બુધવાર, 23 માર્ચ, 2022

નવા શબ્દો (૧૯૪૦) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

 

જ્યોર્જ ઑર્વેલ, અને ચાર્લ્સ ડિકન્સ કે અર્નેસ્ટ હેમિંગ્વે જેવા અંગ્રેજી સાહિત્યના એવા બહુ ખ્યાત લેખકો,ની લેખન શૈલી એટલી બધી વિષય સંદર્ભિત ગણાતી હતી કે એ શૈલીઓ એ લેખકોનાં નામથી ઓળખાય છે. જેમકે જ્યોર્જ ઑર્વેલે તેમની નવલકથા 'નાઈન્ટી એઈટી ફોર'માં જે પ્રકારની શાસન વ્યવસ્થા વર્ણવી તે હવે 'ઑર્વેલિઅન'[1] તરીકે જ ઓળખાય છે.

પ્રસ્તુત લેખમાં જ્યોર્જ ઑર્વેલ રજૂઆત કરે છે કે કેમ અમુક વિચારોને વ્યકત કરવા, ખાસ શબ્દો જ પ્રયોજવા પડે છે, જેમ બાઈસાયકલ, ડીબગ્ગીંગ જેવી અમુક નવી શોધને નિશ્ચિત ઓળખ આપવા નવા જ શબ્દો પ્રયોજાયા છે.

+                      +                      +                      +

[૧]

નવા શબ્દો બનવાની પ્રક્રિયા હાલ બહુ ધીમી ચાલી રહી છે (મેં કશેક વાંચ્યું છે કે, દર વર્ષે અંગ્રેજી ભાષામાં છ નવા શબ્દો આવે છે અને ચાર શબ્દો લુપ્ત થાય છે).  તેમાં પણ, નવી જ વસ્તુઓનાં નામકરણ માટે ઘડી કઢાતા શબ્દો સિવાયના ચાહી કરીને બનતા હોય એવા નવા શબ્દો તો બનતા જ નથી. જોકે અમુક જુના શબ્દો (દા. ત. ‘condition’. ‘reflex’, વગેરે) ને વૈજ્ઞાનિક હેતુઓ માટે તોડી મરોડીને પણ નવા નવા અર્થ અપાતા રહે છે. અહીં મારૂં તો સુચન એ છે કે પારંપરિક અર્થમાં વપરાતી ભાષા જેનો ખરો અર્થ નથી કરી શકવાની એવા આપણા અનુભવોને વર્ણવવા માટે હજારો નવા શબ્દો બનાવીને એક નવું જ શબ્દભંડોળ ખડું કરી શકાય. જેમ જેમ આવી જરૂરિયાત પડશે તેમ તેમ હું તે વિષે વાત કરીશ. નવા શબ્દો શા માટે જરૂરી બની જાય છે તેનો હેતુ વિચારવો એ તેનું પહેલું  પગલું છે.

જે કંઈ વિચારી શકે છે તેમણે જરૂર અનુભવ્યું હશે કે આપણા મગજમં જે કંઇ ચાલી રહ્યું હોય તેને વર્ણવી શકવા માટે ભાષા કેટલી અસમર્થ છે. ટ્રોલોપ અને માર્ક ટ્વૈન જેવા સિધ્ધહસ્ત લેખકો પણ આ વાત સ્વીકારે છે, એટલે જ પોતાની આત્મકથાઓ લખતી વખતે તેઓ ચોખવટ કરે છે કે તેઓ પોતાનાં અંતરંગ જીવનની  વાત વર્ણવવાનો ઈરાદો નથી ધરાવતા, કેમકે તે કોઈ રીતે વર્ણન દ્વારા સમજાવી શકાય તેમ જ નથી. એટલે કે જેવું આપણે નક્કર કે  કોઈના દેખાવ જેવાં દૃષ્ટિગોચર એવાં કંઈ પણ વિશે વાત કરવા ધારીએ છીએ એટલે સમજાઈ જાય છે કે જેટલાં શતરંજનાં પ્યાદાં સદેહ  નથી એટલા જ શબ્દો પણ સજીવ નથી. જેમાંથી બીજી કોઈ આડી અવળી વાત ન નીકળી પડે એવો એક બહુ જ દેખીતો, સ્વપ્નનો, જ દાખલો લઈએ. સ્વપ્નને શી રીતે વર્ણવી શકાય ? જવાબ તો સીધો જ કે શક્ય નથી, કેમકે, સ્વપ્નનું એ સમયનું વાતાવરણ ખડું કરી શકવા સમર્થ શબ્દો ક્યાં છે ? હા, તમે બહુ શબ્દો જાણતા હો અને તમે તેમને બહુ જ અસરકારક રીતે રજુ કરી શકતા હો તો પણ એ વાતાવરણનું જે વર્ણન કરો તે વાસ્તવિકતાનું તો બહુ જ અધ્રુંરૂ  ચિત્ર બની શકે. દાખલો લઈને જોઈએ. - તમારે કહેવું છે કે' સ્વપ્નમાં હું રીજન્ટ સ્ટ્રીટ પર જતો હતો ત્યાં મેં એક શાહુડીને બૉલર હૅટ પહેરીને જાતી જોઈ' પણ સ્વપ્નમાં જોયું તે આટલું જ થોડું હતું ! કોઈ માનસશાસ્ત્રી આ વર્ણનમાં 'પ્રતિકો' મુકીને તેને સમજાવે  તો એ તેની કલ્પના થઈ, તમે જે કહેવા માગો છે તે, એ લહેકામાં, એ ભાવથી ક્યાંથી લાવી શકાય ! સ્વપ્નનાં કથાવસ્તુમાં શાહુડી અને બૉલર હૅટનું કેન્દ્રસ્થાને હોવું તે સમજાવતું કોઈ પણ વર્ણન કોઈ પણ શબ્દોનાં સામર્થ્યની પાર છે.  સ્વપ્ન જેવા વિષયને શબ્દોમાં મુકવું એટલે અન્ય ભાષામાં લખાયેલ કવિતાને તમારી ભાષામાં ભાષાંતર કરવા જેવું છે. ગમે એટલો સારો ભાવાનુવાદ થયો હોય તો પણ એ મૂળ ભાષામાં વાંચવાની ખુબી છે તે તો નથી જ આવી શકતી.[2]

આડીઅવળી ચર્ચામાં ઉતરી ન પડાય એટલા પુરતું મેં સ્વપ્નનું ઉદાહરણ ભલે પસંદ કર્યું, પણ જો સ્વપ્નમાં જ માત્ર દરેક ભાવ કે સ્થિતિનું તાદૃશ, ભાવસહ વર્ણન શક્ય ન હોત તો એ બાબત વિષે કંઈ બહું કડાકૂટમાં પડવા જેવું ન કહેવાય. પરંતુ, વારંવાર જેમ કહેવાતું રહ્યું છે, તેમ કાર્યરત મન સ્વપ્નમય મન કરતાં બહુ અલગ નથી એમ દેખાય છે - કે અલગ નથી એમ આપણે ડોળ કરીએ છીએ. જોકે મહદ અંશે એ સાચું છે કે જાગતી અવસ્થાના આપણા મોટા ભાગના વિચારો તર્કસંગત હોય છે - એટલે કે આપણાં જાગૃત મનમાં શતરજનો એવો એક બિછાતપટ  હોય છે જેના પર આપણે તર્કબધ્ધ રીતે અને શબ્દોમાં વ્યક્ત થાય એ રીતે ચાલ ચાલતાં હોઈએ છીએ; મગજનો આ ભાગ આપણે સીધીસાદી બૌદ્ધિક સમસ્યા માટે વાપરીએ છીએ, જેને કારણે આપણને આપણી બધી જ વિચારશક્તિ  - એટલે કે શતરંજની ચાલ જેમ - તર્કબધ્ધ ચલાવીએ છીએ એમ માનવાની આદત પડી ગઈ છે. પરંતુ સ્વપ્નો જેવા અવ્યવસ્થિત રીતે ગોઠવાતા, અશાબ્દિક  વિષયો આપણા મગજમંથી ક્યારે પણ જતા નથી રહેતા. જો કોઈ પ્રકારની ગણત્રી મુકી શકાતી હોત તો મારૂં માનવું છે છે કે આપણાં જાગૃત મનનો અડધો અડધ હિસ્સો આ પ્રકારના વિચારોથી ભરેલો રહેતો હશે. તે ઉપરાંત જ્યારે આપણે શાબ્દિક ઢંગથી પણ વિચારતાં હોઈએ છીએ તેમાં પણ સ્વપ્ન જેવા વિચારોનું, ઓછે વત્તે અંશે,સંમિશ્રણ તો હોય જ છે, જેને કારણે જ આપણું આંતરિક જીવન મહત્ત્વનૂં બની રહે છે. કોઈ પણ સમયેના તમારા જ વિચારોને તપાસો. તેમાંનો મુખ્ય પ્રવાહ અનામ વિચારોનો જ હશે. આ અનામીપણું એ હદનું હોય છે કે તેને વિચારો, કે આકૃતિઓ કે લાગણીઓ પણ કહેવાં કે કેમ એ પણ કેટલાકને સવાલ થશે. સૌથી પહેલાં તો આપણે જે ચીજો જોઈએ છીએ, જે અવાજો સાંભળીએ છીએ તે પોતાની રીતે વર્ણનક્ષમ હોય છે, પણ જેવાં તે મનમાં દાખલ થાય છે તેવું જ તેનું સ્વરૂપ કંઈ એવું બદલી જાય છે તે સાવ જ વર્ણનક્ષમ ન રહે[3]. તે ઉપરાંત એક એવું સ્વપ્નજીવન છે જે આપણું મન, પોતા માટે, સતત, આપોઆપ જ, રચતું રહે છે. એમાનું ઘણું બહુ જ સામાન્ય હોય છે અને તરત જ ભુલાઈ પણ જતું હોય છે, એમાં જે કંઈ હોય છે તે એવા સુંદર, હળવા ભાવ વગેરેનું બનેલું હોય છે કે તે ભાગ્યે જ શબ્દોમાં ઉતરી શકે. હકીકત તો એ છે કે આપણાં મનનો આ અશબ્દ ભાગ એટલો મહત્ત્વનો છે કે તે આપણાં લગભગ બધાં જ પ્રયોજનોનો ઉદ્‍ભવ સ્રોત જ બની રહે છે. ગમા અણગમા, સૌંદર્ય-અસૌંદર્ય, યોગ્ય-અયોગ્ય જેવા બધાજ ભાવ શબ્દોમાં વર્ણન કરી શકાય તેનાથી પણ વધારે સૂક્ષ્મ હોય છે. (અહીં એ નોંધ લેવી જરૂરી છે કે આમ પણ સૌંદર્ય અને નૈતિક બાબતોની લાગણીઓ સરળતાથી ઉકલી શકે તેવી નથી જ હોતી.) જ્યારે આપણને 'આમ કેમ કર્યું (કે ન કર્યું)' જેવા સવાલો પુછવામાં આવે કે, ત્યારે મોટા ભાગે તેના જવાબ - સાચો જવાબ છુપાવવાની કોઈ જ દાનત ન હોય તો પણ - શબ્દોમાં નહી હોય;પરિણામે એ સવાલના સંદર્ભ સાથે જોડાયેલ આપણાં વર્તનમાં કંઈક અંશે અપ્રમાણિકતાનું તત્ત્વ દાખલ થઈ જ જાય છે. કોઈ તેનો સ્વીકાર કરશે કે કેમ તે તો હું નથી જાણતો, પણ એ તો હકીકત છે કે તેમનાં આંતરજીવનથી તેઓ પ્રભાવિત થઈ શકે છે તેવો કેટલાંક લોકોને અહેસાસ જ નથી હોતો - ક્યારેક તો પોતાની અંદર કોઈ આંતરજીવનનું અસ્તિત્ત્વ છે તે પણ કદાચ ખબર ન હોય. મેં એ નજ઼રે જોયું છે કે ઘણાં લોકો જ્યારે એકલાં હોય ત્યારે હસતાં નથી. મારૂં માનવું છે કે એમ  થવાનું કારણ તેમનું આંતરજીવન સાવ જ નિરસ હોય એમ હોઈ શકે છે. તેમ છતાં, દરેક વ્યક્તિનું એક આંતર્‍જીવન હોય જ છે, અને તેને મહદ અંશે એ ખ્યાલ હોય છે કે કોઈ તેને સમજે કે તે કોઈનું  સમજે, એવી શક્યતાઓ પણ નહિવત જ હોય છે. એટલે કે, કોઈક પળે, કોઈક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ બ્રહ્માંડમાં ફેલાયેલા તારાઓ જેમ બધાંથી બહુ જ દૂર, લગભગ એકલી જ , હોય છે. લગભગ બધું જ સાહિત્ય આ એકલતા દૂર કરવાના ગોળગોળ, અસ્પષ્ટ, શબ્દોની - અહીં શબ્દોના મૂળ અર્થનો સંદર્ભ છે - કેડીએ મંડાતો, પ્રત્યક્ષ, માર્ગ છે.

+                      +                      +                      +

….નવા શબ્દો કેમ શોધવા જોઈએ તેના મૂળ હેતુ માટેની એટલી સબળ પૂર્વભુમિકા જ્યોર્જ ઑર્વેલ બાંધે છે કે બે ઘડી તો આપણને એમ થઈ આવે કે જો કોઈ વ્યક્તિ પોતાનાં મનની વાત આટલી બધી પ્રભાવક રીતે શબ્દોમાં મુકી શક્તી હોય તો જરૂર સાવ જ નવા શબ્દોની છે કે પછી વિશાળ શબ્દભંડોળની અને દરેક શબ્દનો સચોટ પ્રયોગ કરી શકવાની ક્ષમતાની જરુર છે?

પણ, કોઈ નિર્ણય પર પહોંચતાં પહેલાં જ્યોર્જ ઑર્વેલ હવે શું કહેશે તેની રાહ તો જોવી જોઈએ…..

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, New Wordsનો આંશિક અનુવાદ 



[1] 'ઓર્વેલીઅન' નામસ્રોતીય શબ્દ પ્રયોગ વિશે પણ ઘણું લખાયું છે જે પૈકીનું ઘણું સાહિત્ય તો નેટ પર ઉપલ્બધ છે. જેમકે What "Orwellian" really means - Noah Tavlin

[2] ઝવેરચંદ મેઘાણીએ ઘણાં અંગ્રેજી કે બંગાળી કાવ્યો કે ફિલ્મો કે નાટકોને ગુજરાતીમાં રજુ કર્યાં છે. તેમનો પોતાનો ભાષા પર કાબુ એટલો સારો છે કે તેમની એ રચનાઓ ગુજરાતીમાં જ સર્જાઈ હોય એટલો આનંદ એ વાંચવામાંથી એટલી હદે આવે છે કે જો તેમણે જણાવ્યું ન હોત કે આ તો પેલાંનો અનુવાદ છે તો કદી કલ્પના પણ ન આવત કે એ મેઘાણીની પોતાની રચના નથી !  

બન્ને ભાષામાં રચાયેલી કૃતિઓ પોતપોતાની રીતે ઉત્કૃષ્ટ છે, પણ બન્ને પોતપોતાનાં સર્જકોનાં જ આગવાં પ્રદાન છે, આવું ઝવેરચંદ મેઘાણી ખુદ પણ કહે જ છે.

[3]મન એવો સમુદ્ર છે જેમાં દરેકને પોતાના અણસારનું સામ્ય કળાય છે, છતાં તે તેને અતિક્રમીને  દુરસુદુરની  અન્ય દુનિયાઓ અને અન્ય સમુદ્રો રચે છે.'વગેરે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો