બુધવાર, 10 મે, 2023

રાવણની અંતિમ શીખ - દેવદત્ત પટ્ટનાઈક

યુદ્ધના છેલ્લા પ્રહાર સ્વરૂપ નાભિ પર ઘાતક તીર મારીને રામ રાવણને મરણતોલ રીતે ઘાયલ કરે છે. રાવણ જ્યારે તેની અંતિમ ઘડી ગણી રહ્યો હોય છે ત્યારે રામ લક્ષ્મણને રાવણ પાસેથી અમૂલ્ય કહી શકાય તેવા પદાર્થપાઠ શીખી લાવવાનું સૂચવે છે, કારણકે તેની અનેક ભૂલો છતાં પણ રાવણ એક પ્રચંડ જ્ઞાની 'બ્રાહ્મણ' છે. લક્ષ્મણ રાવણ પાસે જ્યારે જાય છે ત્યારે રાવણ મોં ફેરવી લે છે. રામ પાસે આવીને લક્ષ્મણ ફરિયાદના સુરમાં કહે છે કે 'એ અભિમાની ખલનાયકનો અહંકાર છેલ્લી ક્ષણે પણ તેને જ્ઞાનની વહેંચણી કરતાં રોકી રહ્યો છે.' એટલે હવે રામ પોતાના શસ્ત્રો હેઠાં મૂકે છે અને રાવણના પગ પાસે બેસીને રાવણને તેમનાં જ્ઞાનનો લાભ આપવા વિનવે છે. રાવણ પ્રસન્ન થાય છે અને કહે છે, “રામ, તમે નમ્રતાથી મારા પગ પાસે બેઠા, જ્યારે લક્ષ્મણ એક વિશેષાધિકાર ધરાવતા વિજેતાની જેમ મારા માથા પર ઊભીને જ્ઞાનની ખંડણી માગતો હતો. તમે ખરેખર મારા જ્ઞાનને લાયક વિદ્યાર્થી છો. હું મરતાં પહેલાં જે કંઈ કહી શકું તે તમને જણાવીશ. આપણા જીવન માટે આવશ્યક બધી સારી વસ્તુઓને છોડી અને જીવન માટે બધી ખરાબ વસ્તુઓની જ શોધ માટે ભટકવાનું આપણા મનનું વલણ હોય છે. જ્ઞાનને પ્રજ્ઞાની કક્ષાએ લઈ જવા માટે મનની યુક્તિઓને સાક્ષીભાવે નિહાળો. જ્યાં હું નિષ્ફળ ગયો ત્યાં તમે સફળ થાઓ.”

રામાયણથી પ્રેરિત આ લોકકથા મનના જટિલ વલણોને ઉજાગર કરવા માટે અનેક રીતે વાંચી શકાય છે.

રામ પણ જેનું સન્માન કરે છે એવા વેદોના જાણકાર રાક્ષસરાજ રાવણનાં અનુભવસિદ્ધ જ્ઞાનની વિશાળતાના સમર્થનકર્તાની દૃષ્ટિથી વાંચી શકીએ છીએ. અથવા, આપણે તેને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધના નિર્દેશ તરીકે પણ વાંચી શકીએ છીએ. રાવણના મસ્તક પાસે ઉભેલા લક્ષ્મણ દ્વારા પ્રદર્શિત વર્તન એવા વિદ્યાર્થીનું છે જે શિક્ષકનો આદર નથી કરતો.,રાવણના ચરણોમાં બેસીને જ્ઞાન માટે વિનંતિ કરતા રામનું વર્તન એક આદર્શ વિદ્યાર્થીનું ઉદાહરણ છે..

ભગવાન (રામ) અને સામાન્ય માણસ (લક્ષ્મણ) ના વર્તનના વિરોધાભાસને સમજાવતી એક વાર્તા તરીકે પણ તેને વાંચી શકાય છે. કે પછી એવી વાર્તા તરીકે એપણ જોઈ શકાય જેમાં રાવણ એટલો ઘમંડી છે કે મૃત્યુ વખતે પણ તે તેનું જ્ઞાનની વહેંચણી કરતાં પહેલા આદરની માગણી કરે છે. તે એમ પણ બતાવી શકે છે કે રામ વિચક્ષણ છે એટલે રાવણની ભૌતિક સંપત્તિ ઉપરાંત તેની બૌદ્ધિક સંપત્તિઓ પર કબજો મેળવવા નમ્રતાના ઉપયોગની તકનીક અજમાવે છે. છેલ્લે, તેને યાદ દેવડાવનાર એક એવી ક્થા તરીકે પણ જોઈ શકાય જે સમજાવે છે કે જ્ઞાન મેળવવું સંપત્તિ મેળવવા કરતાં વધુ મુશ્કેલ છે. જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ, ત્યારે આપણે આપણી ભૌતિક સંપત્તિ છોડી જઈએ છીએ પરંતુ આપણી બૌદ્ધિક સંપત્તિ આપણી સાથે લઈ જઈએ છીએ. આપણે લક્ષ્મીને પાછળ છોડી શકીએ છીએ, પરંતુ સરસ્વતીને નહીં. જ્ઞાનની સરસ્વતીને આગળ વધારવા માટે આપણે સક્રિય અને સભાનપણે આપણું જ્ઞાન એવા વિદ્યાર્થીને વહેંચવું જોઈશે જે તે સમજવા માટે સક્ષમ હોય.

આટલાં બધાં જુદાં જુદાં અર્થઘટનોમાંથી કયાં અર્થઘટનને વધારે ઉચિત સમજવું? લોકો ઘણીવાર નાયકો અને ખલનાયકોના ઉદ્દેશ્યો પર, વકીલો કે ન્યાયધીશોની ભૂમિકામાં ઉતરીને, દલીલોમાં ઉતરી પડે છે. પરંતુ આમ કરવાથી તેઓ હિંદુ મહાકાવ્યોના મૂળભૂત સ્થાપત્યને ચૂકીને પોતાનાં તારણોને સામાન્ય રીતે જેનું મૂળ તેમના પોતાના પૂર્વગ્રહોમાં હોય એવીપોતાની અંગત માન્યતાઓની દૃષ્ટિથી જ જોવા લાગે છે.

ગ્રીક મહાકાવ્યોથી વિપરીત, હિંદુ મહાકાવ્યોમાં નાયક બદલાતો, વિકાસ પામતો કે રૂપાંતર થતો નથી, કારણ કે તે ભગવાન છે. ભગવાન જ્ઞાની છે, તેનું સ્વરૂપ નશ્વર હોવા છતાં તેમનાં અનંતના જ્ઞાન સાથે. ભગવાન, રામાયણના રામ જેવાં સ્વરૂપે, મનુષ્યોને તેમની માનવતા કે પછી માનવતાનો અભાવ શોધી શકવા માટે સક્ષમ બનાવે છે. કેટલીક વાર તે સફળ પણ થાય છે. જેમ કે રામાયણના હનુમાન વાનરમાંથી પોતાના મંદિરો સાથે ભગવાનમાં પરિવર્તિત થાય છે. ક્યારેક તેમને સફળતા નથી પણ મળતી, જેમ કે રાવણના અથવા તો લક્ષ્મણના કિસ્સામાં. મરણ પથારીએ હોવા છતાં રાવણ કે નાનો ભાઈ હોવા છતાં લક્ષ્મણ શીખી નથી શકતા કે આપણને બીજાંઓને નિયંત્રિત કરવા કે તેમના પર પ્રભુત્વ મેળવવા અથવા વિશ્વ સાથે અધીરા બનાવવા માંગે છે તે અસુરક્ષાના ભાવને કેમ દૂર કરવો, કે પછી જીવનને આપણે ઇચ્છીએ એવું નહી પણ તે જેવું છે તેવું કેમ જોવું.

·        મિડ - ડે.માં ૧૩ ડિસેમ્બર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.

·        દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A lesson from Ravanaનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો