બુધવાર, 19 જાન્યુઆરી, 2022

આખરી નિર્ણય ન થાય ત્યાં સુધી ‘શાંતિમય આરામ પામો' - માન્યતા કે હકીકત ? - દેવદત્ત પટ્ટનાઈક

કોઈ પણ વ્યક્તિના મૃત્યુના સમાચાર સાંભળતાંવેંત, 'RIP' જેવાં એક બહુ પ્રચલિત સંક્ષિપ્ત સ્વરૂપના રૂપમાં અપાતા પ્રતિભાવ સૌથી વધારે પ્રચલિત છે. RIP'નું પુરૂં, વિસ્તૃત, રૂપ 'rest in peace' / ‘શાંતિમય આરામ પામો’ છે. એ બતાવે છે કે આજના સમયમાં પણ આપણે હજુ માનીએ છીએ કે મૃત્યુ પછી પણ 'શાંતિ' અને 'આરામ' જેવું કંઈક છે ખરું. એટલે કે, મૃત્યુ પોતે જ એક પૂર્ણ વિરામ નથી. વિજ્ઞાન હજુ સુધી એવું કંઈ સાબિત નથી કરી શક્યું કે શરીર મૃત્યુ પામે પછી પણ એવું કંઈક છે જે તે પછી પણ જીવંત રહે છે. એટલે મૃત્યુ બાદ પણ કંઇક રહે છે એવી RIPમાં અભિપ્રેત માન્યતા આમ જૂઓ તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો તો છેદ જ ઉડાડી દે છે.

પરંતુ, દરેક ધર્મ અને ગૂઢવિદ્યામાં જણાવાયેલ આત્મા, દૈવી શક્તિ કે ભૂતપ્રેતની વાતો આપણી અંગત માન્યતાઓમાં ક્યાંક તો ઘર કરીને બેઠી જ છે. એટલે RIPને અસ્પૃષ્ટ સત્ય નહીં પણ વ્યક્તિગત સત્ય જ ગણી શકાય, જે એવી કાલ્પનિક વિભાવના કે માન્યતા છે જેને ધર્મમાં માનતાં કે ન માનતાં બહુ બધાં લોકો સ્વીકારે છે.

પ્રાણીઓ RIP નથી કહેતાં/માં નથી માનતાં, કેમકે તેમની પાસે આવું વિચારવા જેટલી કલ્પનાશીલતા જ નથી. અમુક પ્રાણીઓને પોતાનાં ટોળાંનું કોઈ પ્રાણી મરી જાય છે ત્યારે થોડી વાર દુઃખ અનુભવાતું હશે, પણ તે પછી તેમની જીવન ઘટમાળ ફરીથી ચાલતી થઈ જાય છે. એ લોકો કોઈ કબર કે સમાધિ જેવાં સ્મારકો નથી બાંધતાં કે સ્મૃતિદિનો નથી પાળતાં. પ્રાણીઓ માટે મૃત્યુ એક નક્કર વાસ્તવિકતા છે, પણ માનવી માટે તે એક રહસ્ય છે, અને એ રહસ્યને કંઈકને કંઈક રૂપ આપવા માટે આપણે તેની સાથે સંબંધિત કહાણીઓ ઘડી કાઢતાં રહીએ છીએ.

RIPનાં મૂળ ખ્રિસ્તી અને ઇસ્લામ પૌરાણિક માન્યતાઓમાં જોવા મળે છે. ઈસ્લામમાં મૃત્યુ બાદ અપાર્થિવ જીવાત્માએ આધ્યાત્મિક શુદ્ધિ અને તાવણીની દેવડીએ અંતિમ સમય, ક઼યામત, સુધી તેના ઉદ્ધાર અંગેના નિર્ણયની રાહ જોવાની રહે છે. ખ્રિસ્તી પૌરાણિક માન્યતામાં ઈસુનાં બીજાં આગમન સમયે એ નિર્ણય જાણવા મળે છે. એ નિર્ણય નક્કી કરે છે કે જીવાત્માને સ્વર્ગ મળશે કે નરક. એટલે એ નિર્ણયની ઘડી સુધી જીવાત્મા ઉચાટભર્યા જીવે રહે છે. દ્વિધા ભરેલા એ સમયમાં જીવાત્માને શાંતિમય આરામ મળે એવી શુભેચ્છા RIP પાઠવે છે. મૃત્યુ પછીનાં આ સમયનું વિચારમૂળ ગ્રીક પૌરાણિક માન્યતાશાસ્ત્રોમા, અને તેથી પણ પહેલાં ઈજિપ્શિયન પૌરાણિક માન્યતાઓમાં પણ જોવા મળે છે. ચીની પૌરાણિક માન્યતાઓ, જ્યાં મૃત્યુ બાદ આત્મા વસે છે એ, 'પૂર્વજોની ધરતી'માં માને છે. અમુક સંસ્કૃતિઓમાં મૃત રાજાઓ અને ઋષિઓ દેવો બની સજીવ જીવાત્માઓનાં પાલક બને છે.અમુક કિસ્સાઓમાં, મૃતાત્માઓ તેમની અધુરી રહી ગયેલી વાસનાઓની પૂર્તિ કરવા સારૂ પ્રેત યોનિમાં ભટક્યા કરે છે, જેને આપણને વાતચીતની ભાષામાં ભૂત કહીએ છીએ અને એમ માનીએ છીએ કે પોતાનાં જીવન દરમ્યાન જે કોઈ લોકો તેને નડ્યાં હતાં એ લોકોને તે કનડે છે. ભૂતને ભગાડવા ઘણાં લોકો ભૂવા વગેરે નામે ઓળખાતા તાંત્રિકોનો સહારો શોધે છે.

હિંદુ, બૌદ્ધ કે જૈન પૌરાણિક માન્યતાઓ પુનઃજન્મમાં માને છે.એ માન્યતામાં આરામ માટે કોઈ સ્થાન નથી, પરંતુ પરમ શાંતિની અપેક્ષા સતત રહી છે. આત્માને એક જન્મથી બીજા જન્મ અને પછી ત્રીજા અને ચોથા એમ અનેક જન્મો સુધી સફર કરતા જ રહેવાનું છે. પરમ શાંતિની શુભે્ચ્છા દ્વારા આપણે ઈચ્છીએ છીએ કે જીવાત્માને એવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય જેને પરિણામે તેને જન્મોજન્મનાં ફેરાઓમાંથી કાયમની મુક્તિ મળે આ પૌરાણિક માન્યતા શાસ્ત્રોમાં જન્મને પરમ શાંતિની ખોજનું પરિણામ અને જીવનને દુન્યવી જીવનક્રમ સાથે સમાધાન સાધવાની પ્રક્રિયા માનવામાં આવે છે.

મૃત્યુ બાદ અગ્નિ વડે મૂર્ત શરીરનો નિકાલ કરવો અને તેમાંથી બાકી રહેલાં અસ્થિઓને નદીમાં વહાવી દેવાની પાછળ શરીરનું કોઈ જ મહત્વ નથી એમ સમજાવવાનો આશય છે. જે સંસ્કૃતિઓમાં એક જ જન્મની માન્યતા છે ત્યાં શરીરને અનેક મસાલાઓથી ભરીને કબરોમાં સંગ્રહ કરવાં આવે છે જેથી અંતિમ નિર્ણય જાણવા ન મળે ત્યાં સુધીનો સમય મૃતાત્મા, ઈશ્વર તરફ ધ્યાન રાખીને, આરામમાં ગાળી શકે. ઈજિપ્શિયન પૌરાણિક માન્યતાઓ અનુસાર મરણોત્તર જીવનની દિશા પશ્ચિમાભિમુખ છે; ખ્રિસ્તી માન્યતામાં તે પૂર્વાભિમુખ બની જાય છે. યહુદી ધર્મમાં તે યેરુસલેમ તરફ અને ઇસ્લામમાં મક્કા તરફ છે, તો હિંદુ માન્યતા તેને મૃત્યુલોક અને પિતૃલોક અને યમલોક વચ્ચે આવેલી વૈતરણી નદીની, દક્ષિણ, દિશામાં માને છે. યમલોકથી જીવાત્માએ પુનઃજન્મમાં ફરીથી મૃત્યુલોક આવવાનું છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત આત્માઓને ત્યાં જવું જ નથી પડતું. બૌદ્ધ ધર્મ અનુસાર એ આત્માઓનું અસ્તિત્વ જ નિર્મૂળ બની જાય છે.

કુદરત સહજ વાસ્તવિકતાનો સ્વીકાર બહુ મુશ્કેલ છે. માનવીય કલ્પના દુનિયાને પોતાની રીતે કામ કરતી જૂએ છે. આપણે ઈચ્છીએ છીએ કે વિશ્વમાં સમાનતા પ્રવર્તે, માનવ હક્કોનું સંરક્ષણ થાય, દરેકને એક સરખો ન્યાય મળે દરેક સાથે નિષ્પક્ષ વર્તન થાય. આપણે ખરેખર જ માનીએ છીએ કે દોલત, સત્તા અને સાચો પ્રેમ આપણી બધી સમસ્યાઓના ઉપાયની ચાવીઓ છે. માટે જ આપણે એ માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. સફળતા ન મળે તો પણ આપણે પ્રયત્નો છોડતાં નથી કેમકે આપણે સન્નિષ્ઠપણે માનીએ છીએ કે આપણે એ ખોજ માટે શહાદત વહોરીએ છીએ , કે તેને માટેની ક્રાંતિનાં મહાયોદ્ધાઓ છીએ. પરંતુ આપણા આર્તનાદો અને અત્મશ્લાઘાઓથી બેપરવાહ બનીને કુદરતનું ચક્ર તો ચાલતું જ રહે છે. આપણે ભૌતિક સ્તરે શાંતિની ખોજ કરવામાં એ વિસરી જઈએ છીએ કે શાંતિ એ તો મનની એક પ્રતિક્રિયા માત્ર છે . તે કોઈ તટાસ્થ, નિષ્પક્ષ હકીકત નહીં , પણ માનવ મનની એક એષણા છે. શાંતિ ભાવશૂન્ય નિસ્પૃહતાની નિપજ નથી, પરંતુ માનવસહજ અધુરાશોનો આનંદમય ઓચ્છવ છે.

 
  • મિડ-ડેમાં ૨ ઓગસ્ટ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખNo resting in peace નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો