બુધવાર, 13 એપ્રિલ, 2022

જ્યારે દર્શકો જ ગ્રાહક હતાં - દેવદત્ત પટ્ટનાઈક

 

થોડા મહિના પહેલાં મને બહુખ્યાત મરાઠી  કાર્યક્રમ, સંગીત બારી (વારો આવે તેમ તેમ પોતાની સંગીત કળાને રજૂ કરવા મા્ટેનો કાર્યક્રમ), માં હાજર રહેવાની તક સાંપડી. આ કાર્યક્રમમાં, પરંપરાગત રીતે માત્ર ખાનગી કાર્યક્રમોમાં જ સક્રિય ભાગ લેતાં, ઓછાં જાણીતાં, ગાયકો અને નૃત્યકારો વિશેની બહુ ઓછી ચર્ચાતી પણ ખુબ જ વ્યાપક એવી પેટાસંસ્કૃતિની વાત કરવામાં આવે છે. અહીં મને 'નાચનારી' તરીકે વધારે જાણીતી નૃત્યાંગનો અને તેમનાં નાટ્યગૃહો વિશે જોવા જાણવા મળ્યું. ૧૯મી અને ૨૦મી સદીમાં બ્રિટિશ સાશકો અને તેમના પ્રભાવ હેઠળના ઘણા ચોખલીયા હિંદુઓએ આ શબ્દપ્રયોગનું હિણપતભર્યું અર્થઘટન કરાવી નાખ્યું હતું.. ગાયન અને નૃત્યને લોકકળા, સુગમ સંગીત કે શાસ્ત્રીય સંગીત અને નૃત્યનાં વર્ગીકરણમાં વહેંચાયા વગર જ ભારતની કળા આ પ્રકારના ખાનગી કાર્યક્રમોમાં વિકસતી અને સચવાતી રહી હતી. આ એક એવા ખાસ પ્રકારના ખેલ ભજવતા કળાકાર 'નટ'નું વિશ્વ હોય છે. આ 'નટ' કોઈ મંદિર સાથે સંકળાયેલા નથી હોતા કે પરિભ્રમણ કરતાં કળાકારોની જેમ શ્રોતા કે દર્શકો નથી શોધતાં , પરંતુ દર્શક વર્ગે તેમને ખોળી પારખી કાઢવાનાં રહે છે.  એ કાર્યક્રમ સમયે સંગીત બારીના એક કળાકારે બહુ સુચકપણે કહ્યું કે, 'અમારો દર્શક વર્ગ નથી હોતો, એ અમારાં ગ્રાહકો છે.' એ એક જ વાક્યમાં નાટ્યશાસ્ત્રનાં ગહન રહસયને સમજાવી દેવાયું હતું. નાટ્ય શાસ્ત્ર એ પરંપરાગતરીતે ભજવાતી બહુ અનોખી ભારતીય કળા છે. એ કલાકારે ભજવણી કરનાર અને દર્શક વચ્ચે દ્વિપક્ષી સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો જે ઈંદ્રિયગત અનુભૂતિનો  કે સંવેદના કે બૌદ્ધિક સ્તરે રચાતો સંબંધ નથી પણ એક શુદ્ધ વાણિજ્યિક વ્યવહાર છે.

મે જોયું છે કે પાશ્ચાત્ય સંગીત કે નૃત્યના કાર્યક્રમોમાં ગુણી દર્શક વર્ગની હાજરીની (કે ગેરહાજરીની) બહુ અસર નથી પડતી. એ તો 'એક તરફી' રજૂઆત હોય છે. પરંતુ ભારતીય શાસ્ત્રીય સંગીત કે નૃત્યના કાર્યક્રમમાં જેમ જેમ શ્રોતા વર્ગની ગુણી દાદ મળે છે તેમ તેમ કલાકાર ખીલે છે. તેની રજૂઆતથી કલાકાર દર્શકોની શ્રવણ કે દર્શન ઈંદ્રિયો વડે તેમનાં મનમાં પોતાની કળાનો રસ ઘૂંટે છે અને એ રીતે દર્શકોની તૃષ્ણાને પોતાની કળાનો ભોગ ધરીને તૃપ્ત કરે છે. દર્શક તરફથી મળતાં ગુણી પ્રતિભાવને કળાકાર તરફથી મળતાં ધ્યાન અને કદર કળાકારની કળાપ્રસ્તુતિને પણ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. છેલ્લે, દર્શક ધરવનો ઓડકાર ખાય છે. અને પછી તે કળાકારને કદર, દાદ,વખાણ અને નાણાં દ્વારા પણ નવાજે છે. આમ 'દ્વિ-પક્ષી' સંબંધ બંધાય છે.

'ગ્રાહકશબ્દ આપણને થોડો ખૂંચે છે. જ્યારે નૃત્યાંગના 'ગ્રાહક'ની વાત કરે છે ત્યારે આપણે તે ધંધાદારી 'નાચનારી' છે એમ માની લેવા દોરવાઈએ છીએ. કળાકારને તો દર્શક વર્ગ જ હોય, ગ્રાહક ન હોય. તે 'ખરીદનાર' સાથે વાણિજ્યિક વ્યવહાર કરે છે, તેમ છતાં કળા એ વેપારની જણસ નથી મનાતી જેનો 'ગ્રાહક' 'ઉપભોગ' કરે. 'વાણિજ્યિક' અને 'શુદ્ધ' એવાં વર્ગીકરણ કળાને અલૌકિકતા બક્ષે છે. (ધર્મ અને) કળાની બાબતોમાં વિક્ટોરિયન તેમજ બૌદ્ધ, જૈન કે હિંદુ આશ્રમવાદ મૂલ્યોનાં મિશ્રણ સ્વરુપે દેખાતું  એકાંતીક રૂઢિચુસ્તતાનું એવું પરિણામ છે, જે (ધર્મ કે) કળાની બાબતમાં પૈસાનું પદાર્પણ કળાને પ્રદુષિત કરનાર 'અનૈતિક પ્રભાવ ગણે છે. તેમાં પણ આનંદ એ (વાણિજ્યિક) વ્યવહારો દ્વારા થતી એક પ્રક્રિયા બને તે તો સાવ જ અસ્વીકાર્ય વિચાર બની રહે છે. 

અને એ પણ હકીકત તો છે જ કે મોજમજા પણ બજારમાં લેવેચ થતી એક જણસ તો છે જ. દર્શક વર્ગની ઈંદ્રિયો દ્વારા અનુભવાતી કે પછી લાગણીઓની કે બૌદ્ધિક અને શારિરીક તૃષ્ણાની તૃપ્તિ એ જ કળાકારનું ધ્યેય બની રહે છે.  કયા પ્રકારની તૃષ્ણા ઉચિત ગણીશું? કળાકારે દર્શકની તૃષ્ણા જ નથી સંતોષવાની પણ ગ્રાહકની કલાભિજ્ઞતાને પણ નિર્મળ કરવી એ તેનું કર્તવ્ય છે. આમ એવી 'નીચી ' કક્ષાનાં કળાકારો હોય છે જે દર્શકને જે જોઈએ તે આપે છે. અને એવાં 'ઉચ્ચ' કક્ષાનાં કળાકારો પણ હોય છે જે દર્શક વર્ગની ક્ષુધા સંતોષવાની સાથે તેમના રસની ગુણવતાનું સ્તર પણ સુધારે છે. કળાકારને પણ પોતાનો જીવન નિર્વાહ કરવાનો છે, જે માટે તેને નાણાં કે અન્ય સ્વરૂપે આવશ્યક ટેકો જરૂરી બની રહે છે. બ્રિટિશરોએ 'ટિકિટ' કે અમેરિકનોએ કલાશ્રયની શરૂઆત કરી તે પહેલાં અપેક્ષા મુજબની કળા પ્રસ્તુતિના બદલામાં કળાકારને અલગ અલગ સ્વરૂપે ઈનામો અને બક્ષિસોથી નવાજવામાં આવતાં

યજ્ઞો અને પૂજાઓમાં પણ વિનિમયનો સિદ્ધાંત , વર્તુળાકારનો છેડો પાછો મળવો કે દ્વિ-પક્ષી સંબંધ જોવા મળે છે. યજ્ઞોમાં દેવતાને આહવાન કરીને પછી 'સ્વાહા' ઉચ્ચારીને ભોગ સ્વીકારવાનું કહેવામાં આવે છે જેની સામે યજમાન તેની ઈચ્છાની પૂર્તિ થશે તેમ દર્શાવતો 'તથાસ્તુ' આશીર્વાદ માગે છે. પૂજામાં ભક્ત ભોગ ધરાવે છે અને બદલા દેવતા પાસેથી પ્રસાદની અપેક્ષા રાખે છે. તે જ દૃષ્ટિએ, પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે, રંગભૂમિના મંચ પર કલાકારે ગ્રાહકનાં રૂપના દર્શકની અપેક્ષા પુરી કરવી રહે છે. એટલું જ નહીં, જો દર્શક વર્ગ તેની રજૂઆતથી સંતુષ્ટ ન પણ  હોય તો પણ કળાકારે કોઈ પણ રીતે ટકી રહેવાનું છે, તેમજ પોતાનાં ક્ષેત્રમાં આગળ પણ વધવાનું છે..   

  • મિડ-ડે માં ૩૦ ઓગસ્ટ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ When audience was customer નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ǁ ૧૩ એપ્રિલ, ૨૦૨૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો