બુધવાર, 26 જાન્યુઆરી, 2022

મારો દેશ જમણેરી કે ડાબેરી (૧૯૪૦) - [૩] - જ્યોર્જ ઑર્વેલ

'મારો દેશ જમણેરી કે ડાબેરી (૧૯૪૦)  - ‘My Country Right or Left - ના આંશિક અનુવાદ મણકા [૨] થી આગળ

પરંતુ યુદ્ધમાં ખપી ગયેલા એ આત્માઓએ પોતાનું વેર વસુલ કરી જ લીધું. જેમ જેમ યુદ્ધ ભૂતકાળમાં સરતું ગયું, તેમ તેમ યુદ્ધના સમયે 'હજુ તો છોકરાં છે' ગણાતી એવી મારી પેઢી યુદ્ધના એ બહુઆયામી વ્યાપક અનુભવોથી આપણે વંચિત રહી ગયાં એ ભાવથી સભાન બનવા લાગી. એ તક ખોઈ બેસવાને કારણે અમે અમારી જાતને થોડાં ઓછાં મર્દ સમજવા લાગ્યાં. ૧૯૨૨થી'૨૭ના વર્ષો મેં મારાથી થોડા મોટા, જે યુદ્ધકાળમાંથી પસાર થઈ ચુક્યા હતાલોકો સાથે ગાળ્યાં.  એ લોકો યુદ્ધના ડરની તો ખરી  જ પણ સાથે સાથે, વધારામાં, એ સમયની ઘુંટાતી જતી યાદો વિશે સતત વાતો કરતા રહેતા. આવી યાદોનું પ્રતિબિંબ કેવું હોય તે જોવું હોય તો યુદ્ધ પર બનેલી ફિલ્મો, નવલકથાઓ, વાર્તાઓ કે કાવ્યો વાંચજો. આ ઉપરાંત શાંતિવાદી પ્રક્રિયાનું જે એક મોજું ચડ્યું હતું તે તો બહુ લાંબું ટક્યું નહીં. હવે તો અમારાવાળી , એ સમયે 'છોકરડાં' ગણાતી પેઢીને પણ યુદ્ધાની તાલીમ મળી ચુકી હતી. મોટા ભાગનો અંગ્રેજ મધ્યમ વર્ગ, તકનીકી સંદર્ભમાં ભલે નહીં, પણ નૈતિક દૃષ્ટિએ તો, ઘોડીયામાંથી જ યુદ્ધની તાલીમ લઈ ચુકેલ હતો. મને રાજકારણના રંગથી રંગાયેલું જે સૌથી પહેલું સુત્ર યાદ રહી ગયું હતું એ હતું, 'અમને જોઈએ આઠ (ડ્રીડનૉટ્સ), અમે નહીં જોઈએ વાટ' /‘We want eight (eight dreadnoughts) and we won't wait’ સાત વર્ષની ઉમરે તો હું નેવી લીગનો સભ્ય પણ બની ચુક્યો હતો અને ‘H.M.S. Invincible’/ ‘H.M.S. અભેદ્ય'ચોંટાડેલ મારી કેપ સાથેનો નૌસેનાનો ગણવેશ પણ પહેરતો થઈ ગયેલો. જાહેર શાળામાં ઑફિસર્સ' ટ્રેનિંગ કૉર (Officers' Training Corps - OTC-) જોડાતાં પહેલાં ખાનગી શાળાની કૅડેટ કૉરમાં હું જોડાઈ ચુક્યો હતો. દસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો હું ક્યારેક ક્યારેક, માત્ર યુદ્ધની તૈયારી રૂપે  નહીં પણ યુદ્ધ દરમ્યાન અટકી અટકીને ચરમ સીમાએ પહોંચતા બંદુકોના ધણધણાટને અનુભવવા પણ, રાઈફલ ચલાવી લેવા લાગ્યો હતો. તોપોનો અવાજ જેવો ચરમ સીમાએ પહોંચે એટલે પોતા બુટના ખીલાઓથી રેતીની થેલીઓ ચીરતા ચીરતાં, ખાઈઓમાંથી બહાર નીકળી. કાદવ અને  કાંટા તારમાં અથડાતા કુટાતા, મશીનગનની બૌછારમાં નીકળી પડવું એ એક અનોખો રોમાંચક અનુભવ લાગતો. સ્પેનિશ યુદ્ધના મારા અનુભવને આધારે કહી  શકું છું કે એ માત્ર મહા યુદ્ધ જેવું અનુભવાતું એટલા પુરતું પણ અમારી પેઢીને તેનું આકર્ષણ હતું. એ સમયે અમુક વખત પુરતુ તો જનરલ ફ્રાંકો ક્યાંકથી એરોપ્પ્લેનની પણ સગવડ કરી લાવેલા ,અને તેમાં પાછા હારજીતના વાળાઢાળા ભળેએટલા પૂરતું એ યુદ્ધ આધુનિક સ્તરનું પણ લાગતું, જોકે એ સિવાય તો સ્પેનિશ યુદ્ધ ૧૯૧૪-૧૮નાં વિશ્વ યુદ્ધની ભંગાર નકલ હતું જેમાં ખાઈઓ, બંદુકો અને તોપો, દરોડા ઓ, અચાનક ગોળીઓની રમઝટ, કાદવ, કાંટા તાર, નળો અને બંધિયારપણું જ હતાં.૧૯૩૭ની શરૂઆતમાં હું જે ઍરૅગોન મોરચે હતો તે ૧૯૧૫ના કોઈ શાંત ફ્રેંચ  મોરચા જેવો જ હશે  બસ માત્ર તોપોની જ ખોટ હતી. હ્યુએસ્કા અને તેની બહાર બહુ જવલ્લે જ એક સાથે ધણધણી ઉઠતી તોપોનો શાંત પડી જતાં વાવાઝોડા જેવો બોદો અવાજ સંભળાયા કરતો. ફ્રાંકોની છ ઈંચની તોપના ગોળા ધમાકો તો કરતા, પણ એક સાથે ડઝનેક તોપો તો પણ સાથે ન ગર્જી ઉઠતી. સૈનિકોની ભાષામાં જેને 'ગુસ્સે ભરાઈને' તોપ ગોળા છોડાતા મેં પહેલી જ વાર સાંભળ્યા ત્યારે પણ મને થોડીક નિરાશા તો થયેલી જ એવું બરાબર યાદ છે. વીસ વીસ વર્ષોથી જે વણથંભી ધણેણાટો સાંભળવા મારા કાન તરસી રહ્યા હતા તેના કરતાં તો આ સાવ અલગ જ પ્રકાર હતો.

મને ચોક્કસપણે તો ખબર નથી કે વર્તમાન યુદ્ધ આવી જ પડ્યું છે તેવી નક્કી ખબર પહેલવહેલી ક્યારે પડી હતી. જોકે ૧૯૩૬ પછી સાવ મુરખ હોય તે સિવાય બધાંને જ એટલું સમજાતું જ હતું. ઘણાં વર્ષો સુધી આવી રહેલું યુદ્ધ મારે માટે દુઃસ્વપ્ન હતું. ક્યારેક તો હું તેની વિરુદ્ધ ભાષણો પણ કરતો અને પત્રિકાઓ પણ લખતો. પરંતુ રશિયા-જર્મની વચ્ચે કરાર થયાની જાહેરાત થઈ  તેની આગલી રાત્રે મને લડાઈ શરૂ થયાનું સપનું આવ્યું હતું. ફ્રૉઈડ એવાં સપનાંઓનો મનની અંદર ચાલી રહેલી લાગણીઓ સમજવા બાબત જે અર્થ કરવો હોય તે કરે, પણ ઘણે ભાગે તો એવાં સપનાંઓ તમારી અંદર સંગ્રહાયેલ સાચી લાગણીઓનો જ પડઘો હોય છે. ખેર મને તો તેને કારણે બે બાબતો શીખવા મળી. એક તો એ કે ઘણા સમયથી તોળાઈ રહેલ યુદ્ધ શરૂ થવાથી હું તો હળવો થઈ જવો જોઈતો હતો. અને, બીજું એ કે હું દિલથી એવો દેશપ્રેમી જરુર હતો જે મારા પોતાના પક્ષને નુકસાન તો ન કરે કે તેની વિરુદ્ધ જાય તેવું કંઈ તો ન જ કરે, પણ યુદ્ધની તરફેણ પણ કરે અને જો શક્ય હોય તો યુધ્ધમાં લડવા પણ જાય. હું તરત જ નીચે આવ્યો અને જોયું તો અખબારમાં રિબ્બેન્ટ્રોપ મોકો ભાગી ગયો હતો એ સમાચાર છપાયેલા હતા. (૨૧ ઓગસ્ટ ૧૯૩૯ના દિવસે, મોસ્કોના આમંત્રણથી રિબ્બેન્ટ્રોપ મોસ્કો પહોચ્યો અને ૨૩મી ઓગસ્ટે તેણે મોલોતોવ સાથે રશિયા-જર્મની કરાર કર્યા.)એટલે લડાઈ તો હવે આવી જ રહી હતી અને સરકારને, ચેમ્બર્લેનની સરકારને પણ મારી વફાદારી વિશે ભરોસો હતો. જોકે, એ પણ કહેવું જ જોઈએ કે આ વફાદારી ત્યારે પણ, અને પછી પણ, પ્રતિકાત્મક જ હતી. હું જેટલાંને ઓળખું છું તેમની જેમ, સરકારે મને એક કારકુન કે પ્રાઈવેટ સૈનિક જેવી કોઈ પણ અન્ય ભૂમિકામાં કામે લેવાની ઘસીને ના જ કહી દીધી હતી. પરંતુ તેને કારણે કોઈની લાગણીઓમાં તો ફરક થોડો પડે છે ! અને આમ પણ, ભલે અન્ય કોઈ ભૂમિકામાં, પણ  તેમણે અમારો ક્યારેક તો ઉપયોગ કરવો જ પડશે.

+                      +                      +                      +

પહેલાં વિશ્વયુદ્ધમાં લડી ચુકેલ પોતાથી થોડી મોટી પેઢીની વાતો સાંભળીને જ્યોર્જ ઑર્વેલની પેઢીને 'આપણે રહી ગયા'ની લાગણી કોરી ખાવા લાગી. જેમ ઑર્વેલની પેઢી એ જોશમાં સ્પેનિશ આંતરવિગ્રહમાં ભાગ લઈ આવ્યા એમ અમે પણ '૬૫થી '૬૮નાં અમારા કૉલજ કાળનાં પ્રારંભિક વર્ષોમાં એનસીસીમાં જોડાયા હતા. જોકે અમે એ તાલીમ ગંભીરતાપૂર્વક ક્યારે પણ ન લીધી. એ પછીની '૭૧ની પાકિસ્તાન સાથે બાંગ્લાદેશની લડાઈ દેશદાઝની ભાવના ફરી એક વાર ઘુંટાઈ પણ ખરી. પરંતુ એ પછી ફરી અમારી પેઢી પોતાની વિચારધારામાં જ વહેવા લાગી.

બીજાં વિશ્વયુદ્ધ પહેલાંનાં બ્રિટનનાં ઉત્તેજિત વાતાવરણમાં જ્યોર્જ ઑર્વેલને અમને '૭૧ની લડાઈ વખતે થયેલી તેવી જ કંઈ ઉત્તેજના અનુભવાઇ હોય એટલું આંશિક અનુવાદના ત્રીજા મણકા પછી કળાઈ રહ્યું છે.

તેમની આ મનોસ્થિતિ સમજવાથી હવે આ લેખના કેન્દ્રવર્તી વિચાર - 'પરિવર્તન સિવાય કંઈ જ સ્થાયી નથી'- ને તેમની ડાબેરી કે જમણેરી વિચારધારા સાથે શું સંબંધ હોઈ શકે તે સમજવામાં કંઈક મદદ જરૂર મળવી જોઈએ એ ભાવના સાથે હવે આંશિક અનુઆદના ચોથા અને છેલ્લા મણકાની રાહ જોઇએ……………….. 

 

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, My Country Right or Leftનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો