બુધવાર, 4 જૂન, 2025

પ્રાચીન ઋષિઓનો હિંસા વિશે દૃષ્ટિકોણ કેવો હતો અને પાશ્ચાત્ય પુરાણશાસ્ત્ર વિદ્યાઓનો દૃષ્ટિકોણ કેમ તેનાથી આટલો બધો અલગ છે? - દેવદત્ત પટ્ટનાઈક

 

શરૂઆત ખસીકરણથી શરૂ થાય છે. જ્યારે તે તેની માતા ગૈયાના ગર્ભમાંથી બહાર નીકળે છે ત્યારે ક્રોનસ તેના પિતા, યુરેનસ,ના ગુપ્તાંગ કાપી નાખે છે. કાપેલા ગુપ્તાંગમાંથી, દૈવી વેરને મૂર્તિમંત કરતાં ફ્યુરીઝ અને  ઉત્કટ આવેગની દેવી એફ્રોડાઇટ પેદા થાય છે. પુત્રો પિતાને મારી નાખે કે ઉથલાવી નાખે એ વિષય વસ્તુ ગ્રીક પૌરાણિક કથાઓમાં તે પછી વારંવાર જોવા મળે છે.  પોતાના પિતાને મારી નાખતાઓડિપસની અને પોતાના દાદાને મારી નાખતા પર્સિયસની કથાઓથી આપણે પરિચિત છીએ. ગ્રીક વિશ્વ દૃષ્ટિકોણના કેન્દ્રમાં એ વિચારબીજ છે કે યુવા પેઢી આખરે, અને હિંસક રીતે, જૂની પેઢી પર કાબુ મેળવે છે.

અરાજકતાનો સિદ્ધાંત

આ ગ્રીક વિશ્વ દૃષ્ટિકોણ આધુનિક વૈજ્ઞાનિક-નાસ્તિક વિશ્વ દૃષ્ટિકોણને આકાર આપે છે, જેમાં લાંબા સમયથી જાતિઓ, સમુદાયો અને રાષ્ટ્રોને એકસાથે બાંધે છે એવાં વિચારબીજ જેવી ભૂતકાળની બધી બાબતો પ્રત્યેનો ખાસ કરીને અનાદર છે. તે વિચાર સારા જીવનની શોધમાં, જૂના ફોન અને જૂના કમ્પ્યુટર્સને કંઈક સારાં સાથે બદલવાની આપણી ઇચ્છાને બળ આપે છે. કારણ કે, ગ્રીકોની જેમ, આપણૂં માનસ પણ એવું માનવા માટે ઘડાઈ ગયું છે કે ભવિષ્ય વધુ સારું હશે. આપણે ભૂતકાળની અંધાધૂંધીમાંથી વ્યવસ્થિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.

આ વિચારધારા પ્રત્યે ભારતના ઋષિઓ ફક્ત સ્મિત કરશે: તેમના માટે, પહેલા પણ અંધાધૂંધી હતી અને પછી પણ અંધાધૂંધી રહેશે; પહેલા પણ વ્યવસ્થા હતી અને પછી પણ વ્યવસ્થા રહેશે, તેમજ પહેલા પણ હિંસા હતી અને હવે પછી પણ હિંસા રહેશે. દિગ્‍મૂઢ થઈને તેઓએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપિયનોને  "ફરી ક્યારેય નહીં" કહેતા જોયા. દિગ્‍મૂઢ થઈને તેઓએ માનવસંહાર સંગ્રહાલયોમાં ભીંતપત્રો જેમાં માંગ કરવામાં આવી હતી કે ઇતિહાસને યાદ રાખવો જોઈએ, તેનું પુનરાવર્તન ન થવા દેવું જોઈએ. આ તો એવી આશા રાખવા જેવું હતું કે માનવજાત આગામી વાવાઝોડાને અટકાવી શકશે. આવી આશા માનવતાના સ્વભાવને ઓળખવામાં નિષ્ફળતા દર્શાવે છે.

હિન્દુ, જૈન અને બૌદ્ધ પૌરાણિક કથાઓમાં, વિશ્વ કર્મના સિદ્ધાંત પર કાર્ય કરે છે: ક્રિયાઓ પ્રતિક્રિયાઓ બનાવે છે. વર્તમાન ભૂતકાળનું પરિણામ છે અને ભવિષ્યનું કારણ છે. સાંસ્કૃતિક હિંસા વિવિધ પૂર્વનિર્ધારિત અને અંધાધૂંધ પરિબળોનું પરિણામ છે. જ્યાં સુધી આ અસ્તિત્વમાં છે, ત્યાં સુધી હિંસા વારંવાર ઉભરી આવશે. જે કાયદાઓ માણસને, ખેતરના પ્રાણીઓની જેમ, પાળવા માંગે છે, તે ફક્ત આ પૂર્વનિર્ધારિત અને અંધાધૂંધ પરિબળોને વધારે છે. હિંસક વૃત્તિથી મુક્ત થવાનો એકમાત્ર રસ્તો એ છે કે આપણી ભૂખ અને ભયને વધારવો. એક ઋષિ કઠોર માનસિક પુનર્ગઠન દ્વારા આ કક્ષા  પ્રાપ્ત કરી શકે છે, પરંતુ તે એ પણ સમજે છે કે આવા ઉપક્રમને જનસમાજ પર લાદી કરી શકાતા નથી. તે એક વ્યક્તિગત પ્રયાસ રહે છે, અને ક્યારેય સામૂહિક ઉપક્રમ બની શકે નહીં. તેથી જ ભારતીય ઋષિઓ સક્રિય રહીને પણ સાક્ષીભાવ કેળવી શકે છે.

હિંસા અને અર્થ

સંસ્કૃતિ પહેલાં, માનવ જાત પહેલાં, પ્રકૃતિમાં હિંસા અસ્તિત્વમાં હતી. પ્રાણીઓ ખોરાક માટે હત્યા કરે છે.  આ હિંસા ખોરાક શૃંખલા સ્થાપિત કરે છે. પ્રાણીઓ ખોરાક અને સાથીઓ માટે લડે છે. આ હિંસા ટોળાં અને ટોળાંમાં ચોંટી રહેવાની વ્યવસ્થા સ્થાપિત કરે છે. તે પોતપોતાના આધિપત્યમાં રહેલા પ્રદેશોણી ઓળખ નક્કી કરવામાં પણ મદદ કરે છે. પ્રાણીની, તેમજ (ભલે અદૃષ્ય) વનસ્પતિ પણ, જેમ જેમ ટકી રહેવા માટે પ્રયસો કરે છે તેમ તેમની હિંસા તીવ્ર અને અવિરત બનતી જાય છે. પૃથ્વીની ઘડિયાળ મુજબ, જો પૃથ્વીએ પોતાને ૨૪ કલાક પહેલા સ્થાપિત કરી હોય, તો જીવન, તેથી તેની સાથેની હિંસા, પાંચ કલાક પહેલા અસ્તિત્વમાં આવી હતી, અને માનવીઓ તેમની સંસ્કૃતિ સાથે એક મિનિટ કરતા પણ ઓછા સમય પહેલા અસ્તિત્વમાં આવ્યા હતા. મનુષ્યોના આગમનથી, હિંસાએ એક અલગ સ્વરૂપ લીધું છે. તે ફક્ત ખોરાક, અથવા સાથીઓ, અથવા સુરક્ષા પુરતી મર્યાદિત નથી. માનવ હિંસાનો આગવો અર્થ વિશે છે. મારવા અથવા માર્યા જવાના કાર્યમાં, હું મારી જાતને એક મહત્વપૂર્ણ અર્થ આપું છું.

ઉદાહરણ તરીકે, જેમાં તેમને વલ્હાલાના હોલમાં દેવતાઓ સાથે સ્થાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું એ મુજબનાં કથાંક દ્વારા વાઇકિંગ્સે લોકોને ગામડાઓ પર હુમલો કરવા માટે મજબૂર કર્યા હતા . તેમને કહેવામાં આવ્યું હતું કે  વાલ્કીરીઝ તરીકે ઓળખાતી સુંદર હંસ-કન્યાઓ ત્યાં લઈ જશે અને યુદ્ધના મેદાનમાંથી સૌથી બહાદુર બહાદુરોને પસંદ કરશે.

આવાં જ એક કથાનકમાં હવે યુવાન ઇસ્લામિક આતંકવાદીઓને  કહેવામાં આવી રહ્યું છે કે "જેહાદ જન્નત [સ્વર્ગ] તરફ દોરી જાય છે" - અને કાફર (બિન-શ્રદ્ધાળુઓ)ને મારીને તેઓ પૃથ્વી પર,પશ્ચિમના ઓછાયામાંઆવ્યું તે પહેલાં હતું એવાં  ઇસ્લામિક ખિલાફતના સમયમાં હતું, એવું અલ્લાહનું રાજ્ય સ્થાપિત કરવામાં મદદ કરશે. બદલામાં, તેઓ માને છે કે, તેમના પાર્થિવ જીવનમાં તેમને નથી મળ્યાં એવા તમામ આનંદથી ભરેલાં તેમને સ્વર્ગમાં સ્થાન આપવામાં આવશે.

ઇસ્લામના મોટાભાગના વિદ્વાનો કુરાનના આ સંકુચિત અને શાબ્દિક વાંચનથી ભયભીત છે, પરંતુ, જીવનના જટિલ મુદ્દાઓના સરળ જવાબો શોધતા લોકોના લાભ માટે એક જટિલ વાર્તાને સરળ બનાવવી તે ઉગ્રવાદનો સ્વભાવ છે. આવી વિચારસરણીમાં ઘણીવાર બારીક તફાવતો જેમના મનમાં ચીટકી રહેલા હોય છે અને જે સરળ દ્વિસંગીઓની પરવા કરતા નથી એવા બૌદ્ધિકો પ્રત્યે તિરસ્કાર જોવા મળે છે. આપણને આ વલણ જ્યાં રાજ્ય માટેની ભક્તિ ભગવાનને સમર્પણનું સ્થાન ગણાવા લાગે એવા ઉગ્રવાદી રાષ્ટ્રવાદમાં જોવા મળે છે.

નિયંત્રણ અને ભ્રમ

હિંદુ ધર્મ પણ હિંસક છે. તે જેટલો અહિંસક હોવાનો દાવો કરે છે તેટલો વાસ્તવમાં અહિંસક નથી તે બતાવવાની ઇચ્છામાં, જેમ ઘણા આધુનિક લેખકો ગાંધી અને બી.આર. આંબેડકરની તુલના કરે છે એમ પશ્ચિમી શિક્ષણવિદો ઘણીવાર કૃષ્ણની તુલના બુદ્ધ સાથે કરે છે. તેથી, ભગવદ ગીતાને એક એવાં પુસ્તક તરીકે રજૂ કરવામાં આવી છે જે યુદ્ધને ન્યાયી ઠેરવે છે અને ધર્મ-યુદ્ધને જેહાદ સાથે સરખાવે છે. આ એક ઇરાદાપૂર્વકનું ખોટું વાંચન છે જે શૈક્ષણિક દૃષ્ટિએ અને રાજકીય દૃષ્ટિએ પણ એવુમ બતાવવાની ઇચ્છામાંથી ઉદ્ભવે છે કે કાં તો "બધા ધર્મો સમાન છે" અથવા "બધા ધર્મો હિંસાને પ્રોત્સાહન આપે છે". આમ કરવામાં તેઓ એ હકીકતને અવગણી બેસે છે કે , જે ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ અને યહુદી ધર્મનો આધાર પર નિર્ભર અબ્રાહમિક વિશ્વ દૃષ્ટિકોણ, ઇશ્વરના સંદેશવાહકો ,પૈગંબરો દ્વારા જે માનવતાને કેવી રીતે કાર્ય કરવું તે કહે છે. જ્યારે હિન્દુ ધર્મ નગ્ન તપસ્વીઓ, દિગંબરોની વાત કરે છે, જેઓ દુનિયા અને તેની હિંસાથી દૂર રહે છે. એ દૂર રહેવાનું એ નથી કે તેઓ તેની નિંદા કરે છે, પરંતુ એટલા માટે દૂર રહે છે કે તેઓ તેને રીઝવવાની જરૂરિયાતને અતિક્રમી ચૂક્યા છે.  તેઓ સંપૂર્ણપણે જાણે છે કે તેઓ હિંસાને રોકી શકતા નથી કારણ કે તે કર્મ ચક્રનો એક ભાગ છે. તપસ્વીઓ માટે, નિયંત્રણ એ માનવતાનો સૌથી મોટો ભ્રમ છે.

ગીતા એક એવો ગ્રંથ છે જે સંન્યાસીના ત્યાગને પડકારે છે અને વિશ્વમાં પ્રબુદ્ધ જોડાણની માંગ કરે છે, ભગવાનના રાજ્યની સ્થાપના માટે નહીં પરંતુ અપેક્ષા વિના સમાજમાં યોગદાન આપવા માટે. ક્યારેક, આ હિંસાનું સ્વરૂપ લે છે. પરંતુ યુદ્ધના પરિણામોથી કોઈ બચવાનો કોઈ રસ્તો નથી, ભલે તમે સાચા કે ન્યાયી કેપછી ઉમદા પક્ષમાં હો. આમ કૃષ્ણ પણ શાપિત છે. અર્જુન તેના બધા બાળકોને ગુમાવે છે, કારણ કે એ બન્નેએ કુરુક્ષેત્રમાં સામાજિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે યુદ્ધ કર્યું અને સંહાર નોતરી લીધો. મહાકાવ્ય મહાભારતમાં જીવનની વધુ જટિલતા રજૂ કરવામાં આવી છે, જેમાં ગીતા એક ભાગ છે. જ્યારે ખલનાયક કૌરવો સ્વર્ગમાં જાય છે, અને પાંડવો નરકમાં જાય છે. આમ થવું ન્યાય અને ન્યાયની માનવીય કલ્પનાઓને નકારતા કર્માત્મક તર્ક પર આધારિત છે.

જેમ મહાભારત આપણને કહે છે, જ્યાં સુધી માનવીઓ સંસ્કૃતિ સ્થાપિત કરવા માટે પ્રકૃતિનો નાશ કરશે, જેમ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ શહેર બનાવવા માટે ખાંડવપ્રસ્થના જંગલને બાળી નાખ્યું હતું, ત્યાં સુધી શરણાર્થીઓ (મહાભારતમાં નાગ) હશે, જેઓ તેમના ઘરો, તેમની જીવનશૈલી અને તેમના ઘરોના વિનાશથી ઉત્પન્ન થયેલી સમૃદ્ધિથી વંચિત રહેવાનો બદલો લેશે. પોતાના હિસ્સામાંથી બહાર રાખવામાં આવ્યા પછી તેઓ લડતા રહેશે. દેવો જેઓ તેમની સાથે દગો થવાની, છેતરાવાની અને અસ્વીકારિત થવાની લાગણી અનુભવે છે એવા આક્રમણકારી અને ઈર્ષ્યાળુ અસુરો સામે લડતા રહેશે. અને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી માનવીઓ બીજા (સંસ્કૃતમાં 'પર')પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં નિષ્ફળ જાય છે . તેથી જ હિન્દુ ધર્મમાં, ભગવાનને પરમેશ્વર તરીકે સંબોધવામાં આવે છે, જે પર અનંતનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ બાબતે કોઈ અપવાદ કરી શકાતો નથી.

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૪ જૂન ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો