બુધવાર, 22 ડિસેમ્બર, 2021

દલીલ - જ્ઞાનાત્મક હિંસાનાં સ્વરૂપે - દેવદત્ત પટ્ટનાઈક

લોકો દલીલમાં શા માટે ઉતરી પડતાં હશે એ હું જ્યારે વિચારૂં છું ત્યારે મને તેનાં મૂળ એકેશ્વરવાદમાં દેખાય છે. આજની તાર્કીક નિરિશ્વરવાદી પુરાણવિદ્યામાં, આનો અર્થ એ થાય કે સત્ય એક છે, અને માત્ર એક જ હોઈ શકે. આપણે જેવાં આ માન્યતાને વશ થઈએ છીએ તેવાં લડવા મંડી પડીએ છીએ, જે શાબ્દિક સ્વરૂપની  દલીલોથી લઈને રણમેદાનની લડાઈઓ સુધી વિસ્તરી શકે છે.

પ્રાચીન સમયમાં, મેસોપોટેમિઆમાં 'શહેરના દેવ'નો વિચાર  અલગ અલગ જાતિઓ અને કબીલાઓમાં વહેંચાઈને એક શહેરમાં વસતાં લોકોને એક કરવા માટે હતો. જ્યારે એક શહેર બીજાં શહેર સાથે લડાઈમાં ઉતરી પડતું, ત્યારે 'શહેરના દેવ'નું પ્રતિનિધિત્વ કરતા એ 'શહેરના રાજા'ઓ વચ્ચે યુધ્ધ થયેલું ગણાતું.

વિજેતા દેવતા ક્યાં તો હારેલા દેવતાનો ભાંગીને ભૂકો કરી નાંખે, કે પછી તેને પોતાનાં મંદિરમાં ગૌણ સ્થાને બેસાડી દે. આમ મંદિરો એક અધિપતિ દેવતાની નીચે બીજા અનેક પ્રકારના અનુચર દેવતાઓથી ભરેલાં રહેતાં. એ પછી એક તબક્કે મેસોપોટેમિયાના આ બધા દેવતાઓને પર્સીયાના પ્રકટ થયેલા ઝોરાસ્ટર કે ઈજિપ્તના મોસેઝ કે જુડિઆના જિસસ કે અરેબીઆના મુહમ્મદ જેવા નિરાકાર દેવો પરાજિત કરી ગયા. છેવટે, તાર્કિકતાના ઉદય થવાની સાથે' 'શહેરી દેવ'ને સ્થાને'રાષ્ટ્ર રાજ્ય'ની ભાવનાએ સ્થાન લીધું અને માત્ર ભક્તિને બદલે હવે રાષ્ટ્રપ્રેમે એ જ જુસ્સા અને તીવ્ર ઉત્સાહભર્યું સ્થાન લઇ લીધું.

'તાર્કિક' સમયમાં આજે જ્યારે યુદ્ધોને નાકનાં ટીચકાં ચડાવીને જોવામાં આવે છે ત્યારે વિદ્વાનોએ જ્ઞાનાત્મક હિંસા જેવા બીજા પ્રકારની હિંસાને લોકોમાં પ્રચલિત કરવાનો ઝંડો ઉપાડી લીધો છે. આ  લડાઈ તત્ત્વતઃ તો 'સત્ય'ની ખોજ માટેના વિચારોની લડાઈ છે. બૌદ્ધિક વિકાસની શરૂઆત 'દલીલો'થી જ થઈ શકે એવા ખયાલથી તેની શરૂઆત થઈ હતી. એટલે જુના વિચારોની જગ્યાએ લડી ઝઘડીને દલીલોથી નવા વિચારો પ્રતિપાદિત કરાતા હતા. તેને 'શબ્દો જ શસ્ત્રો છે'એવા તત્ત્વજ્ઞાનીના માર્ગ તરીકે ઓળખવામાં આવેલ.

'ચર્ચા'એ મનને વશ કરવાનું તો એક શસ્ત્ર માત્ર છે. યુનિવર્સિટીઓમાં પોતાના 'સંશોધન નિબંધ'નો બચાવ કરવા માટે પુરાવાઓ અને બયાનોથી ભરપૂર 'દલીલો રજૂ' કરાય છે. છેવટે આપણે પેટન્ટ અને બૌદ્ધિક સંપત્તિ હક્કો જેવા 'જ્ઞાનાત્મક વાડા' ઊભા કરીએ છીએ કેમકે એક તરફ તે અહંકારની ઉગ્ર ઉત્તેજનાને અને બીજી તરફ વાણિજ્યને પોષે છે.

વિદ્વતાને બદલે વિદ્વાન, તેના હસ્તાક્ષર, તેનો સ્વીકાર વધારે મહત્ત્વનાં બની જાય છે. લોકો જુસ્સાથી દલીલો કરે છે કે એ તો નૈતિક રીતે ઉચિત જ છે.  પરંતુ સાથે  સાથે તે જુદા જુદા મતોના પંથની વર્તણૂકોને પોષે છે. તો વળી કેટલાંકને દલીલો કરવી એટલે ગમે છે કે તેનાથી આધિપત્ય જમાવવાની તેમની પાશવી વૃતિ અને, અલબત્ત અહિંસક રીતે પણ,  ઉલ્લંઘન કરવાની વિકૃત માનવ વાસના સંતોષાય છે.

એક સારો વૈજ્ઞાનિક જાણે છે કે વિજ્ઞાનને ક્યારે પણ ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં ન જોવું જોઈએ કેમકે વિજ્ઞાન સત્યની નહીં પણ હકીકતોની ખોજ છે. હકીકતો માટેની ખોજને કારણે અનંત અને સતત વિકસતાં રહેતાં, અને એટલે ક્યારે પણ અગતિક ન રહેતાં, વિશ્વને વધારે સારી રીતે સમજવું શક્ય બને છે.

રાજકારણ કે અર્થશાસ્ત્રમાં એક જ સત્યને ખોજતા કે એ માટે દલીલો કરતા તર્કવાદીઓ કે ઉદારમતવાદીઓ અને મિશનરીઓ કે સેલ્સમેનમં કોઈ તફાવ્ત જ નથી. યાદદાસ્તો અનેક સ્વરૂપોમાં હોય છે, પણ ઇતિહાસ તો 'એક'નો જ આગ્રહ રાખે છે. દલીલ કરતી વખતે આપણે સામેવાળાનાં મંતવ્યોને 'અતાર્કિક' કહીને કચડી નાખીએ છીએ. અતર્કવાદને આપણે પાપ અને પ્રદુષણ બરાબર  ખપાવી દીધેલ છે. પોતાની વાતમાં જો કદાચ કોઈ સ્પષ્ટ રજૂઆતની આવડત ન ધરાવતું હોય કે તે થોડું આક્રમક ન હોય કે કૃતનિશ્ચયી અને અડગ ન હોય તો દલીલોમાં એ હદે  હારી જાય અને તેને એટલું નીચાજોણું લાગે કે જાણે પોતાનાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ ઉતરડી કાઢવામાં આવેલ હોય અને પછી તેના પર 'જ્ઞાનાત્મક દુષ્કર્મ' આચરવામાં આવેલ હોય. વિજયી દલીલબાજો એવી ધનભાગ્ય પરિસ્થિતિની મજાનો ઉત્સવ મનાવતાં ફરે.

પ્રાચીન સમયમાં લોકોને ગ્લેડીએટરનો ખેલ બહુ પસંદ પડતો. માતેલા સાંઢ કે કુકડાઓની વચ્ચેની લડાઈને પસંદ કરનારો એક વર્ગ હંમેશાં રહ્યો છે, પણ હવે હિંસાને મહત્વ આપવું સારૂં નથી ગણાતું, એટલે આપણે ટીવી પરની 'ચર્ચાઓ' જોઈને આપણું મન બહેલાવી લઈએ છીએ. પરંતુ આપણે એ ભુલી જઈએ છીએ કે દલીલોને પેલે પાર પણ એક દુનિયા છે. ઉપનિશદોમાં તેને સં-વાદ, વિચારવિમર્શ કે ચર્ચાવિચારણા કહેલ છે. તે વિ-વાદ કે વાદવિવાદથી તદ્દન સામેને છેડે છે. વિવાદ એ પછીથી થયેલા વેદિક વિદ્વાનો દ્વારા અન્ય વિચારધારાઓ પર દિગ‍-વિજય મેળવવાનું શસ્ત્ર હતું. વાદ વિવાદમાં એક વિચારધારા (સત્ય !)નું પ્રભુત્વ છવાય છે,; અન્ય વિચારધારાને એક બાજુ ખસેડાઈ દેવાય છે, ખડન થાય છે. વિચારવિમર્શમાં, વિવિધ વિચારધારાઓ (સત્યો) અને તેમનાં અસ્ત્તિત્વ અને સ્થાનને સ્વીકારવા માટેનો વિવેક અને સાધનદક્ષતા  પ્રવર્તે છે. બેમાંથી શું પસંદ કરવું એ તમારે નક્કી કરવાનું છે. 

  • મિડ ડેમાં ૨૬ જુલાઈ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખArgument as cognitive violenceનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો