દલિતોને હિંદુ કટ્ટરપંથીઓ દ્વારા જડમૂળથી ઉખેડી કાઢવાનો ડર ધરાવતા વર્ગ
અને જેઓ હિંદુ ધર્મ અને હિંદુ ધર્મને હિંદુવાદીઓ દ્વારા નાબૂદ કરી નાખવાનો ધરાવતા હતા એ
વર્ગની વચ્ચે કેલિફોર્નિયાના પાઠ્યપુસ્તકોનું અંતિમ સંપાદન આખરે સમાધાન
હતું.
આ ચર્ચાના કેન્દ્રમાં એક સરળ પ્રશ્ન
છે: અમેરિકા હિંદુ ધર્મ અને ભારત,
અમેરિકન બાળકોને કેવી રીતે સમજાવે છે?
આ અમેરિકન બાળકોમાં ભારતીય,
પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્રીલંકન અને
નેપાળી મૂળના બાળકોનો સમાવેશ થાય છે,
જેઓ તેમના દક્ષિણ એશિયાઈ મૂળ અને તેમના અમેરિકન વતન વચ્ચે વહેંચાઈ ગયેલાં છે. તેઓ અને તેમનાં મિત્રો,
તેમના પૂર્વજોના દેશ, સંસ્કૃતિ અને ઘર ઘરમાં પ્રચલિત શાસ્ત્રનો ભાગ એવા રિવાજો અને માન્યતાઓ સાથે
કેવી રીતે પરિચય પામ્યાં છે?
ધર્મ વિશે
જ્યારે તમે તમારી જાતને એવા દેશના
નાગરિક બનાવી લો જે પરદેશીઓને પરગ્રહવાસીઓ તરીકે સંબોધે છે, ત્યારે ઘણું બધું
દાવ પાર લાગે છે.
કોણ નક્કી કરે કે શું શીખવવું જોઈએ:
અમેરિકન વિદ્વાનોએ, કે
હિંદુધર્મના અનુયાયીઓએ ? ઉત્તર
ભારતના હિંદુઓએ, કે દક્ષિણ
ભારતના હિંદુઓ? બ્રાહ્મણોએ
કે બિનબ્રાહ્મણોએ? સવર્ણો કે
દલિતોએ? નેપાળી પાસપૉર્ટ
ધરાવતા હિન્દુઓનું શું? અથવા
હિંદુઓ કે જેમના પૂર્વજો વેસ્ટ ઈન્ડિઝમાં ગુલામ
મજૂરો હતા એ લોકોએ? કોઈ તેમને
પૂછે ય છે? શું તે
લોકશાહી પ્રણાલિકા અનુસારની પ્રક્રિયા હોવી જોઈએ?
પ્રશ્નનો જવાબ આપતા પહેલાં,
હિંદુ ધર્મ શબ્દને ઇસ્લામ સાથે બદલી જુઓ . અમેરિકા અમેરિકન બાળકોને ઇસ્લામ
કેવી રીતે સમજાવે છે? કોણ નક્કી
કરે છે કે શું શીખવવું જોઈએ: બિન-મુસ્લિમ અમેરિકન વિદ્વાનોએ, કે મુસ્લિમોએ કે પછી
મુસ્લિમ ધર્મશાસ્ત્રીઓએ? શિયાઓ કે
સુન્નીઓએ? સ્ત્રીઓ કે
પુરુષોએ?
હવે, ઇસ્લામ શબ્દને ખ્રિસ્તી ધર્મ સાથે બદલો. અમેરિકા અમેરિકન
બાળકોને ખ્રિસ્તી ધર્મ કેવી રીતે સમજાવે છે?
કોણ નક્કી કરે છે કે શું શીખવવું જોઈએ: નાસ્તિક શૈક્ષણિકોએ કે ધર્મશાસ્ત્રીએ? કેથોલિકોએ કે
પ્રોટેસ્ટન્ટે?
અમેરિકા અમેરિકન બાળકોને અમેરિકા વિશે
કેવી રીતે સમજાવે છે? કોણ નક્કી
કરે છે કે શું શીખવવું જોઈએ: મૂળ અમેરિકનો,
આફ્રિકન અમેરિકનો, ચાઇનીઝ
અમેરિકનો, ભારતીય
અમેરિકનો, યુરોપિયન
અમેરિકનો, શક્તિશાળી
ગોરા એંગ્લો-સેક્સન પ્રોટેસ્ટન્ટ્સ કે
પછી પ્રભાવશાળી યહૂદી લોબી?
અચાનક ખ્યાલ આવશે કે સવાલ દેખાય છે
તેટલો સરળ નથી. તે અઘરો બની ગયો છે કારણ
કે હિંદુ ધર્મ ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મની જેમ સંગઠિત નથી, તેનો અર્થ એ પણ નથી
કે ઘણા પશ્ચિમી વિદ્વાનો ધારવા માગે છે એમ તે અસંગઠિત અથવા વિભાજિત છે. વિચારવા માંડો કે શા માટે હિંદુ કે ભારતીય નથી એવા વિદ્વાનો
દ્વારા હિંદુ ધર્મ પરના લખાણોને કેમ સચોટ જોવામાં આવે છે?
શું આપણે એમ કહીએ છીએ કે આસ્થાળુઓ કરતાં બિનઆસ્થાળુઓ ધર્મની સારી સમજ ધરાવે છે? તો શું નાસ્તિકો
વડે જ શાળામાં ધર્મ શીખવવો જોઈએ?
ધર્મ બાબતે નિરપેક્ષતા?
આપણે એવા રસપ્રદ
સમયમાં જીવીએ છીએ જયાં કોઈ ધર્મ વિશે કેવી રીતે વાત કરો છો તે તેની રાજકીય ઓળખ નક્કી કરે છે.
હિંદુ ધર્મ વિશે
સારી વાતો કહો, તો તમે એવા
વિશેષાધિકારી સવર્ણ છો જે હિંદુત્વને સમર્થન આપે છે. હિંદુ ધર્મ વિશે ખરાબ કહો
તો તમે સામાજિક ન્યાય માટે ધર્મયુદ્ધ
કરનારા છો, અથવા તો
નક્સલવાદી છો.
ઇસ્લામ વિશે સારી
વાતો કહો તો તમે તમારી જાતને ઉદારવાદી
તરીકે સ્થાપિત કરો છો. ઇસ્લામ વિશે ખરાબ વસ્તુઓ કહો, તો તમે નાઝી છો.
ખ્રિસ્તી ધર્મને
સમર્થન આપો તો તમે અમેરિકામાં રાષ્ટ્રપતિ
પદના ઉમેદવાર બની શકો છો. ખ્રિસ્તી ધર્મની મજાક ઉડાવો તો તમને તર્કસંગત અને વૈજ્ઞાનિક સ્વભાવ ધરાવતા તરીકે
જોવામાં આવશે.
સમગ્ર વિશ્વમાં,
સંસ્કૃતિઓને સમજવા વિશે ઓછામાં ઓછા અને સંસ્કૃતિઓ વિશે અભિપ્રાયો બાંધવા, તેમની નિંદા કરવા
અને તેમને બદલવા વિશે વધુમાં વધુ,
સામાજિક ન્યાયના વિચારો દ્વારા પ્રેરિત,
સાંસ્કૃતિક અભ્યાસો બની રહ્યા છે. પછી
કોઈ વ્યક્તિ ધર્મ વિશે નિરપેક્ષપણે કેવી રીતે વાત કરી શકે?
નામમાં શું છે?
શું આપણે આતંકવાદ
અને જેહાદ વિશે વાત કર્યા વિના ઇસ્લામ વિશે વાત કરી શકીએ? તમામ સંસ્થાનવાદી
શક્તિઓ - બ્રિટીશ, ફ્રેન્ચ
અને ડચ - ખ્રિસ્તી હતા એટલે શું આપણે ધર્મયુદ્ધો ધાર્મિક , સર્જનવાદ, સંસ્થાનવાદ
વાદ વિશે વાત કર્યા વિના ખ્રિસ્તી ધર્મ
વિશે વાત કરી શકીશું?
સામાજિક ન્યાયની
દૃષ્ટિએ તમામ ધર્મો અધમખોર છે. તો પછી
કેલિફોર્નિયાના પાઠ્યપુસ્તકોમાં માત્ર હિંદુ ધર્મ જ શા માટે અલગથી દર્શાવવામાં
આવ્યો છે? માત્ર
ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન,
શ્રીલંકા, નેપાળ અને
બાંગ્લાદેશમાં પણ સમગ્ર દક્ષિણ એશિયામાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ અને બૌદ્ધો દ્વારા
દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવે છે તે હકીકત હોવા છતાં વર્ણવ્યવસ્થાને સમગ્ર
દક્ષિણ એશિયાની ઘટના તરીકે જોવાને બદલે સતત અને સતત હિંદુ માન્યતા તરીકે કેમ
જોવામાં આવે છે?
શું એટલા માટે
અમેરિકામાં ઘણા હિંદુઓ હિંદુ ધર્મ તરફ અણગમા વિશે વધુને વધુ બોલી રહ્યા છે? તેમાય કેટલાક તો
બ્રાહ્મણવિરોધીને યહૂદીવિરોધી સાથે સરખાવી રહ્યા છે?
શું આપણે ઉપખંડની
સંસ્કૃતિને બાંધી રાખતા હિંદુ ધર્મ શબ્દનો ઉપયોગ એક વ્યાપક અધિ -વૃતાંત માટેની
સંહિતા તરીકે વાપરવો બંધ કરી દેવો
જોઈએ કે અંગ્રેજોએ વહીવટી સુવિધા માટે ૧૯મી
સદીમાં આ શબ્દની શોધ કરી હતી?
જો જવાબ હા
હોય તો શું આપણે સદીઓથી જાતિ પ્રથાના
અમાનવીય અતિરેકનો ભોગ બનેલા સમુદાયોને ઓળખવા માટે દલિત શબ્દનો ઉપયોગ કરવાનું એટલા
માટે બંધ ન કરવું જોઈએ કે તે શબ્દ ૨૦મી સદીમાં જ સુધારકો દ્વારા લોકપ્રિય થવા
લાગ્યો હતો? શા માટે એક
શબ્દ અચોક્કસ છે, અને બીજો
સચોટ છે?
જેઓ એક સમયે પાકિસ્તાની અને બાંગ્લાદેશી પાસપૉર્ટ
ધરાવતા હતા, પરંતુ હવે
અમેરિકી પાસપૉર્ટ ધરાવે છે તેમના લાભ માટે ભારતીય ઉપખંડ શબ્દથી દૂર રહીને દક્ષિણ
એશિયાને આપણે પસંદ કરીએ છીએ?
કે પછી એટલા માટે કે સંસ્કૃતિઓનો અભ્યાસ કરતા અમેરિકન યુનિવર્સિટીઓના
વિભાગો પોતાને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના
પરગ્રહીઓ દ્વારા વસેલા વિશ્વના વિભાગ સાથે
સાંકળે છે?
આત્મસન્માનની
વાત.
સંસ્કૃતિ અને
ધર્મની બાબતોમાં, અપગ અલગ
પક્ષો સાથે થતા સંવાદને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી; તેને આત્મસન્માન સાથે સંબંધ છે.
તમે અમેરિકન બાળક સાથે
મુસ્લિમ અત્યાચાર વિશે વાત કરી શકતા નથી
અને તેમ છતાં અપેક્ષા રાખી શકો છો કે તે ઇસ્લામ વિશે સારું અનુભવે. તમે અમેરિકન
બાળક પર ખ્રિસ્તી અત્યાચારો વિશે વાત કરી શકતા નથી અને છતાં અપેક્ષા રાખી શકો છો
કે તે ખ્રિસ્તી ધર્મ વિશે સારું અનુભવે. તમે અમેરિકન બાળક પર અમેરિકન અત્યાચાર
વિશે વાત કરી શકતા નથી અને તેમ છતાં તેને અમેરિકા વિશે સારું લાગે તેવી અપેક્ષા
રાખી શકો છો. તેવી જ રીતે, તમે
અમેરિકન બાળક પર હિંદુ અત્યાચાર વિશે વાત કરી શકતા નથી અને તેમ છતાં તેને હિંદુ
ધર્મ વિશે સારું લાગે તેવી અપેક્ષા રાખી શકો છો.
પરંતુ જો તમારું
બાળક નાસ્તિક બને એંમ તમે ઇચ્છતાં,
તો શું તમે ઈચ્છશો કે તેને કોઈપણ ધર્મ વિશે કંઈ સારું શીખવવામાં આવે?
આપણે એ ન ભૂલીએ કે
આક્રમક નાસ્તિકવાદ અને ઉદારવાદ એ અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રબળ ચર્ચામાં છે - તે તમામ
વિરોધને જમણેરી સામંતવાદ તરીકે જુએ છે. શિક્ષણ જગત હિમાયત કરવાને અને સક્રિયતાને વધુને વધુ મહત્વ
આપે છે. શિક્ષણ આમ એક રીતે પ્રચાર બની ગયું છે. આવું માત્ર રાજસ્થાન કે
ત્રિપુરામાં જ થતું નથી. તે કેલિફોર્નિયામાં પણ થાય છે.
સાંસ્કૃતિક સત્ય
હંમેશા પ્રવાહી હોય છે કારણ કે તેનો સંબંધ તથ્યોને બદલે ઘરની સુશોભિત યાદો સાથે
વધુ હોય છે.
બાળક માટે, માતાપિતા દ્વારા કહેવાયેલી
કરેલી યાદો સત્ય છે. જાતિગત અત્યાચાર,
બળાત્કાર, લિંચિંગ
અને વિશાળ હિન્દુ મેળાવડામાં નગ્ન પુરુષો વિશેની વાર્તાઓ જેવી બાબતો માટે શૈક્ષણિક
લખાણો અને અખબારો અને સામાજિક માધ્યમોના અહેવાલો
આ સત્યને પડકારે છે. જટિલ ધર્મો અને તેમના ઇતિહાસને સરળ બનાવવાનો પ્રયાસ કરતાં પાઠ્યપુસ્તકો
તે મૂંઝવણમાં વધારો કરે છે.
ઘણા ભારતીય
અમેરિકનોએ શોધી કાઢ્યું છે કે હિંદુ પ્રચારકો દ્વારા કહેવાય છે એમ હિંદુ ધર્મ ફક્ત
શાકાહાર, અહિંસા, યોગ, ભક્તિ અને પ્રેમ પર
આધારિત શુદ્ધ વૈદિક ધર્મ નથી,
તેનાં ઊંડાણમાં ઘેરાં રહસ્યો અને હિંસા પણ છે.
આ જ્યારે બીજા
ધર્મોમાં આવું કંઈ નથી એમ રજૂ કરવામાં આવે છે ત્યારે આ વાત ખાસ કરીને મુશ્કેલીજનક
બની જાય છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હાથમાં બાઇબલ સાથે શપથ લે છે
ત્યારે ખ્રિસ્તી ધર્મને શુધ્ધ ધર્મ તરીકે રજૂ કરાય આવે છે. કોઇ તેમના પર ઇસ્લામ
વિરોધી હોવાનો આરોપ ન મૂકે એટલે શિક્ષણશાસ્ત્રીઓ બમણી ખાતરી કરવા માંગે છે કે
ઇસ્લામ શુધ્ધ હોય.
ભારતીય અમેરિકન
માતા-પિતા અચાનક ઘરની દંતકથાઓનો બચાવ કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
બાળકોના આવા અણઘડ
પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકાય
તેના માટે કોઈ તૈયાર નથી. તે IIT
અને IIM પ્રવેશ
પરીક્ષા આપતી વખતે, અથવા તે
ઇમિગ્રેશન સત્તાવાળાઓને પ્રભાવિત કરવા માટે સખત મહેનત કરતી વખતે સંસ્કૃતિ અને ધર્મ
અને સામાજિક ન્યાયથી કોઈ ફરક પડતો ન હતો.
જ્યારે બાળકો
સામંતવાદી અને અયોગ્ય લાગતા ભારતીય મૂલ્યો કરતાં વધુ સ્વાયત્ત, વ્યક્તિવાદી, સમતાવાદી અમેરિકન
મૂલ્યોને પસંદ કરે છે ત્યારે વાત વણસે છે. બાળક અન્ય ધર્મ અપનાવી શકે તેવો ડર વધી
જાય છે. નાસ્તિક બનવું સહ્ય છે,
કેમકે સંતાન હજી પણ હિન્દુ કહી શકાય. પરંતુ જો તે મોર્મોનવાદ કે ઇસ્લામ અપનાવે
તો?
અમેરિકન પાસપૉર્ટ માટે શરમ અનુભવવી
પાસપૉર્ટને લઈને જે
ઝઘડાઓ થાય છે તેમાં એક પ્રશ્ન માટે દરેક પરદેશી વસાહતીને ડર લાગે છે: જો ભારત
એટલું મહાન હતું, તો તેઓએ શા
માટે તેમનો ભારતીય પાસપૉર્ટ છોડી દીધો?
શું તે માટેનું કારણ માત્ર પૈસા અને
સારું જીવન જ ન હતું? એવું ન હતું કે
ત્યાં કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. ખેર પરિણામ આવે છે અમેરિકન પાસપૉર્ટ ધારણ
કરવા માટે શરમ અનુભવવી.
પાસપૉર્ટ અંગેની આ શરમનો સામનો કરવા માટે બે વિચારધારાઓ બહાર
આવે છે - એક છે ડાબેરી તરફ ઝુકનાર જે કહે
છે કે અમે ભારત છોડ્યું કારણ કે તે
બ્રાહ્મણ જુલમીઓની ભૂમિ છે. બીજી છે જમણી
તરફ ઝુકનારી જે કહે છે કે અમે ભારત
છોડ્યું કારણ કે નહેરુવાદી સમાજવાદ અને તેની અનામત નીતિઓ દ્વારા હિંદુ ધર્મનો
મહિમા નાશ પામી રહ્યો હતો. આ બંને વિચારધારાઓને
અમેરિકામાં સ્વીકૃતિ મળે છે,
કારણ કે અમેરિકા લોકશાહી,
સ્વતંત્રતા અને અનિષ્ટની શક્તિઓ સામે લડવા વિશે છે અહીં અનિષ્ટ એટલે એ બધી વસ્તુઓ બિન-ખ્રિસ્તી કે સામ્યવાદી
છે.
મોદીનું આગમન એક
નવું પરિમાણ ઉમેરે છે. તેમના અમેરિકન પાસપૉર્ટને વળગી રહેલા ડાબેરી ઝુકાવ ધરાવતા
ભારતીય અમેરિકનો કહે છે કે,
"અમે જેનાથી ભાગી રહ્યા હતા તેને તે
મૂર્ત બનાવે છે." એ વર્ગ હિંદુ ધર્મને હિંદુત્વ સાથે સરખાવતાં સમૂહગીતમાં જોડાય છે અને હિંદુ ધર્મને જાતિવાદ, સામંતવાદ અને
પિતૃસત્તામાં દે છે. નોંધપાત્ર વાત એ છે
કે, આમાંના ઘણા
મોદી-તરફીઓ બ્રાહ્મણ અટકો ધરાવે છે. તેઓ જાણે છે કે શૈક્ષણિક વર્તુળોમાં સત્તા
મેળવવાની દોડમાં તેમને આખરે યોગ્ય દલિત વારસો પચાવી પડવા માંગતા સવર્ણો તરીકે ઉતારી પડાશે.
જમણેરી વલણ ધરાવતા
ભારતીય અમેરિકનો, જે પણ
તેમના અમેરિકન પાસપૉર્ટને પણ વળગી રહ્યા છે,
તેઓ અલગ રીતે દલીલ કરે છે: "ભારત અને હિંદુ ધર્મમાં જે કંઈ સારું અને
ઉમદા છે તેના તારણહાર મોદી છે."
આ જૂથ ભારત કરતાં
તેમના હિંદુ ધર્મના અનન્ય સંસ્કરણની વધુ પરવા કરે છે, પરંતુ તે સમજે પણ
છે કે હિંદુ ધર્મના વીતી ચુકેલા અનુભવને ભારતનાં ભૂગોળ અને ઇતિહાસથી અલગ પાડવો મુશ્કેલ છે.
નિષ્ણાતોને પણ જે સમજાતી નથી એવી હિંદુ ધર્મની જટિલતાને સંભાળી શકવા માટે તેઓ સક્ષમ નથી. તેઓ અધુરાં માહિતગાર માતાપિતા અને અમુક માન્યતાઓથી જ
દોરવાતા ગુરુઓના સરળ સંસ્કરણને પસંદ કરે
છે. તેથી અજ્ઞાનીઓની કડવાશ સાથે,
તેઓ ઇસ્લામ પૂર્વેનાં ,
જ્યાં કોઈ જાતિ, કોઈ
દુરાચાર અને કોઈ વંશવાદ ન હતો એવાં કેવળ હિંદુ ભારતનાં કાલ્પનિક પરંતુ સશક્ત દર્શન રચે છે અને તેને વળગી રહે છે. જે કોઈ તેમનો વિરોધ
કરે છે - ખાસ કરીને અમેરિકન વિદ્વાનો (બહારના લોકો!) અને ભારતીય
અમેરિકનો(દેશદ્રોહી!) કે જેઓ હિંદુ ધર્મ અને ભારતની ટીકા કરે છે - તેની સામે તેઓ બૂમબરાડા પાડે છે અને મોઢું મચકોડે છે.
સૌથી ખરાબ સ્થિતિ ભારતીયોની છે જેઓ ભારતમાં જ રહયા છે, અને જેમણે
સંસ્થાનવાદથી મતિ ભ્રમિત થયેલા સિપોય કે
મૅકૌલે શિક્ષણ પદ્ધતિથી રંગાયેલા વારસદારોની જેમ સ્થળાંતર કરવાની કોઈ જરૂર અનુભવી
નથી.
ઉપરછલ્લી નજરે, કેલિફોર્નિયાનાં પાઠ્યપુસ્તક વિવાદ ચોક્કસપણે દલિત, હિંદુ અને ભારતીય
વારસાને ઇતિહાસના પુસ્તકોમાંથી ભૂંસી નાખવા અંગેનો છે. જો કે, ઊંડાણથી જોતાં, જેને તેઓએ પાછળ છોડી આવ્યા છે એવા તેમના દેશ,
ત્યાંનો ધર્મ, તેના અત્યાચાર અને
અન્યાય સુધ્ધાં પ્રત્યે વફાદારી અનુભવે છે, જેમણે
સ્વેચ્છાએ ભારતના જીવન વ્યવહારની સામે અમેરિકન સ્વપ્ન પસંદ કર્યું છે એવા, ભારતીય અમેરિકનોની પાસપૉર્ટ ધરાવવાની શરમ વિશે વધુ છે કે.
મિડ - ડેમાં ૨૮ મે, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Passport
shame: What’s really at the heart of the California textbook row on Hinduism? નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૮ ડિસેમ્બર ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો