બુધવાર, 27 જુલાઈ, 2022

એકહથ્થુ હકુમત અને સાહિત્ય (૧૯૪૧) - [૧ ] - જ્યોર્જ ઑર્વેલ

 જ્યોર્જ ઑર્વેલ સાહિત્યને એક પ્રકારનો સંવાદ કહે છે 'જે અનુભવનાં દસ્તાવેજીકરણ વડે પોતાના સમકાલીનના વિચારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે'. તેમના મત મુજબ કોઈ પણ સાહિત્ય કંઈક અંશે કૃત્રિમ વલણ અખત્યાર કરતું હોય, અમુક જાતની લઢણની શૈલીમાં ઘુંટાતું પણ હોય કે ભલેને સાવ જ અર્થહીન તરકટ હોય, પણ લેખક તત્ત્વતઃ સંન્નિષ્ઠ હોય તો ચાલી જાય. પરંતુ રાજકારણનું સહજ ચલણ સાહિત્ય પર આક્રમણ કરવાનું જ હોય છે. એટલે જ 'ખરા અર્થમાં, ભય, ધિક્કાર અને વફાદારીનાં રાજકીય વાતાવરણમાં બિન-રાજકીય સાહિત્ય જેવું કંઈ સંભવ નથી. તેમાં પણ રાજકીય વિચારધારા પોતે જ સાચી છે એવી શાસન વ્યવસ્થાના સમયમાં કોઈ પણ પ્રકારનું સાહિત્ય- કળા- જોખમમાં જ રહે છે.


જ્યોર્જ ઑર્વેલના આ વિચારો ૧૯૪૧માં વાંચીએ ત્યારે આપણે એ બાબત ધ્યાન પર આવે કે પહેલાંનાં વર્ષોમાં તેમણે સામંતશાહીની સામે સમાજવાદ માટેની લડાઈઓ જોઈ છે, એટલે કદાચ બકરું કાઢવા જતાં ઊંટ પેસી જવા તેમના અનુભવો આ વિચારો માટે કારણભૂત હોય તેમ માની શકીએ. પણ આ વિચારો એમનાં મનમાં કેટલા છવાઈ ગયા હશે કે એ વિચારો આગળ જતાં એનિમલ ફાર્મ (૧૯૪૫)જેવી હળવી શૈલીમાં કહેવાયેલી અને ૧૯૮૪ (૧૯૪૯)જેવી ચાબખા વીંઝતી ભાષામાં તેમની કલમે વ્યક્ત થયા.

+                      +                      +                      +


મારાં પહેલાં વ્યક્તવ્ય[1]ની શરૂઆતમાં મેં કહ્યું હતું કે આ નિર્ણાયક સમય નથી. એ તટસ્થતાનો નહીં પણ પક્ષાભિમાનનો સમય છે, જેમાં જે પુસ્તક સાથે તમે અસહમત હો તેમાં સાહિત્યિક પાત્રતા મળવી વિશેષ મુશ્કેલ છે. રાજકારણે - તેના સૌથી વધારે વ્યાપક અર્થમાં[2]- સાહિત્ય પર સામાન્ય સંજોગોમાં ન બને એટલી હદે આક્રમણ કર્યું છે કે જેને પરિણામે વ્યક્તિ અને સમાજ વચ્ચે ચાલી રહેલ સંઘર્ષને આપણી સભાનતાની સપાટી પર લાવી મુકેલ છે. જ્યારે કોઈ વ્યક્તિપ્રમાણિક, નિષ્પક્ષ, વિવેચન લખવા બેસે ત્યારે જ આવનારા સમયમાં સમગ્ર સાહિત્ય પર જે જોખમ મંડરાઈ રહેલ છે તેનો ખયાલ આવે છે.

આપણે અત્યારે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જેમાં સ્વાયત્ત વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે- કે કદાચ એમ કહેવું જોઈએ કે પોતે સ્વાયત્ત છે તેવો તેનો ભ્રમ ખતમ થઈ રહ્યો છે. હવે, સાહિત્ય વિષે જે કંઈ કહીએ, કે (એ બધાં ઉપરાંત) વિવેચન વિશે જે કંઈ કહીએ તેમાં આપણે વ્યક્તિ સ્વાયત્ત જ હોય એવું ધારી જ લઇએ છીએ. આધુનિક યુરોપનાં સમગ્ર સાહિત્યનું - હું છેલ્લાં ચારસો વર્ષનાં સાહિત્યની વાત કરી રહ્યો છું - ઘડતર બૌદ્ધિક પ્રમાણિકતાની વિભાવના પર થયું છે. અથવા તો શેક્સપિઅરનાં જીવનસૂત્ર પરથી કહીએ તો બીજી રીતે એમ કહી શકાય કે 'તમારી જાત સાથે પ્રમાણિક બનો.' લેખકને આપણો પહેલો સવાલ હોય છે કે એ જૂઠું તો નથી બોલતો ને, એ જે માને છે, જે અનુભૂતિ ધરાવે છે તે જ કહે છે ને. કળાની કૃતિ માટે આપણે આપણે સૌથી વધારે ખરાબ એમ કહી શકીએ કે એ નિષ્ઠાહીન છે. અને સર્જનાત્મક કળા કરતાં પણ વિવેચન માટે તો આ હજુ વધારે સાચું છે. સર્જનાત્મક કળામાં થોડી ઘણી બનાવટ, થોડો ઘણો દેખાડો, અમુક હદ સુધીની અર્થહીનતા પણ કદાચ ચાલી જાય, બશર્તે લેખક મૂળતઃ સંન્નિષ્ઠ હોય. આધુનિક સાહિત્ય તત્ત્વતઃ વ્યક્તિગત બાબત છે. એ ક્યાં તો કોઈની માન્યતા કે લાગણીનું સાચેસાચી રજુઆત છે, અને નહીં તો કંઈ જ નથી.

મારૂં એમ કહેવું છે કે આપણે ભાવના તો હોય જ ને એમ માની લઇએ છીએ, જેને શબ્દોમાં મુકતાંની સાથે જ સમજી જવાય છે કે સાહિત્ય કેટલું જોખમમાં છે, કેમકે આ સમય એકહથુ હકુમતનો છે, જે વ્યક્તિને કોઈ પ્રકારની સ્વતંત્રતા નથી આપતું, ક્દાચ ન આપી શકે. એકહથ્થુ સત્તાની વાત આવતાં જ આપણને જર્મની, રશિયા કે ઈટાલી યાદ આવી જાય, પણ એ વાતનું જોખમ હવે સ્વીકારવું રહ્યું કે આ બાબતો હવે સમગ્ર વિશ્વને લાગુ પડવા લાગી છે. એ તો હવે સીધે સીધું દેખાય જ છે મુક્ત મુડીવાદનો અંત આવી રહ્યો છે અને એકેએક દેશ કેંદ્રીકૃત અર્થતંત્ર અપનાવી રહ્યો છે, જેને લોકો સમાજવાદ કે રાજ્યના મુડીવાદ તરીકે પણ ઓળખે છે. તે સાથે વ્યક્તિની આર્થિક સ્વતંત્રતા , અને એટલે અંશે તેને જે પસંદ છે તે કરવાની સ્વતંત્રતા, પોતાને ગમે તે કામ કરવાની સ્વતંત્રતા, વિશ્વમાં એકથી બીજે આવવાજવાની સ્વતંત્રતાનો પણ અંત આવવા લાગે છે. અત્યાર સુધી આ બધાંનાં પરિણામો જોઈ નહોતાં શકાતાં. પુરેપુરો ખયાલ આવ્યો જ નહીં કે આર્થિક સ્વતંત્રતાનાં લુપ્ત થવાની અસર વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર પણ પડી શકે છે. સમાજવાદને એક પ્રકારના નૈતિક ઉદારમતવાદ તરીકે જોવામાં આવતો હતો. રાજ્ય તમારાં જીવનના આર્થિક વ્યવહારો પોતાના હાથમાં લઈ લે અને તમને ગરીબી, બેકારી કુપોષણ વગેરેના ભયમાંથી મુક્ત કરે,પણ વ્યક્તિનાં અંગત બૌદ્ધિક જીવનમાં તેનો કોઈ હસ્તક્ષેપ નહીં હોય. ઉદારમત-મુડીવાદના નેજા હેઠળ જેમ કળા વિકસી હતી તેમ જ, કદાચ થોડી વધારે પણ, વિકસશે,કે,કેમકે કલાકારને હવે કોઈ આર્થિક મજબુરી હેઠળ નહીં રહેવું પડે.

જેટલા પુરાવાઓ ઉપલબ્ધ તેના આધારે એટલું તો સ્વીકારવું પડે કે આ બધા વિચારો ખોટા પડ્યા છે. આ પહેલાંના કોઈ પણ સમયમાં ન થયેલ હોય તેમ એકહથ્થુ શાસને વિચારોની સ્વતંત્રતા ખતમ કરી નાખી છે. એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે વિચારો પરનું તેનું નિયમન માત્ર નકારાત્મક ન નથી પણ સકારાત્મક પણ છે. અમુક વિચારો રજૂ કરવાનો જ- કે વિચારવાનો પણ - તે નિષેધ નથી કરતું પણ- તમે શું વિચારો તે પણ તે નક્કી કરે છે, તમારા માટે તે વિચારધારા પણ ઘડે છે, તમારાં ભાવાત્મક જીવન પર તે શાસન કરવા પ્રયત્ન કરે છે અને તમારા માટે આચારસંહિતા પણ ઘડે છે. શક્ય હોય ત્યાં સુધી તે તમને બહારની દુનિયાના સંપર્કથી દુર રાખે છે અને તમને જ્યાં કોઈ સરખામણીનાં ધોરણો ન હોય એવાં કૃત્રિમ વિશ્વમાં બાંધી રાખે છે. યેન કેન પ્રકારેણ, એકહથ્થુ શાસન વ્યવસ્થા જેટલો તેની પ્રજાની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય તેમ હોય, કમ સે કમ, એટલો અંકુશ તેમના વિચારો અને લાગણીઓ પર પણ રાખવા પ્રયાસ કરતી રહે છે.

આપણા માટે મહત્ત્વનો સવાલ એ છે કે આવાં વાતાવરણમાં સાહિત્ય ટકી શકે ખરું? આનો ટુંકો ને ટચ જવાબ એજ હોય કે, કદાપિ નહીં. જો આપખુદશાહી વિશ્વવ્યાપી અને કાયમી બની જાય તો, આપણે જેને સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તેનો અંત જ આવે. અને પહેલી નજરે ભલે એવું લાગે છે પણ જેનો અંત આવશે તે માત્ર પુનરુજ્જિવન પછીનાં યુરોપનું સાહિત્ય જ નહીં હોય.

+                      +                      +                      +

આપખુદ શાસનમાં એવું તે શું છે જેનાથી સાહિત્યનો મૃત્યુ ઘંટ વાગી જાય, એ વાત જ્યોર્જ ઑર્વેલ હવે પછી જણાવે છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, Literature and Totalitarianismનો આંશિક અનુવાદ 

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

[1] Literature and Totalitarianism – Orwell’s Speech Re-examined - Marcia

 [2] તેના વ્યાપક અર્થમાં, રાજકારણ એવી પ્રવૃત્તિ છે જેના દ્વારા માણસ પોતે જે રીતે જીવે છે તે માટેના નવા નિયમો બનાવે છે, જાળવી રાખે છે અને તેમાં સુધારાઓ કરે છે. આમ રાજકારણ નિવારી ન શકાય તે રીતે વિસંવાદ અને સહયોગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. - સંદર્ભ સ્રોતઃ https://www.macmillanlearning.co.uk/resources/sample-chapters/9780230363373_sample.pdf

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો