શુક્રવાર, 13 જૂન, 2025

ખેલકૂદ, જીવન અને નેતૃત્વ - રમતમાંથી નીપજતા કેટલાક બોધપાઠો

તન્મય વોરા


સામાન્યપણે ટેબલ ટેનિસ રમતી વખતે હું ધડાધડ સ્મેક્સ મારવાનું વધુ પસંદ કરૂં છું. પરંતુ આજની ખાસ રમતમાં, મારો હરીફ રક્ષણાત્મક રીતે રમી રહ્યો હતો.  પહેલી થોડી વાર મેં બોલને સ્મૅક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં પોઈન્ટ ગુમાવ્યા.

આ જોઈને મારા ડબલ્સ પાર્ટનરે આવીને મારા કાનમાં કહ્યું, "સામેવાળાની રમત મુજબ તમારી રમતમાં પ્રતિભાવ આપો. ફક્ત તમારી શૈલીથી જ ન રમ્યે રાખો, પરંતુ સામેવાળા જે રીતે રમી રહ્યા છે તેના અનુસાર અનુકૂલન સાધો."

જ્યારે મેં અનુકૂલન સાધ્યું, ત્યારે મારી રમત સ્થિર થઈ અને તેનાથી અમારા હરીફો પર થોડું દબાણ વધ્યું. હું શીખ્યો કે અનુકૂલનક્ષમતા અને સાંદર્ભિક ગોઠવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે - પછી  તે કુટુંબ હોય, કામ હોય કે ભલેને કોઈ રમત હોય!

મેં મારા પાર્ટનરની સલાહ પર કામ કર્યું અને ફક્ત એક સરળ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું: બોલને સતત નેટની બીજી બાજુ પાસ કરો. જે કામ સરળ, સીધોસાદો શૉટ કરી શકે છે ત્યારે કોઈ જોખમી, આક્રમક શૉટનો ઉપયોગ શા સારૂ કરવો?



અમારા હરીફોએ મારી લયને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરીને થોડા પોઈન્ટ ગુમાવ્યા. મને સમજાયું કે લાંબા સમય સુધી સતત સરળ વસ્તુઓ કરવી, અને દરેક વખતે પ્રસંગવશાત સ્વયંસ્ફુરણાથી નાના કરેલા સુધારાઓ, ક્યારેક અચાનક કંઈક તીવ્ર કે આક્રમક વા કરતાં વધુ કામયાબ અને વધુ શક્તિશાળી બની શકે છે.

તે પછીની એક બીજી સિંગલ્સની રમતમાં, મારો હરીફ બેચેન હતો. ટેક્નિકલી સારો ખેલાડી હોવાને કારણે, તે પોતાની રમતને ખૂબ ગંભીરતાથી લેતો હતો. તે આખો દિવસ પ્રેક્ટિસ કરતો રહેતો, ખોટો શૉટ રમાઇ જાય તો પોતાની મુઠ્ઠીઓ કચકચાવીને પોતાના પર જ ગુસ્સો કાઢતો. તેની સખત પ્રેક્ટિસ પાછળનું તેનું પ્રેરક બળ નિષ્ફળતાનો કાલ્પનિક ડર હતો; જેના કારણે તે તેની રમતનો ખરો આનંદ માણી શકતો ન હતો. રમત શરૂ થતાં સુધીમાં તો તે થાકી ગયો હતો!

જ્યારે તમારો અભ્યાસ પરિપક્વ થાય છે, ત્યારે તે તમને વધુ ચિંતા નહીં કરાવે, પણ વધુ શાંત થવામાં મદદ કરશે!

સ્ત્રોત સંદર્ભ:: Sports, Life and Leadership: A Game and a Few Lessons

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો