગાહને ભક્તિસ્થળ પ્રસ્થાપિત કરવાની પરંપરા પણ તેને ફાળે જ ગણાય છે. પર્શિયન અસરને કારણે તેમને લગભગ ઈશ્વર સમાન દરજ્જો પણ મળ્યો. આજે ખનીજ તેલની સમૃદ્ધિએ પવિત્ર મહિનાને ફારસી 'રમઝાન' ને બદલે અરબી ભાષાના 'રમાદાન' તરીકે અને ફારસી ભાષાના 'ખુદા'ને બદલે અરબી ભાષાના 'અલ્લાહ' કહેવાનું ચલણ લોકોમાં વધ્યું છે.

ઇન્ટરનેટ પર આદુ ખાઈને બદબોઇ કરનારાઓ (Internet trolls) મોટા ભાગે એ ભૂલે છે કે એક જ ખ્રિસ્તી ધર્મ કે રીતરસમ જેવું પણ કંઈ, ખરેખર, છે નહીં.

પોપનાં નેતૃત્ત્વવાળું, રોમન કેથોલિક ચર્ચ,મધર મેરીની ભક્તિ કરે છે તો આખી દુનિયામાં પ્રોટેસ્ટંટ પંથ, ઈશુની પ્રાર્થના કરે છે. અમેરિકાના ટેલિપ્રચારકો(televangelists) પ્રોટેસ્ટંટ પંથીઓ છે. એ લોકો માર્કેટીંગ કરવાના માહિર છે. ઈસ્લામની જેમ, ખ્રિસ્તી ધર્મમાંનાં વૈવિધ્યમાં રાજકારણની પણ ભૂમિકા મહત્ત્વની રહી છે. તે ઉપરાંત હજુ, ગ્રીક રૂઢિચુસ્ત ચર્ચ અને રશિયાનું રૂઢિવાદી ચર્ચ તો છે જ. તે રોમ સામ્રાજ્યના પૂર્વાર્ધનાં પતન પછી પાંગર્યું. રોમ સામ્રાજ્યનાં પશ્ચિમાર્ધની પસંદ રોમન કેથોલિક ચર્ચ હતું. એટલે વેટિકનની ઘણી પ્રણાલીઓનાં મૂળ પ્રાચીન રોમ (સંસ્કૃતિ)માં જોવા મળે છે. વળી હજુ તો ઈંગ્લાંડનું એંગ્લિક્ન ચર્ચ પણ છે, જેનો સંબંધ તો રોમન કેથોલિક ચર્ચ સાથે છે, પણ પુરેપુરી રીતે નહીં; તેના અગ્રણી, પોપ નહીં પણ ઈંગ્લંડના સમ્રાટ છે; તેના અગ્રણીઓ લગ્ન કરે છે અને પોપને જે સ્વીકાર્ય નથી તેવું સ્ત્રીઓનું પાદરી બનવું તેમને મહદ અંશે સ્વીકાર્ય છે.

ઈશ્વર કે ધર્મગુરૂઓ સિવાય પણ એક ધર્મની જેમ ચાલતા બિનસંપ્રદાયવાદમાં પણ વૈવિધ્ય છે. યુરોપ અને અમેરિકાનો બિનસંપ્રદાયવાદ નિષેધને અનુસરે છે તો ભારતમાં તે સમાવેશને અનુસરે છે. વળી ડાબેરીઓનો ઈશ્વર-વિહિન બિનસંપ્રદાયવાદ છે તો જમણેરીઓનો ધર્મ તરફી બિનસંપ્રદાયવાદ છે.

દરેક સફળ ધર્મમાં એક તરફ એવી તાકાત છે જે એકતા પેદા કરે છે તો સામે એવી પ્રતિ-તાકાત છે જે વૈવિધ્ય પેદા કરે છે. આને કારણે વિચારબીજોનું ગતિશીલ મંથન થાય છે. શુદ્ધાચારવાદીઓ ભલે એમ કહે કે રીત કે માર્ગ તો એક જ હોય, પરંતુ કુદરત તેમ કદી પણ થવા નહીં દે. માનવ વિચારબીજને જીવંત જ વૈવિધ્ય રાખે છે.

  • મિડ-ડેમાં ૧૨ જુલાઈ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમપરના અસલ અંગ્રેજી લેખDiversity of all religionsનો અનુવાદ : વૈશ્વિક પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો