બુધવાર, 27 એપ્રિલ, 2022

ભૂતો ઘર શોધે છે - દેવદત્ત પટ્ટનાઈક

ભાદરવા મહિનાની પુનમથી અમાસ સુધીના દિવસોમાં આવતાં શ્રાદ્ધનાં પિતૃ પક્ષ સમયમાં ઘણાં હિંદુઓ શ્રાદ્ધ વિધિઓ કરે છે. કહેવાય છે એ સમયમાં યમ લોક - મૃત્યુ લોક - જીવિત લોકોના ભૂ-લોકની સૌથી વધારે નજદીક હોય છે. આ દિવસોમાં પ્રેતયાત્રાની વિધિઓ કરવામાં આવે છે અને દાંત વિહોણા પિતૃઓને ભોજન પહોંચાડાય છે.

તળ ચીનમાં તો સામ્યવાદે બધી જ ધાર્મિક પ્રક્રિયાઓ અને પરંપરાગત વિધિઓ અને રિવાજોને  અંધશ્રદ્ધા ગણીને ઉખેડી કાઢવામાં આવેલ છે એટલે, આવી જ વિધિ, તળ ચીન સિવાય રહેતા ચીની સમુદાયો પણ કરે છે. એ લોકો આ પર્વને 'ભૂખ્યાં પ્રેતોનું પર્વ' કહે છે અને તે આપણાં અંગ્રેજી તારિખીયાંના ઓગસ્ટ મહિનાની આસપાસ આવતા ચીની પંચાંગનાં સાતમા મહિનામાં ઉજવાય છે. આ સમય ચીનમાં પાનખરની લણણીના સમય સાથે જ આવે છે જે ચોમાસાના ચાર માસ, ચાતુર્માસ, જેમાં બૌદ્ધ, જૈન કે હિંદુ સાધુઓ યાત્રા નથી કરતા અને વધારે આકરાં તપ અને ધ્યાન કરે છે - સાથે પણ સંકાળયેલ  છે.

જો તે બૌદ્ધ ધર્મ  પહેલાંના તાઓ પંથનો ઉત્સવ હોય તો હજુ બીજો અભિપ્રાય સામે આવશે. બૌદ્ધ ધર્મના ગ્રંથ, ઉલ્લંબના સુત્રમાં બૌદ્ધ ભગવાને તેના શિષ્ય, મૌદ્ગલયાન,ની અતિન્દ્રિય દૃષ્ટિની શક્તિ પારખીને તેની દાદીને મૃત્યુ લોકમાંથી પીડાતાં બચાવવામાં મદદ કરી હતી તેની કથા છે. ભુખ્યાં પ્રેતાત્માઓના તહેવારની શરૂઆત અહીંથી થઈ હશે?

આ મહિનામાં 'નર્કના દરવાજા' ખુલે છે અને પ્રેતાત્માઓ પોતપોતાનાં સગાંસંબંધીઓને મળવા આવે છે. ચીની લોકોમાં પૂર્વજોની પૂજા મોટે પાયે, પણ જુદી રીતે, થાય છે.  અહીં માત્ર જૂનાં કે બહુ જ પવિત્ર જ નહીં પણ દરેક પ્રકારનાં પ્રેતાત્માઓ અમુક સમય પુરતા પાછા ફરે છે.  એવી માન્યતા છે કે પ્રેતલોકમાં પ્રેતાત્માઓનાં તેમના જીવન દરમ્યાનના પાપ અને અધુરી રહેલી ઈચ્છાઓનીની સજાના ભાગ રૂપે પેટ ફૂલી જાય છે પણ ગળાં સાંકડાં થઈ જાય છે. એ સમયે જે વિધિઓ કરવામાં આવે છે તે એ પ્રેતાત્માઓની બધી વાસનો તૃપ્ત કરીને તેમને ખુશ કરવા માટેની હોય છે. તેમને મુખ્યત્ત્વે શાકાહારી ભોજન ધરવાની સાથે પૈસા, કાર, રાચરચીલું, સૌંદર્યપ્રસાધનો, પગરખાં વગેરે જેવી ભૌતિક સુખસગવડોનાં કાગળ પરનાં પ્રતિકોને બાળવામાં આવે છે. તે સાથે નૃત્ય ગીત સંગીત વગેરે પરંપરાગત મનોરંજન કાર્યક્રમો પણ  કરવામાં આવે છે, જેમાં પહેલી હરોળ પ્રેતાત્માઓ માટે આરક્ષિત ગણીને ખાલી રાખવામાં આવે છે. આ 'ગેતાઈ[1] (ગીત મંચ)' કાર્યક્રમો,આ તહેવારનાં અન્યથા ગંભીર વાતાવરણથી વિપરિત, કદાચ પ્રેતાત્માઓને પ્રેતલોકમાં પાછા ફર્યા પછી જે દુઃખો ભોગવવાનાં આવવાનાં છે તે ભુલાવવા માટે, મોજમજાથી ભરપુર હોય છે.

આ મહિનામાં બાળકોને અંધારામાં ફરવા નથી જવા દેવાતાં કે તરવા નથી જવા દેવાતાં. માન્યતા એવી છે કે પોતાને જ્યારે પુનર્જન્મ લેવાનો સમય થાય ત્યારે પ્રેતલોકમાં પોતાની જગ્યા ભરવા માટે પ્રેતાત્માઓ બાળકોને મારી નાખે છે. લોકોને અંધારામાં ગાવાની કે વ્હિસલ પણ ન કરવાની સુચના અપાય છે. રસ્તા પર પડેલા સિક્કાઓ પણ ન ઉઠાવવાનું જણાવાય છે, અને પ્રેતાત્માઓ જેના પરથી ચડીને આવી શકે તેવી મકાનોની દિવાલોથી થોડે દૂર જ ચાલવાનું પણ જણાવાય છે. રાતની જન્મદિવસની પાર્ટીઓ પણ ન કરવાનું કહેવાય છે. એમ પણ કહેવાય છે કે તમે શ્યામ કે શ્વેત નર્ક દેવને જોઈ ગયા પછી જો જીવી જાઓ તો તમારૂં નસીબ ખીલી ઊઠી શકે છે.  આ મહિનામાં કોઈ નવી કાર નથી ખરીદતું કે નવાં ઘરમાં રહેવા નથી જતું.

આ છેલ્લી બાબતમાં હિંદુઓને ઘણી સમાનતા જણાશે.

છેલ્લે, જ્યારે મહિનો પૂરો થવા આવે, કમળ આકારનાં ફાનસો નદીઓમાં તરતાં મુકવામાં આવે છે જેના પર બેસીને પ્રેતાત્માઓ પ્રેતલોક તરફનો પાછા જવાનો માર્ગ શોધી લઈ શકે. હિંદુઓની જેમ જ મૃતાત્માઓને સન્માન આપવામાં આવે છે, પણ તેઓ એ આવકારની આવરદા બહુ ખેંચે નહીં તેમ તો સૌ માને જ છે.

  • મિડ-ડે માં ૬ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ Ghosts look for home નો અનુવાદ : ભારતીય પુરાણશાસ્ત્રવિદ્યા


[1] Getai 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો