બુધવાર, 29 ડિસેમ્બર, 2021

કામ ગૌરવપ્રદ કેમ બની શકે ?

 રૉય બહાત,બ્રીન ફ્રીડમેન | ટી ઈ ડી સૅલોન : ઝીબ્રા ટેક્નોલોજિસ | નવેમ્બર ૨૦૧૮

ઓક્ટોબર ૨૦૨૧ના ગુણવત્તા બ્લૉગોત્સવના અંકમાં આર્થર સી ક્લાર્કનાં પુસ્તક ભવિષ્યનાં રેખાચિત્રોનાં એક પ્રકરણ 'અંતર વિનાનું વિશ્વ' વિષય સંદર્ભમાં રૉય બહાતની ,બ્રીન ફ્રીડમેન સાથેની ચર્ચાના ટીઈડી.કૉમ પરના વિડિયો - How do we find dignity at work?- નો ઉલ્લેખ કરાયો હતો..

આજે એ વ્યક્તવ્ય[1]નો વધારે વિગતે તત્ત્વાનુવાદ રજૂ કરેલ છે.

+          +          +

રૉય બહાત વ્યવસાયે વેન્ચર કેપિટાલીસ્ટ છે. એ સંદર્ભ તેઓ મશીન ઈન્ટેલિજન્સ (યંત્ર પ્રજ્ઞા)ને લગતાં કામનાં ભવિષ્ય સાથે સંકળાયેલાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણો કરે છે. અત્યારના તબક્કે, મોટા ભાગે, એ બધી એવી કંપનીઓ હોય છે જેમાં કૃત્રિમ પ્રજ્ઞા (AI) જેવી નવી ટેક્નોલોજિઓ જુદા જુદા વ્યવસાયોમાં કામને વધારે ઉત્પાદક બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરતી હોય. એ વિષયે રૉય બહાતને ચિંતા પણ થાય છે કે કૃત્રિમ પ્રજ્ઞાને કારણે લોકો સાવ જ તો કામ ખોઈ નથી રહ્યં ને ? કે પછી, કામ બચે તો પણ આ પરિવર્તનોને કારણે એ કામ સંતોષજનક બની રહેશે ખરાં?

આ સવાલોએ રૉય બહાતને આપણે કામ શા માટે કરીએ છીએ, કામ કરવા માટે આપણી પ્રેરણા શું છે જેવા સવાલોના જ્વાબોની ખોજની બે વર્ષની સંશોધન યાત્રાએ મોકલી આપ્યા. ટીઈડીનાં સંપાદક નિયામક બ્રીન ફ્રીડમેન સાથેની પ્રસ્તુત ચર્ચામાં રૉય બહાત તેઓ જે નિષ્કર્ષ પર પહોંચ્યા તેની વાત કરવાની સાથે સાથે તેમને સાંપડેલા કેટલાંક આશ્ચર્યકારક સૂક્ષ્મદૃષ્ટિ પ્રશ્નો પણ આપણી સમક્ષ રજુ કરે છે. આ પ્રશ્નો કામનાં ભવિષ્યની હવે પછીની બધી જ ચર્ચાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

+          +          +

કામનાં ભવિષ્ય પર ભાર મુકીને સ્ટાર્ટ-અપ્સમાં નિવેશક તરીકે અમારૂં ફંડ બહુ પહેલેથી જ નક્કી કરી ચુક્યું હતું કે કૃત્રિમ પ્રજ્ઞા (artificial intelligence) આપણો કેન્દ્રવર્તી વિષય રહેશે. સવારે જ્યારે ઊઠો ત્યારે ચાપાંઓમાં મથાળાંઓ જોરશોરથી કહેતાં દેખાય કે, રોબોટ્સ આવી રહ્યા છે, અને તેઓ બધાં આપણી નોકરી ધંધા છીનવી જશે.', મારૂં મન તરત જ વિચારવા લાગે કે, 'માર્યા ઠાર ! આ તો આપણી જ વાત છે. આપણે જ આ માટે કારણભૂત છીએ.' પરંતુ પછી વિચાર આવે કે, ' એક મિનિટ, જો આમ જ ચાલતું રહેશે આપણે જેમાં રોકાણો કરીએ છીએ એ સ્ટાર્ટ-અપ્સ પણ મુશ્કેલીમાં આવી પડશે કેમ કે તેઓ જે કંઈ બનાવી રહ્યાં છે તે ખરીદનારાં લોકો પાસે જ નોકરી ધંધા નહીં હોય. એનો અર્થ એક આખું અર્થતંત્ર, અને પછી સમાજ પણ, જોખમમાં આવી પડશે.'

અને આજે હું જ એ વ્યક્તિ છું જે અહીં તમને જણાવી રહ્યો છું કે 'બધું બરાબર થઈ રહેશે. જુઓ એટીએમ મશીન આવ્યા પછી, વર્ષો બાદ પણ બેંકોમાં કેશિયરોની સંખ્યા તો વધી જ છે ને!' એક રીતે તો વાત ખોટી નથી, અને તેમ છતાં,જ્યારે જ્યારે હું વિચારૂં છું કે,   પ્રક્રિયાને પ્રવેગ મળશે, તે વખતે શક્ય છે કે કેન્દ્ર તેનું સ્થાન જાળવી ન રાખી શકે. એટલું બધું નવું નવું થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે કોઈને તો આ વાતનો જવાબ ખબર હશે. મેં બધાં જ પુસ્તકો વાંચી કાઢ્યાં, કંઈ કેટલી ય ચર્ચાસભાઓમાં હાજરીઓ આપી. એક તબક્કે અમે કામનાં ભવિષ્યનો અભ્યાસ કરવા માટે ૧૦૦થી વધુ પ્રયાસો ચાલી રહ્યા છે તેમ ગણ્યું. તેમ છતાં સરવાળે અનુભવ નિરાશાજનક જણાવા લાગ્યો કેમકે એકને એક જ વાત ચારે તરફ અફળાતી હતી: "રોબોટ્સ આવી રહ્યા છે." તો વળી કોઈક બીજું કહેતું હોય કે, 'ખેર, અંતે વાત તો તમારૂં કામ કેટલું અર્થપૂર્ણ છે તે જ રહે છે.' બસ, પછી ખભો ઉલાળે અને પીણાં તરફ જતાં રહે.  એવું લાગે કે જાણે જાપાનની પરંપરાગત કાબુકી શૈલીનાં નાટકનું મંચન થઈ રહ્યું છે જેમાં કોઈ કોઈ સાથે વાત ન કરતું હોય.

બીજી એક બાત મારા ધ્યાન પર આવી છે કે ટેક્નોલોજિ વિશ્વમાં કામ કરતાં ઘણાં લોકો અને નીતિ ઘડવૈયાઓ વચ્ચે આપસી સંવાદ નથી. એટલે, અમે એક નિષ્પક્ષ વૈચારિક સમુહ તરીકે કામ કરતી એનજીઓ સંસ્થા ન્યુ અમેરિકાને બાબતનો અભ્યાસ કરવાનું સોંપ્યું. તે માટે અમે કૃત્રિમ  પ્રજ્ઞા વિશ્વના ત્ઝાર, વિડિયો ગેમના ડીઝાઈનકર્તા, તળ રૂઢિવાદી અને વૉલ સ્ટ્રીટ નિવેશક અને સમાજવાદી સામયિકના તંત્રીને એક કક્ષમાં ભેગા કર્યા, કે જેથી નક્કી થઈ શકે કે બાબતે શું થશે અને શું કરી શકાય.

લોકોની સમક્ષ અમે એક સીધો સાદો સવાલ મુક્યો, કે કામ પર ટેક્નોલોજિની અસર શું થશે? અમે દસથી વીસ વર્ષ પછીની સ્થિતિ પર વિચાર કરવા માગતાં હતાં  કે જેથી ખરેખર શું પરિવર્તન થશે તેનો અંદાજ મેળવી શકાય. અમારી વાત ટેલીટ્રાંસપોર્ટેશન વગેરે પર રહેવાને બદલે એક નિષ્કર્ષ પર પહોંચતી જણાઈ કે આપણને દર વર્ષે સમજાય છે કે ભવિષ્ય વિશે  આગાહી કરવી મુશ્કેલ છે. એટલે આગાહી કરવાનું પડતું મુકીને અમે ભવિષ્યની જુદીજુદી સંભાવનાઓની કલ્પના કરવા લાગ્યાં અને ભાવિ-પરિસ્થિતિ આયોજનના અભ્યાસના પ્રયોગ કર્યા. એકમાં કોઈ નોકરી ધંધો સલામત નથી અને બીજાંમાં બધા નોકરી ધંધા સલામત છે એમ બે વિકલ્પ અમે વિચાર્યા. અમે દરેક ચોક્કસ સંભવિત પરિસ્થિતિઓની છણાવટ કરી.

ચર્ચાનું જે પરિણામ સામે આવ્યું તે અમારા માટે આશ્ચર્યજનક હતું. ભવિષ્ય વિશે વિચારીએ, કે તેમાં શું થઈ શકે તે વિચારીએ, તો સંજોગો ગમે તે થાય, પણ જે જવાબ આવે છે એ તો એનો એ જ રહે છે. દસ કે વીસ વર્ષ પછીનું વિચારવાની વિચિત્રતા તો એ જ રહે છે કે જે કંઇ કરવા જેવું લાગે છે, કે જે કંઇ થશે એવું લાગે છે, તે તો આજે થઈ જ રહ્યું છે.  ટેક્નોલોજિએ સ્વયંસંચાલનને જીંદગીનું અવિભાજ્ય અંગ બનાવી જ લીધું છે, અને ભવિષ્યમાં પણ એમ જ થશે. (સવાલ હવે માત્ર વધારે કે ઓછું એવી માત્રાનો જ રહ્યો છે અને તે પણ સૈદ્ધાંતિક ચર્ચાઓ પુરતો જ કહેવાય.)

હવે જો જે ભવિષ્ય વિશે વિચારવા કરવા બેસીએ છીએ તે જો આજે જ હોય, તો તે અંગે શું કરવું જોઈએ કે શું વિચારવું જોઈએ?

સૌ પહેલાં તો ખરેખર સમસ્યા શું છે તે જ સમજવું જોઈએ. ઉપલબ્ધ માહિતી સામગ્રી જણાવે છે કે અર્થતંત્ર જેમ જેમ વધારે ઉત્પાદક બનતું ગયું,અને દરેક વ્યક્તિ પણ વધારે ઉત્પાદક બનતી ગઈ, તેના પ્રમાણમાં તેમને મળતું મહેનતાણું વધ્યું નથી. લોકોની કામ કરવાની સૌથી વધુ યોગ્ય ઉમરના સંદર્ભમાં જોઇએ તો, કમસે કમ, અમેરિકામાં ૧૯૬૦માં જેટલાં લોકો કામ કરતાં હતાં તેના ત્રીજા ભાગનાં લોકો પાસે અત્યારે કામ છે.

આ અંગે તો અનેક વાતો પણ સાંભળવા મળે છે, જેમકે,

વૉલમાર્ટના કર્ચારીઓ સાથેની વાતચીતમાં મેં કહ્યું, 'આપોઆપ બિલ બનાવતા અને તેની ચુકવણી સ્વીકારતા ભવિષ્યમાં આવી રહેલા 'કેશિયર' વિશે તમારૂં શું માનવું છે?' એ લોકોનો જવાબ બહુ જ સ્પષ્ટ હતો, 'એ તો ત્યારની વાત છે, પણ તમે કેશ રીસાયક્લર વિશે સાંભળળ્યું છે ને? અત્યારે તો એ મશીનો લગાવાઈ રહ્યાં છે. પરિણામે વૉલમાર્ટના દરેક સ્ટોરમાં બે નોકરીઓ જઈ રહી છે.' આટલી અમથી વાતથી જ અમને સમજાઈ ગયું કે આપણે મૂળ સમસ્યા તો હજુ સમજ્યાં જ નથી. એટલે હવે અમે જે કોઇને પણ ઑટોમેશન વિશે અસંતોષ હોઇ શકે  છે તેવાં, મોટા ભાગે  આવી સંવાદ પ્રક્રિયામાં ન આવરી લેવાતાં લોકોને પણ સંવાદમાં જોડવાનું નક્કી કર્યું.–

એ પછીનાં બે વર્ષમાં હું જુદા જુદા દેશોના મોટાં શહેરો, નાનાં શહેરો, દરેક સ્તરના ઉદ્યોગસાહસિકો એમ અનેક અલગ અલગ લોકો સાથે ચર્ચા કરતો રહ્યો છું. મે જેલમાં જઈને કેદીઓને પણ ત્યાંથી છૂટ્યા પછી કેવું કામ તેમને મળશે એ વિશે પુછ્યું. ટ્રક ડાઈવરો સાથે  ધાબાંઓ પર બેઠકો કરી અને તેમને સ્વયંસંચાલિત ટ્રકનાં ભવિષ્ય વિશે પુછ્યું.પોતાના પૂર્ણ સમયનાં કામ ઉપરાંત પોતાનાં જ ઘર કે કુટુંબમાં બહુ જ મોટી ઉમરનાં વડીલોની સેવા સુશ્રુષા કરતાં લોકો સાથે પણ વાત કરી.

આ બધી વાત પરથી બે મુખ્ય બાબતો એકદમ સ્પષ્ટપણે સામે આવી ગઈ.-

પહેલી બાબત તો કે લોકો વધારે પૈસા કમાવાની પાછળ નથી પડતાં જણાતાં, કે રોબોટ્સને કારણે તેમના નોકરી ધંધા જશે તેની બહુ ફિકર કરતાં. તેમને જોઇએ છે વધારે સ્થિરતા, એવી ભાવિ પરિસ્થિતિઓ જેના વિષે કંઈ ચોક્કસપણે કહી શકાય. જે લોકો વર્ષે $ ,૫૦,૦૦૦થી (કે ભારતની વાત કરીએ તો કદાચ રૂ. ૫,૦૦,૦૦૦થી) ઓછું કમાય છે એ લોકો તેમનાં કામ વિશે એવું જણાવતાં જોવા મળે છે કે વધારે પૈસા મળે તે કરતાં તેમને વધારે સ્થિર અને સુરક્ષિત આવક જોઇએ છે. થોડો વિચાર કરીશું તો સમજાશે કે આખી દુનિયામાં, જે લોકો કંઈ જ આજીવિકા નથી રળી રહ્યાં અને જે લોકો આજીવિકા રળી રહ્યાં છે તેમાનાં મોટા ભાગનાંની આવક દર મહિને અલગ અલગ હોય છે, અને તે પણ પાછી અસ્થિર પ્રકારની. અને એટલું સમજતાંવેંત થાય છે કે 'હા હોં, ખરી ગંભીર સમસ્યા તો આ છે.'

બીજી એક વાત તેઓ જે કહી તે અમને સમજતાં વાર તો લાગી હતી તે હતી : તેમને ગૌરવ જોઈએ છે. એ સંદર્ભમાં અમારી ચર્ચાઓમાં વારંવાર 'સ્વાભિમાન'ની ભાવના આવવા લાગી.

પરંતુ, સ્વાભિમાનથી પેટ નથી ભરાતું, સંતાનોનાં શરીરોને કપડાંથી ઢાંકી નથી શકાતાં. તો પછી, આપણી ચર્ચાના સંદર્ભમાં 'સ્વાભિમાન'નો અર્થ શું કરવો? લોકો તો સ્થિર આવક અને આત્મગૌરવ બન્નેને એક સાથે મુકે છે. તો પછી આ બન્ને વચ્ચે શું સંબંધ સમજવો?

આત્મગૌરવથી પેટ ન ભરાય, સ્થિરતા તો પહેલાં આવવી જોઈએ. પરંતુ એક સારા સમાચાર એ છે કે અત્યારે ચાલી રહેલા ઘણા ચર્ચાવિમર્શોમાં આ બાબતના ઉપાયોની પણ વાત થવા લાગી છે. અત્યારે આપણે એ સમયે આવી ઊભાં છીએ કે આ બાબતનો ઉપાય શોધવો એ આજના સમયના સૌથી વિકટ કોયડો છે તે સ્વીકારાઈ રહ્યું છે.

પરંતુ ઘણાં બધાં લોકો સાથે વાત કર્યા પછી મને એવું લાગી રહ્યું છે કે આપણે એવું કંઈક કરી શકીશું તો પણ કદાચ એ પુરતું નહીં હોય. પહેલે પ્રથમ તો એ સમજવું જોઈશે કે લોકોને પોતાનાં કામમાંથી આત્મગૌરવ શી રીતે મળી શકે, જેથી એ લોકો જેવી જીંદગી જીવવા ઇચ્છતાં રહ્યાં છે તેવી જીંદગી તેઓ જીવી શકે. આત્મગૌરવનો ખયાલ … સમજવો અઘરી બાબત છે. ઘણાં લોકો, ખાસ કરીને સમૃદ્ધ, સાધનસંપન્ન લોકો, માટે તે કામનો 'અર્થ' હોવો તે છે, જેમકે 'મારા માટે મરૂં કામ મહત્ત્વનું છે.' કોઈ સર્વેક્ષણ દરમ્યાન પુછવામાં આવે કે તમારા માટે તમારૂં કામ કેટલું મહત્ત્વનું છે?" તો જે લોકો વર્ષે $ ,૫૦,૦૦૦ (ભારતમાં વર્ષે રૂ. ૫,૦૦,૦૦૦) કે તેથી વધુ કમાય છે એ લોકોનું કહેવું હશે કે તેમના માટે મહત્ત્વનું છે કે તેમનું કામ મહત્ત્વનું હોય.

એટલે કે 'અર્થપૂર્ણ ?'

આત્મગૌરવ પણ એટલું જ મહત્ત્વનું છે. અમે કેટલાક ટ્રક ડ્રાઈવરો સાથે વાત કરી હતી. તેઓનું કહેવું કંઈક આ પ્રમાણે હ્તું, 'મેં મારા પિત્રાઈ ભાઈને ટ્રક ચલાવતાં જોયો અને મને પણ એ વ્યવસાયમાં જોડાવાનું મન થયું. એક વાર  ખુલ્લા દોરી માર્ગ પર આવો એટલે તો દુનિયાની વિશાળતા તમારૂં મન ભરી દે.ધીમે ધીમે હું મારા કૉલેજમાં ભણીને નોકરીએ લાગેલા મિત્રો કરતાં વધારે પણ કમાતો થયો.' વાતને અંતે તેણે કહ્યું, "લોકોને તેમનાં ફળો અને તાજાં શાકભાજી દરરોજ સવારે જોઇએ તો ખરાં ને !એમને એ પહોંચાડવા એ મારૂં કામ છે.'

બીજા એક સાથે અમે વાત કરી એ પોતાની નોકરીની સાથે પોતાની દાદીની પણ સંભાળ લેતો હતો. તેની માસિક કમાણી છ આંકડામાં હતી. એક તબક્કે અમે તેને પુછ્યું,'તમારે તમારી દાદીની સંભાળ કેમ લેવી પડે છે? કોઇ યોગ્ય વ્યાવસાયિક પરિચારકને રાખી લો ને?' જવાબમાં તેણે કહ્યું, 'મારાં દાદીને જે ભરોસો મારી પાસેથી મળે છે તે પેલાં વ્યાવસાયિઓકોની સારી સારવારમાં પણ નથી અનુભવાતો.' પોતાની કોઈને જરૂર છે એ વાતનું અહીં મહત્ત્વ હતું.

'આત્મગૌરવ / dignity ' શબ્દનો અભ્યાસ મંત્રમુગ્ધ કરી દઈ શકે છે. અંગ્રેજી શબ્દકોશના સૌથી જુના શબ્દોમાંનો, પ્રાચીન કાળથી પ્રચલિત, એ એક શબ્દ છે. તેના બે અર્થ છે - એક છે આત્મગૌરવ અને બીજો છે જે પ્રસંગોચિત - સમય અને સંજોગોને અનુકૂળ - છે. બીજા શબ્દોમાં કહીએ તો તમે તમારાથી અનેક ઘણાં  વિશાળનો એક હિસ્સો છો, જે વળી વધારે વિશાળ અનંતનો એક ભાગ છે. સાદી ભાષામાં કહીએ તો તમારી જરૂર છે માટે તમારૂં અસ્તિત્ત્વ છે.

તો પછી શિક્ષકો, બીજાં લોકોની સેવા કરનારાં જેવાં લોકો જેમની સમાજને અત્યંત જરૂર છે તેમને ઓછા પગાર મળે છે કે સમાજમાં તેમને ઉચ્ચ સ્થાન નથી મળતું એ બાબત કેમ કરીને સમજાવી શકાય?

ક્દાચ એટલા સારા સમાચર ગણી શકાય કે લોકો હવે ઉચિત સવાલ પુછતા થયા છે. AI ક્ષેત્રમાં રોકણકારો તરીકે સામાન્યતઃ અમને મુખ્ય સંચાલકો કે નિયમક મંડળો પહેલાં એમ પુછતાં કે 'આ (AI) બાબતે અમારે શું કરવું જોઇએ?' કે 'આ ઑટોમેશન દાખલ કરવા શુ કરવું?'. પરંતુ હવે એ લોકોનો પહેલો સવાલ હોય છે -'(લોકોનાં) આત્મ ગૌરવ બાબતે શું કરીશું?' એટલે કે એ લોકો પણ સમજવા લાગ્યાં છે કે કર્મચારીઓને તેમનાં કુટુંબની પરવા છે અને તેમનું કુટુંબ તેમને ઝંખે છે. અન્યોન્ય માટેની આ નિસ્બત તેમનું એક પ્રકારનું એવું આત્મગૌરવ છે જે એ લોકોને એમનું કામ દિલ લગાવીને, પોતાની પુરી ક્ષમતા સાથે, કરવા પ્રેરવા માટેનું એક અગત્યનું ચાલક બળ છે.

મુળ સવાલ તરફ પાછાં ફરીએ તો એમ કહી શકાય કે આ સવાલનાં બે પાસાં છે. એક છે નાણાંકીય વળતરનું જે તેમનાં જીવનને ચલાવવા માટેનું ઈંધણ પુરૂં પાડે છે, જે નિયમિત અને પુરતી ઉપલબ્ધિ જીવનમાં સ્થિરતા લાવી શકે છે. (માસ્લૉની જરૂરિયાતોની પ્રાથમિકતાના સ્તરીકરણના સિદ્ધાંત અનુસાર) જ્યાં સુધી (રોટી, કપડાં , મકાન જેવી) શારીરિક જરૂરિયાતો પુરી ન થઈ હોતી ત્યાં સુધી માણસ - મુળ સવાલનાં બીજાં પાસાં - આસપાસ  કેવી સંસ્કૃતિ કે કેવું વાતાવરણ ફેલાયેલ છે એવો વ્યાપક કક્ષાનો વિચાર નથી કરતાં. એ તબક્કે પહોંચીને આપણને આપણે આપણું કામ બરાબર કરી શકીએ માટે જે લોકો જે કંઈ સેવાઓ આપતાં રહે છે તેનો વિચાર આવવા લાગે છે અને એકબીજાના આ રીતે પુરક થવાનું આપણને મહત્ત્વ સમજાય છે અને આપણે તેમને માનભરી નજરે જોવા લાગીએ છીએ.

પોતપોતાનાં કામનું અગત્ય અને એ કામ સામાજિક જીવનને ધબકતું રાખવા માટે કેટલું પ્રસ્તુત છે તેની નોંધ 'સ્ટડ' ટેર્કૅલ[2] જેવા તવારીખકારોએ રાખી છે. પરંતુ આજના સમયમાં હવે આપણને પણ એકબીજાની જરૂર છે અને એ માટે એકબીજાં સાથે કેમ જોડયેલાં રહેવું એ વિશેના અનુભવની જરૂર છે. એ વિચાર્ને કારણે મને એક પ્રયોગ સુઝે છે - આપણે આજથી સો વર્ષ પહેલાંનાં જીવનમાં જઈએ અને ત્યાં જઈને જોઇએ કે આપણાં સૌનાં દાદાદાદીઓ કે દરજીઓ કે શાક વેંચવાવાળાં કે કારખાનાઓ કે ખાણોમાં કામ કરનારાંઓ  કયા કયા પ્રકારનાં કામો કેવી કેવી કરતાં હતાં. જોકે એ પણ નિશ્ચિત જ લાગે છે કે આપણામાંનાં મોટા ભાગનાંને એમ જ લાગશે કે ' આને તે કામ કહેવાય!'  -- એ જ રીતે એ લોકો પણ આવીને જૂએ કે જીવનનિર્વાહ માટે આપણે - ઘરેથી, કોમ્પ્યુટર પર સ્વયંસંચાલિત મશીનોથી  કે આજની બહુમાળીય ઑફિસોમાંથી - જે કંઈ 'કામ' કરી રહ્યાં છીએ  તો જરૂરથી એમ જ કહેશે કે 'આને તે કંઈ કામ કહેવાય?' પરંતુ એ સમયની જેમ આજે પણ આપણે જે કંઈ કરી રહ્યાં છીએ તે કોઇકની કોઈકની જરૂરિયાતને જ પુરી કરી રહ્યાં છીએ. માત્ર ફરક એટલો છે કે એ કોણ છે અને કઈ જરૂરીયાત છે આપણને ખબર નથી. આપણે તો એને માત્ર 'કામ' તરીકે જ ઓળખતાં આવ્યાં છીએ.

મારૂં કહેવું એટલું જ છે કે કામ હોવું એ જ આત્મગૌરવની વાત નથી. કેમકે એક બાજુએ આપણે આપણાં કામને ગૌરવપ્રદ માનીએ છીએ અને બીજી તરફ શિક્ષકો, સફાઈ કર્મચારીઓ, આરોગ્ય સેવાઓ પુરી પાડનારાંઓ, ઘરની સફાઈ રાખનારાંઓને તેમનાં કામનાં અગત્ય મુજબ વેતન નથી મળતું એમ કહીએ છીએ,  તો તો વાત મૂળ મુદ્દે જ માનવ સંવેદના વિનાની લાગે છે. પરંતુ મોટા ભાગનાં  લોકોનો આત્મગૌરવનો ખયાલ આત્મલક્ષી જ હોય છે એ પણ કડવી વાસ્તવિકતા તો છે જ. આજનાં માનવજીવનનો કોયડો જ આ વાતે છે - દરેક વ્યક્તિનાં જીવનના દરેક તબ્બકે સ્થિરતા કે વી રીતે પુરી પાડવી અને માત્ર નાતજાત કે આર્થિક વર્ગભેદ જેવા કોઈ પણ ભેદભાવ વગર અલગ અલગ પેઢીઓના દરેક કક્ષાનાં મનુષ્યોનાં દરેક પ્રકારનાં કામના - અનુભવોને એકબીજાંની જરૂરિયાતની પુર્તિનાં સ્વરૂપે સાંકળીને દરેક કામનાં ગૌરવને હર કોઈની નજરે પડતું કરી શકીએ…...


ટીઈડી.કૉમ પર રૉય બહાતની બ્રીન ફ્રીડમેનસાથેની ચર્ચાના અસલ અંગ્રેજી વિડિયો How do we find dignity at work?નો તત્ત્વાનુવાદ


અનુવાદકની પાદટિપ્પણી -

એક તરફ ડિજિટલ ટેક્નોલોજીઓનાં અતિક્રમણને કારણે તથાકથિત પુનરાવર્તી, ઓછાં કૌશલ કે કળાની જરૂરવાળાં સીધાંસાદાં, કામો કરનારાઓની આજીવિકાઓ છીનવાઈ રહી છે. એ નક્કર વાસ્તવિકતાની સામે ડિજિટલ ટેક્નોલોજિના વાણિજ્યિક સ્તરે વિકાસ સાથે જેમનાં હિત સંકળાયેલાં છે એ લોકો દ્વારા કામ 'સ્થિર' અને 'આત્મગૌરવપ્રદ' કેમ બનાવવાં એ વાત, ગમે તેટલી પણ સંન્નિષ્ઠતાથી કરાઈ રહી હોય તો પણ, મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવાના પ્રયાસ જેવું લાગી રહ્યું છે.

માનવ વિકાસના ઈતિહાસના દરેક તબક્કે આ વિડંબના બરકરાર રહેલી જણાય છે કે વિકાસને કારણે થોડાંક લોકોના ફાયદાની સામે અનેક લોકોને નુકસાન થતું રહ્યું છે.

ખુબીની વાત એ છે કે અન્ય બાબતોની જેમ માનવ જાત ઈતિહાસના ટઆટલા અનુભવો પછી પણ માણસ કંઈ પાઠ શીખતો નથી !!!



[1] 


[2] લુઈ 'સ્ટડ"'ટેર્કૅલ (૧૬ મે, ૧૯૧૨ । ૩૧ ઑક્ટોબર, ૨૦૦૮) અમેરિક્ન લેખક અને તવારીખકાર હતા, જેમણે બીજાં વિશ્વયુદ્ધ પછીની મહામંદીથી લઈને ૨૧મી સદીની શરૂઆતનાં વર્ષો સુધી અમેરિકન લોકોની મૌખિક તવારીખ રાખવાનું કામ કર્યું. તેમનું પુસ્તક Working: People Talk About What They Do All Day and How They Feel About What They Do લોકોનાં કામ અને એ કામ કરનારાં લોકો વિશે ખુબ જ રોચક હોવાની સાથે આ વિષયને જુદાં જ પરિપ્રેક્ષ્યમાં મુકી દે છે. અલગ અલગ વ્યવસાયોમાં વ્યસ્ત એવાં સોએક લોકોના ઇન્ટરવ્યુઓ પર આધારિત આ પુસ્તક પોતાની કામ પર વીતતી જિંદગી અને એ કામ અમેરિકન સમાજજીવનમાં કેટલું બંધ બેસે છે તે વિશે લોકોના  વિચારોને તેનાં લાંબા ગાળાનાં પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં સમજાવે છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો