બુધવાર, 30 જુલાઈ, 2025

એ કુમારિકાએ પસંદ કર્યું..... - દેવદત્ત પટ્ટનાઈક


લગભગ એક હજાર વર્ષ પહેલાં, ભારતમાં એક નોંધપાત્ર ઘટના બની હતી. પ્રાદેશિક ભાષાઓ અને લિપિઓનો ઝડપી વિકાસ થયો જેના કારણે ભારતની આધુનિક ભાષાઓનો ઉદય થયો. આમાંની મોટાભાગની ભાષાઓમાં ઘણા કવિઓ દ્વારા રચિત અને પુનર્રચિત થતું રહેલું સાહિત્યનું પહેલું અને સૌથી લોકપ્રિય કાર્ય, રામાયણ છે. અહીં, પહેલાના સંસ્કૃત નાટકોના નાયક (આદર્શ નાયક), સંસ્કૃત પુરાણોના અવતાર (અનંત દિવ્યનું સંક્ષિપ્ત સ્વરૂપ), ભગવાનનું રૂપ લે છે. આ દરેક કવિઓ ૨,૦૦૦ વર્ષ પહેલાં રચાયેલા વાલ્મીકિ રામાયણથી પ્રેરિત હોવાનો દાવો કરે છે, પરંતુ દરેક કવિએ વાર્તાને પોતાનો વળાંક આપ્યો છે. જે દરેક સંસ્કરણમાં પ્રસ્તુત અને અચલ કહી શકાય એવું રહ્યું છે તે રામનો રાજવી સ્વભાવ, તેમની ખાનદાની અને મહાનતા છે. આમ તો, તે હિન્દુ ધર્મમાં ભગવાનનું એવું એકમાત્ર સ્વરૂપ છે જેને રાજા તરીકે જોવામાં આવે છે. જ્યારે પશ્ચિમી શિક્ષણવિદોએ રામાયણનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે સ્વાભાવિક રીતે, એ અભ્યાસમાં પાશ્ચાત્ય પૂર્વગ્રહો સાથે, એક તરફ ખ્રિસ્તી ભગવાનની કલ્પનાનો સમાવેશ થતો હતો જે માણસના પાપો માટે મૃત્યુ પામ્યા હતા, અને બીજી તરફ, સમાનતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતનો દૃષ્ટિકોણ હતો. આ ચોકઠાં પ્રમાણે જોવામાં આવે તો, બધા હિન્દુ દેવતાઓ અધુરા લાગે છે, ખાસ કરીને ભગવાન અને રાજાનાં બન્ને સ્વરૂપો જેમણે ધારણ કર્યાં છે એવા રામ.

આ ચોકઠાં સામે હવે સવાલો કરાઈ રહ્યા છે. પણ જે નુકસાન થવાનું હતું તે તો થઈ ચુક્યું છે. રામાયણના લેખકો અદાલતના દાવપેચોમાં અટવાયેલા છે, જ્યાં રામ પર કોઈને કોઈ સમસ્યા હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવે છે. બચાવકર્તાઓને 'જમણેરી કટ્ટરપંથી' માનવામાં આવે છે અને ફરિયાદીઓને 'ડાબેરી ઉદારવાદી' તરીકે કલ્પવામાં આવે છે.

પરંતુ, જેમ આપણે મુંબઈની શેરીઓમાં ઘણી વાર સાંભળ્યું છે: નજર બદલી તો નજ઼ારા બદલા - જ્યારે નજર બદલાય છે, ત્યારે દુનિયા બદલાયેલી દેખાય છે. જે લોકો પ્રભુત્વ મેળવવાનું પસંદ કરે છે તેમના માટે જમણેરી-ડાબેરી રમતમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. પરિણામે એક નવું રામાયણ, અથવા જે મહદ્‍ અંશે જૂનું, વાલ્મીકિ રામાયણ, ઉભરી આવે છે. રામાયણનું એ સંસ્કરણ સમજાવે છે કે હિન્દુઓ, જૈનો અને બૌદ્ધો તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના લોકો, કમોડિયા, થાઇલેન્ડ, બાલી અને બર્મા સુદ્ધાંમાં શા માટે રામની પ્રશંસા કરવામાં આવતી હતી.

અચાનક, તમને કથાના ઘણા સંઘર્ષો સમજાવા લાગેછે: અન્યાયી દુનિયામાં કેવી રીતે શિષ્ટ બનવું? એવા પુરુષને કેવી રીતે પ્રેમ કરવો જે કુટુંબના નિયમોનું પાલન કરશે, ભલે નિયમો અન્યાયી હોય? એવી સ્ત્રીને કેવી રીતે પ્રેમ કરવો જેનું પોતાનું મન હોય? એવા પુરુષનું ગૌરવ ક્યારે પણ કેવી રીતે નકારી શકાય જે કોઈ નિયમો અથવા પસંદગીઓનો આદર કરતો નથી? જ્યારે તમે કોઈને સજા કરો છો ત્યારે આવતા દુઃખને કેવી રીતે સ્વીકારવું? તમારા પોતાના દ્વારા બનાવેલા ન હોય તેવા દુર્ભાગ્યને કેવી રીતે સ્વીકારવું? તેમને ત્યજી દેનારા પિતા પ્રત્યે દ્વેષ ન પેદા થાય એ રીતે બાળકોને પ્રેમથી કેવી રીતે ઉછેરવાં ? જેમનો સ્વીકાર નથી કરાતો તેમની ગરિમા છીનવી લીધા વિના કેવી રીતે જવા દેવા?

હિંદુ ધર્મમાં ન્યાયાધીશનો કોઈ ખ્યાલ નથી. હિન્દુ ધર્મમાં ભગવાન ન્યાયાધીશ નથી. છતાં, આપણે આપણા હિન્દુ 'નેતાઓ'ને હંમેશા ચુકાદો આપતા જોઈએ છીએ. શા માટે? આ દૃષ્ટિકોણનું ચોકઠું ક્યાંથી આવ્યું ? માનવોને નાયક, ખલનાયક અથવા પીડિતોમાં ફેરવવાની આ ઇચ્છા ક્યાંથી પેદા થઈ? ખ્રિસ્તી પૌરાણિક કથાઓમાંથી? ગ્રીક પૌરાણિક કથાઓમાંથી?

વૈકલ્પિક દૃષ્ટિકોણ શોધવાનો સમય આવી ચુક્યો છે.. એવી દુનિયા શોધવાની જરૂર છે જ્યાં કોઈ સારું કે ખરાબ નથી. જ્યાં ફક્ત નિયમો, પસંદગીઓ, પરિણામો છે પણ કોઈ બાયંધરી નથી. તો પછી જવાબદારીભર્યું, દોષ વિનાનું આપણું જીવન આપણે કેવી રીતે જીવી શકીએ? આ રામાયણની દૈવી દુનિયા છે, જ્યાં એક કુમારિકા પસંદગી કરીને એવા રાજકુમારના પ્રેમમાં પડી કે જે નિયમોનું પાલન કરવા માટે બંધાયેલો હતો.

  • મિડ-ડે માં ૧૭ જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The girl who chose નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૩૦ જુલાઈ ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો