બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

વેરભાવવાળા દેવોની મોહિની - દેવદત્ત પટ્ટનાઈક

 

ઇસ્લામમાં, મૂળ પાપ[1] - જન્મજાત દરેકનાં મનમાં પાપ હોય છે - નો કોઈ ખ્યાલ નથી. ઈશ્વરે આદમ અને ઈવને નિયમ તોડવા બદલ અને પ્રતિબંધિત ફળ ખાવા બદલ માફ કરી દીધાં. ઈશ્વરે જાહેર કર્યું કે કોઈને પણ બીજા કોઈનું પાપ વારસામાં મળતું નથી: દરેકને તેના પોતાના પાપનો જ વારસો મળે છે. આમ, શેતાન દ્વારા છેતરવામાં આવેલાં પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રીની ભૂલો માટે માનવ જાતને પીડાવું નથી પડતું. આ એક એવી પાયાની બાબત છે જે અપરાધ અને પસ્તાવોને ખૂબ મહત્વ આપતા ખ્રિસ્તી ધર્મથી ઇસ્લામને જુદો પાડે છે.

ઇસ્લામના ક્ષમાશીલ ઈશ્વરની વાર્તા તમે છેલ્લે ક્યારે સાંભળી હશે? તમે મોટે ભાગે એવા ઈશ્વરની વાર્તા સાંભળી હશે જે જેહાદમાં ભાગ લેનારાઓને કુમારિકાઓથી ભરેલી જન્નત (અરબીમાં 'સ્વર્ગ') આપે છે. પ્રચાર માધ્યમો કે મદરેસા એ બેમાંથી ક્યાં આ વાર્તા બધુ ચલણી હશે? તમારૂં શું માનવું છે? કોઈ અનુમાન કરી શકશો?

મહત્વાકાંક્ષી વ્યક્તિ માટે, ક્ષમાશીલ ઈશ્વરનો વિચાર કામ કરતો નથી. તે વચેટિયાઓ, મૌલવીઓને, કોઈ ભાવ નથી આપતો. એવી વ્યક્તિ એવા ઈશ્વરને પસંદ કરે છે જે ગુસ્સે થઈ શકે છે, જે ભૂલો અને ગુનાઓ માટે તરતાતરત સજા કરવા તૈયાર હોય, અને જે લોકોને સ્વર્ગનાં વચન આપીને યુદ્ધ કરવા માટે ઉશ્કેરે.

એક ક્રોધિત ભગવાનનો આ વિચાર, જે ઇચ્છે છે કે તમે પવિત્ર યુદ્ધમાં જાઓ, તેનો ઉપયોગ કેથોલિક ચર્ચના નેતાઓ દ્વારા એક હજાર વર્ષ પહેલાં ધર્મયુદ્ધોને ઉશ્કેરવા માટે કરવામાં આવ્યો હતો. તે ઈસુના દૃષ્ટાંતોમાં જોવા મળતા પ્રેમાળ, સંભાળ રાખનારા અને ક્ષમાશીલ ભગવાનથી ખૂબ જ અલગ હતો, જે ઉડાઉ પુત્રના પુનરાગમનની ઉજવણી કરે છે. તેણે મુશ્કેલીમાં મુકાયેલા પવિત્ર રોમન સામ્રાજ્યને પુનર્જીવિત કર્યું.

આપણે જોઈએ છીએ કે ઇસ્લામમાં પણ આ રીતે થઈ રહ્યું છે. ધાર્મિક કટ્ટરપંથીઓ ભગવાનના વિચારને નવેસરથી રજૂ કરી રહ્યા છે જેથી દૈવત્વને એક વેર વાળનાર અતિસંવેદનશીલ અધીર શક્તિ તરીકે રજૂ કરી શકાય, જે પોતાના પસંદગીના લોકોને મૃત્યુ પછીના સારાં જીવનના વચનો સાથે બિન - શ્રદ્ધાળુઓથી મુક્ત કરવા માટે પ્રેરે છે. ધર્મ રાષ્ટ્ર-રાજ્યના વિચારને ઢાંકી રહ્યો છે. ભગવાનના કાયદાઓ વડે, અથવા આ કાયદાઓના અનુકૂળ પડે એવાં અર્થઘટન દ્વારા , નાગરિક સ્વતંત્રતાઓને એ લોકો કોરાણે કરી રહ્યા છે. બંદૂકો સાથે ધાર્મિક યોદ્ધાઓ અને શહીદ માટે શોક વ્યક્ત કરતા વિશ્વાસુ લોકોની વિશાળ ભીડની તસવીરો સામાજિક માધ્યમોમાં રાજકીય ધ્યેયો માટે મોહક સ્વરૂપે રજૂ કરવામાં આવી રહી છે. ક્ષમાશીલ ભગવાન લગભગ ભૂલાઈ ગયા છે.

આ સામાજિક રોગ, અને યુદ્ધ પ્રત્યેનો વધતો પ્રેમ, યુવા કલાકારોને હિન્દુ દેવતાઓની ફરીથી કલ્પના કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે. હવે મંદિરની દિવાલો પર દેખાતી હળવાશથી હસતી મૂર્તિઓ નથી. હવે રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા બધા લાલ આંખોવાળા, ગુસ્સે ભરાયેલા, સ્નાયુબદ્ધ, આક્રમક યોદ્ધાઓ અને બદલો લેનારા બાહુબલી નાયકો છે. તે આપણને આપણા સમાજ વિશે શું કહે છે? શ્રદ્ધા હવે ધીરજ તરીકે નહીં, પણ અધીરાઈ તરીકે, બલ્કે એમ કહો કે અસહિષ્ણુતા તરીકે પણ પ્રગટ થઈ રહી છે.

બુદ્ધિશાળી નાસ્તિકો પણ કંઈ વધારે સારા નથી રહ્યા, પીડિત માનસિકતાને જડ મનોદશામાં ફેરવી રહ્યા છે, વિશ્વને સતત 'જુલ્મગારો' અને 'જુલ્મ સહન કરનારાઓ', 'પીડિતો' અને 'ખલનાયકો' માં વિભાજીત કરી રહ્યા છે, આંકડાઓ દ્વારા તેમના દલીલોને ન્યાયી ઠેરવી રહ્યા છે. પરંતુ એ લોકો ભુલી રહ્યા છે આમ કરીને તેઓ કટ્ટરપંથીઓના હાથા બની રહ્યા છે. તેમણે જ 'ક્રોધ' શબ્દને મોહક કરી મુક્યો છે.

આજે, હિન્દુ કટ્ટરપંથીઓ મુસ્લિમો દ્વારા ખતરો અનુભવે છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ પોતાને વિશ્વ દ્વારા ખૂણામાં ધકેલાઈ ગયાનો અનુભવ કરે છે. પિતૃપ્રધાન વિચારસરણીવાળાઓને નારીવાદીઓ તરફથી જોખમ લાગે છે. ડાબેરી ઉદારવાદીઓ રાજ્યને માળખાકીય અસમાનતા માટે દોષી ઠેરવે છે. ઉતાવળા અભિપ્રાયો બાંધી દેનારા પત્રકારો, લોભી મૂડીવાદીઓ અને ચાલાકીથી મારપીટ કરનારા ટોળાઓ વચ્ચે રાજય પોતાને ટુકડા થઈ ગયેલું અનુભવે છે. બધું હવે હદની બહાર જતું જણાય છે. હવે સમય છે રાહ જોવાનો અને પૂછવાનો : ક્ષમાને નબળાઈની નિશાની અને સજાને શક્તિની નિશાની કોણે બનાવી? ઈશ્વરે તો એમ નથી જ કર્યું એટલું તો ચોક્કસ છે.

  • મિડ - ડેમાં  ૨૪   જુલાઈ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Glamour of vengeful gods નો અનુવાદ | વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૫

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો