બુધવાર, 9 નવેમ્બર, 2022

ચૌરંગીનાથ અને બનાવટી આક્ષેપ - દેવદત્ત પટ્ટનાઈક

બાઈબલમાં આવતી એ વાત જેમાં જોસેફને પોતીફરની પત્નીએ બળાત્કારના નકલી આક્ષેપમાં ફસાવ્યો હતો તે લગભગ બધાં જાણે છે. તેની સજા રૂપે જોસેફના ભાઈઓએ તેને પોતીફર નામના એક ઈજીપ્તના અમીરને ગુલામ તરીકે વેંચી માર્યો હતો. બહુ ટુંક સમયમાં જ પોતીફરને જોસેફની ક્ષમતાઓ સાથે લગાવ થઈ ગયો અને તેણે જોસેફને પોતાનાં ઘરના નોકરોના વડા તરીકે નિયુક્ત કરી દીધો. અહીં હવે બુઢા પોતીફરની યુવાન પત્ની દેખાવડા જોસેફની ઉપર પ્રેમાસક્ત થઈ જાય છે અને તેની સાથે કામક્રીડાનો આનંદ માણવા તડપે છે. જોસેફ તેની આવી અનૈતિક માગણીઓનો સ્વીકાર નથી કરતો એટલે જોસેફે તેની સાથે બળાત્કાર કર્યો છે એવું ખોટું આળ પેલી પત્ની લગાડે છે અને જોસેફને જેલમાં નખાવે છે. ખેર, આખરે ઈશ્વર જોસેફને બચાવે છે.

લગભગ આવી જ કથા નાથ જોગીઓની દંતકથાઓમાં પણ જોવા મળે છે. રાજા સાલવાનની પહેલી પત્ની રાણી ઇછારણથી તેમને એક દીકરો - પૂરણ- થયેલો . યુવાન થતાંમાં તો એ ખુબ દેખાવડો અને ફૂટડો દેખાવા લાગ્યો. હવે રાજાની નાની રાણી. લુના, કુંવર પૂરણમાં મોહાંધ બની ગઈ. તેણે પૂરણને પોતાના સૌંદર્યપાશમાં ફસાવવાની ખુબ કોશિશો કરી. પરંતુ પૂરણે તેનો સદંતર અસ્વીકાર જ કર્યો. પોતાનાં સૌંદર્યનાં આવાં અપમાનથી ક્રોધે ભરાયેલી રાણીએ પૂરણ પર બળાત્કારનો આક્ષેપ ચડાવ્યો. પૂરણનું નસીબ જોસેફથી વધારે વાંકું હતું. રાજાએ તો ગુસ્સે થઈને પુરણનાં હાથપગ કપાવી નાખ્યાં અને પછી એક કૂવામાં મરવા માટે નાખી દેવડાવ્યો. પૂરણનું મોત નિશ્ચિત જ હતું જો તે મછીંદ્રનાથના શિષ્ય ગોરખનાથની નજરે ન પડ્યો હોત. ગોરખનાથે પૂરણને બ્રહ્મચર્યના માર્ગેથી નાથજોગીઓની વિદ્યાઓમાં પારંગત કર્યો અને અનેક તાંત્રિક પૂજા વિધિમાં સિદ્ધ બનાવ્યો. ગુરુની આવી કૃપાથી પૂરણ હવે પૂરણ ભગત તરીકે ઓળખાતો હતો. તેનાં હાથપગ પણ હવે નવાં ઉગી ગયાં હતાં. તાંત્રિક વિધિઓમાં સિદ્ધ થવાથી નાથ જોગીના પંથમાં ચૌરંગી નાથ તરીકે તે માનભર્યું સ્થાન પામ્યો. કથાનકનાં અમુક સંસ્કરણોમાં તેને હાથ પગ ન હોવા છતાં પોતાની યોગ વિદ્યાની સિદ્ધિનાં બળે સામાન્ય માણસની જેમ જીવન વ્યવહાર કરી શકતો પણ બતાવાયો છે.

ચૌરંગી નાથની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી. એક દિવસ, તેઓ ખરેખર કોને મળવાના છે તે ખબર નહોતી એવા તેમના મૂળ પિતા તેમને મળવા આવ્યા. તેમની સાથે તેમનાં નાનાં રાણી પણ હતાં. હા, આ એ જ રાણી હતાં તેમણે મૂળ પૂરણ એવા આ જ ચૌરંગી નાથ પર બળાત્કારનું આળ ચડાવેલું. રાજા રાણી સંતાન તેમની સંતાન ઝંખના પુરી કરવા ચૌરંગી નાથની કૃપાની ભીખ માગવા આવ્યાં હતાં. જોગીએ રાણીની સામે શરત મુકી કે પૂરણ સાથે ખરેખર શું સંબંધ હતો એ આ દુનિયાની સામે કહો તો તમને સંતાન થાય. જોગીને તો બધું જ ખબર હોય એ ડરનાં માર્યાં રાણીએ સત્ય ઓકી નાખ્યું. રાજાને ખુબ આંચકો લાગવાની સાથે અફસોસ પણ થયો કે તેમણે તેના પુત્રની વાત ત્યારે માની નહીં. એ તબક્કે ચૌંરંગી નાથે તેમની સાચી ઓળખ જણાવી. રાજાએ હવે પુત્રને મહેલમાં પાછા ફરવા ખુબ કાલાવાલા કર્યા. પરંતુ ચૌરંગી નાથ તેમની એ વાત પર અફર રહ્યા કે નાથ જોગીઓના આ વિશ્વમાં તેમને જે જ્ઞાન મળ્યું છે તેમાં તેમને ખરો આનંદ મળે છે. રાજારાણીને તેમને સંતાનનું વરદાન આપીને બન્નેને પાછાં વાળ્યાં. સમય જતાં રાજારાણીને પુત્ર થયો જેનું નામ રસાળૂ રખાયું. એ પુત્ર ખુબ વીર અને ન્યાયી રાજ્યકર્તા નીવડ્યો. રસાળુનાં પરાક્રમો તો અનેક દંતકથાઓમાં વણી લેવાયાં છે.

આ આખી વાત આપણને હવે પાકિસ્તાનમાં છે પંજાબ અને સિંધમાં સાંભળવા મળે છે.

બન્ને કથાઓમાં સ્ત્રી દ્વારા પુરુષ પર બળાત્કાર કરવાના ખોટા આરોપનું સુત્ર સમાન છે. આજે પણ અખબારોમાં આપણે આવી વાતો વાંચતાં રહીએ છીએ. પરિણામે ખરૂં નુકસાન જેમના પર ખોટા આરોપ થયા છે એ પુરુષો નથી, પણ એ સ્ત્રીઓ છે જેઓ ખરેખર પુરુષની હવસનો શિકાર થાય છે. તેમની દારૂણ યાતનાની આખી વાત આવા ઉપજાવી કાઢેલા કિસાઓ જેવી જ મનગઢંત છે એ દલીલોની મદદથી વકીલો તેમને અદાલતમાં જુઠાંબોલાં સાબિત કરવામાં કામયાબ રહે છે. હજુ વધારે કરુણતા તો એ પત્નીઓની છે જેમને લગ્નસંબંધમાં રહીને બળાત્કારની યાતના વેઠવી પડતી હોય છે. પુરુષ પ્રધાન ન્યાયપ્રથા પેલાં જુઠાણાંથી ઓથે આવું કંઈ બની જ શકે તે માનવાની વાતનો છેદ જ ઉડાડી દઈ શકે છે.
  • મિડ-ડેમાં ૧૧ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Chaurangi-nath and the false accusationનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો