શું તમે બોધિરક્ષિત વિશે
સાંભળ્યું છે? તેઓ ભારતીય ઇતિહાસના પ્રથમ 'દસ્તાવેજીકરણ' થયેલા યાત્રાળુ છે. સ્થાનિક
શિલાલેખો અનુસાર, તેમણે ઇ. સ. પૂર્વે પહેલી
સદી શ્રીલંકાથી આજના પટનાથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા બિહારના બોધગયા સુધી પ્રવાસ
કર્યો હતો. અહીં તેમણે તેમણે બોધિવૃક્ષ તરીકે પ્રખ્યાત પીપળાનાં વૃક્ષને જોયો હતો. આ વૃક્ષ નીચે બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું
હતું. અલબત્ત, તેમની મુલાકાત દરમિયાન, તેમણે બુદ્ધ, બોધિસત્વો, અને પછીના મહાયાન અને તાંત્રિક બૌદ્ધ ધર્મના ભાગ કહી શકાય
એવા યમંતક અને વજ્રવરાહી જેવા ખુંખાર દેવતાઓ અને દેવીઓની મૂર્તિઓથી ભરચક્ક એવાં
૧૮૦ ફૂટ ઊંચા પિરામિડ જેવાં મહાબોધિ મંદિરને જોયું ન હોત કેમકે ઈંટનું આ બાંધકામ
ગુપ્તકાળમાં તેમની મુલાકાતના ફક્ત પાંચસો વર્ષ પછી બનાવવામાં આવ્યું હતું.
આજે જ્યારે આપણે બૌદ્ધ
પ્રવાસન માર્ગના ભાગ રૂપે બોધગયાની મુલાકાત લઈએ છીએ, ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, યુરોપ અને અમેરિકાના લોકોને ત્યાં જોઈએ છીએ, ત્યારે આપણે ધારી
લઈએ છીએ કે ,૫૦૦ વર્ષ પહેલાં, જ્યારે શાક્ય કુળના સિદ્ધાર્થ ગૌતમને અહીં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યારથી આ
તીર્થસ્થળ હંમેશા અહીં જ છે. પરંતુ એવું નથી. હકીકતમાં ૧૯મી સદીની શરૂઆતમાં, ભારતમાં કોઈને પણ બૌદ્ધ ધર્મ વિશે કોઈ ખ્યાલ નહોતો. બહુ બહુ તો બુદ્ધ નો
ઉલ્લેખ કેટલાક પુરાણોમાં વિષ્ણુના અવતાર તરીકે જોવા મળે છે. મહાબોધિ મંદિર અને
તેની આસપાસની ભૂમિ ૧૬મી સદીથી એક હિન્દુ મહંતના નિયંત્રણ હેઠળ હતી.
બ્રિટિશ ઇતિહાસકારો અને
પુરાતત્વવિદોએ બૌદ્ધ ધર્મની પુનઃશોધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સર એડવિન આર્નોલ્ડે
"લાઇટ ઓફ એશિયા" લખી હતી જેમાં બુદ્ધના જ્ઞાનની કથા કહેવાઈ છે. સર
એલેક્ઝાન્ડર કનિંગહામે બોધગયામાં જર્જરિત માળખાઓમાં બૌદ્ધ પરંપરાને ઓળખવામાં મુખ્ય
ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાના અનગરિકા ધર્મપાલે સ્થળને તેના ગૌરવને પુનઃસ્થાપિત
કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ૧૯મી સદીના અંતમાં બૌદ્ધોન માટે આ સ્થળ પર
ફરીથી કબજો મેળવવા માટે કાનૂની પ્રક્રિયા શરૂ કરી. તેમનું અવસાન ૧૯૩૩માં થયું અને
૧૯૪૯માં જ ભારત સરકારે તેને બૌદ્ધ મંદિર તરીકે સ્વીકાર્યું. વર્ષોથી, તેના વહીવટના મામલામાં દાવાઓ અને પ્રતિ-દાવાઓ થઈ રહ્યા છે, કેટલાક હિન્દુઓ દાવો કરે છે કે તે એક હિન્દુ મંદિર પણ છે, જોકે ધીમે ધીમે તેનું સંચાલન ફક્ત ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બૌદ્ધોને સોંપવામાં આવી રહ્યું છે. હવે બોધગયા
યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે.
બે હજાર પાંચસો વર્ષ પહેલાં, જ્યારે કપિલવસ્તુના શાક્ય કુળના નેપાળી રાજકુમાર સિદ્ધાર્થ આ પ્રદેશમાં આવ્યા
ત્યારે તેમણે તેનું વર્ણન આ રીતે કર્યું, "ત્યાં મેં એક સુંદર ગ્રામ્ય વિસ્તાર, એક સુંદર વનરાજિ, એક સ્પષ્ટ વહેતી નદી, એક સુંદર કિલ્લો અને મદદ મળી
રહે એવું એક ગામ નજીકમાં જોયું, અને મેં મનમાં વિચાર્યું, 'ખરેખર, આ એક યુવાન માણસ માટે તપ
ધ્યાન કરવા માટે સારું સ્થળ છે." નજીકમાં નિરંજના (ફાલ્ગુ)
નદીના કિનારે ઉરુવેલા ગામ હતું. પાછળથી આ ગામનું નામ સંબોધિ, મહાબોધિ અને અંતે ૧૮મી સદી સુધીમાં બોધગયા રાખવામાં આવ્યું.
રાજકુમાર દુઃખનું કારણ શોધવા
માટે કટિબદ્ધ હતા. તેમણે સુરક્ષિત જીવન જીવ્યું હતું, અને લગ્ન પછી જ તેમને મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાનો સામનો
કરવો પડ્યો હતો. તેના આઘાતમાં, તેમણે તેમની પત્ની અને નવજાત
પુત્રને ત્યજી દીધો હતો, અને વર્ષો જંગલોમાં ભટકતા
રહ્યા હતા, એક સાધક તરીકે અનેક ઋષિઓ અને
સંન્યાસીઓને મળ્યા. તેઓ તપસ્વી ગૌતમ તરીકે જાણીતા થયા. તેઓએ તેમને કહ્યું કે ઉપવાસ
એ જ્ઞાન મેળવવાનો એક માર્ગ છે. તેથી રાજકુમારે એટલે સુધી ખાવા-પીવાનું બંધ કરી
દીધું કે તે ચાલવા માટે પણ તાકાત ગુમાવી બેઠા. તે સમયે સુજાતા નામની એક મહિલાએ
તેમને દૂધ અને મધ પીવડાવ્યું, જેનાથી તેમનું સ્વાસ્થ્ય ફરી
જીવંત થયું. થોડા દિવસો પછી, પીપળાના ઝાડ નીચે ગહન ધ્યાન
કર્યા પછી, જ્ઞાનનો પ્રકાશ થયો. તેઓ
અચાનક સાચી સમજમાં 'જાગી ગયા'. તેઓ બુદ્ધ બન્યા હતા.
સ્થાનિક દંતકથા અને મહાબોધિ
મંદિરની સ્થાપત્યના આધારે, આપણને એમ કહેવામાં આવે છે કે
કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી, બુદ્ધ એક અઠવાડિયા સુધી વૃક્ષ
નીચે બેઠા હતા. પછી એક અઠવાડિયા સુધી વૃક્ષ સામે આંખ મીંચીને જોતા રહ્યા. પછી તેઓ
કમળના ફૂલો ખીલેલા રસ્તે અઢાર વાર ઉપર-નીચે ચાલ્યા. પછી નજીકના વૃક્ષો નીચે જઈને
બેઠા. સ્થાનિક ઋષિઓ, પૂજારીઓ અને વેપારીઓને
મળ્યા. એ લોકોએ તેમને કંઈને કંઇ ખવડાવ્યું, અને તેઓ શું કહે છે
તે સાંભળ્યું. સાતમા અઠવાડિયામાં તે એક તળાવ પાસે બેઠા હતા ત્યારે અને વાવાઝોડા
દરમિયાન સર્પોના રાજા વાસુકીએ પોતાની ફેણ દ્વારા તેમનું રક્ષણ કર્યું. આજે આ બધા
સ્થળોએ મંદિરો છે.
અશોકે ઇ.સ. પૂર્વે ત્રીજી
સદી આ સ્થળની મુલાકાત લીધી હતી અને વજ્રાસન (હીરાનું આસન) સ્થાપિત કર્યું હતું.
અશોકનાં એક પત્નીને રાજાના બૌદ્ધ ધર્મ પ્રત્યેના પ્રેમ માટે એટલી ઈર્ષ્યા હતી કે
તેણે પવિત્ર વૃક્ષને ઝેર આપી દીધું હતું (અથવા તો કદાચ કાપી નાખ્યું હતું). સદ્ભાગ્યે, અશોકની પુત્રી, સંઘમિત્રા, આ વૃક્ષનો એક છોડ શ્રીલંકા લઈ ગઈ હતી અને તેથી તેણે એ છોડ ફરીથી રોપવા માટે
અહીં પાછો મોકલ્યો હતો.
આજે, આ વૃક્ષની આસપાસ ઇ. સ. પૂવે ૧૦૦ ની સૂર્યદેવ અને ધનદેવી લક્ષ્મીની મૂર્તિઓ અને સાથે રેતીના પથ્થરના કઠેરા છે. અહીં નરાશ્વો અને ઉડતા
ઘોડાઓની મૂર્તિઓ પણ છે, જે ગ્રીક સ્થાપત્યનો પ્રભાવ
સૂચવે છે. ઇ. સ. અને ૩૦૦ બનેલી ગરુડ અને કમળના ફૂલોની મૂર્તિઓની સાથે ગ્રેનાઈટના
કઠેરા છે. આ મંદિર લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, જે સમયાંતરે સ્થાનિક રાજાઓ, પછીથી ૧૯મી સદીમાં બર્મી
રાજા અને અંતે બ્રિટીશ પુરાતત્વીય સોસાયટી દ્વારા પુનઃસ્થાપિત કરાતું રહ્યું. આજે
મંદિરનો ઉપરનો ભાગ પર થાઇલેન્ડના રાજા દ્વારા ઉદાર દાનને કારણે સોનાનો ઢોળ
ચઢાવવામાં આવ્યો છે. સદીઓથી જ્યાં જ્યાં બૌદ્ધ ધ્રમ ફેલાયો છે એવા શ્રીલંકા, તિબેટ, કાઝાકિસ્તાન, કંબોડિયા, વિયેતનામ અને ચીનના સાધુઓ
અને રાજવીઓ બોધગયાની મુલાકાત લેતા રહ્યા છે. તેમની નોંધ જણાવે છે કે કેવી રીતે
મંદિરમાં, આબેહૂબ બુદ્ધ ભગવાન જેવી જ
બુદ્ધની મૂર્તિ કોતરવામાં આવી હતી. (હાલમાં સ્થાપિત છબી દસમી સદીની છે અને આ સ્થળ
પર બ્રિટિશ પુરાતત્વવિદ્ એલેક્ઝાન્ડર કનિંગહામ દ્વારા મૂકવામાં આવી હતી, જેમણે સ્થળને પુનઃસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી; તેમને ખંડેરમાંથી એ મૂર્તિ મળી હતી).
શ્રીલંકાના રાજાઓએ ચોથી
સદીમાં યાત્રાળુઓને રહેવા માટે અહીં એક મઠ બનાવ્યો. પરંતુ તેરમી સદીમાં, મુસ્લિમ લૂંટારાઓ દ્વારા મંદિરને અભડાવવામાં આવ્યું હતું. બંગાળના પાલ રાજાઓ
દ્વારા તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો છતાં, તે આખરે ભૂલાઈ ગયું.
પરંતુ બુદ્ધે કહે છે તેમ, કશું કાયમ માટે ટકતું નથી. હવે આ પ્રાચીન જીવનશૈલીની સ્મૃતિને નવું જીવન આપવામાં
આવીને તેના ભૂતપૂર્વ ગૌરવમાં પુનઃસ્થાપિત કરાયું છે.
- મુંબઈ મિરરમાં ૨૪ જુલાઈ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The story of enlightenment નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૭ ઓગસ્ટ ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો