બુધવાર, 31 ઑગસ્ટ, 2022

આ આત્માનું પેલાં શરીરમાં પ્રત્યારોપણ - દેવદત્ત પટ્ટનાઈક

 હોલીવૂડની ફિલ્મ 'ફ્રીકી ફ્રાઈડે' મા અને દીકરી પોતપોતાનાં ખોળીયાં અદલબદલ કરે છે તેમાંથી નીપજતી ખુબ જ આનંદી વાત છે. મા દીકરીનાં જુવાન શરીરમાં જાગે છે તો દીકરી માનાં પ્રૌઢ શરીરમાં જાગે છે. તે પછી પોતાની દીકરીના રૂપકડા બોય ફ્રેન્ડ, જેને અચાનક જ પરિપક્વતાનું ભૂત વળગ્યું છે, તેને ખાળવાના જે પ્રયત્નો કરે છે તેમાંથી એક પછી એક રમુજી સ્થિતિઓ પેદા થાય છે. તે જ રીતે દીકરીએ માના દિલફેંક વાગદત્તની સાથે કામ લેવાનું છે અને તે સાથે માની મનોચિકિસ્તકની પ્રેક્ટિસ પણ સંભાળવાની છે. વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ બન્ને એકબીજાંને વધારે ને વધારે સમજવા લાગે છે. આ બધું થવાની પાછળ કોઈ ચમત્કારી બિસ્કિટની અસર છે.

હજારેક વર્ષ પહેલાં, આવી જ કહાનીઓ એ સમયનાં ભારતમાં પણ કહેવાતી હતી. બોધ્યાના રચિત ભાગવદજ્જુકમ (સંત અને ગણિકા) એક એવું જ સંસ્કૃતમાં લખાયેલું પ્રહસન છે. તે એક સાધુ, ભાગવદ, અને ગણિકા, અજ્જુકા,ની વાત છે. તમે તેનું કયું સંસ્કરણ વાંચો છો તે પ્રમાણે એ સાધુ એક બૌધ કે એક હિંદુ સાધુ હોઈ શકે છે, જે એવો યોગી છે જેની પાસે સિદ્ધિની દૈવી શક્તિઓ રહેલી છે. તેમાંની એક ખાસ સિદ્ધિ એવી હતી કે તે ધારે ત્યારે પોતાનાં શરીરનો ત્યાગ કરીને કોઈ પણ મૃત દેહમાં પ્રવેશ કરી શકે, જેને તકનીકી પરિભાષામાં 'પરકાયા પ્રવેશ સિદ્ધિ' કહે છે. આ પરકાયા પ્રવેશને લગતી તો અનેક પૌરાણિક કથાઓ પણ વાંચવા મળે છે.

આ પ્રભાવશાળી, પણ થોડા ભભકાદારી, સાધુની સાથે એક મુંઝવાયેલો રહેતો, પણ શરારતી, શિષ્ય પણ રહેતો. કથાની શરૂઆત થાય છે જ્યારે બન્નેનો સામનો એક અનુપમ સૌંદર્યવાન ગણિકા સાથે થાય છે. સાધુને તેના કામુક ઇશારાઓ પસંદ નથી પડતા પણ શિષ્ય તો એ કામબાણોથી એટલો ઘાયલ બની જાય છે કે તેનું ધ્યાન ગુરુની શીખ પર રહી જ નથી શકતું. એક દિવસ એક સાપ ગણિકાને ડસે છે અને ગણિકા બેહોશ થઈ જાય છે. યમદુત તેના આત્માને લઈ જવા આવે છે. પારાવાર દુઃખમાં ડુબેલો શિષ્ય તેના ગુરુને એ ગણિકાના મૃત દેહને પુનઃજીવિત કરવા આજીજી કરે છે. ગુરુ એમ કરી ન શકે, એટલે શિષ્ય તેને તેના વિકલ્પે ગુરુને પરકાયા પ્રવેશ કરવા કહે છે. એ માટે તે ગુરુને તેમની એ સિદ્ધિ સાબિત કરવાનો પડકાર પણ ગણાવતાં અચકાતો નથી. આખરે ગુરૂ તેને હા કહીને પોતાનો દેહ ત્યજીને ગણિકાના દેહમાંપ્રવેશ કરે છે અને હવે ગણિકા સાધુની જેમ વર્તવા લાગે છે. એ જ વખતે યમદૂત ગણિકાના આત્મા સાથે પાછો ફરે છે, કેમકે ગણિકાના મૃત્યુની નિયત ઘડી ગણવામાં તેની ભૂલ થઈ હતી. ગણિકાને જીવિત જોઈ, તે ગણિકાના આત્માનું ગુરુના દેહમાં પ્રત્યારોપણ કરી દે છે. એટલે હવે ગુરુ ગણિકાની જેમ વર્તવા લાગે છે. તે તો હવે શિષ્ય સાથે પણ પ્રેમગોષ્ઠિઓ કરે છે જે જોઈને ગણિકાના દેહમાં રહેલો ગુરુ અકળાય છે. ખેર, નાટકના અંતમાં આ બધા ગોટાળાની મજા માણી રહે છે, એટલે પરિસ્થિતિને ઠેકાણે લાવે છે.

આ વાર્તામાં રમૂજનાં માધ્યમથી સાધુઓ અને ગણિકાઓ વચ્ચેની પેઢી દર પેઢીથી ચાલી રહેલી ચડસાચડસીની સાથે યોગીઓની જાદુઈ શક્તિઓની વાતને સમાજનાં ધ્યાન પર લાવવાનો પ્રયાસ છે. તેની સાથે વધારે ગૂઢાર્થમાં શરીર અને આત્મા વચ્ચેનાં અંતરને પણ ઉજાગર કરવાની સાથે આત્માને મન અને જીવન શક્તિનાં સંયોજન સ્વરૂપે રજૂ કરાયેલ છે.

૫૦૦ વર્ષ પછી, ૧૪મી સદીમાં, આદિ શકરાચાર્યે આખા દેશમાં ભ્રમણ કર્યું. તેમનાં જીવન ચરિત્ર - Shankara Digvijayam -માં શકરને મંડન મિશ્રનાં પત્ની ઉદય ભારતીએ કામ પરની ચર્ચા માટે આમંત્રતિત કર્યા તેની પણ વાત છે. એ વિષય પર પોતાને વધારે માહિતીગત કરવા માટે શંકરે પોતાની યોગ શક્તિઓના પ્રયોગ વડે થોડા જ સમય પહેલાં મૃત્યુ પામેલ અમરૂ નામના રાજાનાં શરીરમાં પરકાયા પ્રવેશ કર્યો. એ શરીરનો સાધન તરીકે ઉપયોગ કરીને તેણે કામક્રીડાઓની કળાના અનુભવ વડે જાતમાહિતી મેળવી. તેમના આ અનુભવઓને તેમણે અમરૂ-શતક નામના કાવ્યસંગ્રહમાં રજુ કરેલ છે.

આ વાતમાં રમુજ નથી, પણ એક સાધુ ઈંદ્રિય સુખો વિષે જ્ઞાન મેળવવા પોતાનાં શરીરને અભડાવવું ન પડે એટલે પરકાયાપ્રવેશની મદદ લે છે તેની ગંભીર ચર્ચા છે. તેમાં આપણને મધ્યકાલીન ભારતમાં લિંગભેદા, મનોશાસ્ત્ર અને ગૂઢવિદ્યાનાં વિજ્ઞાન વિષેની સમજ છતી થવાની સાથે આપણા આજનાં પવિત્રતા અને શુદ્ધતાના ખયાલો પર પ્રકાશ આણ પડે છે.

  • મિડ ડેમાં ૨૭ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Transplant this soul in that body નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો