બુધવાર, 16 નવેમ્બર, 2022

યુરોપ - નવાં સ્વરૂપે (૧૯૪૨) - [૧] - જ્યોર્જ ઑર્વેલ

 બીજાં વિશ્વયુદ્ધની યુરોપ, ખાસ કરીને, બ્રિટન,ની સામુહિક જીવન શૈલી અને સંસ્કૃતિનાં આર્થિક, સામાજિક, રાજકીય કે સાહિત્યિક પાસાંઓ પર જે અસર પડી તેને જ્યોર્જ ઑર્વેલ મારો દેશ જમણેરી કે ડાબેરી (૧૯૪૦) / My Country Right or Left, (1940) , નવા શબ્દો (૧૯૪૦) / New Words, (1940), એકહથ્થુ હૂકુમત અને સાહિત્ય (૧૯૪૦) / Literature and Totalitarianism, (1940), કળા અને પ્રચારના સીમાડાઓ (૧૯૪૧) /The Frontiers of Art and Propaganda (1941) જેવા લેખોમાં અલગ અલગ દૃષ્ટિકોણથી નિહાળી રહ્યા છે.

પ્રસ્તુત લેખમાં મહાયુદ્ધ પહેલાની અને મહાયુદ્ધ પછીની નોંધપાત્ર સાહિત્યિક રચનાઓનાં વસ્તુ અને શૈલીની સરખામણી કરતાં કરતાં જ્યોર્જ ઓર્વેલ નોંધે છે કે સાહિત્ય પર તત્કાલીન સામાજિક પ્રવાહોની અસર હંમેશાં પડતી આવી છે.

સમય અનુસાર થતાં પરિવર્તનો માટે ઉતાવળા નિર્ણયો બાંધી બેસવાને બદલે એ ફેરફારો પાછળનાં પરિબળોને સમજવાથી, પરિવર્તિત સ્થિતિ સાથે સહમત કે અનુકૂળ કદાચ ન પણ થવાય, પણ તેને સહ્ય તો જરૂર બનાવી શકવું જોઈએ

+                      +                      +                      +

‘હું જ્યારે નાનો હતો, અને મને ઇતિહાસ શીખવાડવામાં આવતો - જોકે બહુ સારી રીતે તો નહીં, પણ આખાં ઇંગ્લેંડમાં લગભગ બધાંને એમ જ શીખવાડાતું - ત્યારે ઇતિહાસ મને એક પોથી જેવો જણાતો જેનાં પાનાંઓ પર જગ્યાએ જગ્યાએ લીટીઓ આંકેલી હોય. આ દરેક લીટી ઇતિહાસમાં જેને એક '(સમય) કાળ' કહે છે તે દર્શાવે છે અને અમને સમજાવવામાં આવતું કે દરેક લીટી પછી જે કંઈ થતું હતું તે પહેલાં થઈ ગયું હોય, તેના કરતાં સાવ અલગ જ હોતું હતું. જાણે ઘડિયાળનો કલાક થવાનો ડંકો વાગ્યો ...’

‘હું જ્યારે નાનો હતો, અને મને ઇતિહાસ શીખવાડવામાં આવતો - જોકે બહુ સારી રીતે તો નહીં, પણ આખાં ઇંગ્લેંડમાં લગભગ બધાંને એમ જ શીખવાડાતું - ત્યારે ઇતિહાસ મને એક પોથી જેવો જણાતો જેનાં પાનાંઓ પર જગ્યાએ જગ્યાએ લીટીઓ આંકેલી હોય. આ દરેક લીટી ઇતિહાસમાં જેને એક '(સમય) કાળ' કહે છે તે દર્શાવે છે અને અમને સમજાવવામાં આવતું કે દરેક લીટી પછી જે કંઈ થતું હતું તે પહેલાં થઈ ગયું હોય, તેના કરતાં સાવ અલગ જ હોતું હતું. જાણે ઘડિયાળનો કલાક થવાનો ડંકો વાગ્યો ...’ જેમકે ૧૪૯૯માં હજુ આપણે મધ્ય યુગમાં જ હોઈએ, જ્યાં લોખંડી બખ્તર પહેરેલા ઘોડેસ્વાર લડવૈયાઓ, હાથમાં મોટી તલવારો કે ભાલો લઈને, એક બીજા પર ચડાઈ કરતા હોય. પણ જેવું ઘડિયાળ વર્ષ ૧૫૦૦નો ડંકો કરે એટલે જેને આપણે પુનર્જાગરણ યુગ કહીએ છીએ તેમાં આપણે પ્રવેશી ચુકીએ છીએ. બધાં લોકો ખાસ રફ્ફ (તરીકે ઓળખાતાં કડક કૉલર) અને ડબલેટ્સ (તરીકે ઓળખાતાં ગાઉન)માં સજીધજીને સ્પેનિશ સામ્રાજ્યમાં ખજાનાઓનાં જહાજો લુંટવામાં વ્યસ્ત જોવા મળવા લાગે છે. ૧૭૦૦નાં વર્ષ પર એક બીજી જાડી લીટી દોરવામાં આવી છે. તે પછી ૧૮મી સદી હતી. લોકો અચાનક જ રાજા તરફીના લડવૈયાઓ કે લોકશાહીની તરફેણ કરતા સાંસદો મટી જઈને ઘુંટણ સુધીની બ્રીચીઝ અને ત્રિકોણીયા હેટ પહેરેલા, બહુ જ શિષ્ટ, સજ્જનો બની ગયાં. બધાં લોકો દ્વારા તેલફુલેલ કરેલ કેશસજ્જામાં ફરવું, છીકણી સુંઘવું, માપી માપીને વાક્યો બોલવાં વગેરે તો બહુ વધારે કૃત્રિમ લાગતું હતું કેમકે તેમનાં 'સ'ને બદલે 'ફ' જેવાં ઉચ્ચારણો, કોઈક કારણસર, મને સમજાતાં નહોતાં. એક સદીને અંતે કે અમુક ચોક્કસ તારીખથી અચાનક જ બદલી જતતા, સાવ જ અલગ અલગ સમયકાળોની શ્રેણીઓની જેમ જ કંઇક આખો ઇતિહાસ મારાં મગજમાં ગોઠવાયો છે -

પરંતુ વાસ્તવમાં રાજકારણમાં, કે વર્તણૂકોમાં કે સાહિત્યમાં આવા સંક્રાંતિકાળો લીટી દોરતાંવાર બદલાઇ નથી જતા હોતા. દરેક સમયકાળ તેના પછીના સમયકાળમાં - ફરજિયાતપણે જ - વસે છે, કેમકે એ દરેક સંક્રાંતિકાળના અંતરાલમાં અનેક જીવતાં જાગતાં માણસો વસેલાં હોય છે. તેમ છતાં સમયકાળ જેવું તો કંઈક હોય જ છે. આપણે આપણા સમયકાળને બીજા કરતાં સાવ જ અલગ છે તેમ જ માનીએ છીએ, જેમકે વિક્ટોરિયા યુગની શરૂઆત અને અઢારમી સદીના ગિબ્બન જેવા સંશયવાદીને અચાનક જ મધ્ય યુગમાં ધકેલી દેવામાં આવેલ હોત તો પોતાને જંગલી અવસ્થામાં જીવતા માનવીઓની વચ્ચે મુકી દેવાયો હોય એમ તેણે અનુભવ્યું હોત. અમુક અમુક સમયે કંઈકને કંઈક એવું થતું જ રહે છે જેના સંબંધનાં મૂળ ઔદ્યોગિક ટેકનીકના ફેરફારો સાથે, પછી ભલેને એવો સંબંધ દેખીતો ન પણ હોય, જોડી શકાતાં હોય છે. એ સમયે જીવનની આખી ભાવના અને તાલ બદલી જાય છે અને લોકો નવો જ દૃષ્ટિકોણ ધરાવતાં થઈ જાય છે, જે લોકોનાં રાજકીય વર્તનમાં, રીતભાતમાં, તેમનાં સ્થાપત્યમાં, સાહિત્યમાં અને લગભગ બીજે બધે જ દેખાવા લાગે છે. થોમસ ગ્રેનું કાવ્ય 'એલેજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ (ગામનાં દેવળનાં પ્રાંગણમાં લખાયેલ વિલાપ ગીત) આજે કોઈ લખી ન શકે કે શેક્સપિયર જેવું ગદ્ય કોઈ ગ્રેના સમયમાં લખી ન શક્યું હોત. આવી બધી બાબતો પોતપોતાના સમય સિવાય ક્યાંય બીજે સ્થાને જોવા પણ ન મળે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, The Rediscovery of Europe નો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો