શુક્રવાર, 10 માર્ચ, 2023

સ્વ-વિકાસ : વિચાર વલોણું - ખેલકૂદ, જિંદગી અને નેતૃત્વ વચ્ચે કેટલીક સમાંતર સમાનતાઓ

 

ઘણા મૅનેજમેન્ટ વ્યાવસાયિકો પોતાની કારકિર્દીમાં બહુ વધારે વ્યસ્ત થઈ જવાથી કામમાં સ્ફુર્તિ અનુભવવા નથી લાગતા ત્યારે મનને હળવું કરવા પોતાની કિશોરાવસ્થા કે યુવાવસ્થાના શોખ તરફ વળતાં હોય છે.  જેમકેશાળા કે કૉલેજ પછી  અંગત કે વ્યાવસાયિક જિંદગીઓની અન્ય વ્યસ્તતાઓને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલી ટેબલ ટેનિસ, કે શતરંજ કે ક્રિકેટ જેવી રમતો ફરીથી રમવાનું શરૂ કરવું.

જ્યારે એ રમતોમાં પોતે હજુ  શિખાઉ હતાં  ત્યારે જો કોઈ વધારે સારો ખેલાડી કંઈક અઘરો દાવ ખેલી નાખતો ત્યારે પરસેવે રેબઝેબ થઈ જતાં એ કિશોર/ યુવાન આજે તો હર પળે એવા પડકારોનો સામનો કરી રહ્યાં હોય છે. આજે પણ તેને સામે રહેલ માતબર હરીફ સામે કોઈક વાર તેમને પીછેહઠ પણ કરવી પડતી હોય છે તો કોઈ વાર પડાકાર ઝીલી લેવાની પહેલ પણ કરવી પડતી હોય છે. આજ હવે વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિનો સામનો રેતી હેઠળ મોં છુપાવી લેવાથી તો નથી કરી શકાતો. હવે તો તેમણે કોઇને કોઇ પગલું લેવું જ પડતું હોય છે.   

રમતની એક ખાસીયત એ પણ છે કે તેમાં હરીફ પર આપણો કોઇ કાબુ નથી હોતો. તે આગલી ચાલ શું રમશે, એ પાછળ તેની શું ગણતરી છે તે તો જ્યાં સુધી એ ચાલ નથી ચાલતો ત્યાં સુધી આપણને ખબર જ નથી હોતી. પણ, એ પણ એટલું જ સાચું છે કે એ જો કંઈ અણધાર્યું કરે છે તો, મોટા ભાગે, આપણે તરત જ એ વિશે પુરાં જોશથી આપણ યથોચિત પ્રતિભાવની દિશામાં વિચારવા લાગી જઈએ છીએ. એ પોતાની આગલી ચાલ વિશે વિચારમાં હોય ત્યારે આપણે જો આવી કોઈ પણ અણધારી પરિસ્થિતિનો વિચાર કરીને એ વિશે માનસિક રીતે તૈયાર થઈ શક્યાં હોઈએ તો આપણે પ્રતિભાવ આપવામાં બહું મુંઝાવું નથી પડતું. જીવન અને વ્યવસાયમાં પણ કંઈક એવું જ છે! આર્થિક સંજોગો, બજારની રૂખ, આસપાસ બનતી લગભગ દરેક ઘટનાઓ જેવા બાહ્ય સંજોગો પર આપણો કોઈ જ કાબુ નથી હોતો. પણ જો આપણે બદલતા સંજોગોનાં અચાનક પરિવર્તન સાથે અનુકૂલન સાધવા તૈયાર હોઇએ તો પરિવર્તન સામેની અરધી લડાઈ તો જીતવાનું ભાથું આપણે બાંધી જ લીધું હોય છે.

હજુ એક, છેલ્લી, સરખામણી. રમતમાં બહુ વધારે રક્ષણાત્મક રૂખ અપનાવવાથી કદાચ હારથી બચી શકાય, પણ જીતની શક્યતા પણ ઘણી વાર હાથતાળી દઈ શકે છે. આપણે જેમ જેમ રક્ષણાત્મક થતાં થઈ જઈએ છીએ તેમ તેમ હરીફની આક્રમક થવાની હિંમત અને શક્યતાઓ ખુલવા લાગે છે. એ તો હવે બહુ જાણીતી વાત છે કે જોખમ વિના વધારે વળતર નથી જ મળતું. હા, આપણે ભલે આંધળો જુગાર ખેડી નાખવા જેવાં જોખમ ન લઈએ પણ ગણતરીપૂર્વકનું જોખમ લઈને થોડું વધારે વળતર મેળવાનો દૃષ્ટિકોણ તો કેળવવો  જોઈએ એ બાબતે પણ ખાસ શંકાને સ્થાન નથી. જેમ, માત્ર મજા માટે રમાતી રમતમાં પણ જીતવાની ભાવના સાથે ઉતરવું જેટલી ખેલદીલી કેળવવી જોઈએ એટલી નિષ્ઠા તો રમત માટે પણ હોવી જોઈએ, તેમ જીવન કે વ્યવસાયમાં સરેરાશથી વધારે સફળ થવાની ભાવના ન કેળવવી એ હરીફાઈથી,, કમસે કમ, એક કદમ આગળ રહેવા જેટલી અગમચેતી તો છે જ !

ખેલકૂદ અને જીવન તેમ જ વ્યવસાય વચ્ચે આવી ઘણી સમાંતર સમાનતાઓ મળી આવશે, કેમકે એકંદરે તો તેમના પ્રત્યેનો અભિગમ એ જીવન જીવવાનાં આપણાં મૂલ્યોનું અરીસામાં દેખાતું આપણું ખુદનું જ પ્રતિબિંબ છે. રમતનાં મેદાનમાં અંતિમ હાર કે જીત જેટલું જ મહત્ત્વ જેટલું આપણે કેમ રમ્યાં તેનું છે તેમ જીવન અને વ્યવસાયમાં સફળતાઓને યાદ રાખવામાં, કે નિષ્ફળતાઓને ભુલાવી દેવામાં, જીવન  કે વ્યવસાય પ્રતિ આપણી તત્પરતા, હકારાત્મકતા તેમજ સ્વયંસ્ફુરિતાની હાજરીનું તત્ત્વ આવશ્યક ઘટક બની રહે છે !

વિધિપૂર્વકસરના એક ખેલાડી થયા વિના પણ રમતનો માત્ર સક્રિય શોખ કેળવવાથી જીવન અને વ્યવસાયની તાણો હળવી કરવામાં મદદ મળવાની સાથે સાથે જીવન અને વ્યવસાય પ્રતિ આપણા આભિગમને વધારે દૃઢ અને અનિકૂલનક્ષમ બનાવવાની ક્ષમતા પણ કેળવાય છે.

ચાલો, મારો તો રમતનો સમય થયો એટલે હું તો આ ચાલ્યો. તમારે પણ સાથે આવવું છે?

સ્ત્રોત સંદર્ભ: A Few Parallels Between Sports, Life and Leadership

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો