સ્વામી આત્મશ્રદ્ધાનન્દ[1]
કર્મ અને કર્મફળ - ક્રિયા અને પ્રતિક્રિયા - નો સિદ્ધાંત
હિન્દુ જીવનશૈલીનું એક બહુ મહત્ત્વનું પસું છે. દરેક કર્મનું કર્મફળ મળે જ છે
એટલું કહેવાથી કર્મનો સિદ્ધાંત બહુ સરળ જણાય છે. પરંતુ, બહુધા કર્મફળ
પાછળનાં કારણ માટેનું કર્મ આપણને સમજાતું નથી. તેથી જ, ભગવદ્ગીતા (૪.૧૭)
કહે છે કે गहन कर्मणो गतिः.
કર્મના સિદ્ધાંતની આ ગહનતાને આ બે દૃષ્ટાંત કથાથી કદાચ સમજી
શકાશે -
એક વાર નારદ અને અંગિસાર એક માનવ વસાહત પાસેથી પસાર થઈ
રહ્યા હતા. ત્યાં તેમની નજર નીચે કરિયાણાની દુકાન અને ઉપર રહેણાક ઘરવાળાં એક નિવાસસ્થાન
પર પડે છે. દુકાનમાં થડા પર એક નવયુવાન બેઠો છે. એટલામાં એક બકરી આવે છે અને
અનાજની ગુણીમાં પોતાનું મોં નાખે છે. પેલો યુવાન ગુસ્સામાં ઊભો થાય છે, હાથમાં એક અણિયાળી
લાક્ડી લઈને પેલી બકરીને અણિયાળો છેડો મારે છે. બકરી સખત પીડામાં બેં બેં કરતી
ત્યાંથી ભાગી જાય છે.
આ જોઈને નારદના મોં પર હાસ્યની રેખા આવી જાય છે. અંગિસાર
તેમને આમ થવાનું કારણ પૂછે છે,
તો એના જવાબમાં નારદ કહે છે કે,
ગયા જન્મમાં આ બકરી પેલા છોકરાનો બાપ હતો. ધંધામાં તે બહુ સફળ રહ્યો હતો. આ
મકાન પણ તેણે જ બનાવ્યું છે. પણ તે બહુ લોભી હતો. કોઈને તેણે એક દાણો પણ વધારાનો
પરખાવ્યો નથી. હવે જૂઓ, આ જન્મમાં
તે કેવાં ફળ ભોગવી રહ્યો છે! પોતાનો દીકરો જ એને મારી મારીને ભગાડી રહ્યો છે !
શ્રી રામકૃષ્ણ પરમહંસ કર્મના સિદ્ધાંતને સમજાવતાં આ
દૃષ્ટાંત કહેતા -
એક બાગમાં માળી હતો. તે બાગની ખુબ સારી રીતે સંભાળ રાખતાઓ.
કોઈ બાગની મુલાકાતે આવે તો તેની સાથે બધે ફરીને બધું બહુ જ વિગતથી બતાવે અને
સમજાવે. એક દિવસ અચાંક શું થયું કે બાગનો માલિક માળી પર બહુ ગુસ્સે થઈ ગયો અને
માળીને ત્યાં અને ત્યારે જ નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે માળી બાગમાંથી એક તણખલું
પણ લઈ જઈ ન શકતો. એની સત્તા અને એનો દમામ સાવ કરમાઈ ગયા !
કર્મનાં છત્ર હેઠળ
કર્મ એટલે માત્ર પોતાનું જ કામ કરવું એટલું નથી, પણ બીજાં સાથે
આપણું વર્તન કેવું છે તે પણ આવી જાય છે. પોતાની માનસિક રીતે અસ્વસ્થ ભાણેજ મા
શારદાદેવીને બહુ પરેશાન કરતી ત્યારે મા વિચારતાં કે શિવની પૂજા કરતી વખતે બીલીની
સાથે એકાદો કાંટો પણ ચડાવાઈ ગયો હશે તેનું આ ફળ હશે !
આપણા ઋષિઓ માનતા કે બધાં માનવોનો આત્મા શુદ્ધ જ હોય છે.
જેનો આત્મા અંદરથી દૈવી હોય છે તે બધી રીતે પૂર્ણ અને આત્મસંતોષી હોય છે. પરંતુ
કોઈ એક ઘડીએ તેને માયાનો પાશ લાગી જાય છે. હવે દૈવી આત્માને વિકસીને એકમાંથી અનેક
થવાની વાસના જાગે છે. આ વાસનાને અવિદ્યા (અજ્ઞાન) કહે છે. આ અવિદ્યામાંથી કામ પેદા
થાય છે. ઇચ્છા હવે કર્મનું સ્વરૂપ લે છે અને કર્મ તેની સાથે સુખુ દુઃખ, અશાંતિ અને રઘવાટ
જેવા ફળને પણ સાથે સાથે ખેંચી આવે છે.
જીવાત્મા જ્યારે પોતાનું એક જન્મનું ખોળીયું છોડે છે ત્યારે
પોતાની નશ્વર સંપતિ બધી પાછળ મુકી જાય છે પણ તેનાં કર્મોનું પોટલું તેની સાથે જ
ફરે છે.કઠોપનિષદ (૩.૩.૧) અને ગીતા (૧૫.૧૬) વ્યક્તિનાં આ જન્મનાં અને ગયા જન્મોનાં
કર્મોનાં, શાશ્વત આત્મા અને ભોગી દેહ એમ, બે પાસાંઓને વર્ણવે છે.
મંડુકોપનિષદ (૩.૧.૧-૪)ની આ વાત થોડી જૂદી રીતે ટાંકીને
સ્વામી વિવેકાનન્દ આ વિચાર સમજાવતાં કહે છે -
વેદાંતની સમગ્ર ફિલોસૉફી આ વાતમાં સમાઈ જાય છે. સોનેરી
પીછાંવાળાં બે પક્ષીઓ એક વૃક્ષ પર બેઠાં હતાં. ઉપરની તરફ બેઠેલું એક શાંત, રાજસી
પક્ષી પોતાની મહિમાની મસ્તીમાં ડૂબેલું હતું. થોડે નીચે બેઠેલું બીજું પક્ષી
જંપીને બેસી શકતું નહોતું. વૃક્ષનાં કોઈક મીઠાં તો કોઈક તુરાં ફળ તોડી તોડીને ખાયે
રાખતું હતું. એક બહુ કડવું ફળ એના ખાવામાં આવી ગયું. એની નજર ઉપર બેઠેલાં શાંત
પક્ષી તરફ ગઈ. પણ તે પાછું ફળ તોડીને ખાવામાં લગી ગયું. ફરી એક વાર તેણે તુરૂં ફળ
ખાધું. આ વખતે તે ઉપરની તરફની થોડી ડાળીઓ પર પેલાં શાંત પક્ષીની નજદીકની તરફ ઊડી
ગયું. આવું વારંવાર કરતાં કરતાં એ પક્ષી પેલાં શાંત પક્ષીની સાવ નજદીક પહોંચી
ગયું. એ ક્ષણે તે પોતાની જાતને જોઈ શકતું નહોતું. અચાનક જ એને સમજાયું કે અહીં ક્યારેય
બે પક્ષીઓ હતાં જ નહીં. તે તો પહેલેથી જ પેલું, પોતાની
મહિમાની મસ્તીમાં ડૂબેલ, શાંત પક્ષી જ હતું.
આમ આપણા જીવનના અનેક મીઠા કડવા સંબંધોના અનુભવોમાંથી પસાર
થતાં થતાં આપણે આપણી નિત્ય - શુદ્ધ - મુકત સહજ પ્રકૃતિની ઊંચાઈઓની ખોજ કરતાં રહીએ
છીએ. આપણાં કર્મો આપણને અન્ય લોકોના મીઠા કડવા અનુભવો સાથે મેળવતાં રહે છે.
વિવેકાનન્દજી કહે છે કે 'જીવન લડાઈઓ અને મોહભંગની શૃંખલા છે. જીવનનું
રહસ્ય મોજમજામાં નહીં પણ અનુભવોમાંથી શીખવામાં મળે છે. પરંતુ, જેવાં આપણે થોડું કંઈક શીખવા તરફ જઈએ છીએ તેવાં જ બીજી દિશામાં ભટકી જઈએ
છીએ.'
વાલ્મિકી રામાયણમાં કહ્યું છે કે જેમ ઝડપથી વહેતી નદીમાં
તરતા લાકડાના ટુકડાઓ થોડો સમય સાથે વહે છે, પછી છૂટા પડે છે, ફરીથી
આગળ જતાં બીજા ટુકડાઓ એકઠા થાય છે અને પાછા છૂટા પડી જાય છે તેમ કર્મને કારણે માણસ
પણ એક્ઠાં થતાં રહે છે અને છૂટાં પડતાં રહે છે. એટલે આવી પરિસ્થિતિઓ આવે ત્યારે
આપણે અસ્વસ્થ થવાને બદલે એટલું જ યાદ રાખવાનું છે આપણું મળવું અને છૂટું પડવું એ
તો કર્મોને આધિન છે. શતરંજની રમત પુરી થાય એટલે રાજા અને પ્યાદાં બધાંએ એક જ
ખોખામાં જવાનું છે. જે રહી જાય છે તે તો માત્ર દૈવી ખેલાડી છે.
વિચાર કરવા લાયક કેટલીક
વાસ્તવિકતાઓ
સંબંધો માનવજાતની એક આગવી વાસ્તવિકતા છે. સાથે હોઈએ ત્યારે
વિખવાદો થવા, વિવાદો થવા, રાવ તકરાર થવાં અને ક્યારેક
ગંભીર સ્વરૂપના ઝઘડા થવા એવું તો બનતું રહે છે. તો સામી બાજુ, એકબીજા સાથે મન મળી જવાં, એકબીજા પર ભરોસો બંધાવો
અને ઝઘડા હોય તો તેનાં નિવારણો પણ થતાં જ રહેતાં હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણ
રાખીને, જીવનમાં આવતા રહેતા સંબંધોમાં કર્મના
સિદ્ધાંતની સકારકત્મકતા જોવી જોઈએ.
આ સમજને અમલમાં મુકવા માટે કેટલીક વ્યવહારસિદ્ધ શીખ યાદ
રાખીએઃ
§
દરેક સંબંધને સકારાત્મક રાખવા માટે સારપ અને મૈત્રીના
પ્રભાવને સમજીએ. ભગવાન શ્રી રામકૃષ્ણ કહે છે તેમ જે સંબંધમાં નકારાત્મકતાનો
અંશ જોવા મળે ત્યારે 'ડસવાનો' નહીં પણ 'ફુંફાડો મારવાનો' માર્ગ અપનાવીએ. યોગ સુત્ર
(૧.૩૩)માં ઋષિ પતંજલિ કહે છે કે બીજાની પ્રગતિ વિશે મિત્રતાપૂર્ણ, અનુકંપાવાન અને આનંદપૂર્ણ વ્યવહાર રાખીએ અને દુષ્ટ સ્વભાવનાં કે સુધરવા
તૈયાર ન હોય એવાં રીઢાં લોકો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ કેળવીએ.
§ જ્યારે પણ આપણે કોઈના ગેરવર્તાવના શિકાર બનીએ ત્યારે
બે ઘડી એ ઘટનાથી દૂર જતાં રહીએ અને સમગ્ર ઘટનાનું નિરપેક્ષ ભાવથી મૂલ્યાંકન કરીએ. કોઇ પણ સંબંધને જાળવી રાખવા માટે થોડું અળગા
રહેવું જરૂરી છે.
§ વિશુદ્ધ અને નિસ્વાર્થ
પ્રેમ એ માનવ સંબંધની બુનિયાદ છે. પરંતુ એ પ્રકારના પ્રેમ વિશે જ વધારેમાં વધારે ગેરસમજ
જોવા મળે છે. પ્રેમ અને લાલસાની સમજ એકબીજામાં ભળી જાય છે. લાલસાનું મૂળ સ્વાર્થ
છે. લાલસા બીજાં પાસેથી, કોઈ પણ
ભોગે, મેળવવાની વૃત્તિ છે.
રામકૄષ્ણ સંપ્રદાયના જાણીતા મહંત, યતિશ્વરાનન્દ, તેમનાં પુસ્તક Meditation and spiritual Life (ધ્યાન અને આધ્યાત્મિક જીવન)માં કહે છે કે -
આધ્યાત્મિક જીવન જીવતી વ્યક્તિ બીજાના માર્ગમાં નથી આવતી. બીજા માટે ધિક્કાર કે અભાવ
પણ તે ન સેવે. બીજાને હટાવી કાઢવાની વૃત્તિ પણ તે ન ધરાવે. પોતાના કે પોતાનાં
સગાંસંબંધીઓના હિત માટે બીજાનાં હિતનો ભોગ ન લે. જંગલ રાજમાં પોતાના અસ્તિત્વને
ટકાવી રાખવા આમ કરવું ઉચિત હશે, પણ
માનવી પશુ નથી. જંગલના નિયમોની મર્યાદાઓને ઓળંગીને પરમેશ્વરના રાજ્યમાં પવેશ ન
મેળવાય. પરમેશ્વરના રાજ્યમાં પ્રેમ અને ત્યાગના નિયમો પ્રવર્તે છે.
§ સ્વસ્થ માનવ સંબંધ મહદ
અંશે વાણીના વિવેકપૂર્ણ પ્રયોગ પર નિર્ભર છે. જીભને હાડકું નથી પણ તેના
ઘા બહુ ઊંડા અને બહુ વેધક હોય છે. સત્યવાદિતા અને નિખાલસ સ્પષ્ટવાદિતા એ
વિવેકપૂર્ણ વાણીની પ્રાથમિક આવશ્યકતા છે. સ્વામી વિવેકાનન્દ કહે છે -
શબ્દની શક્તિનો મહિમા જૂઓ. એક સ્ત્રી બહુ દુઃખી થઈને આક્રંદ કરી રહી છે. બીજી
સ્ત્રી આવીને તેને બહુજ સૌમ્યપણે સાંત્વન આપે છે. દુઃખના ભારથી વળી ગયેલી સ્ત્રી
તરત જ ટટ્ટાર થઈ જાય છે, તેના
ચહેરા પરથી દુઃખની આભા ઓસરી જાય છે, અને
તેના ચહેરા પર હાસ્ય નીખરવા લાગે છે. આ છે શબ્દોની તાકાત! સામાન્ય જીવન વ્યવહાર
તેમજ ઉચ્ચ તત્વજ્ઞાન એમ બન્નેમાં શબ્દોના પ્રભાવને ખુબ મહત્વ અપાયું છે. આ તાકાતનો
આપણે વગર વિચાર્યે આડેધડ ઉપયોગ કરતાં રહીએ છીએ. આ શક્તિનો મહિમા જાણવો અને તેનો
વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ પણ કર્મ યોગનો ભાગ છે.
§ માફ કરો અને ભુલી જાઓ. માફ કરવું એટલે જે ખોટું છે
તેને દરગુજર કરવું નહીં, પણ તેને
પાછળ મુકીને આગળ વધી જવું. એટલે કે જે વર્તન કે સંબંધને કારણે આપણને ગુસ્સો આવે, દુઃખ થાય તેનાથી આપણા મનના વિચારોને મુક્ત કરવા. જેવું વિચારશું તેવું થશે.
બીજા શબ્દોમાં કહીએ તો વિચારનો નિયમ પણ કર્મના સિદ્ધાંત જેવો જ છે. કહે છે ને કે 'દ્વેષ પણ પ્રીતિ જેટલો જ હાનિકારક છે.' જીવન
જેવું છે તેનો રંજ કર્યા વિના તેને સ્વીકારીએ.
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Atmashradhdhanand ના મૂળ અંગ્રેજી લેખ Interpersonal Relationships: A Karma Perspective નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
[1] ધ વેદાન્ત
કેસરીના ભૂતપૂર્વ તંત્રી,
સ્વામી આત્મશ્રદ્ધાનન્દ હાલમાં રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સેક્રેટરી
છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો