બુધવાર, 5 જાન્યુઆરી, 2022

રાજાની નગરયાત્રા - દેવદત્ત પટ્ટનાઈક

આપણા આખા દેશમાં મોટે ભાગે દેવીદેવતાની સ્થાપના છેક ઊંડે અંદર આવેલા મંદિરના મધ્ય ભાગમાં થતી હોય છે. મોટે ભાગે, વિદેશીઓને અને, હજુ હમણાં સુધી, બહુ બધી જગ્યાઓએ 'નીચી' જાતિનાં લોકોને તો મૂર્તિનાં (દૂરથી પણ ) દર્શન કરવા વિશે નિષેધ હતો. એટલે, દર વર્ષે એક વાર એ દેવતા (કે દેવી) જ ભવ્ય રથ કે પાલખી જેવાં વાહનમાં બેસીને નગરની દરેકે દરેક શેરીની મુલાકાત લેતા. તે વખતે તેઓ એ બાબતની ખાસ કાળજી લેતાં કે જે ભક્તોને તેમનાં દર્શનથી વંચિત રહેવું પડે છે તેમની મુલાકાત તો તેઓ અવશ્ય લે. શું થાય પુજારીઓ ભક્તને દેવ સુધી તેમનાં મહાલયમાં પહોંચવા ન દે તો દેવે ભક્તના ઘરે જઈને ભક્ત કઈ પરિસ્થિતિમાં જીવે છે તે તો જાણવું જ રહ્યું ને ! કોઈ પણ ઘટનાની અસરકારક તપાસ કરવા માટે જરૂરી 'સ્થળ તપાસ' જેવી જ આ વાર્ષિક મુલાકાત છે. કોઇ કંપનીના મુખ્ય સંચાલક કે એ વિભાગના વડા પણ કોઈ ગ્રાહક, બજાર કે કર્મચારીનાં ટેબલ પર કે ઘટના સ્થળની મુલાકાત લે છે ત્યારે, સામાન્યપણે, તેમનો આશય તેમણે પોતાની ઑફિસમાં જોયેલ અહેવાલની વિગતની, નરી આંખે જોઈને, ખરાઈ કરવાનો, વાસ્તવિક પરિસ્થિતિથી પોતાની જાતને અવગત કરવાનો, હોય છે.

જો પુજારીઓ - કે પછી મધ્ય તળનું સંચાલન મંડળ - શક્તિશાળી હોય તો તેઓ રાજાના પ્રવાસ માર્ગની પહેલેથી જ ભાળ મેળવી લેતા હોય છે અને બધે બધું 'બરાબર જ' જોવા મળે તેવી આગોતરા વ્યવસ્થા પણ કરી લેતા હોય છે, જેથી મુલાકાત લેનાર રાજા/ દેવતા કે 'મોટા સાહેબ'ને - ગ્રાહકોથી ભરચક બજારો, ગ્રાહક અને વેપારી બન્નેના ચેરા પર સંતોષ, કોઇને કોઇ ફરિયાદ નહીં વગેરે - એવું જ જોવા મળે જે તેઓએ તેમને દેખાડવા ધાર્યું હોય. પણ જો પુજારીઓ નબળા હોય તો ભક્તો જે ચિત્ર છે તેને વધારે ગાઈ વગાડીને હોય તેના કરતાં અનેક ગણું વધારે વરવું પણ બતાડી શકે છે, જેથી દેવતાની પાસે રજુ થયેલા અહેવાલો માત્ર પ્રચાર જુઠાણાં જ છે તેમ દેખાડી શકાય.

જો મુખ્ય સંચાલક (દેવતા) ટીમ વર્કમાં માનનાર હશે તો તે પોતાના સાથી કર્મચારીઓ (ભક્તો)નું કહેવું સાંભળશે અને તપાસશે કે જે કંઈ અહેવાલોમાં કહેવાયું છે તે વાસ્તવિકતા સાથે સુસંગત છે કે નહીં, અને જો કોઈ વિસંગતાતા દેખાય છે તો તે ક્યાં છે અને શા માટે છે તે ચકાસશે. એ કોઈ પણ એક ઘટના પરથી તારણ બાંધી લેવાની ઉતાવળ નહીં કરે. પરંતુ જો મુખ્ય સંચાલક ખટપટી હશે તો તે મધ્ય સ્તરનાં સાંચાલન મંડળ (પુજારીઓ)ને દમનકારીઓ બતાવી પોતે કર્મચારીઓનો રક્ષક છે તે બતાવવા મચી પડશે. જાહેરમાં તે મધ્ય સંચાલન મંડળની રીતરસમો સાથે પોતાની અસંમતિઓ બતાવશે, કહેશે કે એ લોકો તો ઑફિસોમાં બેસીને નિર્ણયો લે છે, જ્યારે સ્થળ પર ખરી મહેનત તો તમે લોકો કરો છો. બીજાને 'ખરાબ' ચીતરીને, બીજાની રેખા નાની કરીને, પોતે 'સારો' દેખાડી, પોતાની રેખા મોટી બતાવી, કર્મચારીઓને પ્રેરિત કરવાના ખેલ કરશે. જ્યારે ખરેખર તેણે તો નિષ્પક્ષ રહીને બન્ને પક્ષની રજૂઆતોને ઊંડાણથી, નવી દૃષ્ટિથી, ચકાસવી જોઇએ. તેનું કામ બે પક્ષનાં મંતવ્યોના અંતરને પોતાના નીજી સ્વાર્થ માટે નહીં પણ એ અંતરમાં રહેલ સાચા દષ્ટિકોણોને સંસ્થાના ફાયદા માટે ઉપયોગમાં લેવા વિષે પોતાની આવડત કામે લગાડવી જોઈએ.

સ્થળ તપાસ ખરેખર અસરકારક ત્યારે નીવડી શકે જ્યારે મુખ્ય સંચાલક ખરા અર્થમાં લોકોની આગેવાની કરતો 'નેતા' બને. જ્યારે કોઈ પણ મુખ્ય સંચાલક સંસ્થામાં નવો નવો જોડાયો હોય છે ત્યારે શરૂઆતના થોડા મહિના મહત્વના કે જ્યાં વધારે સમસ્યાઓ છે કે જે બહુ સફળતા બતાવી રહ્યા છે એવા વિભાગોમાં જાય છે, કે એવાં બજારોની મુલાકાત કરે છે કે એવા ગ્રાહકની સાથે સંવાદ કરે છે જે ક્યાં તો બહુ ફાયદાકારક છે કે ક્યાં તો સમસ્યાઓથી ભરેલ છે. આ બધી મુલાકાતોની એક આડ પેદાશ એ છે કે જે જે લોકોને તે મળે છે એ લોકો પણ એ મુખ્ય સંચાલક વિશે 'પહેલો અભિપ્રાય' બાંધે છે. આ પહેલો અભિપ્રાય, મોટા ભાગના કિસ્સાઓમાં બહુ મહત્ત્વનો, અને લાંબા ગાળાની અસરો કરતો, બની રહેતો હોય છે. લોકો એવું તારણ બાંધે છે કે મુખ્ય સંચાલક સાથે સીધો સંબંધ રાખવા જેવું છે કે પછી તે 'કાચા કાનનો' છે, માટે તેની સાથેનો વહેવાર મધ્ય સંચાલન મંડળ દ્વારા જ રાખવો સારો. તેને સંસ્થાની અંદર અને બહાર જે કંઈ બની રહ્યું છે તે સંસ્થાના હિતમાં જાણવામાં રસ છે કે પછી તેને તે પોતાના ફાયદામાં ફેરવી નાખવામાં માને છે. તે અહેવાલોમાં જે લખાયું છે તેના કરતાં શું નથી લખાયું તે જાણવામાં રસ ધરાવે છે કે અહેવાલથી જ સંતુષ્ટ રહેવામાં માનનાર છે.

આજે જ્યારે કંપનીઓ મોટી અને મોટી થતી જાય છે ત્યારે અહેવાલો અને ઓનલાઈન પ્રેઝન્ટેશનો દ્વારા ચાલતી સમીક્ષા મીટિંગો જ સંચાલન ચલાવવાનાં સાધનો બની ગયાં છે. ટેક્નોલોજિઓને કારણે વ્યાપક બનતાં જતાં ઑટોમેશનોને કારણે માનવ સ્પર્શ વડે સજાગ રહેતી સંવેદના પણ કરમાવા લાગી છે. એ સંજોગોમાં મોટા ઓર્ડરો સ્વરૂપે ભોગ ચડાવતા ગ્રાહકો તો ગર્ભગૃહમાં 'દેવતા' સુધી થોડા ઘણા અંશે પણ પહોછી શકે છે પણ જે લોકોને મંદિરમાં પ્રવેશ જ નથી મળતો એ લોકોના 'અવાજ' રૂપી ભોગમાંથી મળતા વધારે વ્યાપક સ્વાદ (દૃષ્ટિકોણ) તો લુપ્ત થવા લાગેલ છે. આવા સંજોગોમાં નગરચર્યાને કારણે થતી 'ખરેખર અસરકારક' સ્થળ તપાસ 'કોર્પોરેટ વર્ણવ્યવસ્થાના સ્તરીકરણ'ને ભેદીને નાનાથી મોટા, વર્તમાન, ભવિષ્યના કે સંભવિત, હિતધારકોની અપેક્ષાઓ અને જરૂરિયાતો સુધી પહૉચવાનું એક સબળ સાધન છે. મહાપૂજાઓ, મહાભોગો કે મહાઉત્સવોની ઝાકઝમાળમાં સંસ્થાના અંતરાત્માને જાગૃત રાખી શકે એવા અન્ય હિતધારકોના અનુભવોની સૂઝ અને સમજશક્તિના લાભથી દેવતા (મુખ્ય સંચાલક) અને મંદિર (સંસ્થા) બન્ને વંચિત રહી શકે છે. અસરકારક રીતે થતી 'નગરચર્યા' આ જોખમ નિવારી શકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩૧ જુલાઈ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખThe King’s Yatra નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો