પરંપરાગત સંસ્થાઓ તેના માલિકની પ્રતિભાની આસપાસ ઘડતર અને વિકાસ પામે છે. કામ વધે તેમ તે બીજાં, વફાદાર અને આજ્ઞાકારી, લોકોને માલિક સાથે લે છે. બધા નિર્ણયો કેન્દ્રવર્તી હોય છે. પરંતુ જેમ સંસ્થા વિકસતી જાય છે તેમ તેમ કુટુંબની બહારના વ્યાવસાયિકોની સંખ્યા સંસ્થામાં વધતી જાય છે. સામાન્યપણે, આ વ્યાવસાયિકોની વફાદારી પોતાનાં કામ તરફ વધારે અને કોઈ એક વ્યક્તિ તરફ ઓછી હોય છે. પોતાનાં સારાં કામને કેટલું પોરસવામાં આવે છે તે તેમને વધારે મહત્ત્વનું હોય છે. વ્યાવસાયિકો અને વફાદારોના અભિગમના આ સહજ તફાવતને કારણે બન્ને તરફનાં લોકોનાં હિતો આમનેસામને આવી જવા સુધીની સ્થિતિઓ પણ આવવા લાગે છે. વ્યાવસાયિકો તો પોતાનું કામ બરાબર કરતા રહીને, જાણ્યેઅજાણ્યે વફાદારો કામમાં બિનકાર્યક્ષમ અને બિનઅસરકારક છે તે તરફ ધ્યાન દોરતા જણાવા લાગે છે. જેના પ્રતિભાવમાં ઘણી વાર વફાદારો સંસ્થા વિશેનાં પોતાનાં જ્ઞાનનો ઉપયોગ વ્યાવસાયિકોને નીચા દેખાડવા કરવા કરતા હોય એમ લાગે છે. વ્યાવસાયિકો અને વફાદારો વચ્ચેની આ રસ્સાખેંચને હવે વિખેરી નાખવાનું કામ અગ્રણીઓને માથે આવી પડે છે. તેને અણદેખી પણ નથી કરી શકાતી કે સલાહસુચનોથી દૂર પણ નથી કરી શકાતી.
અંદરનાં લોકો ક્યાં તો કુટુંબનાં જ સભ્યો હોય છે અથવા તો બહુ જૂનાં સંગાથીઓ હોય છે, જ્યારે વ્યાવસાયિકો સામાન્યપણે બહારથી, નવાં, જોડાયેલાં હોય છે. આ બન્ને વર્ગનું બધું જ સાવ અલગ હોય છે. અંદરનાં લોકોનો પહેરવેશ અને બોલચાલની ભાષા, ક્યારેક તો પોતાની જેમ સંસ્થામાં લાંબા સમયથી કામ કરતું હોય તે સિવાય અન્ય કોઈને કદાચ સમજાય પણ નહીં એવી આગવી સંજ્ઞાઓ અને રૂપકો ધરાવતી, સાવ બીનઔપચારીક હોય છે. બહારનાં વ્યાવસાયિકો એક નિશ્ચિત પહેરવેશસંહિતા પાળે છે, પોતે અહીં તેમને સોંપાયેલ કામ કરવા આવેલ છે તે બાબત સ્પષ્ટ હોય છે, જેનું તેમને પૂર્વનિશ્ચિત મહેનતાણું પણ મળે છે અને સંસ્થા અને પોતા વચ્ચે જે અંતર તેઓ જાળવે છે તેને તેઓ વ્યાવસાયિકતાની આગવી ખાસિયત ગણાવવામાં ગૌરવ અનુભવે છે. તેમના વ્યવહારો એક નજરે તો જૂના સમયના પરદેશી લશ્કરમાં કામ કરતા સિપાહીઓને વધારે મળતા જણય છે.
મહાભારતમાં જ્યારે દુર્યોધન કર્ણને એક કૌરવને છાજે તેમ સૈન્યનું સેનાપતિપદ ગ્રહણ કરવાનું કહે છે, ત્યારે ભિષ્મ તેનો વિરોધ કરે છે. કર્ણને તેઓ દુષ્પ્રભાવકારક અને કૌરવો અને પાંડવો વચ્ચેનાં તડાંનું મૂળ ગણે છે. તેઓ કર્ણના નીચાં કુળને મહત્ત્વ આપીને સારથિપુત્રનાં નેતૃત્વમાં યુદ્ધ કરવાની ના પાડી દે છે. દુર્યોધન હવે ધર્મસંકટમાં આવે છે - જો તે ભિષ્મની વાત માને તો તેને કર્ણનાં સામર્થ્ય ખોવાનું નુકસાન વહોરવું પડે તેમ છે. શું કરવું એ જ તેને નથી સમજાઈ રહ્યું .એ સંજોગોમાં ભિષ્મનાં મૃત્યુ સુધી યુદ્ધભૂમિમાં પોતે પ્રવેશ જ નહીં કરે એમ જાહેર કરીને કર્ણ દુર્યોધનનાં નિર્ણય લેવાની કઠિન પરીક્ષામાંથી બચાવી લેવા પ્રયાસ કરે છે. કુટુંબના હિત ખાતર એક વ્યાવસાયિક પોતાનો ભોગ આપી દે છે. એ સંસ્થાને છોડી જતો નથી રહેતો, પણ પાછળ રહીને એ નિર્ણાયક ઘડીની રાહ જૂએ છે જ્યારે કોઈ જ વિરોધ કે મનદુઃખ વગર, તેનાં સામર્થ્યનાં જ કારણે, ફરીથી તેનું યોગ્ય સ્થાન સંભાળી લેવાનું તેને કહેવામાં આવે.
હનુમાને વળી સાવ અલગ વ્યૂહરચના જ અપનાવી છે. તેમને હંમેશાં રામનાં ચરણોમાં બેઠેલા જ વર્ણવાયા છે, જ્યારે રામના ભાઈઓ, રામની બાજુમાં, છત્ર પકડેલા કે ચમર ઢાળતા, બતાવાયા છે. બન્ને પક્ષ રામની સેવા તો કરે જ છે, પરંતુ બહારની વ્યક્તિ એટલી વિનમ્રતાથી અને વિવેકાચારીપણાથી વર્તે છે કે રામનાં કુટુંબીજનોને તેનાથી કોઈ જોખમ જ ન અનુભવાય. દલીલ ખાતર એમ કહી શકાય કે રામના ભાઈઓ એટલા પરિપક્વ હતા કે તેઓ તેમનાં અને હુનુમાનનાં સ્થાનની ગરિમાને અને સીમાને બરાબર સમજતા હતા. જોકે મૅનેજમૅન્ટની વાસ્તવિક પરિસ્થિતિઓમાં બધાજ પક્ષમાં આવી અંલંકૃત સમજણો હોય તેમ અપેક્ષા ન કરી શકાય.
સામાન્ય માનવી પણ પરિપક્વ નથી હોતો. આપણને ખાય જોખમ જ અનુભવાયા કરે છે અને એટલે આપણે આસપાસનાં લોકો તરફથી બધું બરાબર છે એવી હૈયાધારણની ખોજમાં રહીએ છીએ. બહુ ઓછાં લોકો પોતાની અંદરથી જ મનની શાંતિ મેળવી શકે છે કે સંસ્થાના પદાનુક્રમમાં કોઈ જાતના પૂર્વગ્રહ વિના પોતાની જાતને ગોઠવી લઈ શકે છે. મોટા ભાગનાંને તો પદાનુક્રમમાં ઉપરને ઉપર ચડતાં રહીને નીચે રહેલાં લોકો પર પોતાનો પ્રભાવ જ જમાવવો હોય છે. કૌટુંબીક સંબંધો સંસ્થાના પદાનુક્રમમાં તમને બીનઔપચારિક સ્તરે ઉપર વધવા દે છે, જ્યારે ક્ષમતા તમને સંસ્થાનાં ઔપચારિક પદાનુક્રમમાં આગળ લઈ જાય છે. સંબંધો અને ક્ષમતા વચ્ચેનાં ઘર્ષણને ટાળી નથી શકાતું. અસરકારક અગ્રણીએ બન્નેને પોતાના અને સંસ્થાના ફાયદા માટે ઉપયોગમાં લેતાં રહેવું પડતું હોય છે.
- ધ ઈકોનોમિક ટાઈમ્સમાંમાં ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ
પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The tussle between the family man and the outsider નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો