બુધવાર, 15 ફેબ્રુઆરી, 2023

શાકાહારીવાદની નજરે ન પડતી હિંસાખોરી - દેવદત્ત પટ્ટનાઈક

બહુ લોકો એવું માને છે કે શાકાહારી હોવું એ દયા અને અહિંસક માનસ દર્શાવે છે. એવું ખરેખર છે ખરૂં? આખલાને, કે ખરેખર તો બળદને, પૂછજો.

બળદ એ ખસી કરેલો - જેનું વૃષણ કાપી નાખવાથી તેને નર હોર્મોનથી વંચિત કરીને તેને - હેળવી ને અહિંસક બનાવેલો - આખલો છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ નર જાતિમાં વ્યંઢળ એમ આખલાઓમાં બળદ. અંડ કોષ કાપી કાઢવાને બદલે અલગ અલગ નામથી ખસીકરણ કહેવાથી એ પ્રક્રિયાની હિંસા ઓછી નથી થતી. કંબોડીઆના ગ્રામિણ વિસ્તારમાં કરાઈ રહેલી આ પ્રક્રિયાની આ વિડીયો બતાવે છે તેમ આ ક્રૂર પ્રથા આખાં વિશ્વમાં કરાતી આવી છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં તેને થોડી આધુનિક કરીને ઓછી પીડાદાયક બનાવાઈ છે. પણ આખરે તો આખલાનાં અંડ કોષને જ કાપીને કાઢી લેવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિના વિકાસમાં બળદનું યોગદાન બહુ મહત્ત્વનું પરિબળ રહ્યું છે. ૫,૦૦૦થી વધારે વર્ષો સુધી ખેતરો ખેડવામા અને પાકની વાવણી કરવાનો ભાર પોતાની ધુંસરી પર ઉપડાવા ઉપરાંત પાકેલાં અનાજને છડવામાં અને પછી ખેતરેથી બજારો સુધી લઈ જવાનો ભાર પણ બળદે ઉપાડ્યો. સિંધુ-સરસ્વતી ખીણની સંસ્કૃતિમાં બળદનું મહત્ત્વ એ સમયની માટીની મહોરમાં અંકાઈ રહેલું જોવા મળે છે. પુરાતત્વ વિભાગથી થયેલી શોધખોળમાં એ સમયનાં સ્થળોનાં બળદ જોડેલાં માટીનાં ગાડાંઓ પણ મળી આવ્યાં છે જે બતાવે છે કે એ સમયે પણ ખસી કરેલ બળદને પાળી શકાય તે બાબતનું જ્ઞાન પ્રચલિત હતું.

વેદિક કાળમાં આખલાઓ સાથે લડાઈઓ કરીને કે માતેલા સાંઢ પર સવારી કરીને પુરુષો પોતાની મર્દાનગીનું પ્રદર્શન કરતા. ભાગવતમાં પુરાણની એક ક્થામાં તોફાને ચડેલા સાત સાંઢોને નાથીને તેના પુરસ્કાર સ્વરૂપે રાજુકુમારી સત્યાનો હાથ ગોપાળ શ્રીકૃષ્ણ વર્યા હતા, એવો પણ ઉલ્લેખ વાંચવા મળે છે. પશુપ્રેમી કર્મશીલો દ્વારા આ 'ક્રૂર' પ્રથાઓ બંધ કરવાનાં આંદોલનો છતાં આજે પણ કૃષિપ્રધાન સમાજોમાં આવા ઉત્સવો ઉલટભેર ઉજવાય છે.

વંધ્યીકરણ સિવાય આખલાને ભાર વેંઢારનાર પશુ તરીકે વાપરી નથી શકાતો. જોકે આજકાલ વંધ્યીકરણ સ્રીઓ પર થતા યૌન અત્યાચારોના સંદર્ભમાં ફરી વાર ચર્ચાને ચકડોળે ચડેલ છે. ભારતની ન્યાયવ્યવસ્થાના કેટલાક ન્યાયધીશો તો એમ પણ માને છે વંધ્યીકરણની ધમકી માત્ર સ્ત્રીઓ પરના યૌન અત્યાચારોને કાબુમાં લઈ આવવાનો એક સચોટ ઉપાય નીવડી શકે છે કેમકે ભારતીય સમાજ વ્યવસ્થામાં કોઈ પુરુષ માટે વંધ્યીકરણ તો મોતથી વધારે કપરી દશા છે.

એક વાર વંધ્યીકરણ થઈ ગયા પછી આખલાનો ગાય સાથે યૌન સમાગમ શક્ય નથી રહેતો. હવે જો ગાયો દૂધ દેતી રહે એમ કરવું હોય તો તે વાછડાં પેદા કરતી રહે તે જરૂરી છે અને એ માટે વંધ્યીકરણ કર્યા વિનાના આખલાઓ પણ જોઈએ. આટલા સારૂ કેટલીક જાતના આખલાઓનું વંધ્યીકરણ નથી કરાતું. સમાગમની ઋતુ સિવાય આ આખલા ગામમાં અને ખેતરોમાં રખડવા છૂટા મુકી દેવાય છે અને જો કોઈ એને છંછેડે તો તોફાને ચઢીને બહુ નુકસાન પણ કરે છે.

વંધ્યીકરણ કર્યા વિનાનાં આ નર સ્વરૂપને શિવના વાહન નંદી તરીકે પૂજવામાં પણ આવે છે. સંતતિ ઉપાર્જન અને તેના દ્વારા દુધનું ઉત્પાદન કરનાર નર બીજને ધારણ કરતા નંદીના અંડ કોષને ગર્વભેર પ્રદર્શિત કરતી નંદીની મૂર્તિઓ શિવ મંદિરોના પ્રવેશમાંજ મુકવામાં આવે છે. આમ નંદી એ શિવનાં પૌરૂષ અને વીરત્વનું પ્રતિક હોવા ઉપરાંત તેમના સ્વતંત્ર અને અદમ્ય સ્વભાવનું પણ પ્રતિપાદન કરે છે.

આખલાઓ, બળદ કે ગાય સુદ્ધાંનો ફરક પણ જેમને કદાચ ખબર નથી એવા આજના સભ્ય શહેરી ભકતજનોને શર્મિંદગી ન અનુભવી પડે એટલે હવે આજનાં આધુનિક શુદ્ધિકરણ કરાયેલાં ઘડતર સાથેનાં શૈવ મંદિરોમાં વ્યંધ્યીકરણ કરેલા નંદીઓની મૂર્તિઓ પણ મુકવામાં આવે છે. આમને આમ, ગૌવંશના સંહાર સામે સંરક્ષણના ઝંડા હેઠળ આખલાઓ, બુઢા થઈ ગયેલા બળદો કે વસુકી ગયેલી ગાયોના સંહારના વિરોધનો સમાવેશ પણ થઈ ગયો છે. દૂધ દેતી ગાયોનાં સંવર્ધન માટે ખુબ જ સબળ આર્થિક કારણો છે પણ આખલાઓ કે વૃદ્ધ થઈ ગયેલા બળદો કે વસુકી ગયેલી ગાયોના સંહારનો વિરોધ તો માત્ર રાજકીય લાભનાં કારણોસર જ થઈ રહ્યો છે. જેમ તોફાને ચડેલા આખલાને શાંત પાડવા તેને છંછેડવાનો બંધ કરવો પડે છે તેમ જ આવા અકારણ, લડ કાં લડનારી દે જેવાં વલણોને શાંત પડવા દેવા મટે પણ પડતાં મુકી દેવાં જ હિતાવહ છે.

શાકાહાર સાથે અહિંસા અને દયાની જ્યારે જ્યારે વાત સંભળવા મળે છે ત્યારે ત્યારે ખેતરો ખેડવા અને ભાર વહન કરવા વંધ્યીકરણ કરાયેલા ભારતના સમગ્ર ઇતિહાસના લાખો આખલાઓ નજર સામે તરી રહે છે. વંધ્યીકરણ એ ક્રૂરતા નથી? એ હિંસા નથી ? આ ક્રૂરતા કે હિંસાના કર્મોનાં બોજનો હિસાબ ખેડૂત ચુકવશે કે પછી ગાહક ચુકવશે?

માનવ સભ્યતાની ઇમારત જ હિંસાના પાયા પર ચણાઈ છે. કયા પ્રકારની હિંસા સ્વીકાર્ય ગણવી અને કયા પ્રકારની હિંસાને માન્યતા આપવી એ વિશે ચર્ચાઓ ગમે તેટલી થાય પણ માનવીનો હિંસાથી પનારો છૂટે તેમ નથી. માનવ વસાહતો અને ખેતરો વસાવવા માટે આપણે જંગલોનો વિનાશ કરવામાં, નદીઓનાં વહેણ બદલવામાં, કે પહાડોમાં બોગદાંઓ બનાવવામાં હિંસાનું આચરણ કરીએ જ છીએ. કેમ કે એ બધું કરવામાં આપણે ત્યાં પ્રવર્તતી, વસતી અને એકબીજાં પર પળતી પારિસ્થિતિક તંત્રવ્યવસ્થાનો વ્યાપકપણે નાશ કરીને અનેક પ્રકારનાં પ્રાણીઓ, જળચરો, જીવજંતુઓ, વનસ્પતિઓનો પણ કચ્ચરઘાણ વાળી નાખીએ છીએ. માત્ર એ હિંસા આપણને નરી આંખે દેખાતી નથી એટલે આપણે બહુ સગવડપૂર્વક એવી હિંસા થતી જ નથી એમ માની લઈએ છીએ.

રાંધેલો ખોરાક ખાવામાં પણ અમુક પ્રકારની હિંસા તો રહેલી જ છે કેમકે કુદરતી રીતે પાકેલા ખોરાકને આપણા રસોડા સુધી લાવવામાં આપણે કોઈને કોઈ પશુનું વંધ્યીકરણ પણ કર્યું હશે અને રાંધવાની પ્રક્રિયામાં અનેક નરી આંખે ન દેખાતાં બેક્ટેરીઆ જેવાં જંતુઓનો પણ નાશ કર્યો જ હશે. જૈન સાધુઓએ આ હિંસાને ઓળખી લીધી છે એટલે જ તેઓ અપવાસ કરીને પોતાનાં કર્મોનો બોજ કંઈક અંશે હળવો કરવા પ્રયત્નશીલ રહે છે. એ લોકો ચુંટેલાં ફળોને નહીં પણ જે ફળો કુદરતી રીતે જમીન પર ખરી પડે છે તે જ ખાવાનો આગ્રહ રાખે છે. અને તેમ છતાં એ લોકો એ તો સ્વીકારે જ છે કે આટલું કરવામાં પણ તેઓએ કોઈ પ્રાણી કે વનસ્પતિનો કોળીયો ઝુંટવી ઓ લીધો જ છે. જે વ્યક્તિ ભુખ પર પુર્ણતઃ કાબુ મેળવી શકે છે તે જ હિંસાને અતિક્રમી શકે છે. પુજનીય ભાગવત એવું એક પૂર્ણ વ્યક્તિત્ત્વ હતા. અપવાસના બીજા બધા જ પ્રકાર આપણી એ સમજ માટે જ છે કે સંસારનાં કર્મોના બોજથી છૂટકારો પામવો એ કેટલું કપરૂં કામ છે.

એમાં પણ હવે તો હિંસાની આપણી સમજ હજુ વધારે નાસમજ બનતી જઈ રહી છે. ખેડૂત કે સિપાહીઓ કે કસાઈઓ , કે મશીનો અને રોબોટોને કે પછી આતંકવાદીઓને ભાડુતી ગુંડાને ખભે નાખીને આપણે આપણા ભાગની હિંસાથી હાથ ધોઈ કાઢવાનો સંતોષ માની લઈએ છીએ.

હકીકત એ છે કે હિંસા વિના ખેતરો નથી બનતાં, જીવજંતુઓ અને જીવાતોથી ખેતરોના પાકને બચાવી નથી શકતો, આપણ ભોજન ટેબલ સુધી પણ ખોરાક કોઈને કોઈએ પ્રકારનીં હિંસા દ્વારા જ પહોંચે છે. તમારા ખોરાક ખાવામાં , કે બીજાને ખવડાવવામાં, નાના મોટા પ્રકારની કોઈને કોઈ પ્રકારની હિંસા તો થતી જ હોય છે. માંસાહારમાં એ પ્રત્યક્ષ દેખાય છે. પણ શાકાહારમાં તે અપ્રત્યક્ષ છે અથવા બીજાને ખભે નાખી દીધેલ હોય છે. જ્યાં સુધી શાકભાજી, ફળો, ધાન કે અનાજ ખવાતાં રહેશે ત્યાં સુધી એ માંગને પુરી કરવા અનેક વાછડાઓનું વંધ્યીકરણ થતું જ રહેશે. એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આપણે કઈ હિંસા સ્વીકાર્ય ગણવી તેની ચર્ચા કરીને સંતોષ માની લેવો રહેવો રહ્યો. જેના પર ન તો બે ધનવાનો કે ન તો બે ગરીબો પણ ક્યારેય સહમત થાય એવી કેટલી સમૃદ્ધિ પુરતી ગણવી એવી એ ચર્ચા છે. પાડાઓની કતલ કરવા કરતાં વંધ્યીકરણ ઓછી હિંસા છે એવી આપણે દલીલો કરતાં રહીશું, પણ તેની સાથે કોઈ બળદ ક્યારે પણ સહમત થશે એવી આશા તો ઝાંઝવાના જળથી તરસ છુપાવવા જેવી જ છે.

  • મિડ-ડેમાં ૧૪ નવેંબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The invisible violence of vegetarianismનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો