બુધવાર, 2 ફેબ્રુઆરી, 2022

મોટાં લોકોનાં સંતાનો - દેવદત્ત પટ્ટનાઈક

પુરાણોમાં જે અમુક કહનીઓ આપણને હલબાલાવી મુકે એવી હોય છે. તેમાંની એક છે કૃષ્ણના પુત્ર સાંબની, જેની માતા માતા,જાંબવતી, રીછ જાતિની એક કુંવરી હતી. સાંબ તેના પિતાનો વેશ પહેરીને તેના પિતાની નવી રાણીઓની મજાક કરે છે. પરિણામે કૃષ્ણ બહુ જ ગુસ્સે થઈ જાય છે અને સાંબને શ્રાપ આપે છે કે તેને ચામડીનું એવું દર્દ થશે જેને પરિણામે તેની પત્ની(ઓ) બાપ અને બેટા વચ્ચેનૂં અંતર પારખી શકશે. સાંબને આ શ્રાપ મળ્યો તે પછી તેણે સૂર્ય મંદિરો બાંધ્યાં. ઊડિસામાં કોણાર્કનું કે ગુજરાતનું મોઢેરાનું કે કાશ્મીરમાં માર્કંડનું એમ ભારતનાં અનેક સૂર્યમંદિરો બાંધવાનું શ્રેય કૃષ્ણના આ પુત્ર, સાંબ,ને અપાય છે. (પોષ સુદ દશમના રોજ ઉજવાતી) સાંબ દશમીના રોજ સાંબને ચામડીના દર્દમાંથી મુક્તિ મળે તેની પાર્થનાઓ કરવામાં આવે છે. સાંબે દુર્યોધનની દીકરીને પણ ભગાડી જવાનો પ્રયાસ કર્યો હતો, જેને પરિણામે કૌરવો અને યાદવો વચ્ચે લડાઈ છેડાઈ પડી હતી. કૃષ્ણના મોટાભાઈ હોવાને નાતે સાંબના કાકા બલરામે ગુસ્સે થઈને હસ્તિનાપુરને દરિયાં ધકેલી દેવાની ધમકી આપી ત્યારે સુલેહ થઈ અને પેલાં બન્નેનાં લગ્ન થયાં. બીજી એક કહાનીમાં સાંબે ગર્ભવતી સ્ત્રીનો વેશ કરીને દ્વારકા આવેલા ઋષિઓને છેતર્યા હતા. ઋષિઓને આ મજાક પસંદ ન પડી અને શ્રાપ આપ્યો કે તે એવા લોખંડના ટુકડાને જન્મ આપશે કે જે યાદવ કુળના નાશનું કારણ બનશે.

કૃષ્ણ જેવા દેવપુરુષનો દીકરો તો ઉમદા, ડાહ્યો, દૈવી અને પ્રેમાળ ન હોવો જોઈએ? પરતુ, વાસ્તવમાં એવું ઘણી વાર નથી બનતું. સાંબની જેમ દરેક પુત્ર એક અલગ વ્યક્તિત્ત્વ છે, જેને પોતાની આગવી નિયતિ છે, જેના પર કૃષ્ણ જેવા દેવપુરુષ, કે અન્ય કોઈ પણ રીતે પામતા પહોંચતા, પિતાનો કોઈજ પ્રભાવ કામ નથી કરી શકતો.

કે પછી કૃષ્ણની તેના પુત્ર તરફની નિષ્કાળજી આ પરિસ્થિતિ માટે જવાબદાર છે? કૃષ્ણ કાયમ અર્જુનની સમસ્યાઓના ઉકેલમાં કે પાંડવો-કૌરવોનાં ઝઘડાઓમાં જ એટલ બધા વ્યસ્ત રહ્યા કે પોતાના પુત્રને માટે સમય જ ન આપી શક્યા? કૃષ્ણની મિત્ર તરીકે, કે માર્ગદર્શક તરીકે કે અનેક કહાણીઓ સાંભળવા મળશે પરંતુ તેમની પિતા તરીકેની જે કંઇ વાતો જાણવા મળે છે તેમાં આવાં દબાણો, ક્રોધ કે હિંસાની જ વાતો કદાચ જોવા મળશે.

મોટી સંસ્થાઓની વાત નીકળે ત્યારે આપણે મોટા ભાગે કામ સાથે જોડાયેલાં વ્યક્તિની જિંદગીનો બીજો મહત્ત્વનો ભાગ, તેની અંગત જિંદગી, ભુલી જતાં હોઇએ છીએ. સ્માર્ટ સાધનો અને ઝડપી ઈન્ટરનેટના આજના ૨૪×૭ના હિસાબે કામ કરવાના વધતાં જતાં ચલણમાં વ્યક્તિની વ્યાવસાયિક અને અંગત જિંદગી વચ્ચેની ભેદ રેખા ઘસાતી જાય છે, વ્યાવસાયિક જીવન હવે અંગત જીવનની સીમાઓમાં પોતાનો પંજો ફેલાવવા લાગ્યું છે. વાત એટલી હદે વણસી ચુકી છે કે વ્યાવસાયિક હિતોની વેદી પર અપાતાં અંગત અને કૌટુંબિક જીવનની જરૂરિયાતોનાં બલિદાન એટલી હદે ગર્વ સ્વરૂપે જોવામાં આવવા લાગ્યાં છે કે રજા લેવી અને આનંદથી ભોગવવી એ તો મોટો ગુનો હોય એમ પણ કેટલાંક લોકોને લાગવા લાગ્યું છે.

ધીમે ધીમે આપણામાં વ્યક્તિગત મૂલ્યો, આપણાં જીવનના ઉદ્દેશ્યો અને આપણી ઓળખ સુદ્ધાં આપણે આપણાં કામ અને તેને લગતી સિદ્ધિઓની સામે બિનઅગત્યની યાદીમાં ખસેડતાં જઈ રહ્યાં છીએ. આપણાં સંતાનો આપણાં જીવનનો એક ઉદ્દેશ્ય લાગવાને બદલે એક કર્તવ્ય, ફરજ કે જિંદગીની આડપેદાશ કે ક્યારેક તો પોતાના વિકાસની આડે આવતા અવરોધો લાગવા લાગે છે. કુટુંબ માટે કંઈ પણ કરવામાં આપણને કંઇ મોટું તીર માર્યાનો ભાવ નથી થતો. વીસમી સદીના અંત સુધીમાં તો કુટુંબ વ્યાવસાયિક જીવનનાં જોખમો ઉઠાવી શકવામાં આપણને નબળો પાડતો બોજ લાગવા લાગેલ છે. અપરિણીત રહીને પણ પોતાના અંગત અને વ્યાવસાયિક વિકાસને, અને હવે તો અંગત મોજશોખને પણ, પ્રાધાન્ય આપવાનો પવન હવે ચારે તરફ ફેલાવા લાગ્યો છે. પહેલા પ્રકારના વર્ગને આપણે ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવનારાંઓનો શિષ્ટ વર્ગ ગણીએ છીએ તો બીજા પ્રકારનાં લોકોને ભૌતિક સુખોપભોગવાદી કહીએ છીએ!

પોતાની પત્ની અને બાળકોના ભોગે રાજકારણમાં કે વ્યવસાયમાં બહારની દુનિયાના કોઈ પણ અન્ય પ્રવાહમાં સફળ થતી વ્યક્તિઓ તો 'આદર્શ' વ્યક્તિત્વ માનવામાં આવે છે. સવારે કામ માટે નીકળે ત્યારે બાળકો હજુ ઊઠ્યાં ન હોય અને રાત્રે પાછાં ફરે ત્યારે બાળકો ઊંઘી ગયાં હોય કે જમતી વખતે પણ ધ્યાન તો ઓનલાઈન 'કૉલ' પર જ ચોટ્યું હોય એ તો હવે 'નવાં સર્વસામાન્ય' તરીકે સહજપણે સ્વીકૃત થવા લાગ્યું છે.

નારીશક્તિના વિકાસની સાથે સાથે હવે સ્ત્રીઓ પણ કામ પર જવા લાગી છે. પરિણામે દિવસના મોટા ભાગ દરમ્યાન માબાપે કરવાનાં કામો આયાઓ, શિક્ષકો, દાદા-દાદી (કે નાના-નાની), કમ્પ્યુટર કે વિડિયો ગેમ્સ કે અન્ય મોબાઈલ સાધનોને સોંપાવા લાગ્યાં છે. સ્ત્રીઓ કાર્યસ્થળો એ કામ કરે છે તેની ખોટ ઘરકામની જવાબદારીઓમાં પતિઓ તો ભાગ્યેજ પુરી કરી આપે છે. તેને બદલે તો સ્ત્રીઓને પોતાની માતાની ભૂમિકા સાથે થતાં સમાધાનો માટે દોષિત લાગણીઓનો ભોગ બનાવાય છે. પુરુષની પિતા તરીકેની ભૂમિકાની વાત તો ભાગ્યેજ ચર્ચામાં આવે છે. જે કોઈ પિતા પોતાની જવાબદારી સમજ્પૂર્વક નિભાવવા માગે તેને સમાજ 'વહુઘેલો' કે 'ઢીલો' પણ ગણવા લાગે. આખરે થાય એવું કે કાર્યસ્થળની જવાબદારીઓનો વિજય થાય, કેમકે ઘરે જે ગેરહાજરીની ખોટ પડે છે તેને માબાપો 'સારૂં કામ કરવા માટેનો આટલો ભોગ' સમજી લે છે અને દેખીતી વધારે આવકમાંથી બાળકની વણમાગી જરૂરિયાતો પણ પોષીને સંતોષ માનવા લાગે છે. સંતાન થોડું મોટું થાય તો તેને 'આધુનિક' બોર્ડિંગ શાળામાં પણ મોકલાય. મોટા ભાગના કિસ્સાઓમાં, મોટાં થતાં સંતાનોને માબાપ પ્રત્યે લાગણી ઘટવા લાગે છે. તેમનો સંબંધ માત્ર જરૂરિયાત પૂર્તિ પુરતો જ રહેવા લાગે છે. ઘણી વાર સંતાનો અવળે માર્ગે પણ ચડી જાય છે.

કાર્યસ્થળ પરના 'કૃષ્ણો'ને મોડે મોડે સમજાય છે કે તેઓએ પોતાનાં સંતાનને 'સાંબ'ની જેમ જ ઉછેર્યું છે, જે માબાપનું ધ્યાન ખેંચવા માટે ઊંધાંચત્તાં કરવા લાગી જઈ શકે છે. કાર્યસ્થળ અને કુટુંબની જવાબદારીઓની રસ્સાખેંચમાં જીત કોની થાય છે? કાર્યસ્થળો આ હરિફાઈમાં વધારે કામ (લક્ષ્યપૂર્તિઓની હરિફાઈ), વધારે કલાકો (અવનવાં સ્માર્ટ સાધનો), વધારે ધ્યાન ખેંચવું (આધુનિક સંચાર વ્યવસ્થા)જેવાં સંસાધનો વિકસાવ્યે જાય છે. કર્મચારી માબાપ આ હરિફાઈમાં વધારે સમૃદ્ધિની આઅશાએ વધારેને વધારે જોર લગાવતાં જાય છે. આમ આ પેઢીમાં 'કૃષ્ણો'ની વધતી જતી સંખ્યા આવતી પેઢીમાં વધારે 'સાંબો'માં પરિણમવાની સંભાવનાઓ વધારે ઘેરી બનતી જાય છે.

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૮ ઓગસ્ટ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખChildren of the Great નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો