સ્વામી યુગેશાનંદ[1]
હિંદુ પુરાણો અનુસાર, આખરી વાસ્તવિકતા (ઈશ્વર) શાશ્વત, શુદ્ધ, ચેતન અને અદ્વિતિય છે. જો તે એકમેવ જ છે તો
અનેક વૈવિધ્યપૂર્ણ આ વિશ્વ શું છે? એકબીજાંથી તદ્દન અલ્ગ અલગ
આપણે શું છીએ? ક્શું જ શાશ્વત નથી, બધું
બદલતું જ રહે છે. મોટા ભાગનું વિશ્વ તો જડ છે. આપણે પણ પણ એક નાનાં શાં, દુર્બળ, નશ્વર અસ્તિવો જ છીએ.
હિંદુ પુરાણો આ વિરોધાભાસને સમજાવતાં કહે છે કે આપણે જે
જોઈએ છીએ, અનુભવીએ છીએ, જેનું પણ કંઈ અસ્તિવ છે તે
માત્ર તે પેલી વાસ્તવિકતા જ છે. આ બધો તો એ આખરી વાસ્તવિકતાનો દૈવી ખેલ માત્ર છે.
હોવું, બનતું રહેવું અને લુપ્ત થતું રહેવું એ એક શાશ્વત ખેલ
છે, જે અવિરતપણે ચાલતો જ રહે છે.
આમ આપણે દૈવી વાસ્તવિકતાનું એક રૂપ ભલે હોઈએ પણ પણ આપણી
સામે તો આપણી દુનિયા છે. એ દુનિયનાં માનવો તરીકે આપણે જેમની સાથે કામ પડ્યા કરે છે, અને
જેની સાથે આપણે સંઘર્ષમય પરિસ્થિતિમાંજ રહીએ છીએ તે આપણા સંબંધો છે. આપણે કોઈ પણ
માર્ગ પસંદ કરીએ, તેમાં માનવ ક્રિયાપ્રતિક્રિયાઓ તો આવે જ
છે. આવા માનવ સમાજમાં આપણા જીવનનો ઉદ્દેશ્ય દૈવી અસ્તિત્વ સાથે ઐક્ય સિદ્ધા કરવાનો
છે.
એ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવાનો
માર્ગ
ઋષિઓ, મુનિઓ અને સાધકોએ દૈવી અસ્તિત્વ સાથે ઐક્ય
પામવાના અનેક માર્ગો બતાવ્યા છે.
એક એવો માર્ગ ભક્તિ યોગનો છે. સ્વામી વિવેકાનંદ ભતિ યોગને
ઉચ્ચ કક્ષાના પ્રેમનું વિજ્ઞાન કહે છે. ભક્તિ યોગ આપણને પ્રેમના માર્ગે,
તેનું કેમ નિયમન કરવું, કેમ સંચાલન કરવું,કે તેનો ઉપયોગ કરવો, તે જેવો છે તેને કેમ નવો
ઉદ્દેશ્ય આપવો, અને પરિણામે દૈવી આધ્યાત્મિકતા તરફ લઈ જતાં
ઉચ્ચ અને ભવ્ય પરિણામો મેળવવા તરફ દોરે છે.
ઉચ્ચતર પ્રેમ ક્યાં છે?
આસપાસનાં લોકોમાં અને ખુદ આપણામાં જ્યારે આપણી સામાન્ય
વ્યક્તિની નજરે જ્યારે અચેતન, ભૌતિક વસ્તુઓ માટેની ઝંખના દેખાય છે તે
સ્વતંત્ર અને ચેતન સ્વભાવ ધરાવનાર માનવમાં કે શક્ય છે તે મુંઝવણનો વિષય બની રહે
છે.
ઉપનિષદ જણાવે છે કે 'જ્યાં પણ સ્વર્ગીય સુખની અનુભૂતિ છે ત્યાં પરy
મેશ્વરનાં રૂપમાં શાશ્વત સ્વર્ગીય આનંદ છે. સ્વામી વિવેકાનંદ સમજાવે
છે કે 'સમાજમાં જે કાંઈ સારૂં, ઉત્તમ
અને પ્રભાવશાળી છે તે એ (ઉચ્ચ) પ્રેમની નિપજ છે.સમાજમાં જે કંઈ દુષ્ટ, ખરાબ, છે તે એ જ પ્રેમની અનુભૂતિના દિશા ભટકવાને
કારણે છે.'
માનવીય પ્રેમ અંગે ઉપનિષદનું કહેવું છે કે માનવતા માનવ
લાગણીઓ અને રસનું કેન્દ્ર નથી. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે કોઈ વસ્તુ કે
વ્યક્તિને કારણે નહીં પણ આપણા બધામાંનાં દૈવી અસ્તિત્વને કારણે જ આપણે બધાને પ્રેમ કરીએ છીએ. માનવ સહજ પ્રેમ દૈવી પ્રેમમાંથી જ ઉદ્ભવે છે.
પરંતુ, સર્વોચ્ચ સ્વર્ગીય આનંદ માનવ લાગણીઓમાં
રચ્યાપચ્યા રહેવાથી ન મળે. એ માટે તો એક વિદ્યાર્થીની જેમ, બાજુમાં
ઊભા રહીને, સાક્ષીભાવે, સમગ્રને સમજવા
માટે, પૂર્ણ ચિત્રને અને પૂર્ણ આનંદને પામવા માટે, નિહાળતાં શીખવું જોઈએ.
ઉપાય
સામાન્ય માનવીય પ્રેમ તો જ વિકસી શકે છે જો તે પરાવર્તિત
થાય.
યોગ્ય પરાવર્તન મેળવવા માટે આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓ બદલતી ન
રહે એ આવશ્યક છે. પરંતુ એમ થવું તો શક્ય નથી, માટે સાચું સુખ
પ્રાપ્ત કરવા માટે એકડેથી શોધ શરૂ કરવી પડે.
દરેક માણસ સુખની ખોજમાં રહેતો જ હોય છે. એ ખોજ દરમ્યાન એને
સમજાય છે કે તે જેને સુખ સમજે છે તે તો આંશિક જ છે. પહેલાં સમષ્ટિ (સમગ્ર)ને પ્રેમ
કર્યા સિવાય વ્યષ્ટિ (આશિક) ને પ્રેમ કરવાથી આંશિક પ્રેમ જ મળે. સ્વામી વિવેકાનંદ
કહે છે કે ઈશ્વરને પ્રેમ કરવાથી જે સમગ્રને પ્રેમ કરવા માટેની અને બધાનું સારૂ
કરવા માટેની ક્ષમતા પામી શકાય છે.
ભક્તિ યોગ શીખવે છે તેમ સમષ્ટિનેને પ્રેમ કરવા માટેનો માર્ગ
આકર્ષણને નિયમન રાખવાનું અને દોરવણી આપવાનું શીખવાનો છે. માનવ મનમાં રહેલી અનેક
ભાવનાઓ અને લાગણીઓ ખોટી નથી. તેમને તાલીમ આપીને વધારે બારીક બનાવવાની છે. પછી તેમની દિશાને ભૌતિક વસ્તુઓ તરફથી દૈવત્વ વાળવાની છે.
જેમ જેમ આપણું મન દૈવી સ્રોત તરફ ઢળતું જાય છે તેમ તેમ
ભૌતિક વસ્તુઓ માટેનું આકર્ષણ ઘટતું જાય છે. બાહ્ય પરિસ્થિતિઓમાં કંઈ ફેર નથી પદ્યો
હોતો. આપણા બાહ્ય સંબંધો અને એ વસ્તુઓ પ્રત્યેની આપણી પ્રતિકિયાઓ પણ રહે જ છે, પણ
અંદરથી અનુભવાતા પ્રેમની અનુભૂતિમાં પરિવર્તન થાય છે.
ખેલના નિયમો
આ દૈવી ખેલનાં આરંભ બિંદુઓ આપણી સમાજ વ્યવસ્થા, રોજબરોજના
આપણા માનવી સંબંધો અને તેમની સાથેની પારસ્પારિ
ક્રિયાપ્રતિક્રિયા છે. આપણે માનવ સંબંધો દ્વારા જ ઈશ્વરને પ્રેમ કરતાં શીખવાનું
છે. પ્રેમના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈને આપણે પ્રેમનાં સામર્થ્યને કામે
લગાડવાનું શીખવાનું છે. આ રીતે મેળવેલા પ્રેમનાં સામર્થ્યને ઈશ્વર તરફ કેન્દ્રિત
કરવાનું છે. ઈશ્વરના દૈવી ખેલનો આ મહત્વનો નિયમ છે.
સ્વામી વિવેકાનંદ કહે છેઃ 'તેનાં અલગ અલગ
સ્વરૂપોમાં માનવીય પ્રેમ જ અવર્ણનીય દૈવી પ્રેમની ખાસીયત બને છે. પોતાની માનવીય
પધ્ધતિઓથી જ માણસ દૈવી બાબતો વિશે વિચારી શકે.નિરપેક્ષતાને આપણી સાપેક્ષ ભાષામાં
જ સમજાવી શકાય. આખું વિશ્વ આપણા માટે મર્યાદિતની ભાષામાં અનંતનું
લખાણ છે. માટે જ ભક્ત ઇશ્વર માટેના પ્રેમ માટે સર્વમાન્ય પારિભાષિક શબ્દપ્રયોગોનો
ઉપયોગ કરે છે.
મોટી આગને પણ શરૂ થવા
માટે એક નાના તણખાની જરૂર હોય છે. એ રીતે દૈવી પ્રેમની પાપ્તિ માનવ પ્રેમથી જ સંભવ
બને છે.
જે વ્યક્તિ કોઈ એક વ્યક્તિને પણ પસંદ નથી કરી શકતી એ ઈશ્વરના પ્રેમને ન પામી શકે. તે જ રીતે દૈવી પ્રેમના ટેકા વિના પૂર્ણ
સ્વરૂપ માનવ પ્રેમ શક્ય નથી. વર્તુળાકાર ચકરાવામાં ફરતી જણાતી આ દલીલ ખરેખર તો
પ્રતિસાદની ગાંઠ છે.
શરૂઆત આપણી નજદીકના લોકોને પ્રેમ કરવાથી કરવી જોઈએ. એમ
કરવાથી આપણી પ્રેમ શક્તિ કેળવાય છે. એ જ શક્તિ વડે આપણે દૈવી પ્રેમને મેળવવાનો
પ્રયાસ કરવાનો છે. એમ કરતાં કરતાં આપણે આસપાસ બધે એ જ ઇશ્વરના પ્રેમને પારખવાનું
શરૂ કરી શકીશું. દૈવી પ્રેમની પ્રાપ્તિની સફરની શરૂઆતનું આ મહત્ત્વનું કદમ છે.
દૈવી ખેલ શરૂ થાય છે
આત્માના વિકાસની શરૂઆત તેનો બધો જ પ્રેમ આસપાસની ભૌતિક
વસ્તુઓ અને અન્ય લોકો તરફ ઢળે છે. આ પ્રેમનો ઉદ્દેશ્ય જ સ્વાર્થમય છે એટલે તે
નશ્વર બનીને વારંવાર પાછો પડે છે.
પહેલો તબક્કોઃ બધાંને
પ્રેમ કરો, ઈશ્વરને
પ્રેમ કરો
નશ્વર પ્રેમના પાછા પડવાથી જે પીડા થાય છે તેમાંથી જ જાગૃતિ
જન્મે છે. આત્મા સમજવા લાગે છે ભૌતિક વસ્તુઓ કે અન્ય લોકોને કરેલો પ્રેમ દુઃખમાં જ
પરિણમશે. એ જાગૃતિ માનવ મનને ઇશ્વર પ્રતિના પ્રેમ તરફ વાળવા લાગે છે. આ પહેલો તબક્કો છે.
ધીમે ધીમે ઈશ્વર તરફનો સામાન્ય પ્રેમ ઈશ્વરનાં ખાસ સ્વરૂપ -ઈષ્ટ
દેવતા-માં પરિવર્તિત થવા લાગે છે. પોતાનાં કુટુંબના અલગ અલગ સભ્યો
સાથે માનવીનો જેમ અલગ જ સંબંધ હોય છે તેમ ઈશ્વર પ્રત્યે પણ તેનો અલગ જ પ્રેમ સંબંધ
કેળવાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે' દરેક વ્યક્ર્તિ
પોતપોતાની પ્રકૃતિ મુજબ ઈશ્વરને જૂએ છે; અને એ પ્રકૃતિથી
ઘડાયેલી એની દૃષ્ટિ, તેની ઈષ્ટ દૃષ્ટિ બની રહે છે.'
બીજો તબક્કોઃ બધાં 'માં' ઈશ્વરને પ્રેમ
કરો
મોટા ભાગનાં લોકો પહેલા તબક્કા સુધી જ પહોંચે છે. જે બહુ
થોડાં બીજા તબક્કામાં પહોંચે છે તેમનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે. માનવ
સંબંધ તરીકે કેળવાયેલો પ્રેમ હવે ઈષ્ટ દેવતા તરફ ઢળવા લાગે છે. બહુ જ થોડે
અંશે પણ હવે તેને બધામાં દૈવત્વ અનુભવાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે, ઈશ્વર
માટેના પ્રેમના પ્રભાવની સાથે સાથે વિશ્વમાં દરેક પ્રત્યેનો પ્રેમ પણ આવશે.
પરંતુ, હજુ પણ માનવી તેના 'અહં'થી છૂટી નથી શક્યો. હજુ એ પોતાને કર્તા (કર્તૃત્વ) અને મોજ કરનાર
(ભોકૃત્વ) તરીકે જ જૂએ છે. ઈશવરે રૂબરૂ ન જોઈ શકવાને કારણે તે પોતાને અને તેની
સામે ઊભેલી વ્યક્તિને કાર્યના પ્રતિનિધિ તરીકે જૂએ છે. દૈવત્વ, પોતાની જાત અને વિશ્વ વચ્ચેની ભિન્નતા અને દરેકના પ્રતિનિધિત્વની
અનુભૂતિને કારણે, દૈવત્વના પ્રભાવ છતાં, વ્યક્તિ પોતાના અલગ વ્યક્તિત્વને વળગી રહે છે પોતાને માટે શું સારૂ છે કે
શું ખરાબ છે તે જાતે જ નક્કી કરી લે છે. જે સારૂ જણાય તે કરે અને જે ખરાબ જણાય તે
વિશે સાવચેત રહેવા લાગે છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તે આમ નક્કી કરવામાં ઈશ્વર પર વધારે ને વધારે આધાર રાખતો થાય છે.
જે લોકો બીજા તબક્કામાં પહોંચે છે તે સમાજમાં ખુબ જાણીતા
બને છે. બધાંનો તેમને પ્રેમ મળે છે. કોઈ પણ વ્યક્તિ આ તબક્કા સુધી પહોંચી શકે છે.
ઈશ્વરમાં જેને શ્રદ્ધા નથી તે આ અનુભૂતિને સહાનુભૂતિ, સમાનુભૂતિ
કે એવી કોઈ પણ ઉચ્ચ પ્રકારની લાગણી તરીકે ઓળખે તો પણ
તેણે દૈવત્વનો અનુભવ કર્યો જ ગણાય.
ત્રીજો તબક્કોઃ માત્ર
ઈશ્વરને જ પ્રેમ કરો
જે લોકોને દૈવત્વના પાસની અનુભૂતિથી પણ સંતોષ નથી થતો એવી
બહુ પાતળી લઘુમતી માત્ર ઈષ્ટ દેવતા સાથે જ સંબંધ રાખવા માગે છે. તેમને અન્ય કોઈ
દુન્યવી સંબંધની ઈચ્છા નથી રહી. માનવ સંબંધ તેમના માટે ઈશ્વર સાથેના અંતરને
વધારનારો જણાય છે.
દુન્યવી પ્રેમમાં પણ જોવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ
બીજાં સાથે એકદમ ઉત્કટ પ્રેમાવસ્થામાં હોય છે ત્યારે ત્રીજી વસ્તુ / વ્યક્તિની
હાજરી તે સહન નથી કરી શકતી. એટલો ઉચ્ચ કક્ષાનો પ્રેમ સહેલાઈથી પ્રાપ્ત નથી થતો.
પરંતુ ખુબ જ ધીરજપૂર્વક રાહ જોવી પડી શકે છે. અહીં પ્રેમનું લક્ષ્ય કોઈ સામાન્ય
માનવી નથી, પણ સ્વયં ઈષ્ટ દેવતા છે તેથી તેમના પ્રેમને પામવા માટે ભક્તે
આકરી કસોટીઓમાંથી તવાવું પડી શકે છે.
ચોથો તબક્કોઃ ખરો દૈવી ખેલ
બધા જ સંબંધોને અતિક્રમીને હવે ભક્ત ચારે તરફ માત્ર દૈવત્વને જ જૂએ છે. એ તબક્કે ભક્ત પણ બીજાઓ માટે
દૈવત્વના પ્રેમને પામવા માટેની દીવાદાંડી બની રહે છે. લોકો હવે એ ભક્તની સાથે
પોતાની જાતને સરખાવે છે અને એ પ્રમાણે પોતાને સુધારે પણ છે. લોકો ભક્તમાં શબ્દોમાં
સમજાવી ન શકાય અને તર્કથી સમજી ન શકાય એવા દિવ્ય પ્રેમને અનુભવે છે.
ભક્તને માટે તો હવે પોતાનું અસ્તિત્વ પણ નથી રહ્યું; ઈશ્વર
સિવાય બીજું કશું જ રહ્યું નથી.સ્વ, વિશ્વ અને ઈશ્વર એવાં
અલગ અલગ અસ્તિત્વોને બદલે માત્ર ઈશ્વર જ રહે છે.
આ આખી ચર્ચાનું તારણ એમ કાઢી શકાય કે પરમ આનંદ પામવા માટે
ક્યાંય પણ ભટકવાની જરૂર નથી. દૈવી પ્રેમ સામાન્ય દુન્યવી પ્રેમમાં જ છે. જરૂર છે
માત્ર કોઈ પણ પરિસ્થિતિ હોય પણ એમાં એ દુન્યવી પ્રેમમાં દૈવી પ્રેમને પારખવાની અને
તેની અનુભૂતિ કરવાની.
- પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Swami Yugeshanand ના મૂળ અંગ્રેજી લેખ The Divine Play: Divinising Human Love નો સંકલિત અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
[1]
સ્વામી
યુગેશાનંદ રામકૃષ્ણ મિશન આઅલોના રામકૃષ્ણ સંપ્રદાયના સ્વામી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો