શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

સ્વ-વિકાસ : વિચાર વલોણું - અસરકારક સંચાલન : પાંચ મહત્વનાં કૌશલ્ય

તન્મય વોરા

અસરકારક રીતે સંચાલન કરવું એ કોઈ એક માત્ર કૌશલ્ય નહીં, પરંતુ વિવિધ કૌશલ્યોનું સંમિશ્રણ છે. મનુષ્ય તરીકે આપણી પાસે રહેલી વિવિધ પ્રકારની બુદ્ધિનું એવું સંયોજન છે જે તેને એક કળા અને હુન્નર બનાવે છે.

શું તમે એવા મેનેજરને જોયા છે જે ટેકનિકલ ક્ષેત્રોમાં અત્યંત કુશળ હોય પરંતુ અન્યો પ્રત્યે સમાનુભૂતિનો અભાવ હોય? અથવા તે જે ખૂબ જ લોકાભીમુખી હોય  પરંતુ લક્ષ્યો પર ધ્યાન આપવાની બાબતે ઉણા પડતાં હોય?

જો તમે સંસ્થામાં  કોઈપણ સ્તરે મેનેજર છો (કે મહત્વાકાંક્ષી છો), તો અહીં એવાં કેટલાંક સૌથી મહત્વપૂર્ણ કૌશલ્યો રજૂ કર્યાં છે જેના પર કામ કરતા રહેવાનું ધ્યાન બહાર ના જવું જોઈએ:

તકનીકી  નિપુણતા:

વિષયની વ્યાપક સમજ (મેટા-કોગ્નિશન – વિશેષ સમજશક્તિ), કાર્ય પૂર્ણ કરવા માટે આવશ્યક વિવિધ ઘટકો, તે ઘટકો વચ્ચેની કડીઓ, તકનીકી જાગૃતિ અને સમસ્યા હલ કરવાની કુશળતા.

વિશ્લેષણાત્મક બુદ્ધિ:

તથ્યો એકત્રિત કરવાની ક્ષમતા, સંખ્યાઓમાંથી લક્ષ્યોને સમજવાં, માહિતીસામગ્રીમાંથી માહિતી તારવવાની કળા, માપવાની, વલણો જોવાની, પરિણામોની આગાહી કરવાની, મૂળ કારણ પર જવાની અને તથ્યોના આધારે નિર્ણય લેવાની ક્ષમતા.

લોકોની પરખ:

લોકોને સમજવાં  (અને તેઓ શું માને છે), સમાનુભૂતિપૂર્વકનું વર્તન, તેમને પ્રોત્સાહિત કરો, તેમને લક્ષ્યો સાથે સાંકળો, વિશિષ્ટ તાલીમ અને માર્ગદર્શન આપો, સકારાત્મક પ્રભાવ બનાવો, આંતર-વ્યક્તિગત ગતિપ્રવાહો  સમજો, સંવાદ કરતાં રહો (અને એકમેકના સુર મેળવો ) અને મૌખિક/બિન- મૌખિક સંચારવ્યવસ્થા ગોઠવો.

કામ સાથે જોડાયેલ બાબતોની સમજ :

એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની સાંકળ તરીકે કાર્યને સ્પષ્ટ કરવાની ક્ષમતા, વિગતવાર આયોજન, પ્રક્રિયાનો સતત તાલમેલ, સુધારવું, વ્યય ખોલી શકવો  (અને તેને દૂર કરવો), ટીમોને પ્રક્રિયા માટેના મંચનું પ્રદાન કરવું, નિયમતપણે થવી જ જોઈએ એવી  વિધિઓ સ્પષ્ટ કરવી, દરેક વસ્તુની સમીક્ષા કરવી, સ્પષ્ટતા કરવી અને અપેક્ષાઓનું સંચાલન કરવું.

વિશાળ ફલક પરના ચિત્રને જોઈ શકવાની વૈચારિક ક્ષમતા ('બિગ પિક્ચર' થિંકિંગ):

સમગ્ર ચિત્રને જોવાની અને તેના ભાગોને કલ્પનામાં મૂર્ત કરવાની ક્ષમતા, પરિવર્તનની અસરોની કલ્પના કરવી, નવી શક્યતાઓને ઓળખવી, વિચારોને સંસ્થાના દૂરગામી  ધ્યેય સાથે સાંકળવા, જરૂરી ફેરફારો/પ્રવાહોને ઓળખવા/પહેલેથી જોઈ શકવા, ભવિષ્યને સ્પષ્ટ કરવું, દૂરગામી ચિત્રને સ્પષ્ટતાથી  સમજાવી શકવાની કળા, પ્રયોગશીલ બનવું અને અસ્પષ્ટતા સાથે અનુકૂલન સાધવું.

--------                 --------                 --------

સ્વપરિક્ષણ :

તમે કયાં કૌશલ્ય ક્ષેત્રો ઉમેરવા માંગશો?

શું તમે ઇન્ટરવ્યુ કરતી વખતે આ કૌશલ્ય ક્ષેત્રો વિશે સભાનપણે તપાસ કરો છો??

આ કૌશલ્યોને વધુ સારી રીતે સમજવા માટે તમે મેનેજર તરીકે આજે શું કરી રહ્યા છો?

સ્ત્રોત સંદર્ભ::  Effective Management: 5 Critical Skill Areas

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો