સ્વામી સમર્પણાનન્દ[1]
'હું'
અને મારી બહાર વસતાં 'વિશ્વ'ના ખયાલથી જ દરેક સજીવ વસ્તુનું અસ્તિત્વ ટકે છે અને તેનો વંશ વધે છે.
તેમનાં મહાન ગ્રંથ બ્રહ્મસુત્રની શરૂઆતમાં જ આ વાત આદિ શંકરાચાર્ય આ રીતે સમજાવે
છે -
युष्मदस्मत्प्रत्ययगोचरयोर्विषयविषयिणोस्तम प्रकाशवद्विरुद्धस्वभावयोः
જ્ઞાનેન્દ્રિય (વિષય) અને જ્ઞાનેન્દ્રિયનો વિષય (વિષયિન)
બન્ને અનુક્રમે 'યુષ્મત્ (બીજો પુરુષ - તું)' અને 'અશ્મત્ (પહેલો પુરુષ - હું)'ના વસ્તુવાચી પ્રભાવમાં
હોવાથી અને બન્નેની પ્રકૃતિઓ એકબીજાથી સાવ વિપરિત (અંધારૂં અને પ્રકાશની જેમ)
બન્ને એકબીજામાં રૂપાંતરિત ન થઈ શકે.
બીજા શબ્દોમાં કહીએ તો 'હું' અને તમે' વચ્ચેની 'મન' અને 'શરીર'ના જેવી ભેદરેખા જે
જડ દ્વૈત સૂચવે છે તે દરેક જગ્યાએ અમલમાં જોઈ શકાય છે. જેને પરિણામે દરેક સજીવ
પોતાના અસ્તિત્વ અને સર્વોપરિતા માટે લડતું રહે છે. આ પરિસ્થિતિનું એક ગંભીર
પરિણામ એ આવે છે કે આપણે બધાં એકબીજાંને મન - શરીર - અહમ્ ની જટિલ વ્યવસ્થાના
સ્વરૂપે જ જોઇએ છીએ. તેથી દરેક સજીવ આપણા માટે એક સ્થૂળ દેહ જ છે જે એકબીજા સાથેની
આપલે બે પથ્થરો વચ્ચેની આપલે જેવી જડ પ્રક્રિયા બનાવી દે છે.
ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાન થવું અને બીજામાં ઈશ્વરી શ્રદ્ધા
જોવી
લાંબે ગાળે મનોદૈહિક સમસ્યાઓમાં પરિવર્તિત્થઈ જતી લોભ, ક્રોધ, ઈર્ષ્યા અને એવી તામસી લાગણીઓનું મૂળ કારણ પ્રાચીન ભારતના ઋષિઓએ ખોળી
કઢ્યું હતું. તેમનું કહેવું હતું કે 'તમને જ્યાં સુધી તમારી
ઈશ્વરી શ્રદ્ધાની ઓળખ નહીં થાય અને બીજાં દરેકમાં ઈશ્વરી શ્રદ્ધા દેખાશે નહીં
ત્યાં તમારે પીડાતા રહેવું પડશે. આ વિચારબીજનો પડઘો ઈશોપનિષદના પહેલા મંત્રમાં આ
રીતે પડે છે -
ईशावास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्यस्विद्धनम्॥
આ જગતમાં જડ ચેતન જે કંઈ પણ છે તેમાં પરમાત્મા વ્યાપ્ત છે.
તમારી જરૂરિયાતો સિવાયની બાકીની બધુ વસ્તુઓનો ત્યાગ કરીને ભોગ કરો. પણ જે કંઈ છે
તે મારૂં નથી એ ભાવથી કોઇ પણ ચીજનો સંગ્રહ કરવાનો લોભ ન કરશો.
મહત્વની વાત એ છે કે આ દૄષ્ટિકોણ આપણા પર લાદવામાં આવેલ
ફિલસુફી નથી, પણ આપણામાં જ દૈવત્વ વસે છે એ મૂળ વિભાવના પર તે આધારિત
છે.
માનવીએ તેનું દૈવત્વ કેમ ગુમાવ્યું - એક કથા
પરમાત્માએ જ્યારે વિશ્વનું સર્જન કર્યું ત્યારે તેણે
માનવીમાં આત્મજ્ઞાનની વિશેષ શક્તિ આપી. આ કારણે દેવો મુંઝાણા. તેમને થયું કે જો
માનવી પોતાની જાતને ઓળખી શકશે તો તે બધાં પર શાસન કરશે. તેઓ પરમાત્મા પાસે માનવીની
આ શક્તિને મર્યાદિત કરવાની અરજ લઈને ગયા. પરમાત્માએ કહ્યું કે ભલે તમને યોગ્ય લાગે
એ જગ્યાએ માનવ આત્મજ્ઞાનને સંતાડી દ્યો.
દેવોના જે જ્ગ્યાએ માનવી પહોંચી ન શકે એવી જગ્યા શોધવાના
બધા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. અંતે એમને સમજાયું કે એવી એક માત્ર જગ્યા માનવ મન છે.
સ્વભાવથી જ માનવી બહિર્મુખી છે એટલે તેને પોતાની અંદર શું છે તે જોવાની પરવા જ
નહીં રહે.
કઠોપનિશદમાં આ વાત બહુ સ્પષ્ટપણે કહેવાયેલ છેઃ
पराञ्चि खानि व्यतृणत्स्वयम्भूस्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन् ।
कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्शुरमृतत्वमिच्छन् ॥ १ ॥
યમ કહે છે કે માનવ ઈન્દ્રિયોને બહિર્મુખી બનાવીને પરમાત્માએ
માનવીને કાયમ બહાર ભણી દૃષ્ટિ કરતો કરીને અંદરની તરફ જોતો બંધ જ કરી દીધો. પણ જે
વ્યક્તિ અમરત્વ પામવા ઈચ્છે છે તે પોતાની આંખો બંધ કરીને પોતાના આંતરમન ભણી જ
દૃષ્ટિ કરે છે.
બીજામાં દૈવત્વ જોવાની વાત સમજવા માટે સ્વામી વિવેકાનન્દના
જ જીવનનો એક દાખલો યાદ કરવા જેવો છે. -
અમેરિકાથી પરત આવતાં સ્વામીજીએ કૈરો રોકાવું પડે એમ
હતું.થોડા કલાકો હતા એટલે કેટલાક મિત્રો સાથે સ્વામીજી કૈરો જોવા નીકળ્યા, પણ
પછી રસ્તો ભૂલ્યા. ફરતાં ફરતાં તેઓ ગંધાતી અંધારી જેવી ગલીમાં જઈ પહોંચ્યા. અહીં
સાવ ઓછાં કપડાં પહેરેલી સ્ત્રીઓ 'ગ્રાહકો'ને આકર્ષવા બેઠી હતી. સ્વામીજીને તો આ બધું દેખાતું જ ન હતું. પણ કેટલીક
સ્ત્રીઓ મોટે મોટેથી એમને બોલાવવા લાગી. સ્વામીજીએ તેમના તરફ ધ્યાન આપવાને બદલે
નજીક બાંક્ડા પર બેઠેલી બે એક સ્ત્રીઓ પાસે ગયા, અને બોલ્યા,
બિચારા જીવ ! પોતાનું દૈવત્વ દેહ સૌંદર્યમાં લપેટીને બેઠી છે.
આટલું કહેતાં કહેતાં તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા
લાગી. એ સ્ત્રીઓમાંની એક સ્વામીજીની નજદીક આવી અને તેમના પહેરણની કિનારને હળવેથી
પોતાના હોઠ અડાડ્યા અને સ્પેનિશમાં બોલી Hombre de Dios ! Hombre de Dios! Hombre de Dios! (અહો, કેવો ઈશ્વરી
પુરુષ). બીજી સ્ત્રીએ તો શરમના માર્યા પોતાનું મોઢું હાથથી ઢાંકી દીધું, જાણે પોતાના
કરમાતા જતા આત્મા પર એ પવિત્ર નજરોની દૄષ્ટિ પડવા દેવા ન ઈચ્છતી હોય !
આપણી સમસ્યા જ આ છે. પોતાનામાં કે બીજામાં દૈવત્વ જોવાને
બદલે આપણાં શરીર, સંપત્તિ, સામાજિક કે કૌટુંબિક સંબંધોમાં
આપણું મન અટવાયેલું રહે છે.
ચારે તરફ ઈશ્વરી તત્વ જોવું
વેદાંતો સ્પષ્ટપણે કહે છે કે માત્ર આત્માનું અસ્તિત્વ રહે
છે. પરંતુ માયાનાં પડળને કારણે તે પોતાનાથી જ અજાણ બની જાય છે અને મર્યાદિત બની ને
વ્યક્તિગત બની રહે છે. હકીકતે જો જ્યાં નજર નાખો ત્યાં ઈશ્વરી તત્વ પોતા તરફ ધ્યાન
ખેંચવા મથતું રહેતું હોય છે. સ્વામી વિવેકાનન્દના ઉપદેશો તો આ જ બાબત પર કેન્દ્રિત
છે. આ વિચારને વધારે સમજાવતાં સ્વામીજી કહે છે કે
- તબક્કાવાર થતી ઉન્નતિ એ પૂર્ણતાની અભિવ્યક્તિ છે, એ બધે જ છે.
- ધર્મ માનવીની અંદર પહેલેથી રહેલ ઈશ્વરી તત્ત્વની
અભિવ્યક્તિ છે
- શિક્ષણ માનવી અંદર પહેલેથી જ રહેલ પૂર્ણતાની
અભિવ્યક્તિ છે.
- સભ્યતા એ માનવી અંદર રહેલ એ ઈશ્વરી તત્વની અભિવ્યક્તિ
છે
સ્વામીજી 'ઈશ્વરી તત્વ' અને 'મુક્તિ' માટે મોટેભાગે 'પૂર્ણતા'
નો ઉપયોગ કરતા. એટલે તેમને તો બધે જ, અને
બધામાં ઈશ્વરી તત્વ દેખાતું અને તેની હાજરી અનુભવાતી. માટે જ તેમના ઉપદેશોમાં પણ આ
વાત સહજપણે ઉભરી રહેતી.
કેટલીક સીધી સાદી ભલામણો
કોઈ પણ ઉપદેશ કે બોધ કે આદેશને અમલમાં મુકવામાં મોટે ભાગે
સમસ્યા પહેલેથી જ બધુ ઊંચાં લક્ષ્ય નક્કી કરી લેવામાં છે. વિચાર ગમે એટલો આદર્શ કે
ઉદ્દાત હોય, પણ તેને માટે તૈયારીઓ તો પ્રાથમિક કક્ષાએથી શરૂ કરવી પડે છે
અને સતત, સખત અને લાંબા સમય સુધીનો અભ્યાસ પણ બહુ જ આવશ્યક
છે. લક્ષ્ય તરફની પ્રગતિ હંમેશાં ધીમી હોય છે તેમજ સીધીસટ પણ નથી હોતી.
શ્રીમદ્ ભાગવત (૧૦.૩.૪૫)માં આ વાત બહુ સરસ રીતે સમજાવેલી
જોવા મળે છે.
હજુ તો તાજા જ જન્મ્યા છે એવા કૃષ્ણ પોતાનાં માતાપિતાને કહે
છે -
युवां मां पुत्रभावेन ब्रह्मभावेन चासकृत् ।
चिन्तयन्तौ कृतस्नेहौ यास्येथे मद्गतिं पराम् ॥
મને જેટલો તમારા પુત્ર તરીકે પ્રેમ કરો છો એટલો જ મારામાં
પરમ બ્રહ્મનો વાસ કલ્પો. એમ કરવાથી તમને મારી સાથેના સર્વોચ્ચ સહવાસથી મળતી પરમ
મુક્તિ મળશે.
ભગવદ્ગીતામાં કૃષ્ણ અર્જુનને પૂર્ણપણે પોતાને શરણે આવી
જવાનું કહે છેઃ
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥
તું જે કંઈ પણ કર, જે કંઈ પણ ખા, જે કંઈ
પણ પવિત્ર અગ્નિને ભોગ રૂપે ચઢાવ, જે કંઈ દાનદક્ષિણા,
જે કંઈ આત્મસંયમનું પાલન કર, એ બધું જ મને
અર્પણ કરેલું સમજ.
વ્યવવહારિક કક્ષાએ પાયાની બાબતોથી શરૂઆત કરવાની છે તેમાં
આપણે હંમેશા આપણા શત્રુ પરવડતા છ (અવ)ગુણો - કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર્ય
(ઈર્ષ્યા) - ને ઓળખી લઈએ જે આપણને આપણા પોતામાં અને બીજામાં ઈશ્વરી તત્વ જોવા નથી
દેતા. આ પરિસ્થિતિનો ઉપાય છ વિરોધી લાગણીઓ કેળવવાનો અભ્યાસ કરવામાં છે -
૧. मा गृधः - તમારી પાસે જે છે તેને પક્ડી ન રાખો અને તમારી પાસે જે નથી
તેની પાછળ ન ભાગો. સંગ્રહેલું પાણી અને સંપત્તિ કોહવાઈને અસહ્ય દુર્ગંધ પેદા કરે
છે.
૨. જે ખરેખર સામર્થ્યવાન છે તે કદી પોતાનો અવાજ ઊંચો નથી
કરતો કે કદી (કોઈ પર) હાથ ઉપાડતો. ક્રોધ એ તમારી તાકાત નહીં, નબળાની
ચીસ છે.
૩. જે તમારી પાસે સામેથી નથી આવતું તેની કદી અપેક્ષા ન કરો.
લોભ અપેક્ષાઓનું વરવું રૂપ છે.
૪. તમને જે સહજ પણે નથી મળતું તેનો મોહ ન રાખશો. ઈશ્વરી
તત્વને પામવું હોય તો શોક અને મોહના સાગરને પાર કરી જવા જ રહ્યા.
૫. તમે એકલા જ મહાન છો એવા ભ્રમમાં ન રહેશો.
બીજાંઓમાં પણ કંઈને કંઈ આગવી ખુબી હોય જ છે. અહંકારમાંથી પેદા થતા ઘમડ તો ત્યાગ
કરો.
૬. બીજાને જે મળ્યું છે તેની ઈર્ષ્યા ન કરો. તેમને તેમની
પાત્રતા અનુસાર જ મળ્યું હશે.
૭. ઈસુ ખ્રિસ્ત કહે છે, 'મૃત્યુ પામેલાંઓને જ
મૃતદેહોને દફનાવવા દો.' એટલે કે જે વીતી ગયું છે તે દફનાવી
દો.
ઈશોપનિષદમાં કહ્યું છે - तत्र को मोहः कः शोक एकत्वम् - अनुपश्यति (જ્યારે
આસપાસ સર્વત્ર આત્મા સાથે એકતા દેખાય ત્યારે પછી મોહ કે શોક ક્યાંથી થાય?)
અને અંતમાં એટલું ખાસ યાદ રાખીએ કે લાગણીવશ થઈને જે ખોટા ખયાલી કિલ્લા બનાવીશું તે આપણને આપણા આદર્શની સિદ્ધિથી બહુ દૂર લઈ જશે.
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Samarpananandaના મૂળ અંગ્રેજી લેખ Spiritualising Life for a Meaningful Coexistence નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
[1] સ્વામી
સમર્પણાનન્દ બેલુર મઠ સ્થિત રામકૃષ્ણ મિશન વિવેકાનન્દ એડ્યુકેશનલ એન્ડ રિસર્ચ
ઈન્સ્ટીટ્યુટમાં તેમની સેવાઓ આપે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો