બુધવાર, 23 નવેમ્બર, 2022

પાલખી - દેવદત્ત પટ્ટનાઈક

પાલખી અને તેને ઉંચકીને ચાલતા ભોઈ લોકોની કલ્પના કરો. એક દૃષ્ટિએ જોઇએ તો તેઓનું એકબીજા સાથેનું સંકલન સંસ્થામાં ટીમની અંદર અંદર એકરાગથી થતાં કામની લયનું પ્રતિબિંબ જ લાગે. ટીમ તેમની ટીમના અગ્રણીને પોતાના એકજૂટ પ્રયાસોથી તેમને તેમના અપેક્ષિત ગંતવ્ય પર પહોંચાડી દે છે. ટીમનો અગ્રણી તેમને માર્ગદર્શન કરે છે, પ્રેરક બળ પુરૂં પાડે છે અને આકર્ષક વળતરની સાથે બક્ષિસ પણ આપે છે. અગ્રણીની ભૂમિકા શરીરમાં મસ્તિષ્કની છે અને તેના અનુયાયી સાથીઓ તેનાં હાથપગ છે. સંસ્થામાનાં નેતૃત્વનું આ બહુ પ્રચલિત અને સ્વીકૃત મનાતી નેતૃત્વ શૈલીનો નમૂનો છે.

આ મોડેલ એ ધારણા પર કામ કરે છે કારીગરો કંઈ વિચારેબીચારે નહીં, તેમને કામ કરવાથી નિસબત. જ્ઞાન અર્થતંત્રમાં પણ કામ અને નીપજ જ મહત્ત્વનાં ગણાય છે, કેમકે તે માપી શકાય છે. આ મૉડેલ ભૌતિક કક્ષાએ સારાં ચાલે કેમકે ત્યાં વર્તણૂકને પણ માપી શકાય છે. પરંતુ લોકો માનસિક સ્તરે પણ કામ કરે છે, જ્યાં કંઈ પણ શક્ય છે. બૉસનું કહ્યું ન માનતાં હોવા છતાં તમે પાલખી ઉઠાવી લો. બૉસ પાસે તમે તમારી જાત (તમારૂં કામ) ઉપડાવી પણ શકો, અને છતાં એ તો એમ જ માનતા રહે કે અહીં તેમનું ધાર્યું જ થાય છે. મોટા ભાગની સંસ્થાઓમાં આવું જ થતું જોવા મળી શકે છે.

આમ થવું ભારતમાં વધારે શક્ય છે, કેમકે પ્રાચીન સમયથી અહીં માનસિક કક્ષા (સંસ્કૃતમાં માનસ) પર વિશેષ ભાર મુકાતો આવ્યો છે. અબ્રાહમી અને ગ્રીક પુરાણશાસ્ત્રો પર આધારીત, વર્તણૂકપરસ્ત, પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ મોડેલો માટે અંકુશનો વિરોધ કરતાં અને હંમેશ કનડગત જ કરતાં અનુભવાતાં આ માનસિક અભિગમ બહુ સંક્ષોભક નીવડે છે. આમ જુઓ તો યુનિયનોની બધી સમસ્યાઓ અને ધારેલું ઊંધું જ પડવાનું તો માનસિક કક્ષામાંથી જ તો ઉદ્‍ભવે છે. દેખાતું ન હોય એવું મૂળ કારણ એ જ તો બની રહેતું હોય છે.

આ સંદર્ભમાં નહુષના કિસ્સાને જ યાદ કરીએ. તેણે સપ્તર્ષિઓને પોતાને પાલખી પર ઉંચકીને રાણી નિવાસ પર લઈ જવા કહ્યું. રાજા હોવાને કારણે તેની પ્રત્યે માન રાખવું જોઈએ તેથી સપ્તર્ષિઓએ કચવાતે મને હા કહી, પણ મનમાં તો થયું કે ઋષિઓ સાથે આવો વ્યવહાર તો ઉચિત ન ગણાય. એ લોકો તત્વજ્ઞાનીઓ છે, મજુરો નહીં.

ખેર, સવારી આગળ ચાલી, પણ ઋષિઓની ગતિ નહુષને ધીમી લાગતી હતી એટલે તે અકળાતો હતો. તેણે જોયું કે ઊંચાઈમાં નીચા હોવાને કારણે અગત્સ્ય ધીમા પડે છે. તેણે અગત્સ્યને માથામાં લાત ફટકારી દીધી અને ચાલવામાં ઝડપ કરવા કહ્યું. ગુસ્સે થયેલ અગત્સ્યે નહુષને શ્રાપ આપ્યો : ‘તું સાપમાં ફેરવાઈ જા અને તારાં પેટ પર ચાલ.' નહુષ તો તરત જ સાપમાં પરિવર્તીત થઈ ગયો. હવે પોતાને ઋષિઓ પાસે ઉંચકાવવાને બદલે પોતાની જાતને પોતાના જ પેટ પર ઉંચકવાની સ્થિતિ આવી પડી.

આ કથાથી પાલખી ઉંચકનારાઓની શક્તિનો ખયાલ આવી શકે છે. એ લોકો તો ધારે તો આખી પ્રક્રિયાને ઊંધે રસ્તે ચડાવી દઈ શકે.

બોસની ગણતરીઓને ઊંઢી પાડવી માનસિક સ્તરે તો થોડું આસાન છે.

પહેલો ઉપાય એ કે તેમની સાથે સહમત થવું પણ કર્યું પોતાનું ધારેલું; બોસ સાથે પહેલેથી જ સહમતી દર્શાવો એટલે મોટા ભાગના કિસ્સાઓમાં બૉસ પછીથી બહુ પડપુંછ નથી કરતાં, ક્યારેક તો પોતે શું કહ્યું હતું તે જ ભૂલી જાય એવું પણ બને.

બીજો ઉપાય એ કે સમજણ જ ન પડી હોય તેમ વર્તન કરો. બોસને આખી વાતને સમજાવવામાં એટલા ગુંચવી દો કે છેલ્લે એ તમારી વાત જ સ્વીકારી લે.

પહેલા ઉપાયમાં બોસની અવગણના દેખાવા લાગે તો વાત ઉલટી પડવાનું જોખમ તો છે. બીજા ઉપાયમાં જો તમે તમારો પાઠ બરાબર ભજવો તો બોસને તમે મુરખ બનાવી રહ્યા છો તેમ લાગવાને બદલે તેમને રાજીપો થાય કે તમારા જેવા સહકર્મચારીને પણ તેઓ પોતાની વાત સમજાવી શક્યા.

નહુષે ઋષિઓ પાસે પાલખી ઉપડાવીને પોતાનું ધાર્યું કરાવી તો લીધું જ હતું. જો તેણે ઋષિઓ પર અંકુશ થોપવાને બદલે જો થોડી ધીરજ રાખી હોત તો તે પોતાનાં ગંતવ્ય પર પહોંચી જ જાત. એ રીતે અગ્રણીઓએ પણ એ વાત ન ભુલવી જોઇએ કે તેમના સહકર્મચારીઓએ ઉપાડેલી પાલખી વડે જ એમણે પોતાનું કામ ક્ઢાવવાનું છે. આ આખો સંબંધ બહુ નાજુક અને બેધારી છે. બહુ વધારે બોસગીરી કરવામાં શ્રાપ વેઠવાનો વારો આવે અને બહુ વધારે સરળ થાવ તો તમારા કર્મચારીઓ જ તમારા પર જ સવાર બની જાય અને પાછા તમે તેમાં 'સેવક નેતૃત્વ'ની પાઠયપુસ્તક મુજબની સ્થિતિગત ભૂમિકા ભજવો છો એમ માનીને બહુ રાજી રાજી પણ થાઓ!
  • મિડ-ડેમાં ૧૭ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The Palki  નો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો