બુધવાર, 14 સપ્ટેમ્બર, 2022

આચરણનું અર્થઘટન - દેવદત્ત પટ્ટનાઈક

પોતાની પસંદના ચુંટેલા લોકોને કહેવા માટે ઇશ્વરે મોઝીઝને કેટલાક આદેશો આપ્યા.આ આદેશો પથ્થરમાં કંડારેલા હતા, એટલેકે તે વિશે કોઈ હા ના ન હોઈ શકે.અને તેમ છતાં, બાઈબલમાં એ આદેશોનાં પાલન ન થયં હોય એવી વાર્તાઓ ભરી પડી છે. જેમ કે, 'વ્યભિચાર નહીં કરો' આદેશ છતાં રાજા ડેવિડને તેના સેનાપતિની પત્ની સાથે લફરું હતું, જેને કારણે ઈશ્વર ગુસ્સે પણ થયેલ છે. 'હિંસા નહીં આચરો 'આદેશની સામે યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોનો ઇતિહાસ રક્તરંજિત રહ્યો છે.

ઈશ્વરના આદેશો ઉપરાંત અબ્રાહમી પૌરાણીક કથાઓ આધારિત દરેક ધર્મને પોતાની બહુ વિગતવાર આચાર સંહિતાઓ છે. જેમકે વિચરતિ, જમીનવિહોણાં, યહુદીઓ માટેના કાયદાઓનું એકત્રીકરણ તાલ્મુદમાં કરાયું છે. તેની સાથે સાથે અલગ સમયે અલગ સ્થળોના સંદર્ભમાં નિષ્ણાતો દ્વારા કરાયેલાં તેનાં અર્થઘટનો પણ છે. કેથલિક ચર્ચનો પોતાનો હઠાગ્રહ છે જે હજુ પણ સમલૈંગિકતાને અયોગ્ય ઠેરવે છે અને સ્ત્રીઓને પોપ થવા માટે લાયક નથી ગણતો. તો મુસ્લિમોના હદિથમાં વિવિધ વિષયો પર મોહમ્મદ પયંગરનાં કથનોનો સંગ્રહ છે, જેને મોટે ભાગે ઉલ્લંઘી ન શકાય તેવો કાયદો જ માનવામાં આવે છે.

કમસે કમ બ્રિટિશ ને ભારતીય ન્યાય વ્યવસ્થા 'મનુ સ્મૃતિ'ને હિંદુઓની પણ એવી એક આચાર સંહિતા ગણે છે. જોકે ઇતિહાસકારો હજુ પણ ચોક્કસપણે કહી નથી શકતા કે આ ધર્મ શાસ્ત્ર ખરેખર કોઇ 'આચાર સંહિતા' ગણી શકાય કે નહીં.

આજે હવે કોર્પોરેશનોએ પણ આ ધાર્મિક પ્રણાલી અપનાવી લીધી છે. દરેક કંપનીની પોતાની એક આચાર સંહિત અહોય છે જે દિવાલો પર, વેબ સાઈટ્સ પર, ફાઈલો પર કોતરી નાખવામાં આવે છે. આ તો હવે 'કાયદાકીય' આવશ્યકતાનાં રૂપમાં જોવામાં આવે છે. પૂર્વધારણા એ છે કે જો તમારી આચાર સંહિતામાં સ્પષ્ટપણે કહેવામાં ન આવ્યું હોય કે કર્મચારીઓએ ચોરી ન કરવી , તો કર્મચારી ચોરી કરે તો પણ તેન પર ચોરીનો આક્ષેપ ન મુકી શકાય.આ બહુ વિચિત્ર લાગે છે, પણ આજે હવે એ જ ચલણ છે. એટલે કોર્પોરેશનોએ કહેવું પડે કે તે 'નીતિમયતા'ને મહત્ત્વ આપે છે. કોર્પોરેશનોએ જાહર કરવું પડે કે એ બધાં 'મૂલ્ય-આધારીત' સંસ્થાઓ છે. મૂલ્ય-આધારીત સંસ્થા એટલે શું 'પકડાય નહીં ત્યાં સુધી ચોર નહીં' કે પછી 'મૂલ્યો ખરેખર સંસ્થાનાં વાણી, વિચાર અને વર્તનમાં વણી લેવાયેલ છે એવી સ્પષ્ટ કબુલાત'?

કે પછી એવું કાર્યસ્થળ કે જ્યાં મેનેજમૅન્ટ કહે તેમ, હંમેશાં આજ્ઞાકારી અને છતાં જરૂર પડે ત્યાં અભિનવ નવા વિચારો સાથે પણ, વર્તવું જરૂરી છે. આચાર સંહિતા સ્પષ્ટપણે કહેવાના હાર્દમાં લોકોનાં વર્તન પર નિયમન રાખવાનો કે પછી કઈ વર્તણૂક મહત્ત્વની છે કે અને કઈ નહીં તેની ચોખવટ કરવાનો આશય હશે. વેદો અનુસાર નિયમોનું ક્યારે પણ મહત્ત્વ નથી. નિયમોને તો સાંસ્કૃતિક અંકુશનું સાધન માનવામાં આવે છે, મહત્ત્વનો તો સંદર્ભ છે.માનવીનું વર્તન તો તે જેમાં ઉછરેલ છે અને રહે છે તે તેની આસપાસનાં વાતાવરણનાં ને વ્યક્તિનાં પોતાનાં વ્યક્તિત્વનાં પરિણામ સ્વરૂપ છે. એટલે, મનુ સ્મૃતિ, સુદ્ધામાં એ ધુવપદે કહેવાયું છે કે વર્તણૂક એ સ્થળ (દેશ), સમય (કાળ) અને ગુણ (વ્યક્તિત્વ)નું પરિણામ છે. યુગોનો આધાર જ આ સિદ્ધાંત પર છે - એક યુગમાં રામ છે જે ણે તેરાજવી કુંટુંબનો જ્યેષ્ઠ પુત્ર છે એટલે તેની બીજાં યુગનામ ગોવાળોના, રાજવી તો ન કહી શકાય એવાં કુટુંબના સૌથી નાના પુત્ર કૃષ્ણ કરતાં સાવ અલગ જ રીતે વર્તવું પડે. એક કહી શકાય કે નિયમો, બહુ બહુ તો, આરોગ્ય રક્ષક સંહિતા છે.

જેનો સ્વાભાવિક ગુણ (સહજ વલણ) જ અનીતિવાન બનવા તરફનું છે તેને અનીતિવાન થવામાંથી રોકી શકવું લગભગ અશક્યછે, પણ તેની આસપાસ એવું પારિસ્થિતિક વાતાવરણ સર્જી શકાય જે તેને નીતિવાન માટે પ્રેરણા આપતું રહે. આવા કિસ્સાઓમાં જવાબદારીઓ ન્યાયાધિશો અને વકીલોની નહી પણ સમાજ, રાજ્યના અગ્રણીઓ પર આવે છે. તેઓનું જાહેર વર્તન તેમનાં નંગત જીવન સાથે કેટલું સુસંગત છે, તેમના અનુયાયીઓની સાથે તેઓ શી રીતે વર્તે છે જેવી બાબતો તેમના અનુયાયીઓનાં વર્તનને ઘડે છે. લોકોને તમે આજ્ઞાકારી થવા ફરજ પાડી શકો,પણ તેઓ વિશ્વાસ પણ રાખે એવી ફરજ ન પાડી શકાય.

એ માટે તો નેતૃત્વએ વિશ્વાસપાત્રતા કેળવવી પડે. વિશ્વાસભંગ કરે એવું એક નાનુ સરખું પગલું પણ વ્યક્તિનાં પોતાનાં વ્યક્તિત્વનાં અસ્તિત્ત્વની ભાવના માટે નુકસાનકારક નીવડી શકે છે. એ કિસ્સાઓમાં કાયદાકીય પરિભાષામાં થતી ઈજા કરતાં લાગણીઓને પહોંચતી ઠેસ વધારે મહત્ત્વની બની રહે છે. નિયમો કરતાં નિયમો પાછળનો આશય વધારે મહત્ત્વની બાબત બની રહે છે. પરંતુ આશય માપી શકાતો નથી, એટલે કોર્પોરેટ વિશ્વમાં તેનો કોઈ ઉપયોગ નથી. એટલે પછી,સંસ્થાની સંસ્કૃતિનું ઘડતર કરવામાં , જે માપી શકાય છે તેવાં - આચાર સંહિતા, મૂલ્ય-આધારીત તાલીમ - વગેરે સાધનોને કામે લગાડવાં પડે છે..
  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૩ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Decoding conductનો અનુવાદ | અબ્રાહમી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો