બુધવાર, 11 મે, 2022

અહિંસક આતંકવાદનો ઉદય - દેવદત્ત પટ્ટનાઈક

આખરે તો એ થઈને રહ્યું. અહિંસક લોકો, લોહીનું એક ટીપું રેડ્યા સિવાય, આતંકવાદીઓ બની શકે છે. એ લોકોએ બંદુકો નથી ઉપાડવી પડતી, મકાનો ફુંકી નથી મારવાં પડતાં, કે કેમેરા સામે લોકોનાં માથાં નથી ઉડાડી નાખવાં પડતાં. લોકોને પોતાના ખોરાક, કપડાંલત્તાં, સ્વાતંત્ર્ય, મોજમજા કે નાતજાતના અતિરેકનો દુરાચાર કરવા માટેની એ લોકોની નાણાકીય કે રાજકીય શક્તિ, લોકોને માનસિક રીતે ભયભીત કરીને ઝુકાવી દેવા માટે, જ પુરતી છે.

લોહી નથી રેડાતું કે નથી કોઈ શારીરિક રીતે ઘાયલ થતું, એટલે, તકનીકી દૃષ્ટિએ, તે લોકોનો વ્યવહાર આતંકવાદ તો ન કહી શકાય. એટલે એ એવા પ્રકારનો બિન-આતંકવાદ છે જે લોકોને ભયભીત કરીને તેમનો આદર મેળવી શકે છે. અને કેમ નહીં? માત્ર હિંસક લોકો જ બધી મજા અને સત્તા શું કામ ભોગવી જાય ?

કેટલી વિચિત્રતા છે કે કડકમાં કડક જૈન ધર્મ અને આક્રમણશીલ બ્રાહ્મણવાદ વચ્ચેની ભેદરેખા બીજેપીના અમુક વર્ગ દ્વારા પ્રચલિત કરાતા હિંદુવાદને નામે ઝાંખી થતી જાય છે. ક્યાં તો એ લોકો આ બે વર્ગો વચ્ચેની અંટસનો ઇતિહાસ ખસૂસપણે ભુલી રહ્યાં છે કે પછી એ વિશે તદ્દન અજાણ છે.

પરંપરાગત રીતે જૈન સમાજને આક્રમણશીલ હિંદુઓ દ્વારા બળજબરીથી તેમને હિંદુ ધર્મનો એક ભાગ ખપાવવાની વૃતિ પસંદ નથી આવી. ભારત તરફ તેમનાં યોગદાનને કાયમ નગણ્ય કરવાની કે તેને બહુમતિ ધર્મ દ્વારા ઓળવી દેવાની દાનત તેમને નાપસંદ રહી છે. અશોકના બૌદ્ધ ધર્મના અંગિકાર કરવાની વાતો આપણે કરીએ છીએ, પણ ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અંગિકાર કર્યો હતો તેનો ખાસ ક્યાંય ઉલ્લેખ નહીં જોવા મળે. બહુ ઓછાં લોકોને ખબર હશે કે લગભગ દરેક ભારતીય લિપિઓની જનની ગણાતી બ્રાહ્મી લિપિની શોધ, જેઓ વેદો લખાયા તેનાથી પહેલાં થઈ ગયાં, અને જેમના 'આખલા'નાં નિશાન સિંધુ ખીણની મહોરોમાં જોવા મળે છે એવાં, જૈન તિર્થંકર ઋષભનાથનાં પુત્રીએ કરી હતી. એવી પણ કોઈ વાત નથી કરતાં કે બ્રાહ્મણવાદ તમિળ પ્રદેશ પર પહોંચ્યો તે પહેલાં ત્યાં જૈન ધર્મ છવાયેલો હતો. ૧,૫૦૦ વર્ષ પહેલાં લખાયેલ તમિળ પ્રાચિન ગ્રંથોમાં કે દક્ષિણ ભારતના હિંદુ અને બૌદ્ધ રાજાઓએ કેટલાય મહાન જૈન મુનિઓની કત્લ કરી છે એવી પૌરાણિક કથાઓમાં આ સંદર્ભનો ઉલ્લેખ જોવા મળે છે.

વધારે મહત્ત્વનું તો એ છે કે લોકો તો એમ જ માને છે કે 'અહિંસા'નાં વિચારબીજનું મૂળ હિંદુ ધર્મમાં છે, જ્યારે હકીકતે તો તે જૈન ધર્મમાં છે. વળી, અખૂટ સાહિત્ય એમ નોંધે છે કે વૈદિક યજ્ઞોમાં પશુઓનો ભોગ ચડાવવાની પ્રથા તો બહુ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હતી. પરંતુ બૌદ્ધ ધર્મ જેવા આશ્રમવાસી પંથોના ઉદય પછી આ બલિ ચડાવવાની પ્રથા નિંદનીય ગણાવા લાગી. આ માન્યતાના વિકાસની સાથે સાથે ઘણા - બધા તો પણ નહીં - બ્રાહ્મણોએ માંસાહારનો ત્યાગ કર્યો અને અહિંસાનો એક આવશ્યક ગુણ તરીકે સ્વીકાર કર્યો.

જૈન પુરાણોમાં તો સ્પષ્ટ ઉલ્લેખ છે કે હિંદુઓ હિંસક હતા. હિંદુ રામાયણમાં રાવણનો વધ રામ દ્વારા થતો બતાવાયો છે, પણ જૈન રામાયણમાં પદ્મ તરીકે વર્ણવાયેલ રામ હિંસા નથી આચરતા, એટલે રાવણનો વધ લક્ષ્મણ કરે છે. હિંસાનાં પ્રત્યક્ષ કે પરોક્ષ આચરણ માટે જૈન ધર્મ કૃષ્ણની આલોચના કરે છે. પદ્મનાભ એસ જૈનીનાં જૈન ધર્મના અભ્યાસ ને લગતાં સંકલિત લેખોનાં પુસ્તકનાં ૨૯૦મા પાને ઉલ્લેખ છે કે કૃષ્ણના પિતરાઈ નેમિનાં લગ્ન પ્રસંગે, જાનની સરભરા માટે કૃષ્ણએ ચાહી કરીને અનેક પશુઓને વાડામાં પૂર્યાં હતાં જેથી તેમનો વધ કરીને ભોજનની વાનગીઓમાં તેમનાં માંસનો ઉપયોગ કરી શકાય. નેમિએ જ્યારે આ વાત જાણી ત્યારે એટલા વ્યથિત થયા કે તેણે લગ્ન કરવાની જ ના કહી દીધી અને ત્યાંથી જૈન સાધુત્વનો માર્ગ અપનાવી લીધો. નેમિ કાળક્રમે ૨૨મા તિર્થંકર નેમિનાથ થયા.

ગાંધીજીએ અહિંસાને કર્મોની શુદ્ધિ માટેનાં આધ્યાત્મિક સાધનમાંથી સામાજિક ન્યાય માટેનું રાજકિય સાધનમાં પરિવર્તિત કરી નાખી. આજે ગાંધીજીના સિદ્ધાંતોનો વિરોધ કરનારાઓએ અહિંસાને માનસિક દબાણનું હથિયાર બનાવી દીધેલ છે. જેમકે લોકોના આત્માનો ઉધ્ધાર કરવા માગતા મિશનરીઓએ પ્રાણીને પણ બચાવવા માટેની પોતાની સંવેદના બતાવવા માટે કોઈએ મીટ કે ચિકન ન ખાવું એવું જાહેર કર્યું. ગૌમાંસનો નિષેધ તો એક શરૂઆત માત્ર હતી. દૂધ, ઈંડાં કે મધ પર પણ ટુંકમાં નિષેધ આવી શકે છે. પછી ભલેને અન્ન કે શાકભાજીનો નાશ કરતા લાખો ઉંદરોનો ભલે કચ્ચરઘાણ વાળી નખાતો હોય. કહેવાય એમ છે કે ઉંદરનો વળી શો હિસાબ… ગણેશજી, સાંભળો છો ને?
  • Dailyo.in માં ૯ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The rise of non-violent terrorism નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો