બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

એકલી અટૂલી પડી ગયેલી યમુના - દેવદત્ત પટ્ટનાઈક

પરંપરાગત રીતે, સમગ્ર ભારતમાં મંદિરોમાં પ્રવેશદ્વારની બંને બાજુએ, ગંગા અને યમુના, એમ બે ચિત્રો કે મૂર્તિઓ હોય છે. દેવી-સ્વરૂપ બે નદીઓ જે માનવ વિશ્વને દૈવી વિશ્વ સાથે જોડતાં પવિત્ર મંદિરોને 'તીર્થ' અથવા નદી પાર કરવાના ઉતારમાં પરિવર્તિત કરે છે.

બે દેવીઓને સ્વૈચ્છિકરૂપે ઘડાને ઉપાડી લેતી, લગભગ જોડિયા, કન્યાઓ તરીકે જોવામાં આવે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ જે પ્રાણીઓ પર સવારી કરે છે, તે વાહનો અલગ છે. ગંગાને તાજા પાણીની,પ્રસિદ્ધ, ગંગાડોલ્ફિન (મકર) પર સવારી કરતી તો યમુનાને કાચબા (કૂર્મ) પર સવારી કરતી જોવા મળે છે. આ તસવીરો તેમના વ્યક્તિત્વના તફાવત દર્શાવે છે.

ડોલ્ફિનની જેમ, ગંગાને ઉછળકુદ કરતી, ઝડપી અને ખુશખુશાલ માનવામાં છે તો યમુનાને કાચબાની જેમ શરમાળ, સુસ્ત અને નિરાશ કલ્પવામાં આવે છે. ગંગાને શિવની પત્ની માનવામાં આવે છે. તેને શિવના તેના માથા પર બેઠેલી અને શિવ સ્થિર મુદ્રામાં બેઠા હોય ત્યારે તેમના વાળથી સંયમિત રહેલી કલ્પવામાં આવે છે. જ્યારે યમુનાને વિષ્ણુની પત્ની માનવામાં આવે છે. વિશ્વને બચાવવા માટે ભટકતા રહેતા વિષ્ણુ સાથે રહેવા માટે સખત પ્રયાસ કરતી રહેતી યમુના વિષ્ણુની પાછળ પાછળ આવે છે,. આમ, ચંચળ ગંગા ધીરગંગીર શિવની પૂરક છે અને શાંત યમુના ચંચળ વિષ્ણુની પૂરક છે. હિંદુ પૌરાણિક કથાઓમાં પૂરક પ્રભાવો એ મુખ્ય વિષય છે.

યમુનાને લગતી સર્વાંગી મનોસ્થિતિ કરૂણ છે. વેદોમાં, તે જીવનની આશાની ધારક, યામી છે. તે યમુનાના પ્રસ્તાવને સ્વીકારવાને બદલે મૃત્યુ પામવાનું પસંદ કરવાને કારણે એવા મૃત્યુના દેવ બની જાય છે, જે પાછા કદી જીવંત બનવા સક્ષમ નથી રહેતા, યમની તે બહેન છે. તે ક્યારેય સૂર્યનો આનંદ માણી શકતી નથી એવી રાત્રિ, યામિની, છે. પુરાણોમાં, તેને ફીણાચ્છાદિત, ધવલ ગંગાથી સાવ વિરુદ્ધ, કાલિંદી શ્યામ નદી બતાવવામાં આવી. બન્ને પર્વત દેવ, હિમાવન,ની પુત્રીઓ છે. યમુના કૃષ્ણને દૂરથી રાસ-લીલા નૃત્ય કરતા જોયા કરે છે, તેમની પૂજા કરતી રહે છે, તેમની આરાધના કરતી રહે છે, અને જ્યારે તેઓ ગોવાળોનું ગામ છોડે છે ત્યારે દ્વારકા સુદ્ધાં સુધી તેમને અનુસરતી પણ રહે છે.

તે પછી, યમુનાને આજ્ઞાપાલક બનતી વર્ણવતી એક હિંસક વાર્તા પણ છે. કૃષ્ણના ભાઈ બલરામ, જેઓ કૃષ્ણ દ્વારકા ગયા પછી વ્રજ તરીકે ઓળખાતા વિસ્તારની મુલાકાતે ગયા હતા, તેમને નદીમાં સ્નાન કરવાનું મન થયું. પરંતુ તે ખૂબ નશામાં હતા અને નદી સુધી ચાલવા માટે ખૂબ થાકી ગયા હતા. તેમણે યમુનાને તેમની પાસે આવવાનો આદેશ આપ્યો. યમુનાએ ના પાડી. ક્રોધિત થઈને બલરામે પોતાનું હળ ઊંચું કર્યું અને નદી-દેવીને પોતાની તરફ ખેંચ્યાં.

ખુશવંત સિંહ, તેમનાં પુસ્તક, દિલ્હી,માં આ ઘટનાનાં લોકકથાના એવાં સંસ્કરણનું વર્ણન કરે છે, જે મુજબ બલરામે યમુનાને વાળથી ખેંચી હતી અને પોતાનું ધાર્યું કર્યું હતું. યમુનાના સંઘર્ષોએ દિલ્હીની આસપાસ નદીના અનેક વળાંકોને જન્મ આપ્યો મનાય છે.

કેટલાક નૃવંશશાસ્ત્રીઓના મતે, આ વાર્તા, સુરસેના પ્રજાતિ દ્વારા નહેર સિંચાઈનું સૂચન કરે છે. બલરામ, તેમના હળ સાથે એ પ્રજાતિ માટે, કૃષિના દેવ હતા, જ્યારે કૃષ્ણ તેમની ગાયો સાથે તેમના પશુપાલનના દેવ હતા; બન્ને મળીને તેઓ, પુરાતત્વવિદોના મતે, ઇ. સ. પૂર્વે ૬૦૦ વર્ષો પહેલાં ધમધમતી સંસ્કૃતિની પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓના દેવો હતા.

આજે, યમુનાના કિનારાઓ પર આવેલા, અનિયંત્રિતપણે પર્યાવરણને નુકસાન કરતા, ઉદ્યોગોને કારણે નદી ભયંકર રીતે પ્રદૂષિત છે. ખેડૂતોની દુર્દશાને અવગણતા ઔદ્યોગિક ક્ષેત્રો, વિશેષ આર્થિક ક્ષેત્રો અને સાંસ્કૃતિક તહેવારો માટે નદીના કિનારાઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેનો વિવાદ શમતો જ નથી. છે. અલબત્ત, મૂડીવાદીઓ પર્યાવરણવાદીઓના તમામ દાવાઓને નકારી કાઢશે, અને સામ્યવાદીઓ મૂડીવાદીઓના તમામ દાવાઓને નકારી કાઢશે. આ તો કુતરૂં તાણે ગામ ભણી અને શિયાળ તાણે જંગલ ભણી વાળો તાલ છે. આપણે કોને માનીએ છીએ - જીવનની સમસ્યાઓના સ્માર્ટ ઉકેલો માટે લાખો અનુયાયીઓ દ્વારા શ્રદ્ધાની મૂડી પર બેઠેલા શ્રીમંત ગુરુઓને, કે અવિરતપણે વિકાસ વિરોધી અને સરકાર વિરોધી (અથવા પર્યાવરણ તરફી) લાગે છે એવા પેલા કાર્યકર્તાઓને? કે એવી સરકારને માનીશું કે જે એનજીઓ બાબતે જેટલી શંકાસ્પદ હોય છે તેટલી ટીકા ભગવા-વસ્ત્રોવાળા બ્રહ્મચારી પુરુષોની નથી કરતી? આપણે એક બાજુ જ્યારે દલીલો અને ચર્ચાઓ કર્યા કરીએ છીએ, ત્યારે બીજી બાજુ લાચાર, ગંદી, ઉપેક્ષિત, લોકોના તેની સાથેના દુર્વ્યવહારો સહ્યા કરતી અને કદાચ હવે તો કૃષ્ણ દ્વારા પણ ત્યજી દેવાયેલી, યમુના એકલી અટૂલી વહ્યા કરે છે !

  • મિડ - ડેમાં  ૧૩માર્ચ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A forlorn Yamuna નો અનુવાદ હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·        અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો