શુક્રવાર, 11 નવેમ્બર, 2022

સ્વ-વિકાસ : વિચાર વલોણું – તમારી આંતર્‍સ્ફુરણા - યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવા માટેનું તમારૂં દિગ્દર્શક યંત્ર


તન્મય વોરા

આંતરસ્ફુરણા મનમાંથી ગુંજતો એવો છુપો નાદ છે જે હવે શું કરવું તે જણાવતો રહે છે. તે ખુબ અંદર રહેલો હોય છે, એટલે ઘણી વાર આપણને સ્પષ્ટપણે સંભળાતો નથી. આપણાં આંતરિક મન કરતાં બાહ્ય મન મોટા ભાગે  વધારે મોટો અવાજ કરતું હોય છે તેથી ઘણી વાર આપણી કોઠાસૂઝ કે આપણી આંતરસ્ફુરણાને આપણે અવગણી બેસતાં હોઈએ છીએ.

થોડા વર્ષો પહેલાં નવાસવા પ્રોજેક્ટ મેનેજર તરીકે એક પ્રોજેક્ટના  મહત્વના તબક્કાનું હું કામ કરી રહ્યો હતો. એક તબક્કે, માત્ર થોડીક ક્ષણો માટે જ મને 'થયું' કે મારે મારાં ગ્રાહકને આવનારી અડચણોની જણ કરી દેવી જોઈએ. પણ દિમાગનું કહેવું કંઈ જુદું હતું. તેણે તરત જ જણાવી દીધું કે રખે એવું કરતો, ક્યાંક ગ્રાહક આડો ફાટશે અને વધારાની મુસીબતો ઊભી કરશે.  દિમાગ મન પર હાવી થઈ ગયું એટલે મારી સામેના પડકારોની સાથે કામ લેવામાં હુ વ્યસ્ત થઈ ગયો.

થોડા દિવસો બાદ હું મારા ઉપરી પાસે આ બાબતે માર્ગદર્શન લેવા ગયો તો તેમણે જ મને આવનારા પ્રશ્નો બાબતે ગ્રાહક સાથે વાત કરી લેવાનું સુચવ્યું.

મેં તેમને કહ્યું કે એક તબક્કે મને પણ એવું જ લાગ્યું હતું.

જવાબમાં તેમણે કહ્યું કે તારે તારા અંદરના અવાજને સાંભળવો જોઈતો હતો.

મારી આંતરસ્ફુરણાને અવગણવાની મેં ભુલ કરી હતી.

આપણી આંતરસ્ફુરણા ઘણી વાર આપણા માટે દિશાસૂચક નીવડે છે, તેને અનુસરવી એ મોટા ભાગે બહુ સાચો નિર્ણય પરવડે છે.

આપણું મગજ અમુક રીતે કામ કરવા અને નિયમોનું પાલન કરવા 'કેળવાયેલું' હોય છે.પણ આંતરસ્ફૂરણાને નિયમોનાં બંધન નથી હોતાં. તે તો જે યુથોચિત હોય તે જ કહે છે. દિમાગને જ સાભળતાં રહેવાથી આપ્ણે વધારે પડતાં વિશ્લેષણની સ્થિતિમાં અટવાઈ જઈ શકીએ છીએ, ભૂતકાળના નિર્ણયો પર વધારે પડતો આભાર રાખવા લગીએ છીએ અને કદચ, અજાણે પણ, નિયમોનાં ગુલામ બની જઈએ છીએ. જો કંઈ નવું, નોંધપાત્ર, અલગ કરવા કે નવી કેડી કોતરવા માટે આંતરસ્ફુરણાને અનુસરવી એ યથોચિત માર્ગ બની રહી શકે છે.

વાતનો આખરી વળ એ કે, પ્રગતિની ખોજમાં આપણે ત્વરિત નિર્ણયો કરતાં રહીએ છીએ. આપણે કાયમ એટલી ઉતાવળમાં હોઈએ છીએ કે થોડાં ધીરા પડવાની આંતરસ્ફુરણા આપણે અવગણી બેસતાં હોઈએ છીએ. આપણી ધસમસાટના સુસવાટાઓ વચ્ચે પણ આપણાં અંદરના મનનો અવાજ સંભળાય એટલી શાંતિ મેળવવી જોઈએ, જેથી ખરા સમયે એ અવાજ અવશ્યપણે સંભળાય. અને એક વાર અંદરનો અવાજ તમને સંભળાય, એટલે તેને કયારે પણ સાંભળ્યો ન સાંભળ્યો તો ન જ કરવો.


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો