બુધવાર, 23 જુલાઈ, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : મિત્રો અને વિરોધીઓ સાથેના સંબંધો: યોગ સૂત્રની દૃષ્ટિએ

 

સ્વામી ચિદેકાનંદ[1]

એક અભ્યાસ જણાવે છે કે ૨૫% સહસ્ત્રાબ્દીજન્મા (મિલેનિયલ) યુવાનોને કોઈ સંબંધો નથી બન્યા, ૨૨ %ને કોઈ મિત્રો નથી, ૨૭%ને ગાઢ મિત્રો નથી તો ૩૦%ને અંગત કહી શકાય એવા મિત્રો નથી. આ વર્ગ માટે તાણ અને નિરાશાનું એક મુખ્ય કારણ સંબંધો છે.

સંબંધો અને ધ્યાન વચ્ચેની કડી. 

યોગ સૂત્રનું કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા અને તંદુરસ્ત સીમાઓ ન હોય તો સંબંધો આપણી રોજબરોજની આધ્યાત્મિક જીંદગીને અસર કરે છે.

मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदु:खपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम (૧.૩૩)

મૈત્રી,અનુકંપા, સદ્‍ભાવના, અને સુખદુઃખ કે સદ્‍ગુણ કે દુર્ગુણ પ્રત્યે ઉપેક્ષા કેળવવાથી ચિત્તને શાંતિ મળે છે.

આવું માનસ કેળવવા માટે ભગવાન રામકૃષ્ણ પરમહંસ તેમના શિષ્યોને  ધ્યાન માટેની આધ્યાત્મિક તાલીમ તરફ વાળતા. તેમની આ તાલીમ દરમ્યાન તેઓ મુશ્કેલ લોકો અને પરિસ્થિતિઓ સાથે કામ લેવા બાબતે અને વિવિધ પ્રકારના લોકોની અલગ અલગ ખાસીયતો ઓળખવા વિશે અને તેમની સાથે વ્યાવહારિક સમજ મુજબ કામ લેવા બાબતે ખાસ ધ્યાન આપતા.

અલગ અલગ પ્રકારના લોકોની સાથે કામ પાર પાડવા માટે યોગ સૂત્રમાં જણાવેલ બહુમુખી વ્યક્તિત્વ કેળવવા વિશે સ્વામી વિવેકાનંદ જણાવે છે કે,

આપણે આ ચાર વિચારબીજ કેળવવાં જોઇએ - બધાં સાથે મિત્રતા, દુઃખ કે પીડામાં હોય તેમના પ્રત્યે દયાભાવ, જ્યારે સામો પક્ષ ખુશ હોય ત્યારે આપણે પણ ખુશ રહેવું, અને લુચ્ચા, દુષ્ટ લોકોની ઉપેક્ષા કરવી. જો આપણે આવી મનોદશા કેળવી શકીશું તો આપણા મનને શાંતિ મળશે.

મજાની વાત એ છે કે લગભગ ૧૧૦ વર્ષ પછી ડૅનિયલ ગોલૅમને તેમનાં પુસ્તક 'ઈમોશનલ ઇન્ટેલિજન્સ'માં 'પોતાની લાગણીઓને પારખવાની, સમજવાની અને તેની સાથે કામ લેવાની અને બીજાઓની લાગણીઓ પર પ્રભાવ પાડી શકવાની એક પ્રકારની સમજશક્તિની' ક્ષમતાને ભાવાત્મક સમજશક્તિ (ઈમોશનલ ઇન્ટેલિજન્સ) તરીકે વ્યાખ્યાયિત કરી.

મૈત્રી

મૈત્રી વિશે સ્વામી વિવેકાનંદ લખે છે કે 'જ્યારે લોકો ખુશ હોય ત્યારે આપણે ખુશ હોવું જ જોઈએ.' સ્વામી હરિહરાનંદ ઉમેરે છે કે ' જેમાં પણ આપણે રસ ન હોય કે જેમાં આપણો સ્વાર્થ ન હોય એ લોકો જ્યારે ખુશ દેખાય છે ત્યારે આપણને ઇર્ષ્યા થાય છે.'

આ વાત આમ તો બહુ સીધી સાદી જણાય છે, પણ જ્યારે આપણા મિત્રો આપણી સિદ્ધિઓને અતિક્રમી જાય છે ત્યારે 'ખુશ રહી શકવા'ની આપણી અક્ષમતા આજના સમયમાં ઇર્ષ્યા અને હતાશાનું બહુ મહત્વનું કારણ બની રહે છે. સામાજિક માધ્યમોની ભાષામાં આ ભાવને 'ફેસબુક ઇર્ષ્યા' કહે છે. ફેસબુક પર મિત્રોના વેકેશનની તસ્વીરો, તેમની પોસ્ટ્સને મળતી 'લાઈક્સ'ની સંખ્યા જેવી બાબતો (ફેસબુક) ઇર્ષ્યા પ્રેરી શકે છે, જે એકલતા અને હતાશા સુદ્ધામાં પરિણમી શકે છે. 

ઇર્ષ્યા હતાશામાં કેમ ફેરવાઈ જઈ શકે છે તે સ્વામી વિવેકાનંદ આ રીતે સમજાવે છેઃ

દરેક દ્વેષયુક્ત ભાવ આમતેમ અફળાઈને પાછો ફરવાનો છે. નફરત વિશેનો દરેક વિચાર, ભલે ને ગુફામાં બેસીને કર્યો હોય, તો પણ સંગ્રહાઈ રહેવાનો છે, અને પછી એક દિવસ ઉગ્ર પીડા બનીને પ્રબળ સ્વરૂપે પાછો આવશે. ધિક્કાર અને ઇર્ષ્યામાં થતું રોકાણ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે લેણું બનીને પાછું આવે છે. કોઈ શક્તિ તેને રોકી શકે તેમ નથી; એક વાર એ ભાવને છૂટો મુક્યો એટલે તેનાં પરિણામો ભોગવવાં રહ્યાં. આટલું યાદ રાખીશું તો આપણે દુરાચારી વર્તન ટાળી શકશું.

તેમનાં યોગસૂત્રમાં પતંજલિ આ સમસ્યાનો ઉપાય આ રીતે બતાવે છે -

वितर्कबाधने प्रतिपक्षभावनम् (૨.૩૩)

જ્યારે ઈંદ્રિય નિગ્રહ અને આચરણમાં વિપરિત ભાવ પેદા કરતા વિચારો આવે ત્યારે તેનાથી ઉલટું વિચારવું.

જેમકે, કોઈ વિશે ઇર્ષ્યા થતી હોય તો તેના માટે સારૂં વિચારવું.

મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણઃ નકારાત્મક વલણ

નકારાત્મક વલણ એવું ચિંતન છે કે તેનાથી ઘણા વધારે સકારાત્મક વિચારો કરતાં પણ તેની મન અને આચરણ પર વધારે અસર પડે છે. દિવસ દરમ્યાન સો સારાં કામ થયાં હોય પણે એક કામમાં નિષ્ફળતા મળી હોય તો એ નિષ્ફળતા ખૂંચ્યા જ કરશે.

નકારાત્મક વલણને અતિક્રમવાના ઉપાયો

આત્મલક્ષી અદ્વૈતિક અભિગમઃ

ગીતામાં કૃષ્ણ અંદરથી બહાર તરફનો અભિગમ કેળવવા વિશે કહે છે કે-

आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन: || (૬.૫)

પોતાની જાતનો પોતે જ ઉદ્ધાર કરવો પડે. એટલે પોતાના એ સ્વને નબળો ન પડવા દેવો. આ સ્વ જ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે.  

સ્વામી વિવિકાનંદ સમજાવે છે કે પોતાનાં મનને ઉચ્ચ વિચારોથી ભરેલું રાખો, તેને દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ, સતત સાંભળ્યે રાખો.

બૌદ્ધ અભિગમઃ

બૌદ્ધ ગ્રંથો સૂચવે છે કે મૈત્રીના અભ્યાસની શરૂઆત મેત્તા (અનુકંપા)થી કરવી જોઈએ. સવારના ઉઠતાંની સાથે આપણા મનને સકારાત્મક વિચારો અને સ્વ-કરૂણા ભાવોથી ભરી દેવું જોઇએ. મૈત્રીની શરૂઆત પોતાથી થાય છે. એક વાર પોતા માટે મૈત્રી ભાવ વધશે તો તે ઉભરાઈને સમગ્ર વિશ્વને ઉર્જાથી ભરી દેશે. તેનાં કંપનો બીજાંઓમાં પણ મિત્રતાનો ભાવ કેળવશે.

ઇર્ષ્યાને અતિક્રમી ગયેલ વ્યક્તિત્વોનાં ઉદાહરણો

ઇર્ષ્યાને અતિક્રમી ગયેલ બે વ્યક્તિઓ - સ્વામી વિવેકાનંદ અને કેશબ સેન - નાં ઉદાહરણોની વાત કરીએ.

એક વખતે ભગિની નિવેદિતાએ સ્વામી વિવેકાનંદને પત્રમાં તેઓ ભગિનીનાં મિત્રોની અદેખાઈ કરે છે એવો આક્ષેપ કર્યો. તેમણે લખ્યું કે પોતે ભદ્ર વર્ગનાં લોકો સાથે બહુ હળેમળે છે તે ઓછું કરવા સ્વામીજી લખે છે. જવાબમાં સ્વામીજીએ જણાવ્યું કે તમે લખો છો કે તમારાં નવાં મિત્રોની હું અદેખાઈ કરૂં છું. એક વાત તમારે બહુ સ્પષ્ટપણે સમજી લેવી જરૂરી છે કે, બીજા જે કોઈ અવગુણ મારામાં હશે પણ, મારામાં જન્મથી જ અદેખાઇ કે લાલસા નથી કે નથી મને કોઈ પર હુકમ ચલાવવાની કોઈ ઇચ્છા.

સ્વામીજીનાં આવાં વ્યક્તિત્વ વિશે ભગવાન રામકૃષ્ણ પરમહંસ કહેતા કે, મારા બધા ભક્તો કમળ જેવા છે. બીજા બધા સો સો પાંખડીનાં કમળ જેવા હોય તો નરેન્દ્ર હજાર પાંખડીઓનું કમળ છે. બ્રહ્મનના જ્ઞાતા તરીકે સ્વામીજી દરેક જગ્યાએ ઐક્ય જોતા.

બીજું ઉદાહરણ છે કેશબ સેનનું. જ્યારે નરેન્દ્રનાથ દત્ત 'અજાણ્યો છોકરડો' હતા ત્યારે કેશબ સેન વિશ્વવિખ્યાત વક્તા હતા. ભગવાન રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્ર અને કેશબ સેનની સરખામણી કરતાં કહેતા કે કેશબમાં જો એક વિશિષ્ટતા છે તો નરેન્દ્રમાં અઢાર છે. કેશબ સેનને આ વાતની જાણ થઈ ત્યારે જરા પણ ઇર્ષ્યા કર્યા વિના જ તેમણે કહ્યું કે ભગવન સાચું જ કહે છે.

વ્યવહારમાં પ્રસ્તુતતા

જ્ઞાન યોગમાં સ્વામીજી કહે છે - નિષ્ફળતાઓને મન પર ન લેવી. આદર્શને હજાર વાર સિદ્ધ કરવા ધારો. હજાર વાર તેમાં નિષ્ફળતા મળે તો પણ પ્રયત્ન ન છોડો. મનુષ્યનો આદર્શ બધે જ ઈશ્વરને જોવાનો છે. બધી જગ્યાએ ઈશ્વર ન દેખાય તો તમને સૌથી વધારે ગમતી એક જગ્યાએ જુઓ. પછી બીજી જગ્યામાં જુઓ.

ઉપેક્ષા

સ્વામી વિવેકાનંદ ઉપેક્ષાને સમજાવતાં કહે છે કે, જો સારૂ થાય તો રાજી થવું, પણ જો ખરાબ નીવડે તો તેની પરવા ન કરવી. 

ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ યુવાન નરેન્દ્રનાથ સાથેના એક બહુ જાણીતા સંવાદમાં નરેન્દ્રને કહે છે કે હાથી ચાલતો જતો હોય છે ત્યારે રસ્તા પરનાં કુતરાં તેને ભસ્યા કરે છે, પણ હાથી તો પોતાની મસ્તીમાં ચાલતો જ રહે છે. ઈશ્વરનો વાસ તો સર્વમાં છે પણ તેથી વાઘને ભેટી ન પડાય. જેમ વાઘમાં ઇશ્વરનો વાસ છે તેમ તેનાથી દૂર રહેવાની સલાહ આપનારાઓમાં પણ ઈશ્વરનો જ વાસ છે.

ઈશ્વરનો વાસ બધે જ છે એ આધ્યાત્મિક ક્થન જરૂર સાચું છે, પણ તેનો અમલ કરવામાં, એ વાત અને પ્રસંગના સંદર્ભને પણ ધ્યાનમાં રાખીને, વ્યક્તિએ પોતાની વ્યાવહારિક વિવેક્બુદ્ધિ પણ વાપરવી જોઈએ.

અપ્રસન્નતા કે દુષ્ટતા પ્રત્યે ઉપેક્ષાનો વર્તાવ કરવાના ઉપાયો

એકવાર એક સાધુ બહુ ગુસ્સામાં આવીને રામકૃષ્ણ પરમહંસને જેમ તેમ બોલવા લાગ્યો. જ્યાં સુધી એ બોલતો રહ્યો ત્યાં સુધી ભગવાન પરમહંસ પ્રેમાળ સ્મિત કરીને હાથ જોડીને ઊભા રહ્યા. પછીથી જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે આમ કેમ કર્યું, તો એના જવાબમાં ભગવાને કહ્યું કે એ તો તમોગુણ સ્વરૂપમાં નારાયણ જ છે. આપણે તો તેને ખુશ કરવા જ પ્રયત્ન કરવો જોઈએ.

એક શિષ્ય તેની પત્ની વડે તેને કરાતા નશામાં મા શારદાદેવીની પાછળ લાગું પડી ગયો. થોડો સમય આમ ચાલ્યું. પછી શારદાદેવી તેની છાતી પર પગ ખોડીને ઊભાં રહી ગયા, પેલાની જીભ પકડી લીધી, અને ગાલ પર એટલા જોરથી તમાચો માર્યો કે પેલાને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. આમ શારદાદેવી શક્ય બન્યું ત્યાં સાથે પેલાની ઉપેક્ષા કરી પરંતું પછી જ્યારે બીજો કોઈ રસ્તો ન રહ્યો ત્યારે પેલાને બરાબર પાઠ ભણાવ્યો.

બીજી એક વાર સ્વામી વિવેકાનંદ કંઈ પણ ખાધાપીધા વિના દિવસોના દિવસો સાધનામાં બેઠા હતા, જ્યારે તેઓ સાધનામાંથી જાગ્યા ત્યારે તેમને ખુબ ભુખ અને તરસ લાગ્યાં હતાં. તેમની સામે એક વેપારી બેઠો હતો. એ આવી સાધના વહીર્નો ભારે વિરોધી હતો. તેણે સ્વામીજીની દશા જોઈ એટલે તેમને વધારે તડપાવવા સ્વામીજીની સામે બેસીને ખાવા લાગ્યો. સ્વામીજી શાંતિથી બેસી રહ્યા. થોડી વાર પછી કોઈએ આવીને સ્વામીજીને જમવાનું આપ્યું.

પહેલા કિસ્સામાં ગુસ્સે થયેલો સાધુ કોઈને સીધી રીતે નુકસાન કરી નહોતો કરી રહ્યો એટલે ભગવાન પરમહંસે શાન્તિથી કામ લીધું. મા શારદાદેવીએ પોતાના સ્વબચાવમાં જે આવશ્યક હતાં તે પગલાં લીધાં. સ્વામીજીએ પણ  કોઈ પ્રતિક્રિયા ન આપી અને માત્ર સ્થિતપ્રજ્ઞતા દાખવી. 

આ ત્રણ ઉદાહરણો આપણને સંદર્ભોચિત વ્યવહાર કરવાની સમજણ પાડે છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્ર સાથેના સંવાદમાં સમજાવ્યું હતું તેમ દરેક વ્યક્તિએ, એ સમયના સંદર્ભ અનુસાર પોતાની વ્યાવહારિક વિવેકબુદ્ધિથી કામ લેવું જોઈએ.

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Chidekananda ના મૂળ અંગ્રેજી લેખ Managing Friends and Hostile People: The Yoga Sutra Way નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



[1] સ્વામી ચિદેકાનંદ પ્રબુદ્ધ ભારતના ભૂતપૂર્વ ઉત્પાદન સંપાદક છે. તેમણે તાજેતરમાં હાવર્ડ ડિવિનિટી સ્કૂલ, યુએસએથી હિન્દુ મોનૅસ્ટીક ફેલોશિપ પુરી કરેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો