બુધવાર, 24 ઑગસ્ટ, 2022

એકહથ્થુ હકુમત અને સાહિત્ય (૧૯૪૧) - [૨] - જ્યોર્જ ઑર્વેલ

 એકહથ્થુ હકુમત અને સાહિત્ય / Literature and Totalitarianism   []થી આગળ

આપખુદશાસન વ્યવસ્થા અને યુરોપ કે પૂર્વની પ્રાચીન રૂઢિવાદી વ્યવસ્થાઓમાં કેટલાક મહત્ત્વના તફાવતો છે. સૌથી મહત્ત્વનો ફરક એ કે જૂની રૂઢિવાદી વ્યવસ્થાઓ બદલતી નહીં, કમસે કમ ઝડપથી તો નહીં જ. મધ્યકાલીન યુરોપમાં તમારે શું માનવું તે વિશે ચર્ચ જોહુકમી કરતું, પણ જન્મથી મૃત્યુ સુધીની તમારી કેટલીક માન્યતાઓ તે તમને રાખવા દેતું. આજે એક અને કાલે બીજું માનવું એવી બાબતોની ફરજ તો નહોતું પાડતું. આજે પણ મહદ અંશે આ વાત રૂઢિવાદી ખ્રિસ્તી કે હિંદુ કે બૌદ્ધ કે ઇસ્લામ ધર્મો માટે સાચી છે. એક દૃષ્ટિએ તમારા વિચારોને એક નિશ્ચિત સીમાના વાડા પુરતા મર્યાદિત કરાતા, પણ પછી માન્યતાઓનાં એ જ ચોકઠામાં વ્યક્તિની આખી જિંદગી વીતી જતી. તેની લાગણીઓ સાથે વારંવાર છેડછાડ નહોતી કરાતી.

હવે, આપખુદ શાસન સાથે તેનાથી બિલકુલ ઉલટું જ સાચું છે. આપખુદશાહીની વિશેષતા એ છે કે એ વિચારો પર અંકુશ લાદે છે, પણ તે વિચારો એ ઠોકી નથી બેસાડતી. જેની સામે સવાલ ન કરી શકાય એવા સિદ્ધાંતો એ જરૂર સ્થાપે, અને તેને રોજેરોજ બદલતી પણ રહે. તેને આવા જડ સિદ્ધાંતોની આવશ્યકતા છે કે કેમકે તેની પ્રજા પાસેથી તેની આજ્ઞાવશતા જોઈએ છે. તે સાથે સતાનાં રાજકારણને અનુકૂળ થતા રહે એવા ફેરફારો પણ તે ટાળી પણ ન શકે. તે પોતાને અચૂક પણ જાહેર કરે છે અને તે સાથે નિરપેક્ષ સત્યના વિચાર પર તે પ્રતિકૂળ ટીકા પણ કરતી રહે છે. એક બહુ જ દેખીતો, અપક્વ, દાખલો જ બસ થઈ રહેશે - સપ્ટેમ્બર ૧૯૩૯ સુધી દરેક જર્મને રશિયાઈ સામ્યવાદી ફાંટા (બોલ્શેવિકવાદ Bolshevism)ને ડર અને અણગમાની નજરે જોવાનો હતો, પણ સપ્ટેમ્બર ૧૯૩૯ પછી હવે માન અને લાગણીથી જોવા લાગવાનું હતું. રશિયા અને જર્મની વચ્ચે યુદ્ધ ફાટી નીકળે - જે આવતાં થોડાં વર્ષોમાં શક્ય પણ બની શકે છે - તો જર્મન  લોકોનાં જીવનને બીજો એક તીવ્ર આંચકો લાગશે. જર્મન લોકોનાં લાગણી જગત, તેના પ્રેમ અને ધિક્કાર,ને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રાતોરાત ઉપટપુલટ થવું પડે.

આવી પરિસ્થિતિઓની સાહિત્ય પર શું અસર પડે તે કહેવાની ભાગ્યે જ જરૂર પડવી જોઈએ, કેમકે સાહિત્ય સર્જન મહદ અંશે લાગણીઓ સાથે સીધો સંબંધ ધરાવે છે, જેને કાયમ બહારથી નિયંત્રિત ન કરી શકાય.એ સમયની રૂઢિવાદીને શબ્દોનાં પુષ્પોથી નવાજવી આસાન છે, પણ કંઈ પણ અર્થ સરે એવું લખવા માટે વ્યક્તિ જે કહે છે તે તેને સાચું તો લાગવું જ જોઈએ; તે સિવાય, સર્જનાત્મકની સ્ફુરણા થાય નહીં. આપણી પાસે જે કંઈ પુરાવાઓ છે તે બતાવે છે કે પોતાનાં અનુયાયીઓમાં અચાનક લાગણીના બદલાવની જે અપેક્ષા આપખુદ શાસન વ્યવસ્થા રાખે છે તે માનસિક રીતે અશક્ય છે. અને એ જ મુખ્ય કારણ છે જેને કારણે હું સુચવું છે કે આપખુદ શાસન જો વિશ્વમાં વિજયી બનતું રહ્યું તો , તો સાહિત્યને જે સ્વરૂપે આપણે ઓળખીએ છીએ તેનો તો અંત જ છે. હકીકત એ છે કે, અત્યાર સુધી તો આપખુદશાહીની એ અસર વર્તાય પણ છે. ઈટાલીમાં સાહિત્ય મુરઝાઈ ગયું છે અને જર્મનીમાં  તે સાવ જ લુપ્ત થવા પર છે. પુસ્તકો સળગાવી મારવાં એ નાઝીઓની ખાસ પ્રવૃત્તિ રહી છે. રશિયામાં પણ સાહિત્યિક નવજાગૃતિની જે અપેક્ષા કરવામાં આવી હતી તે થઈ નથી, અને સૌથી વધારે આશાસ્પદ રશિયન લેખકોમાં ક્યાં તો આપઘાત કરવાનું કે ક્યાં તો જેલોમાં ગુમ થઈ જવાનું ચલણ જોવા મળે છે.

મેં પહેલાં પણ કહ્યું છે કે ઉદારમતવાદી મુડીવાદ તો દેખીતી રીતે અંત પામી રહ્યો છે, અને એટલે હું કદાચ એમ સુચવતો પણ જણાતો હઈશ કે વિચાર સ્વાતંત્ર્ય પણ વિનાશને પંથે છે. પરંતુ હું ખરેખર એવું માનતો નથી, અને તારણમાં એટલું જ કહેવા માગીશ કે  સાહિત્યનાં ટકી રહેવાની આશા જ્યાં લશ્કરી શાસન નથી, કે પશ્ચિમ યુરોપ કે અમેરિકા કે ભારત કે ચીન જેવા, એ દેશોમાં છે જ્યાં ઉદારમતવાદનાં મૂળીયાં ઊંડે સુધી પ્રસરેલાં છે. મારૂં માનવું છે કે - એ પ્રાર્થના ભલે માત્ર કર્તવ્યનિષ્ઠાની નીપજ જ હો - સામુદાયિક અર્થતંત્ર આવીને જ રહેવાનું હોય તો પણ આ દેશોને ખબર હશે કે જે આપખુદ ન હોય એવો સમાજવાદ કેમ વિકસાવવો, જેમાં વિચાર સ્વાતંત્ર્ય વ્યક્તિગત આર્થિક વિચારસરણીનાં લુત થવાને પણ અતિક્રમીને ટકી રહે. ખેર, જે કોઈને સાહિત્યની ચિંતા છે તે કમસે કમ એ આશાને તાંતણે તો વળગી રહી શકે. જે કોઈ સાહિત્યનું મૂલ્ય સમજે છે, સાહિત્યનું માનવ વિકાસના ઇતિહાસમાં કેન્દ્રીય સ્થાન જોઈ શકે છે, જે - આપણા ઉપર બહારથી  કે પછી ભલેને અંદરથી ઠોકી બેસડાઈ હોય  એવી - આપખુદશાહીના વિરોધની જીવનમરણ જેટલી અગત્ય સમજી શકશે.

+                      +                      +                      +

આપખુદ કે બહુ જ ચ્સ્ત વિચારસરણીવાળી, સામાજિક, ધાર્મિક કે રાજકીય શાસન વ્યવસ્થામાં મુક્ત વિચારનો વિકાસ કુંઠિત થઈ જશે અને તેને પરિણામે ખરા અર્થનું સાહિત્ય પણ મરી પરવારશે એ ભય જેમ જેમ જ્યોર્જ ઑર્વેલને સાચો પડતો લાગે છે તેમ તેમ તેમની આશા પણ ક્ષીણ થવા લાગે છે. હવે તો તેઓ એ કક્ષાએ પહોંચી ગયા છે કે કોઈ પણ વાદ સિવાયના ઉદારમત'વાદ' સમાજમાં મુક્ત વિચાર જળવાઈ રહે તે માટેની પ્રાર્થનાનો આશરો પણ તેઓ લઈ રહ્યા છે.

                                  +                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Literature and Totalitarianismનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો