બુધવાર, 16 માર્ચ, 2022

રુઆબદાર વિકાસનું જીવવિજ્ઞાન - દેવદત્ત પટ્ટનાઈક

ગીતામાં દેહ (શરીર) અને દેહી (આત્મા)નો ફરક સમજાવાયો છે. દરેકનું શરીર અલગ અલગ દેખાય છે પણ આત્મા તો એક જ (સમાન) હોય છે. આ વાત વિજ્ઞાન કોષનાં સ્તરે સમજાવે છે. શરીરમાંનો દરેક કોષ અલગ અલગ દેખાય છે, પરંતુ એ દરેકનું ડીએનએ એક જ હોય છે. એટલે કે, એ દૃષ્ટિએ ચામડીની નીચેનો કોષ અને જીભની નીચેનો કોષ એક સમાન હોય છે. પરંતુ સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દરેક કોષ અલગ દેખાય છે, કારણકે દરેક કોષે અલગ અલગ પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા સાથે રહીને તેમને ફાળે જે કામ કરવાનું આવ્યું છે તે કરવાનું રહે છે. તેમ છતાં ચામડીની નીચેનો હોય કે જીભનો હોય, દરેક કોષની અંદર એક સમાન માહિતી હોય છે. સંસ્થાકીય સંદર્ભમાં કહીએ તો દરેક કોષની ક્ષમતા અને ગ્રહણ શક્તિ સમાન હોવા છતાં તેમને સંસ્થાએ (શરીરમાં) જે ભૂમિકા ભજવવાની જવાબદારી સોંપી છે તે મુજબ અલગ અલગ કામગીરી તે બજાવે છે.

વિશિષ્ટ તજજ્ઞતાના આજના સમયમાં અતિતજજ્ઞતાનો અતિરેક થવા લાગ્યો છે, જેને પરિણામે એવા નિષ્ણાતો પેદા થવા લાગ્યા છે કે તેઓ પોતાની નિપુણતાવાળા વિષયને તો બરાબર ન્યાય આપી શકે પણ પછી બીજું કંઈ જ ન કરી શકે. પરંતુ હવે જેમ જેમ સ્ટાર્ટ-અપ્સ અને નવોત્થાનનું મહત્ત્વ વધવા લાગ્યું છે, દુનિયા સબ બંદરકે વેપારી જેવા સામાન્યવાદીઓ તરફ ઢળવા લાગી છે. એવા અગ્રણીઓની માંગ વધી છે જે અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે અલગ અલગ કરી શકે. કોષીય ભાષાનો પ્રયોગ કરીએ તો એમ કહી શકાય કે એવી પ્રતિભાઓની જરૂર છે જે સમયની માંગ અનુસાર અલગ, યોગ્ય, પ્રોટીન પેદા કરી શકે. એ લોકો સમજે છે કે ક્યારે કામ પર ધ્યાન આપવું, ક્યારે લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવું કે ક્યારે લાગણીઓ પર વધારે ધ્યાન આપવું કે પછી ક્યારે નાણાંને મહત્ત્વ આપવું. એટલે કે તેઓ અનુકૂલનક્ષમ છે.

પુરાણોમાં, વિષ્ણુ આવા અનુકૂલનક્ષમ છે. જ્યારે તેમનો જન્મ રાજવી કુટુંબમાં થાય છે ત્યારે તે રાજવી રીતભાતથી રહે છે. ક્યારે તેમનો ઉછેર ગોવાળોની વચ્ચે થાય છે, ત્યારે તે એક સામાન્ય માનવી જેમ રહે છે, એ જાણે છે કે ક્યારે, શું થવું. તેઓ આસપાસનાં પારિસ્થિતિકી તંત્ર પ્રત્યે સંવેદનશીલ છે અને જરૂરિયાત મુજબ પ્રતિભાવ આપે છે. અનુકૂલનશીલતા સફળતા માટેની એક મહત્ત્વની આવશ્યકતા છે.

પરંતુ એક એવો પણ ગુણ છે અનુકૂલનશીલતાની સમાંતર જ વિકસેલો હોવો જોઈએ. એ છે સમાનુભૂતિ. કોષ પોતાની આસપાસના બીજા કોષ પ્રત્યે કેટલો સંવેદનશીલ છે તે ભાવ. કોષ જ્યારે અડોશપડોશના કોષની સીમાઓનું માન રાખે છે ત્યારે આપણે તંદુરસ્ત રહીએ છીએ, પણ જ્યારે એ આજુબાજુના કોષોની સીમાઓ અતિક્રમવા લાગે છે ત્યારે આપણે કેન્સરગ્રસ્ત બનવા લાગીએ છીએ.

સંસ્થાઓમાં પણ ઘણી પ્રતિભાઓ બહુ અનુકૂલનક્ષમ હોય છે. એ લોકો સંશ્થાના અધિક્રમની સીડીમાં ઉપર તરફ આગળ વધવાની સાથે સાથે અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ સ્થળોએ,અલગ અલગ ભૂમિકાઓમાં પણ એટલી જ સક્ષમતાથી કામ કરી શકે છે. પણ એમાનાં કેટલાંક બહુ આધિપત્ય જમાવવાવાળા સ્વભાવનાં હોય કે પછી બહુ વધારે પડતાં આજ્ઞાકારક હોય કે બીજાંને સમાન ગણીને કામ ન કરી શકતાં હોય, જ્યારે આપસી આદાનપ્રદાન મહત્ત્વનું હોય છે ત્યારે તેમને પોતાની સાથે સંકળાયેલં લોકો સાથે કામ કરવામાં ફાવટ નથી રહેતી, જેને પરિણામે સંસ્થામાં લોકોના આપસી સંબંધોમાં ઘર્ષણ પેદા થવા લાગે છે અને તણાવ વધે છે.

એ સમયે આપણે ભુલી જઈએ છીએ કે બીજાં બધામાં પણ પ્રતિભા તો રહેલી જ છે, બસ, તે દર્શાવવાની તેમની રીત અલગ છે. કે પછી તેમની પ્રતિભાની પૂરક પ્રકૃતિની જાહેરમાં ચર્ચા એટલે નથી થતી કે જેથી આપણી અધુરાશ બહાર ન આવી જાય, કે પછી બે વ્યક્તિઓ વચ્ચે એટલી તીવ્ર હરિફાઈ છે કે પોતાની બઢતી ખોઈ બેસાશે એ ભયથી બન્ને એકબીજાંને મદદ જ નથી કરતાં. આમ, એક બીજાંને મદદ ન થતી હોય એવાં વાતવરણમાં, જાણ્યેઅજાણ્યે, દુશ્મનાવટનું વાતાવરણ ખડું થઈ જય છે, જે કેન્સરસ્વરૂપ નીવડે છે.

આપણે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ એવાં સુત્રો અને તસ્વીરો સાથેનાં પોસ્ટરો ભલે લગાડાય, પણ તેની આવશ્યકતા તો ઘડાય છે સંસ્થાના ઉદ્દેશોથી અને ઉદ્દેશોસાથે સંકળાયેલાં લક્ષ્યોથી. એક જ સમાન ડીએનએ હોવા છતાં , કેન્સરગ્રસ્ત કોષ શરીર (સંસ્થા)નાં એકદંર હેતુઓને અવગણે છે અને માત્ર પોતાના વિકાસ તરફ જ ધ્યાન આપીને શરીરમાં કેન્સર ફેલાવે છે. ઘણી વાર કેન્સરની પાછળનું કારણ ધુંમ્રપાન કે તમાકુ સેવનને કારણે અમુક કોષોનો કે વધારે પડતું આકરા તડકામાં રહેવાથી ચામડીના કોષો વધારે પડતો ઉપયોગ પણ હોઈ શકે છે: ઘણી વાર સંસ્થાનું પારિસ્થિતિકી તંત્ર એટલું વધારે પડતું, કે એટલી ખોટી રીતે, વપરાય છે કે પ્રતિભાવાન વ્યક્તિઓ કે ટીમ કે સંસ્થાનાં હિતને ભુલી જઈને પોતાનાં હિતનાં રક્ષણમાં લાગી જાય છે. પરિણામે તેમનો વિકાસ બીજાંઓને ભોગે થાય છે. પછી જ્યારે સંસ્થાના કિલ્લાની કાંકરીઓ ખરવા લાગે છે ત્યારે કોઈને જ ખ્યાલ નથી આવતો કે આમ શા સારૂં થઈ રહ્યું છે.

 
  • ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૨૨ ઓગસ્ટ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખThe Biology of Smart Growth નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૧૬ માર્ચ, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો