બુધવાર, 15 ડિસેમ્બર, 2021

મારો દેશ જમણેરી કે ડાબેરી (૧૯૪૦) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

(‘My Country Right or Left’ના અનુવાદના પહેલા આંશિક અંકમાં જ્યોર્જ ઑર્વેલે "ડાબેરી કે જમણેરી'ની શું વાત તેઓ કહેવા માગે છે તે માટેની પૂર્વભૂમિકાએ આપણામાં આગળ તેઓ શું કહેશે તે જાણવાની ઉત્સુકતા તો સારી પેઠે જગાવી દીધી હતી.

અનુવાદના બીજા આંશિક અંકમાં એ ઉત્સુકતા જલદી શમે તેમ નથી જણાતું. આ અંકમાં કિશોરાવસ્થામાંથી યૌવન ભણી વધતા જ્યોર્જ ઑર્વેલ પર પહેલાં વિશ્વયુદ્ધની કેવી અસરો પડી તે વિશે તેઓ આપણને અવગત કરે છે.

+                      +                      +                      +

યુદ્ધ ફાટી નીકળ્યાની મને ત્રણ તાદૃશ યાદો છે. જોકે એ બધી એટલી સામાન્ય અને અપ્રસ્તુત છે કે પછીથી જે કંઈ બન્યું તેની આ યાદો પર જરા સરખી પણ અસર નથી પડી. એમાંની એક યાદ 'જર્મન શહેનશાહ'નાં કાર્ટુનની છે, જે જુલાઈના અંતમાં જોવા મળવા લાગેલ. (મારૂં માનવું છે કે બહુ વખોડાયેલ ઉદ્‍બોધન 'કૈસર' હજુ થોડા વધારે સમય પછી પ્રચલિત થયું હતું.) લોકો પર તેમની 'આમ તો એ બહુ દેખાવડાછે, હેં ને' એવી જે છાપ હતી તેને કારણે આ કાર્ટુનને કારણે, આપણે યુદ્ધને ઊંબરે આવી ગયા હતા તો પણ, ધક્કો લાગતો હતો. બીજી યાદ એ સમયની છે જ્યારે લશ્કરે કસ્બાનાં અમારાં નાનાં શહેરના બધા જ ઘોડાઓને કબજે કરી લીધા હતા. એ સમયે જે ઘોડાએ તેની સાથે વર્ષો સુધી સેવા આપેલી તેને લઈ જતા હતા ત્યારે ઘોડાગાડીવાળો બજાર વચ્ચે,ચોધાર આંસુ વહેવરાવવા લાગેલો. ત્રીજી યાદ યુવાનોનાં એ ટોળાંની છે જેઓ સાંજની ટ્રેનમાં લંડનથી આવેલ અખબાર માટે ઘાંઘા થતા. ફ્રાંસના સીમાડાઓ પર એ સમયે ખેલાઈ રહેલાં કેટલાંય ઘમસાણ યુધ્ધોનાં નામો યાદ રહેવાને બદલે મને તે વખતે નાસપાતી જેવા લીલા રંગના કાગળોમાં આવતાં અખબારોની થપ્પીઓ, ઊંચા કૉલરો, ચુસ્ત પડતી જણાતી પેન્ટો, અને બાઉલર હેટોની વધારે સારી યાદો કોતરાઈ ગઈ છે.

યુદ્ધનાં વચ્ચેનાં વર્ષો વિશે તો મને માત્ર, આગળ ધપવાની તૈયારી કરી સીધા સટાક ખેંચાયેલા ખભાઓ, ચસચસતી પીંડીઓ અને તોચીઓના બુટની એડીઓ પર લાગેલી ચકરડીઓનો રણકાર યાદ હતાં. મને પાયદળ કરતાં તોપખાનાંનો ગણવેશ આમ પણ વધારે ગમતો. મને શું યાદ છે તેની છેલ્લાં વર્ષોની વાત કરીએ તો મારો સીધો જવાબ - વનસ્પતિ તેલમાંથી બનાવેલું માખણ - માર્જરિન છે. બાળકોના સ્વાર્થનું આ કડવું ઉદાહરણ છે પણ એ હકીકત છે કે ૧૯૧૭ સુધીમાં અમને પેટની ભૂખ સિવાય યુદ્ધ જોડે કંઈ લેવા દેવા નહોતી જણાતી. અમારી શાળાનાં પુસ્તકાલયમાં પશ્ચિમી મોરચાનો એક મોટો નકશો ભરાવેલો રહેતો જેના પર લાલ રેશમી દોરો ટાંકણીઓ વડે ખેંચાઈને આડોતેડો પથરાયેલો જોવા મળતો. ક્યારેક એ દોરો અડધોએક ઈંચ આમ કે પા ઈંચ તેમ આગળ પાછળ થતો. એ દરેક હિલચાલનો અર્થ હતો મુડદાંઓનો ઢગલો. હું તેના તરફ ધ્યાન ન આપતો. હું શાળામાં સરેરાશ બુદ્ધિનાં સ્તરથી ઉપરનાં વિદ્યાર્થીઓમાં હતો, તેમ છતાં મને એ સમયે ખરેખર મહત્ત્વની એવી કોઈ નોંધપાત્ર ઘટના યાદ નથી. જેમના માબાપોએ રશિયામાં પૈસાનાં રોકાણો કર્યાં હતાં એમના સિવાય બીજાં કોઈ પર રશિયાની ક્રાંતિની કંઈ અસર જણાતી નહીં. યુવા વર્ગમાં યુધ્ધ પુરું થવાના બહુ પહેલાં જ શાંતિવાદી પ્રતિક્રિયા ઘર કરી ગઈ હતી. ઑફિસર્સ' ટ્રેનિંગ કૉર (Officers' Training Corps - OTC-)ની પરેડમાં હિંમત હોય એટલી ઢીલાશ બતાવવી કે લડાઈમાં કંઈ જ રસ ન લેવો એ સ્પષ્ટ સમજદારીની નિશાની મનાતાં. પોતાના અનુભવોથી કઠોર બનેલા, અને યુવા પેઢીને આ અનુભવોનું કંઈ જ મહત્ત્વ ન હોવાથી નારાજગી અનુભવતા, યુદ્ધમાંથી પાછા આવેલા યુવાન અફસરો અમને અમારી નરમાશ માટે ભાષણો કરતા. જોકે અમને ગળે ઉતરે એવી એક પણ દલીલ તેઓ ન કરી શકતા. લડાઈ 'સારી વસ્તુ છે', ‘એ તમને મરદ બનાવે છે','ચુસ્ત બનાવે છે' એવી એવી દલીલો એ લોકો અમારા પર મોટે મોટેથી કર્યે રાખતા. અમારી ફૂટી રહેલી મુછમાં અમે તેમના પર હસ્યે રાખતા. શક્તિશાળી નૌકાદળથી સુરક્ષિત દેશનાં યુવાનોમાં હોય એવો અજબ અમારો શાંતિવાદ હતો. બંદુકના નાળચામાંથી કઈ બાજુથી ગોળી ફૂટે એટલી પણ સમજ હોવી કે લશ્કરી બાબતોમાં રસ હોવો એ યુદ્ધનાં કેટલાંય વર્ષો પછી પણ 'પ્રબુદ્ધ' વર્તુળોમાં શંકાની નજરે જોવાતું. ૧૯૧૪-૧૮ નો સમય અર્થવિહિન માનવ હત્યાકાંડ તરીકે એટલી હદે માડી વળાતો કે જે લોકો માર્યા ગયા હતા તે જ અમુક અંશે એ હત્યાકાંડ માટે જવાબદાર મનાતા હતા. ભરતી માટેનું 'ડેડી, મહા યુદ્ધમાં તમે શું કર્યું હતું?' - એક બાળક પોતાના, શરમિંદા બનતા, પિતાને આ સવાલ પૂછે છે- એ પોસ્ટર જોઈને જેટલાં પણ લોકો લશ્કરમાં જોડાવા લલચાયાં હશે અને પછી પોતાની વિવેકબુદ્ધિ વાપરીને લશ્કરમાં જોડાવાની ના ન પાડી શકનાર તરીકે એનાં સંતાન દ્વારા વખોડાયેલ હશે એ બધા લોકોને યાદ કરીને મને હસવું આવે છે.

+                      +                      +                      +

પહેલાં વિશ્વયુદ્ધની તો જ્યોર્જ ઑર્વેલ પર કોઈ પણ અસર એવી નથી જણાતી જેને કારણે તેમના ડાબેરી કે જમણેરી વિચાર્ધારાન અપક્ષન અકે વિરોધના વિચારો ઘડાવામાં કંઈ યોગદાન થયું હોય એમ તો જણાતું નથી.

તો હવે પછી એવું શું થયું હશે કે 'પરિવર્તન સિવાય કંઈ જ સ્થાયી નથી' એવા નાટ્યાત્મક અને મહત્ત્વના ફેરફારો સિવાય દેશને બચાવી ન શકાય એવા આ લેખના કેન્દ્રવર્તી વિચારનું ઘડતર લેખકનામા મનમાં થયુ હશે?

કદાચ ત્રીજા આંશિક અનુવાદમાં કોઈ કડી હશે!

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, My Country Right or Leftનો આંશિક અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો