બુધવાર, 20 જુલાઈ, 2022

દુર્ગા પૂજાનો ગોસાની યાત્રા સાથેનો સંબંધ - દેવદત્ત પટ્ટનાઈક

 

જ્યારે જ્યારે દુર્ગા પૂજાના દિવસો નજદીક આવે છે ત્યારે ત્યારે આ ઉત્સવની શરૂઆત વિશેના લેખોનો રાફડો ફાટે છે. જેમાં બંગાળની જમીનદારી પ્રથા અને ૧૮મી સદીમાં ઈસ્ટ ઇંડિઆ કંપનીને ખુશ કરવાના તેમના પ્રયત્નો જેવા અનેક વિષયો આવરી લેવાતા હોય છે. પરંતુ એક પણ લેખમાં દુર્ગા પૂજાના મૂળને ઉડિશાના ગોસાની જાત્રા ઉત્સવ સાથેના સંબંધનો ઉલ્લેખ સરખો પણ નથી હોતો.

આમ થવાનું કારણ ધ્યાન બહાર રહી જવું હશે? કે એ વિશે ખબર  ન હોવી હશે ? કે જાણી જોઈને એમ કરાતું હશે? રસગુલ્લાં યુદ્ધનાં પડઘમ હજુ શાંત નથી પડ્યાં. ઉડિશાનો દાવો હતો કે ત્રણેક સદી પહેલાં પુરીનાં મંદિરમાં વસતાં, જગન્નાથનાં સહધર્મચારિણી, લક્ષ્મીને રાજી કરવા રસગુલ્લાંનો થાળ કરાતો. તેની સામે બંગાળનો દાવો હતો કે રસગુલ્લા તો ૧૯મી સદીના બંગાળના હલવાઈ નવીન ચંદ્ર દાસની બનેલી વાનગી છે.

જ્યાં ઓળખ પ્રસ્થાપિત કરવાની લાગણીનો સવાલ આવે છે ત્યાં વિદ્વતા પાછળ ખસી જાય છે. ધારો કે હું ઉડિશાનો પક્ષ લઉં આ વિશેની મારી પાસેની માહિતીની તપાસ કર્યા વિના સીધું જ એમ કહેવાશે ઉડિશામાં જન્મેલો તો ઉડિશાનો જ પક્ષ લે ને !

ખેર, કારણોની પંપજાળમાં પડ્યા સિવાય જ આપણે દુર્ગા પૂજાનાં ગોસાની જાત્રા સાથેનાં ગ્રહણ પર ધ્યાન આપીએ.

હવે જે કંઈ કહેવાયું છે તેને મિત્રતાને દાવે જ વાંચશો અને સ્વીકારશો: અહીં દુર્ગા પૂજા વિશેની આપણી સમજણને વિસ્તારવાનો પ્રયાસ કરવાની સાથે એ વાતનીં નોંધ લઈએ કે અહીં જે કંઈ કહેવાયું છે તેને ઇતિહાસકારોએ મઠારવાની જરૂર  છે.  પરિણામે જે કંઈ નવી માહિતી ઉભરશે તે 'પુજા' પરની નવી કોલમો માટે સારો મસાલો પુરો પાડીને તેમને વધારે વિસ્તૃત અને સમાવેશી કરી શકે છે.

સૌ પહેલાં સમગ્ર ભારતવ્યાપી ઇતિહાસની વાત કરીએ. પ્રાચીન સમયથી ભારતમાં દેવીમાની પૂજા વ્યાપકપણે પ્રચલિત છે. દરેક ગામમાં એક ગ્રામ-દેવી હોય છે, જેમને ખુશ રાખવા, ચોમાસાં પછીના સમયમાં, બકરા અને ભેંસાઓનો બલિ ચડાવાય છે જેથી તેમની રક્તની પ્યાસ છીપે અને  ગાયમાતા સ્વરૂપ પૃથ્વીનાં ધાવણરૂપી નવા પાક છલછલે. આ પ્રણાલિકા ક્યારથી શરૂ થઈ હશે તેનો કોઈને જ અંદાજ નથી.

મહિષાસુર વધ ને તેનાં લોહીની પી જઈને રક્તબીજને ધરતી ન પડવા દેવા વિશેની દુર્ગાની કહાની - લગભગ ૧,૫૦૦ વર્ષ પુરાણાં માર્કેંડેય પુરાણમાંનાં દેવી માહાત્મ્યનો ભાગ છે. કેટલાક ઇતિહાસકારો, ભલે થોડા વિવાદ હેઠળ પણ, સૂચન કરે છે કે આ કહાની ઇન્ડો-ગ્રીક મૂળના કુશાનોની સાથે લગભગ ૨,૦૦૦ વર્ષો પહેલાં અહીં આવી છે.

એ લોકો, આખલાનો વધ કરનારાં નાનૈઆ દેવીની પૂજા કરતાં. પ્રેયિંગ મેન્ટિસની જેમ આ દેવી પણ પોતાનાં સાથીને જ ખાઈ જાય છે. પ્રેયિંગ મેન્ટિસના કિસ્સાથી આગળ વાત એ છે કે એ સાથી તેમનું સંતાન પણ છે.આમ તેઓ જીવન અને ઋતુઓનાં ચક્રને મૂર્ત કરે છે. હવે આપણે ભલી ભાંતિ પરિચિત છીએ તે કારણોસર હિંદવાસીઓએ આખલાની જગ્યાએ ભેંસાને ગોઠવી દીધો.

ઘણાં લોકો આ વિચાર સાથે સહમત નથી, પરંતુ ભેંસાને મારતી દુર્ગાની મૂર્તિઓ કુશાન શાસનકાળ પછીથી જ જોવા મળે છે તે પણ તો ન અવગણી શકાય ! બહુ જ મોટી સંખ્યામાં મંદિરો હોવાને કારણે બે, , આઠ, દસ અને બાર હાથવાળાં. કે સિંહ પર સવાર કે ભેંસા સાથે કે ભેંસા જેવાં માથાંવાળા દૈત્ય સાથે લડતાં, એમ ચોથી દસમી સદી સુધીનાં દુર્ગાનાં લગભગ બધાં જ સ્વરૂપો કદાચ ઉડિશામાં જોવા મળે છે. અહીં યોગીનીનું એક વર્તુળાકાર, વિરલ, મંદિર પણ છે, જે હિંદુ ધર્મની તંત્ર અને શાક્ત શાખાના વ્યાપક પ્રકારનું પ્રતિક છે.

મહિષાસુરનો વધ કરતાં દેવી દુર્ગા, જે પહેલાં વસંત નવરાત્રી દરમ્યાન જ પુજાતાં

મહિષાસુરનો વધ કરતાં દુર્ગાની પૂજા પહેલાં શિશિર(વસંત નવરાત્રી)માં જ થતી. પરંતુ રાવણ સામેનાં યુદ્ધ માટે મનાવવા માટે રામે એ પૂજા પાનખરમાં (શરદ નવરાત્રી) કરાવી. આ પ્રકારનું કસમયનું આહવાન અકાળ વંદના કે અકાળ બંધન તરીકે ઓળખાય છે.આ કથા આપણને ૧૫મી સદીનાં બંગાળી કૃત્તિવાસ રામાયણમાં જ જોવા મળે છે. એ પહેલાંનો દુર્ગાનો સંદર્ભ ઈ.સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં માર્કંડેય પુરાણમાં જ જોવા મળે છે.

ચંદ્ર કુળના ચેદી વંશના રાજાઓએ દુર્ગા પૂજા શરૂ કરી એવો ઉલ્લેખ અહીં જોવા મળે છે. આ કદાચ એ જ ચેદી વંશ છે જેના ઉલ્લેખ જૈન રાજા ખારવેલે ચણાવેલ શિલાલેખમાં જોવા મળે છે. રાજા ખારવેલે આ શિલોલેખ ઉડિશાના ઉદયગિરિ પર્વત પરની હાથી  ગુફામાં ઇ. સ . પહેલાંની પહેલી કે બીજી સદીમાં કોતરાવેલ.

દુર્ગાની કાચી માટીની મૂર્તિઓની પૂજાનો સંબંધ ૧૧મી સદીના રાજા અનંતવર્મન ચોડગંગ દેવ સાથે કરવામાં આવે છે, જેમણે વર્તમાન પુરી જગન્નાથ મંદિર બંધાવવાની શરૂઆત કરી. એ શિવ-ભક્ત હતા, પરંતુ વેદાંતાચાર્ય રામાનુજે તેમને વિષ્ણુ સંપ્રદાયમાં પળોટ્યા.

રાજા નરસિંહ પ્રથમને કોણાર્કમાં જગન્નાથ, મહિષમર્દિની દુર્ગા અને શિવ લિંગની પૂજા કરતા દર્શાવતું, ૧૩મી સદીના મધ્યકાળનું  ભીંત શિલ્પ

આજે જ્યારે શૈવો અને વૈશ્નવો વચ્ચે દેવી પર હક્ક જમાવવાની બાબતે આટલો બધો તનાવ છે ત્યારે આ વાત મહત્ત્વની બની રહે છે. તેનાથી સમજાય છે મંદિરની દિવાલો પર શા માટે જગન્નાથ, શિવલિંગ અને મહિષાસુરમર્દિની દેવીની એક સાથે પૂજા કરતા રાજાની વાત કેમ આલેખાઈ હશે. દિલ્હીનાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પણ કોણાર્ક મંદિરમાંથી લવાયેલ આવું એક ભીંત ચિત્ર છે જેમાં ત્રિમૂર્તિને નમન કરતા રાજા તરીકે ૧૩મી સદીના રાજા નરસિંહદેવને ઓળખાવાયા છે.

જગન્નાથ મંદિરમાં ગુપ્ત ગુંડિચા  વિધિ સ્રોત સૌજન્ય: Puriwaves

જગન્નાથ મંદિરમાં મહિષાસુરમર્દિની (દેવી) અને માધવ (કૃષ્ણ)ની એક ખાનગી વિધિમાં એક સાથે પૂજા કરવામાં આવે છે. ગુપ્ત ગુંડિચા તરીકે ઓળખાતી આ વિધિ નવરાત્રી દરમ્યાન કરવામાં આવે છે. પરંપરાગત રીતે વિષ્ણુને દેવીનાં નાજુક નમણાં સ્વરૂપ, લક્ષ્મી, સાથે સાંકળવામાં આવે છે. દેવીનાં વિકરાળ સ્વરૂપને શિવ સાથે સાંકળવામાં આવતું હોય છે.

પરંતુ પુરીનાં મંદિરમાં આ મુજબ  નથી. અહીં કૃષ્ણ તાંત્રિક પરંપરા અનુસારના કાળ ભૈરવ છે અને બલરામ તેમના સાત્ત્વિક રક્ષક ગોરા ભૈરવ છે. વિકરાળ અને રૌદ્ર શક્તિ પણ મંદિર પરિસરનો એટલો જ ભાગ છે જેટલાં દેવી વિમળા અને પુરુષોત્તમ ક્ષેત્ર તરફ જતા મંદિરના માર્ગોની રક્ષા કરતાં દેવી મંગળાનાં આઠ સ્વરૂપો.એમને રક્ત જોઈતું હોય છે. એટલા સારૂ કરીને અન્યથા શાકાહારી મંદિર પરિસરમાં જ, ખાનગીમાં, દેવી વિમળાને વર્ષમાં એક વાર બકરાનો બલિ ચઢાવાય છે.

ગોસાની પટ્ટચિત્ર

દુર્ગાની માટીની મૂર્તિઓને ગોસાની કહે છે, જેનો ઉદ્‍ભવ કદાચ પુરીમાં જ થયો હતો. ગોસાની શબ્દનાં મૂળ વિષે રહસ્ય છે. એ માન્યતા મુજબ તે ગો-સ્વામિની- પશુઓનાં માલિકણ-નો અપભ્રંશ મનાય છે. હિંદુ ત્રિમૂર્તિને પણ સાંકળવા માટે પશુઓનો આધાર પ્રાચીન કાળથી લેવાતો રહ્યો છે.શિવને ઋષભનાથ - આખલાના સ્વામી- કહેવામાં આવે છે, અને કૃષ્ણને ગાયોના રખેવાળ - ગોવાળ - કહેવામાં આવે છે. દેવીને તો ગાય સ્વરૂપે જ પૂજવામાં આવે છે.

પરંતો ગોસાની શબ્દપ્રયોગ તેમને ગાય નહીં પણ ગાયોનાં સ્વામિની સૂચવે છે, જે કોઈની સંપત્તિ નહીં પણ પોતાનું આગવું વ્યક્તિત્ત્વ ધરાવે છે. મહિષાસુર સાથેનું તેમનું યુદ્ધ તેમની સર્વોપરિતા ઇંગિત કરે છે અને તેમને રાજવીઓનાં દેવી પ્રસ્થાપિત કરે છે.

કાલિ પટ્ટચિત્ર

દુર્ગા પૂજાનાં પંડાલોમાં નમણી અને સજાવેલી મૂર્તિઓ જેવાં દુર્ગા સામે ગોસાની સ્વરૂપની મૂર્તિઓ દેવી બહુ ગ્રામીણ દેખાય છે, જેમની દૃષ્ટિ ભક્તજનો પર નહીં પણ મહિષાસુર તરફ મંડાયેલ છે. દૈત્ય તેમની તરફ ઉપર જૂએ છે જ્યારે દેવી, પોતાના હાથમાં તેના વાળ ખેંચીને, સર્પથી તેને ગળે ટૂંપો દેતાં,અને ત્રિશુળ ભોંકતાં ભોંકતાં તેની છાતી પર લાતો મારતા મારતાં તેની તરફ નીચે જૂએ છે. તેમની આંખો લડાયકપણે એકબીજાં સાથે ખોડાયેલી છે. તેમનાં માતૃત્વ સ્વરૂપને પણ ઓ્છું મહત્ત્વ આપવામાં આવે છે. તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો ક્યાં તો ઉલ્લેખ નથી હોતો કે પછી ક્યાં તો તેમને માતા સાથે યુદ્ધ માટે સાથે જતા બતાવાય છે. દરેક ગોસાની દેવીને ઉડીશાનાં સુપ્રસિધ જરીકામથી આભુષિત દૈવી વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. તેમની આસપાસ ચાંદી અને સોનાનાં બારીક કામ કરેલાં તોરણોનું સુશોભન કરાયેલું રહે છે.

કાકુડી ખાઈ ગોસાની (કાકડી ખાનારાં ગોસાની દેવી)

ગોસાની દેવીનાં દરેક સ્વરૂપને પોતપોતાનું એક નામ હોય જે તે સ્વરૂપનું વ્યક્તિત્ત્વ છતું કરે છે. દેખીતી રીતે એ બધાં નામ થોડાં તોછડાં કદાચ લાગે પણ તે તે સ્થાનિક પ્રજા અને ગામ સાથેનું એ સ્વરૂપ્નું જોડાણ સૂચવે છે, જેમકે, કાકુડી-ખાઈ (કાક્ડી ખાનારાં). પાન-પ્રિય )પાન પસંદ કરનારાં); જાન્હી-ખાઈ (તુરિયાં ખાનારાં) વગેરે. નામમાંથી લિંગની ઓળખ ભુંસી નાખવાની પાછળ જે કંઇ મજા હોઇ શકે તે તો મનોવૈજ્ઞાનિકો જ ભલે ઓળખે !! સૂણ્ય (સૂર્ય) ગોસાની મહિષાસુર સાથે આકાશમાં લડે છે એટલે એ મૂર્તિઓ અને ચિત્રોમાં પહાડો અને નીચે સરોવરો જોવા મળે છે, જોકે દરેક સ્વરૂપમાં તેમને યુદ્ધમાંજ નથી પણ દેખાડાતાં.

કંકટકાઢી (જેમના પગમાંથી વિષ્ણુ કાંતો કાઢે છે) સ્રોત સૌજન્ય : Puriwaves

કંકટકાઢી વન દુર્ગા પોતાનો પગ ઊંચો કરીને બેઠાં છે, શિવ તેમને જોઈ રહ્યા છે અને કૃષ્ણ / વિષ્ણુ તેમના પગમાંથી કાંટો કાઢી આપે છે અને એમ કરતાં દેવીના પગને નમન કરતા હોય તેમ જણાય છે. આમ અહીં દેવીની સર્વોપરિતા સિધ્ધ કરવાનો આશય કહી શકાય.

જાન્હી-ખાઈ (તુરિયાં ખાનારાં) સ્રોત સૌજન્ય : Puriwaves

યાત્રા દરમ્યાન તેમની સાથે વિકરાળ સ્વરૂપવાળા નાગા-સિદ્ધ બાબા (શિવ) અને સીતાની ખોજમાં મદદ કરનાર જટાયુના ભાઈ સંપત્તિ પણ જોવા મળે છે. આ ભવ્ય યાત્રા રાત્રે નીકળે છે, જે ભૂતોની અને પુરીનાં મંદિર પરિસરમાં ભટકતાં શિવ અને શક્તિનાં પ્રેતોની યાત્રાની યાદ અપાવે છે. વિસર્જન સમય પહેલાં, મંદિરના પ્રવેશદ્વાર સામે આવતાંની સાથે આ બધું શાંત પડી જાય છે.

પાનપ્રિય (જેમને પાન પસંદ છે) સ્રોત સૌજન્ય : Puriwaves

ગોસાની યાત્રા ખરા અર્થમાં પ્રજાનો તહેવાર છે, જેનાં દરેક ગોસાની કોઈ રાજવી પરિવાર સાથે નહીં પણ આસપાસના સમાજ સાથે જોડાણ ધરાવતાં હોય છે. તો શું આ દેવીનું ૧૧મી સદીનાં ચોડગંગા દેવ દ્વારા નહીં થયું હોય. થયું હોય પણ પછી તે પ્રજામાં વધારે પ્રચલિત બની ગયાં હોઈ શકે. ઘણાં ગોસાની તો ૮મી સદીમાં આદિ શંક્રરાચાર્યે શરૂ કરેલા અખાડાઓની સાથે પણ સંકળાયેલાં છે. 

આ સર્વોપરી દેવીની કાચી માટીમાંથી બનેલી મૂર્તિઓની પૂજા ઉડિશા, બંગાળ અને આસામનાં રાજવી પરિવારોએ શરૂ કર્યા પછી સમયની સાથે જમીનદારોએ રાજાશાહી ઠાઠનો દેખાવ પુરો કરવા અપનાવી લીધી હોઈ શકે ? આપણે તો અંદાજ જ લગાવી શકીએ.

બુલા બજારમાં દુર્ગા પૂજા

દુર્ગા પૂજા બંગાળમાંથી ઉડિશામાં ગઈ એમ કહેવું પણ ખોટું નથી. આપણે જાણીએ છીએ કે ૧૬મી સદીમાં જ્યારે ચૈતન્ય મહાપ્રભુ કટક પધારેલા અને મહા નદીના ગડગડીઆ ઘાટ પાસેના બારાબાતી કિલ્લામાં વસતા ગજપતિ રાજાઓને મળ્યા હતા, ત્યારે તેમણે બુલા બજારમાં દુર્ગા પૂજા પ્રસ્થાપિત કરેલ.

થોડા દાયકાઓ પછી, અકબરના શાસન કાળમાં જ્યારે રાજા ટોડરમલ જમીન મહેસૂલનાં માળખાંનું પુનઃગઠન કરી રહ્યા હતા ત્યારે બંગાળમાં વસતું ઘોષ મહાશય જમીનદાર કુટુંબ ઉડિશાના ભદ્રક જિલ્લાનાં રામેશ્વર ગામમાં આવી વસ્યું. દુર્ગા પૂજા તેમનાં ઘરમાં થતી અને આજે પણ થઈ રહી છે. એક જ જગ્યાએ ચાલુ રહેલી દુર્ગા પૂજા વિધિમાં છેલ્લાં પાંચસો વર્ષોથી થતી આ સૌથી જૂની પૂજા ગણાય છે.

આ બધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી પણ પહેલાં અને ૧૮મી સદીની સાર્વજનિક પૂજાઓથી પણ પહેલાંથી થતું રહ્યું હતું. સાર્વજનિક પૂજાઓ ચાલુ થવાથી ધરતી સાથે પણ જોડતી અને દેવીની સાથે પણ સંકળાતી, પણ રાજવી પરિવારનાં ઘરમાં થતી, અને આખું ગામ તેમાં જોડાતું. તે પૂજા હવે લોકોને એકઠાં કરવા માટેનું એક સાધન બની ગઈ. આવું માત્ર બંગાળમાં જ નહીં પણ અને પ્રદેશોમાં થવા લાગ્યું. જેમ કે મુંબઈમાં ગણપતિનાં સ્થાપનની વિધિની જેમ જ નવરાત્રીમાં દુર્ગાની પણ માટીની પૂજાની વિધિ કરવાનું ચલણ પ્રસરતું ગયું.

બસ, અહીં તે યુદ્ધમાં નથી ઉતરતાં અને વાઘપર સવારી કરતાં બતાવાય છે. તેમનું સ્વરૂપ ભવાનીનું છે, જે મરાઠા રાજવંશનાં, અને હવે રાજકીય પક્ષનાં, સંરક્ષકનું પ્રતિક છે.

  • dailyo.in માં ૨૨ સપ્ટેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, On Durga Puja, let’s not forget the glory of Odisha’s Gosani jatra નો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો